૯૮ ગ્વાલીયરમાં ધુવાના લુહારનો પરચો.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:32pm

અધ્યાય ૯૮

વળી એક સમયે નંદરામભાઇની દીકરી મીઠાંબાઇ તે પોતાને સાસરે હતાં. ત્યાં શિયાળાના દિવસોમાં પોતે સર્વ હીરાગળ વસ્ત્રો સહિત અને ઘરેણાં સહિત ઓરડામાં દેવતા સળગાવીને તાપતાં હતાં. તે સમયે કોઇ માણસ પણ ન હતું. એ વખતે અકસ્માત પોતાની સાડી પહેરેલી હતી તે વાંસેથી સળગી એટલે લોકલાજથી તે ઓરડાની બહાર નીસરી શક્યાં નહીં તેથી ઊંચે સાદે બૂમ પાડીને રોવા લાગ્યાં, અંતરમાં શ્રીજી મહારાજને સંભાળ્યા કે તરત જ શ્રીજી મહારાજ ઉતાવળા ઉતાવળા પોતાના ભક્તની રક્ષા કરવા માટે આવ્યા. આવીને દર્શન દઇને ધીરજ આપીને તે બાઇની રક્ષા કરી અને બળતાં વસ્ત્રો ઓલવી નાખીને તરત જ અદૃશ્ય થઇ ગયા.

વળી એક સમયે અયોધ્યાપ્રસાદજી મહારાજનાં મોટાં દીકરી જમુના બાઇને છપૈયાપુર પાસે રહેલાં લક્ષ્મણપુર ગામે પરણાવીને તેમને ઘેર મોકલ્યાં, એટલે પવિત્રપણે થઇને દૂધ-પાણી ગાળીને શુધ્ધપણે રસોઇ કરતાં. તે જોઇને પોતાનાં સાસુ, નણંદ, દિયર અને જેઠે તેમના પર ખૂબજ ઇર્ષા કરવા માંડી. એમ કરતાં કેટલાક દિવસો વીતી ગયા. પછી તે બાઇ છપૈયાપુરમાં આવ્યાં. તે વખતે અયોધ્યાપ્રસાદજી મહારાજ ત્યાં હતા. એટલે તે વાત પોતાનાં માતા અને પિતાને કહી જે, મારે ભગવાન ભજવામાં અને ધર્મ પાળવામાં હરકત બહુ આવશે એમ જણાય છે એવી રીતે ઘણુંક પોતાનું દુઃખ વર્ણન કરતાં દિલગીર થયાં. ત્યારે તેમની દુઃખની વાત જોઇ, અને સાંભળીને મહારાજ પોતાનાં અંતઃકરણમાં જરાએક કચવાઇને ધીર આપી એમ બોલ્યા જે, ‘હે બાઇ જમના’ તમારા ઉપર જે ઇર્ષા કરે છે તે સર્વ હમણાં જ આજ ને આજ આવીને નિર્માની થઇને બે હાથ જોડી તમોને પગે લાગશે.

