૯૧ રવજી સુતારને સુખીઆ કર્યા, કાળાતળાવમાં કૂવાનું જળ ઉપર કર્યું, તથા કંથકોટના ગરાસીયાને પરચા પૂર્યા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:20pm

અધ્યાય ૯૧

રવજી સુતાર રામાનંદ સ્વામી છતાંના સત્સંગી હતા. સમાધિનિષ્ઠ હતા. બાલ બ્રહ્મચારી પણ હતા. સમાધિએ કરીને સ્વતંત્ર થઇ ગયા હતા. પછી તો હરિભક્તો બાઇ ભાઇ જેને બ્રહ્મમોલમાં જવું હોય તેને તેડી જાય. પછી સુંદરજીભાઇએ મહારાજના ઉપર કાગળ લખ્યો જે, રવજી તો પોતે પ્રભુ થયો છે. તે કાગળ વાલજી મહારાજ પાસે કુંડળ ગામમાં લાવ્યો. ત્યાં મહારાજ ઉગમણે મુખારવિંદે મામૈયા પટગરની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. મુળજી બ્રહ્મચારી, આત્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ત્યાં બેઠા હતા, ત્યાં વાલજી સુતારે તે કાગળ આપ્યો. ત્યારે મહારાજે તે કાગળ વાંચવા માંડ્યો. ત્યારે વાલજીએ કહ્યું જે, એક કોરે બેસીને વાંચો તો ઠીક. પછી મહારાજે ઢોલિયાથી ઉતરીને એકાંતમાં વાંચ્યો. પછી વાંચીને ફાડી નાખ્યો, અને આવીને હસતા હસતા ઢોલિયે બેઠા. પછી આત્માનંદ સ્વામી સામું જોઇને બોલ્યા જે, તમે કાળાતળાવવાળા રવજીને ઓળખો છો ? ત્યારે તેમણે કહ્યું જે, નામે સાંભળ્યા છે પણ ભેળા થયા નથી. પછી મહારાજે કહ્યું જે, એ તો પ્રભુ થયો છે. જુવો છોને જીવનો સ્વભાવ ! જેને પ્રતાપે અક્ષરધામમાં જાય છે તેને તો વિસારી મૂકે છે. પોતે જ ધામી થઇને બેસે છે. એમ કહીને હસ્યા. આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમે ભુજ જઇ બે થપાટ મેલજો અને કહેજો જે, તું કોઇકની નાડી તાણ, કાં તો હું કોઇકની નાડી તાણું, કાં તો તું બ્રહ્મમોલમાં તેડી જા, નહીં તો હું તેડી જાઉં. પછી મહારાજે દ્રષ્ટાંત દઇને વાત કરી જે, એક લીંબડો ઘુંટીને તાંસરી ભરી હોય. એક તાંસરી સાકર ઘોળીને ભરી હોય, એમાં કયું ગળ્યું ? એની એ વાત સમજવા સારુ દશ વાર કરી ત્યારે સૌએ કહ્યું જે સાકર ગળી. પછી મહારાજે કહ્યું જે, રોગીને લીંબડો ગુણ કરે અને રોગ ગયા પછી સાકર ગુણ કરે. એમ અમારાં વચન હમણાં લીંબડા જેવાં કડવાં લાગે છે પણ મન, કર્મ, વચને કરીને તે વચન જે દિવસે માનશે તે દિવસે જ સુખીયો થાશે. બીજું દ્રષ્ટાંત દીધું જે, જેમ બાદશાહ ઓરડામાં બેઠો હોય અને તે પછીત કાચની હોય. તેમાં જેવાં ઘરેણાં અને વસ્ત્રો સહિત બેઠો હોય, તેવું ને તેવું જ પછીતમાં પ્રતિબિંબ દેખાય. ત્યારે બાદશાહને જે કોઇ સલામ કરવા આવે તે પ્રતિબિંબને સલામ કરે. ત્યારે બાદશાહને તે કેવું સારું લાગે ? ત્યારે સહુએ કહ્યું જે કોઇને સારું ન લાગે. પછી મહારાજ બોલ્યા જે, સારું શું લાગે તેને તો તત્કાળ તોપને મોંઢે બાંધે; કેમ જે તે બાદશાહને એમ જણાય જે હું સાક્ષાત્‌ બેઠો છું ને મારા ઓછાયાને પગે લાગે છે. તેમ જીવ કાંઇક સમાધિમાં ચમત્કાર જેવું દેખે છે, ત્યારે ત્યાં મોહ પામી જાય છે. પણ એમ નથી જાણતો જે, મને જેમણે સમાધિ કરાવી છે. તેના હાથમાં અનંત ચમત્કાર રહ્યા છે. એ દિશની ઘણીક વાત કરી. પાછું આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમે ભુજ જાઓ અને રવજીને અહીં મોકલજો. જો તે અહીં ન આવે તો તે સત્સંગમાં નહીં. મહારાજે કુંડળમાં થપાટ ઉપાડી તે સાથે જ સમાધિ તો ટળી ગઇ, પહેલાં હતો એવો પણ ન રહ્યો.

