પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૭

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:23pm

 

દોહા

વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ ।

તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ ।।૧।।

સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ ।

તેમજ રહી ત્રિયા સહુ, પામિછે ધામ જે પર્મ ।।૨।।

જે ધર્મ નો’તા ધરા ઉપરે, નરનારીના નિરધાર ।

તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર ।।૩।।

એમ અનેક રીતશું, અતિ કર્યો છે ઉપકાર ।

જીવ આખા જક્તના જેહ, તેહ કરવા ભવપાર ।।૪।।

 

ચોપાઇ

અતિ અતિ કર્યા મેં ઉપાયરે, તે તો કે’તા કે’તા ન કે’વાયરે ।

જેજે કર્યું અમે આ જગમાંરે, તે તો ચલાવા મોક્ષ મગમાંરે ।।૫।।

જેજે અમે કરાવિયા ગ્રંથરે, નર નારીને તારવા અર્થરે ।

વળી પદ છંદ કીરતનરે, અષ્ટકને સ્તુતિ જે પાવનરે ।।૬।।

તેને શીખે સુણે ભણે ગાયરે, તે તો અક્ષરધામમાં જાયરે ।

કાંજે અંકિત અમારે નામેરે, માટે પો’ચાડે એ પરમ ધામેરે ।।૭।।

જેમાં સ્વામિનારાયણ નામરે, એવી કથા સુણે નર વામરે ।

એવી કીર્તિ સાંભળતાં જનરે, થાય અતિ પરમ પાવનરે ।।૮।।

વળી પદ જે નામે અંકિતરે, તેને ગાયે સુણે કરી પ્રીતરે ।

જેમાં સહજાનંદ સ્વામી નામરે, આવે જે કાવ્યમાં ઠામો ઠામરે ।।૯।।

એવી કાવ્ય કે’તા ને સાંભળતાંરે, વાર ન લાગે મહાસુખ મળતાંરે ।

મહામંત્રરૂપ એહ કા’વેરે, તેને તુલ્ય બીજું કેમ આવેરે ।।૧૦।।

નામ પ્રભુનાં અનંત અપારરે, સહુ ભાવે ભજે નર નારરે ।

પણ સ્વામિનારાયણ કે’તારે, નથી વાર ભવપાર લેતાંરે ।।૧૧।।

આજ એ નામનો છે અમલરે, તે ન વિસારવું એક પલરે ।

લેતાં નામ નારાયણ સ્વામિરે, જાણો તે બેઠા ધામને પામીરે ।।૧૨।।

જેહ મુખે એનો ઉચ્ચારરે, તે તો જાણો પામ્યા ભવપારરે ।

માટે એ નામની કાવ્ય કા’વેરે, તેને શિખવી સુણવિ ભાવેરે ।।૧૩।।

વળી અમારાં અંગનું અંબરરે, બહુ સ્પરશેલ સારું સુંદરરે ।

એહ પ્રસાદિનું જેહ પટરે, મળે ટળે સર્વે સંકટરે ।।૧૪।।

એહ વસ્ત્ર અનુપમ અતિરે, થાય પૂજતાં પરમ પ્રાપતિરે ।

અતિ માહાત્મ્ય એનું અતુલ્યેરે, કહો ક્યાંથી મળે એહ મુલ્યેરે ।।૧૫।।

જેજે અમારા સંબંધની વસ્તરે, ન મળે ગોતતાં ઉદે ને અસ્તરે ।

જણસ અમ સંબંધિની જેજેરે, છે એ કલ્યાણકારી માની લિજેરે ।।૧૬।

તે તો રાખી છે અમે અપારરે, સહુ જન અરથે આ વારરે ।

નખ શિખાલગી નિરધારરે, રાખી સ્પરશિ વસ્તુ કરી પ્યારરે ।।૧૭।।

સ્પરશી ચીજ જે બહુ પરકારેરે, અડી હોય જે અંગે અમારેરે ।

તે તો સર્વે છે કલ્યાણકારીરે, માટે રાખી છે અમે વિચારીરે ।।૧૮।।

એમ અનેક પ્રકારે આજરે, બહુ જીવનાં કરવાં છે કાજરે ।

આવ્યા છીએ અમે એમ ધારીરે, સર્વે જીવને લેવા ઉદ્ધારીરે ।।૧૯।।

એમ કહ્યું આપે અવિનાશેરે, તે તો સાંભળીયું સહુ દાસેરે ।

સુણી સહુ થયાં પરશનરે, કહે સ્વામી શ્રીજી ધન્ય ધન્યરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૭।।