એમ કહીને મહારાજ પોતાના જીવાત્મામાં શ્રીજી મહારાજની મૂર્તિને અખંડ દેખતા હોવાથી તે વખતે પોતાની ઇચ્છાથી ‘ચાર યમદૂતો મહા ભયંકર, કાળા શાહી જેવા અને સર્વ હથિયારો સહિત તત્કાળ ત્યાં જઇને સાસુ, નણંદ જે કોઇ ઇર્ષા કરતાં હતાં તે સર્વને એકદમ ક્રોધ કરીને તે યમદૂતો ભય દેખાડવા લાગ્યા. અને બોલ્યા જે ‘તમે એ જમનાબાઇ ધર્મ પાળે છે તેમને શા માટે દુઃખ આપો છો ? એ બાઇ તો મહા સતી છે, શંકરનાં પત્ની પાર્વતી જેવા પતિવ્રતાના ગુણો એમનામાં છે. તે બાઇ તો તમારા કુળને તારશે. માટે તેથી જો એમને દુઃખ દેશો તો તમારી ભૂંડી વલે થાશે. અમે તો યમરાજાના દૂતો છીએ. એ બાઇના પિતા તો ભગવાનના પુત્ર છે, અમે પણ એમની આજ્ઞાએ કરીને આવ્યા છીએ, તમે અત્યારે જ જાઓ. એ બાઇને છપૈયાથી રાજી કરીને તેડી આવો. અને જો કોઇ દિવસ એ બાઇને ધર્મ પાળવામાં આડ્ય કરશો તો પાછા ફરી વાર અમો તમારા માટે આવીશું અને તમારા જીવ લીધે છુટકો કરીશું. આ વખતે તો તેમની આજ્ઞાથી તમને સમજાવીને જઇએ છીએ. એવી રીતે કહીને યમદૂતો ત્યાંથી ચાલતાં એક મોટું પીપળાનું વૃક્ષ તેમના આંગણાના સામે દૂર હતું તે વૃક્ષને એક પાટું માર્યું કે તરત જ મૂળમાંથી ઉખેડીને કડડાટ થઇને પૃથ્વી ઉપર પડ્યું. તે જોઇને મહાત્રાસ પામેલાં સાસુ તથા નણંદ તત્કાળ છપૈયા આવ્યાં, અને અતિ નિર્માની થઇને બન્ને હાથ જોડીને તે સર્વે વાત કહી. અને પોતાનો અપરાધ ક્ષમા કરાવીને ફરીથી કોઇ દિવસ દ્રોહ ન કરવો એવો નિયમ રાખીને પછી તે જમનાબાઇને વિનંતિ પૂર્વક પગે લાગીને પોતાના ઘેર તેડી ગયાં. એવો મહારાજનો પ્રતાપ જોઇને સર્વજનો આશ્ચર્ય પામ્યાં. (૫૯)

વળી એક સમયે અમદાવાદમાં અયોધ્યાપ્રસાદજી મહારાજ બપોરના સમયે પોતાને ઉતારે ઢોલિયા ઉપર તકિયાને ઓઠીંગણે બેસીને છપૈયાપુરનો કાગળ આવ્યો હતો તેને વાંચતા હતા અને કીકાભાઇ પાસે બેઠા હતા. તે સમયે વણિક હરગોવિન્દ દાસ તથા મનસુખરામ પ્રેમી તથા હરિવલ્લભ શેઠ એ આદિક બે ચાર હરિભક્તો આવીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ કાગળ વાંચવો બંધ રાખીને હરિવલ્લભ શેઠ સામું જોઇને બોલ્યા જે, હે શેઠ ! કહો, શહેરમાં કેવા દેશકાળ વર્તે છે ? ત્યારે તે શેઠ બોલ્યા જે, હે મહારાજ ! આપ તો સાક્ષાત્‌ ઇશ્વરમૂર્તિ છો તે જાણતા હશો. પણ હું દેશકાળનું શું વર્ણન કરૂં ? ગોસ્વામીનાં સાત સ્વરૂપો ભેળાં થયાં છે. તે જેટલા સત્સંગી શહેરમાં છે તેમને સર્વને નાત બહાર મૂકી દીધા છે અને બે સગા ભાઇ હશે તેને પણ અત્યારે સામસામે બોલે પણ વ્યવહાર નથી. એકબીજાને જાણે મારી નાખીએ તેવું વેર છે. બધા શહેરમાં અઢારે વર્ણ સત્સંગીઓ ઉપર એવો દ્વેષ રાખે છે કે, જાણે સત્સંગીને દળી નાખીએ. તે આપ જુવો. કાલ સવારે અગણિત અસુરોએ મંદિરમાં આવીને પથ્થર નાખ્યા, મુસલમાનની ઘોર નિમિત્તે આખું શહેર ઉપર તૂટ્યું હતું તે એ તો શ્રીજી મહારાજે આવીને આપણી તથા સંત-હરિભક્તની રક્ષા કરી. નહીં તો ભારે દગો થાત તે લાખો માણસોનો કચ્ચરઘાણ નીકળી જાત.