પછી તો બહુ મઉ થયો ત્યારે ગોંડલમાં મહારાજ પાસે આવ્યો અને કહ્યું જે, હે મહારાજ ! ભૂલ પડી. પછી મહારાજે હરભમ ઉપર કાગળ લખ્યો જે, એને બે બળદો આપજો. રહેવા સારું ખોરડું કરી આપજો. રવજીભાઇએ કાળા તળાવ આવીને કાગળ હરભમભાઇને આપ્યો તેણે મહારાજની આજ્ઞા અનુસાર કરી આપ્યું અને રવજીભાઇ ત્યાં રહ્યા. (૨૧)

એક સમયે શ્રીજી મહારાજ કાળાતળાવમાં બિરાજમાન હતા ત્યારે તળાવના કૂવામાં પાણીની બહુ તંગાસ હોવાથી લોકોને ઘણું દુઃખ થયું. પછી શ્રીજી મહારાજે કૂવાના કાંઠા ઉપર બેસીને કૂવામાં પોતાનાં ચરણારવિંદ લટકતાં મેલ્યાં. તેથી કૂવાનું પાણી મહારાજનાં ચરણારવિંદને સ્પર્શ કરવા ઉપર આવ્યું. પછી જ્યારે જ્યારે સાધુને માટે પાણી ભરવું હોય ત્યારે મહારાજ કૂવા ઉપર જઇને પોતાનાં ચરણારવિંદ કૂવામાં રાખીને બેસે ત્યારે પાણી ઉપર આવે. જ્યારે સાધુ માટે પાણી ભરાઇ રહે ત્યારે બીજાં લોકો પાણી ભરી લે. મહારાજ જ્યારે કૂવા ઉપર પધારે ત્યારે ગામના સહુ લોકો પણ પરસ્પર એમ બોલે જે, ચાલો પાણી ભરવા ; સુતારનો બાવો જાય છે. એમ કહીને સહુ પાણી ભરવા આવે, તે મહારાજ જ્યાં સુધી કૂવા ઉપર બેસી રહે ત્યાં સુધી પાણી ઉંચું રહે. કૂવાથી હેઠા ઉતરીને જ્યારે ઉતારે પધારે ત્યારે પાણી નીચું ઉતરી જાય. એવી રીતે મહારાજે કાળાતળાવને વિષે પોતાનો ઘણોક પ્રતાપ દેખાડ્યો. (૨૨)

