પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૫૧

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:26pm

 

દોહા

અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર ।

અજર અમર અવિનાશીનેરે, જાઉં વારણે વાર હજાર ।।૧।।

અગોચર અતોલ અમાયિક, અખંડ અક્ષરાતીત ।

અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ।।૨।।

પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ ।

પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ।।૩।।

સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ ।

સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ।।૪।।

 

ચોપાઇ

એવા અનેક નામના નામીરે, વળી અનંત ધામના ધામીરે ।

એવા સ્વામી જે સહજાનંદરે, જગજીવન જે જગવંદરે ।।૫।।

તે તો આવ્યા હતા આપે આંહિરે, અતિ મે’ર આણી મન માંહિરે ।

આવી કરિયાં અલૌકિક કાજરે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજરે ।।૬।।

ધન્ય ધન્ય પરમ કૃપાળુરે, ધન્ય દીનના બંધુ દયાળુરે ।

ધન્ય પ્રભુ પતિતપાવનરે, ધન્ય ભવતારણ ભગવનરે ।।૭।।

ધન્ય દાસના દોષ નિવારણરે, ધન્ય ભૂધર ભવ તારણરે ।

ધન્ય આશ્રિતના અભય કરતારે, ધન્ય સર્વેના સંતાપ હરતારે ।।૮।।

ધન્ય અખિલ બ્રહ્માંડના ઇશરે, ધન્ય કર્યા ગુના બકશિશરે ।

ધન્ય નોધારાંના આધારરે, આવી ઉદ્ધાર્યા જન અપારરે ।।૯।।

ધન્ય ભક્તવત્સલ ભગવાનરે, આવ્યા હતા દેવા અભય દાનરે ।

ધન્ય દુર્બળના દુઃખ હારીરે, ધન્ય સંતતણા સુખકારીરે ।।૧૦।।

શરણાગત જે સર્વે જનનારે, મોટા મે’રવાન જો મનનારે ।

સર્વે જીવની લેવા સંભાળરે, આવ્યા હતા જો આપે દયાળરે ।।૧૧।।

કરી બહુ જીવનાં જો કાજરે, પછી પધારિયા મહારાજરે ।

એવા પૂરણ પરમારથીરે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિરે ।।૧૨।।

તે તો જેને થયો છે સંબંધરે, તેના છુટિયા છે ભવબંધરે ।

થઇ રહ્યાં તેનાં સર્વ કામરે, તન છુટે પામશે પર્મ ધામરે ।।૧૩।।

એવો મોટો પ્રતાપ પ્રગટાવીરે, ગયા મોક્ષનો માર્ગ ચલાવીરે ।

પૂરણ પ્રગટાવી પ્રતાપરે, પછી પધારિયા પ્રભુ આપરે ।।૧૪।।

સહુ જનની કરવા સારરે, હરિ આવ્યા હતા આણિ વારરે ।

પામર પ્રાણી પામ્યા ભવ પારરે, જન સ્પરશતાં પ્રાણ આધારરે ।।૧૫।।

ધન્ય ધન્ય પ્રભુ પરતાપરે, જનમન હરણ સંતાપરે ।

દેશો દેશ રહ્યો જશ છાઇરે, પ્રબળ પ્રતાપ પૃથ્વી માંઈરે ।।૧૬।।

ધન્ય ધન્ય ધર્મના બાળરે, ધન્ય ધન્ય જન પ્રતિપાળરે ।

ધન્ય ધન્ય ધર્મ ધુરંધરરે, ધન્ય ધર્મ વર્મ દુઃખહરરે ।।૧૭।।

ધન્ય ધરણિ પર ધર્યું તનરે, ધન્ય આપ સંબંધ તાર્યા જનરે ।

ધન્ય ધન્ય ધામના ધામીરે, ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીરે ।।૧૮।।

કર્યો પરિપૂરણ પરમાર્થરે, તેમાં કૈ જીવનો સર્યો અર્થરે ।

ધન્ય રાખી ગયા રૂડી રીતરે, તેમાં ઉદ્ધાર્યા જીવ અમિતરે ।।૧૯।।

ધન્ય ધન્ય સર્વેના ધણીરે, મહિમા મોટપ્ય ન જાય ગણીરે ।

ધન્ય ધન્ય બિરુદને ધારીરે, ગયા અનેક જીવ ઉદ્ધારીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકપંચાશત્તમઃ પ્રકારઃ ।૫૧।