વળી જુવોને, માંડવીની પોળમાં સાધુઓ ઝોળીએ ગયા હતા એમને ત્યાં માર્યા અને ઝોળીઓ ફાડી નાખી. વળી નગરશેઠ હઠીભાઇએ આપણો બહુ અવગુણ ભરાવ્યો. અને પૂછ્યું જે, અમારા સેવકોને તે સ્વામિનારાયણવાળાએ ઉપદેશ કરીને પોતાની કંઠીઓ બાંધીને વાળી લીધા છે માટે અમારે હવે શો ઉપાય કરવો ? ત્યારે તેમણે કહ્યું જે, રૂપિયે કરીને તો સ્વામિનારાયણવાળાને નહીં જીતો, હથિયારો વડે પણ નહીં જીતો. તેમ શાસ્ત્રે કરીને પણ નહીં જીતો. માટે તમોને એક ઉપાય બતાવીએ તેમ કરો તો હમણાં જ તુરત કબજામાં આવી જાય. એમ કહીને બોલ્યા જે, તમારા સેવક જેટલા હોય એ સર્વેને બોલાવીને ભેળા કરો અને કહો જે, સ્વામિનારાયણના જેટલા શિષ્યો હોય તે મર પોતાના સગા વ્હાલા હોય તો પણ તેની સાથે ખાનપાનાદિક વહેવાર ભેળો ન રાખે અને વાળંદ વતુ ન કરે. અને કુંભાર વાસણ પણ ન આપે.

બજારમાં કાંઇ વસ્તુ સ્વામિનારાયણવાળા લેવા આવે તો પણ એમને આપવી નહીં, એવો સહુ સહુની નાતમાં પાકો બંદોબસ્ત કરો. એવી અવળી મતિ આપી. વળી જુવોને, અમારાં માતુશ્રી દેહ મૂકી ગયાં અને અમારા ભાઇ કોઇ શબ ઉપાડવા આવ્યા નહીં, અમને બહુ દુઃખ દીધું, વળી પરમ દિવસે બે ચાર સત્સંગીના છોકરા તિલક-કંઠીવાળા હતા તે સાંજ વખતે નિશાળમાંથી ભણીને ઘેર આવતા હતા ત્યારે વચમાં અસુરોએ આવીને આંતર્યા. ને કંઠીઓ તોડી નાખી અને માર્યા, તે રોતા રોતા ઘેર આવીને તે વાત કહી ત્યારે મારા મનમાં બહુજ દયા આવી ગઇ. પણ શું કરું ? ગમ ખાઇને બેસી રહ્યો. વળી એક બાઇને તો એના પતિએ આપણી કંઠી તોડી નાખી અને ખૂબજ માર મારીને એના બાપને ઘેર કાઢી મૂકી છે. એવી રીતે સત્સંગીઓના દુઃખના સમાચાર કહીને પોતે દિલગીર થયા.

ત્યારે સત્સંગીઓનું બહુ દુઃખ સાંભળીને મહારાજે તત્કાળ હરિવલ્લભ શેઠને ધીરજ આપી, પછી શ્રીજી મહારાજનું બળ લઇને ભ્રકુટી ચડાવીને અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે ‘હે હરિવલ્લભભાઇ ! તમો કોઇ ગભરાશો નહીં ધીરજ રાખજો, જે જે આ સત્સંગનો દ્વેષ કરે છે અને એના પક્ષમાં ભળે છે તે સર્વને અન્ન-વસ્ત્ર તો નહિં મળે પણ હમણાં જ થોડાક દિવસોમાં એ સર્વેનો નાશ થઇ જાશે તે તમે દેખશો. અને તમારે કાંઇ વસ્તુ જોઇએ તો આપણા કોઠારમાંથી લઇ જજો. એમ કહીને ગામ અશ્લાલીના લેવા પાટીદાર કાળીદાસ અમીન અમદાવાદ શહેરના મોટા સાહેબના શિરસ્તેદાર હતા તેમને બોલાવીને કીકાભાઇ સહિત તે મોટા સાહેબને મળીને તે પ્રતિપક્ષીઓના જામીન લઇને સર્વે સત્સંગીઓને નાતમાં લેવડાવ્યા. અને મહારાજના કહેવા પ્રમાણે થોડાક દિવસોમાં તે સર્વ અસુરોનો નાશ થઇ ગયો. તે સહુએ નજરે જોયું. (૬૦)