એક સમયે ગામ દહીંસરાથી નાના આનંદાનંદ સ્વામી આદિક સાધુ ચાલ્યા તે ગામ રામપુર જતાં માર્ગમાં ગામ સરલીની સીમ આવી. ત્યારે ગામ સરલીનો ધણી ચારણ ઉદેરામ તે સાધુ પાસે આવ્યો અને પ્રશ્ન પૂછવા લાગ્યો જે, તમે કોના સાધુ છો ? અને મારા ગામની સીમમાંથી કેમ ચાલ્યા જાઓ છો ? ત્યારે સાધુ બોલ્યા જે, અમે સ્વામિનારાયણના સાધુ છીએ. ત્યારે ઉદેરામ બોલ્યો જે,  સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. અને તમે જ્યારે સ્વામિનારાયણના સાધુ છો, ત્યારે મારા ગામની સીમમાંથી ચાલ્યા માટે ચાલો તમે મારા ગુનામાં આવ્યા છો. ત્યારે તે સાધુ બોલ્યા જે, અરે ભાઇ ! અમે કાંઇ તારા ગામની સીમમાંથી કોઇ વસ્તુ ઉપાડી નથી. અને અમને શા માટે તું કહે છે કે, અમે તારા વાંકમાં આવ્યા છહીએ ? અમો તો ભેખ છીએ અને રમતા રામ છીએ તે ગામ રામપુર ચાલ્યા જઇએ છીએ. ત્યારે ઉદેરામ બોલ્યો જે, તમે સૂઝે તેમ સમઝાવશો તો પણ હું તમને લઇ જઇશ. ત્યારે તે સાધુ બોલ્યા જે, તારી મરજી હોય તો ચાલ, અમે આવીએ. એમ કહીને તે સાધુઓ ઉદેરામ ચારણની સાથે ગામ સરલી ગયા. ત્યારે તે ઉદેરામે સાધુને પોતાની મેડીમાં પૂરી મૂક્યા. અને રાત પડી ત્યારે તે સાધુઓ મેડી ઉપર અર્ધી રાત પર્યંત ઊંચે સાદે કીર્તન બોલ્યા. ત્યાર પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીને સૂઇ ગયા. ત્યારે રાતમાં શ્રીજી મહારાજ ભયંકર વેશવાળા અને અસ્ત્ર તેમજ શસ્ત્રોને ધારી રહેલા એવા  મનુષ્યની ફોજ લઇને ઉદેરામના ફળીઆમાં આવીને ઉંચે સાદે બોલીને કહ્યું જે, ક્યાં ગયો ઉદેરામ ? અમે તેને પકડીને કોટડીમાં પૂરીને કેદ કરવા આવ્યા છીએ. તે શબ્દ સાંભળીને તરતજ જાગ્રત થઇને ઉદેરામ ઊઠ્યો અને પોતાના ઘરનું બારણું ઉઘાડીને બારે જોયું તો ભયંકર વેશવાળા અને અસ્ત્ર શસ્ત્રને હાથમાં ધારી રહેલા એવા લાખો માણસની ફોજ દેખીને ઉદેરામ તો થર થર કાંપવા લાગ્યો. ત્યારે શ્રીજી મહારાજે તેને કહ્યું જે, આજ દિવસના અમારા સાધુઓ ગામ રામપુરના માર્ગે ચાલ્યા જતા હતા તેને તેં ઝાલીને તારી મેડી ઉપર ચડાવીને શા માટે પૂરી મૂક્યા છે ? તેનો જવાબ આપ. અને તે સાધુઓ તારા શું ગુન્હામાં આવ્યા છે ? તેમનો જે ગુન્હો હોય તે તું અમને કહે. ત્યારે તે ઉદેરામ થર થર કંપતો બોલ્યો જે, એ સાધુઓ મારા બીજા કાંઇ વાંકમાં આવ્યા નથી પણ મારા ગામની સીમમાંથી ચાલ્યા જતા હતા. એટલા જ ગુન્હા માટે તે સાધુઓને મેડીમાં પૂર્યા છે.

ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ સાધુઓ માર્ગમાં ચાલ્યા જતા હતા એટલા જ વાંક માટે તેં એ સાધુઓને મેડી ઉપર પૂર્યા છે. પણ તારે તો આ ચૌદ કરોડ નરકના કુંડમાં તથા ચોરાસી લાખ યોનિઓમાં પુરાવું પડશે અને થોડાક જ દિવસમાં તારું ગામ પણ તારે ઘેર નહીં રહે. એમ કહીને સાખી બોલ્યા જે, સંત સંતાપે જાત હૈ, રાજ ધર્મ અરૂ વંશ, તુલસી ત્રણેય ટીલે ન દેખ્યા, કૌરવ રાવણ અને કંસ, એ સાખી બોલીને ઉદેરામને યમપુરી દેખાડી અને કહ્યું જે, એ સાધુઓને પૂર્યા છે તેમને છોડી મૂકજે નહીં તો આ સર્વે દુઃખ તને ભોગવવાં પડશે. એમ કહીને અંતર્ધાન થઇ ગયા. ત્યારે ઉદેરામે તે સાધુઓ મેડી ઉપર સૂતા હતા. ત્યાં જઇને અર્ધી રાત્રે સાદ કર્યો અને સાધુઓને જગાડીને કહ્યું જે, તમે મારી મેડીમાંથી ઉતરીને બહાર જાઓ. ત્યારે સાધુઓ બોલ્યા જે, અત્યારે અર્ધી રાત્રે ક્યાં જઇએ ? અમે સવારે ઊઠીને ગામ રામપુર જશું.

ત્યારે તે ઉદેરામ બોલ્યો જે ના, અત્યારે ને અત્યારે તમે મારી મેડીમાંથી ભલા થઇને બહાર જાઓ. કારણ કે હું મારો કાળ સમીપે દેખું છું. એવાં ઉદેરામનાં વચનો સાંભળીને સાધુઓ રાત્રે ત્યાંથી ચાલ્યા તે દક્ષિણાદિ નદીના કાંઠે વડના વૃક્ષમાં ઘણાંક ભૂતો રહેતાં હતાં તે સાધુઓને આવતા જોઇને ત્યાંથી તત્કાળ ચાલી નીસર્યા અને સાધુઓ વડના વૃક્ષ તળે જઇને સૂઇ ગયા. અને સવારે ઉઠીને ગામ રામપુર ગયા. ત્યાર પછી ઉદેરામને ઘેર ગામ સરલી રહ્યું નહીં, તેમજ તે ઘર ખોરડાં સહિત પોતે નાશ થઇ ગયો. (૨૩)

વળી એક દિવસ ગામ કંથકોટમાં એક લવાણો મુમૈયો માંદો થયો. તેને પદમશી ભક્ત જોવા ગયા. ત્યારે ત્યાં જઇને બેઠા. ત્યારે તેને પૂછ્યું જે મુમૈયા કેમ છે ? ત્યારે તે મુમૈયો બોલ્યો જે, ભુંડા હાલ છે ભાઇ, બહુ જ પીડા થાય છે. અને અન્ન પણ નથી ખવાતું તેમ જીવ પણ નથી જાતો અને હેરાન પણ ઘણો થાઉં છું. ત્યારે પદમશીભાઇએ કહ્યું જે, તમે ગાડું ભાડે કરીને અમારી સાથે વડતાલ આવ્યા હતા અને ત્યાં શ્રીજી મહારાજનાં દર્શન કર્યાં હતાં. તેને સંભાળો. તેમજ સાધુઓ ને સત્સંગીઓની સભા ભરાણી હતી અને તેમનાં દર્શન પણ તમે કર્યાં છે તેને સંભાળો. ત્યાં પાંચ દિવસ રહ્યા. પછી આપણે ત્યાંથી ચાલ્યા તે રણમાં આવ્યા ત્યારે આપણને ચોરે લૂંટવા માંડ્યા ત્યારે શ્રીજી મહારાજ ઘોડે ચડીને પધાર્યા હતા અને ચોરને તગડી મેલ્યા હતા. આપણને કટારીઆ સુધી પહોંચાડીને અંતર્ધાન થઇ ગયા હતા. આપણી રક્ષા કરી હતી. તે મૂર્તિને તમે બરોબર સંભાળો, તો તે તમારી સર્વ દુઃખ થકી સહાય કરશે. ત્યારે તે મુમૈયો બોલ્યો જે, બીજા દેવ જેટલા પૃથ્વી ઉપર છે તે સર્વને સંભાર્યા પણ કોઇએ મારી સહાય કરી નહીં. અને હવે તમે કહ્યું ત્યારે લ્યો સ્વામિનારાયણને સંભારું. પછી તે મુમૈયો મહારાજની મૂર્તિને ઘડી વાર સંભારીને નારાયણ ધૂન કરી.ત્યારે તેને શ્રીજી મહારાજનાં દર્શન થયાં. ત્યારે તે મુમૈયે પદમશીને કહ્યું જે તમે આવ્યા તે બહું સારૂં કર્યું અને મને મહારાજની મૂર્તિની સ્મૃતિ   કરાવી. તેથી મારી સર્વ પીડા મટી ગઇ છે અને શાન્તિ થઇ છે. જેમ શ્રીજી મહારાજે આપણી રણમાં ચોર થકી રક્ષા કરી તેમજ મારી પીડા થકી અને યમના દૂત થકી રક્ષા કરી છે. અને મેં તો સત્સંગીઓની અને મહારાજની નિંદા કરી છે તો પણ દયાળુ ભગવાને મારા અપરાધ સામું ન જોયું. અને મેં મહારાજને ઘડીક વાર સંભાળ્યા તેથી મને દર્શન દઇને મારાં સર્વ દુઃખો ટાળી નાખ્યાં. અને શ્રીજી મહારાજ કહે છે જે, તું ચાલ માટે હવે હું મહારાજનાં ભેળો જાઉં છું. અને મારૂં કલ્યાણ થયું. એમ કહીને દેહ મૂક્યો અને ભગવાનના ધામમાં ગયો. એવો પ્રતાપ શ્રીજી મહારાજનો છે. (૨૪)

સંવત્‌ ૧૮૭૧માં શ્રીજી મહારાજ કંથકોટ પધાર્યા. કચરા ભગતને ઘેર ઉતર્યા. તે વખતે ત્યાંના દરબાર ડોશોજી દર્શન કરવા આવ્યા. તેની આગળ મહારાજે વાત કરી જે, તમારા ગામમાં ગોભંગ થાય છે તે બંધ કરો. ત્યારે દરબાર બોલ્યા જે, ગોભંગ કરે છે અને પાપ કરે છે પણ તે મારા રાજ્યની રક્ષા કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, પાપ કર્યાથી તો રાજ્ય જાય પણ રહે નહીં. એ પ્રકારની ઘણીક વાર્તા કરી તે સાંભળીને રાજા ઊઠી ગયો. પછી મહારાજે સત્સંગીઓને કહ્યું જે, આ ગામને ભુજથી લશ્કર આવશે તે લૂટી લેશે. માટે તમે સત્સંગીઓ સર્વે ઉચાળા લઇને બીજાં ગામોમાં રહેવા જાજો. અહીં કોઇ રહેશો નહીં. પછી સત્સંગીઓ સર્વે ઉચાળા લઇને બીજા ગામમાં જઇને રહ્યા. પદમશી અને નારાયણ એ બે તો ત્યાંજ રહ્યા પણ બીજે ન ગયા. અને પછી તે ભુજનગરથી રાજાનું લશ્કર આવ્યું તે ગામ લૂંટી લીધું. સર્વેના ઘરમાં અન્ન વસ્ત્ર કાંઇ રહેવા ન દીધું અને સર્વે સામાન લઇ ગયા. ઠક્કર નારાયણ તો બશેર ખજુર લઇને ઉકરડામાં દાટી આવ્યા હતા તે પછી કાઢીને ખાતા ખાતા આધોઇ કચરા ભગત પાસે આવ્યા. અને કહ્યું જે, લશ્કર આવ્યું તે ગામને લૂટી લીધું, જે મનુષ્યો ગામનાં હતાં તેમની પાસે અન્ન વસ્ત્ર કાંઇ પણ રહેવા દીધું નથી. સર્વ લૂટી ગયા. માટે શ્રીજી મહારાજે જે વચન કહ્યું હતું તે સત્ય થયું.

ત્યારે કચરા ભગતે ઠક્કર નારાયણને કહ્યું જે, શ્રીજી મહારાજનું વચન લોપીને કોઇ સુખીયો થયો નથી. અને જેણે વચન લોપ્યું તે દુઃખીયા થયા. કેમ જે  શ્રીજી મહારાજે કહ્યું હતું જે ગામ નહીં રહે અને જે ગામમાં રહેશે તે લૂટાઇ જશે. તે માટે જેણે ન માન્યું તે લૂટાઇ ગયા અને દુઃખીયા થયા. જેણે માન્યું તે સુખીયા થયા. માટે સુખ માત્ર ભગવાનનાં વચનમાંજ રહ્યું છે. તે જાણ્યા પછી જે બીજે ગામ રહેવા ગયા હતા તેણે તે વાત સાંભળી અને કહ્યું જે શ્રીજી મહારાજે આપણને ઉગાર્યા. ૨૫

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે રવજી સુતારને સુખીયા કર્યા તથા કાળાતળાવના કૂવાનું જળ ઉપર કર્યું તથા કંથકોટના મુમૈયાને તથા કંથકોટના ગરાસીઆને પરચા પૂર્યા એ નામે એકાણુંમો અધ્યાય. ૯૧