વળી એક સમયે છપૈયાપુરના મંદિરનું કારખાનું ચાલતું હતું તે કારણથી અમદાવાદમાંથી અયોધ્યાપ્રસાદજી મહારાજે છ હજાર રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને મોકલાવી ત્યારે હુંડી પહોંચી જવાથી શેઠે છપૈયાપુરને વિષે ખબર મોકલાવી. પછી બેચર કોઠારી બહુ મમત રાખીને ઘનશ્યામ મહારાજનું કામ કરતા, તે બહુ ડાહ્યા અને વિચક્ષણ હતા. ધર્મવાળા અને મહાવૈરાગ્યવાન હતા. ભગવાનને વિષે બહુ પ્રીતિવાળા હતા તેઓ પોતાની સાથે એક પાળાને લઇને ગાડી જોડાવીને ચાલ્યા તે બંગલા શહેરમાં  આવીને તે હુંડીના રૂપિયા ગાડીમાં લઇને પાછા વળ્યા તે મખોડા ઘાટે મનોરમા નદીએ આવતાં ગાઉ એક ચાલે તેટલો દિવસ રહ્યો હતો તે વખતે કોઇ ચોરો હુંડીની વાત પ્રથમથી જ જાણતા હશે તેથી પોતાનાં હથિયાર બાંધીને રૂપિયા લઇ લેવા અને બેચર કોઠારીને મારી નાખવા એવો વિચાર કરીને સર્વે ચોરો માર્ગ રોકીને બેઠા. એટલે ખરા વખતમાં પોતાના ભક્તની રક્ષા કરવા માટે ઘનશ્યામ મહારાજ ભારે વસ્ત્રો ઘરેણાં પહેરેલાં અને રોઝા ઘોડાં પર બેસીને સાથે બે પાળા સહિત આવીને તે કોઠારીને દર્શન દઇને બોલ્યા જે, હે ભક્તરાજ ! તમે ચાલ્યા જાઓ છો પણ આગળ માર્ગ રોકીને કેટલાક ચોર બેઠા છે. માટે અમારા વાંસે આવો. એમ કહીને આગળ ચાલ્યા. તે બીજે માર્ગે થઇને એમને એમ નારાયણ સરોવરના કાંઠા સુધી ભેગા આવીને અદૃશ્ય થઇ ગયા. તે જોઇને કોઠારી મહાઆશ્ચર્ય પામીને મંદિરમાં આવ્યા. તે વાત સહુને કહી. તે સાંભળીને સહુ આશ્ચર્ય પામ્યા. (૬૧)

વળી એક સમયે ગ્વાલિયર પરગણે ધૂવા ગામમાં એક ‘લુકી’ નામનો લુહાર હતો. તેની આવરદા ખૂટી રહેવાથી ધર્મરાજાએ બે યમદૂતો તેને તેડવા માટે મોકલ્યા. ત્યારે તે લુકીને તો ભૂલી ગયા. તેના નામે બીજો એક ‘લુકી’ લુવાર હતો તેને લઇ ગયા. એટલે ધર્મરાજાએ તેનું ખાતું જોઇને કહ્યું જે આની તો હજુ આવરદા છે જાઓ આને પાછો મૂકી આવો અને ઓલ્યા બીજા લુકીને લઇ આવો એમ કહ્યું. ત્યારે તેને લઇને દૂતો ત્યાંથી ચાલ્યા એટલે વચમાં તે ‘ધુવા’ ગામનો એક લુવાર મોરે મરી ગયેલો હતો તેને અતિ પાપી જાણીને યમ કર્યો હતો તેણે લુકીને ઓળખ્યો બોલ્યો જે, ‘હે ભાઇ લુકી ! તું અહીં ક્યાંથી ?’ ત્યારે કહ્યું જે, આ યમદૂતો આપણા ગામમાં ઓલ્યા લુકીને લેવા માટે આવ્યા હતા તે એને ભૂલી ગયા અને અજાણમાં મને લઇ આવ્યા.

ત્યારે ધર્મરાજા મારું ખાતું જોઇને બોલ્યા જે, આને તો હજુ વાર છે, માટે જાઓ આને મૂકીને આવો અને ઓલ્યા બીજા લુકીને લઇ આવો. એમ કહ્યું તેથી આ મને મૂકવા આવે છે. પછી તેણે કહ્યું જે, હે ભાઇ ! આટલો મારો સંદેશો લઇ જા. એમ કહીને બોલ્યો જે, આપણા ગામમાં ઓલ્યો શિવદત્ત નામનો બ્રાહ્મણ છે તે ક્યાંકથી નીચ જાતિની એક સ્ત્રીને લઇ આવ્યો છે. તે શિવદત્તને મારવા સારું ધર્મરાજા મારી પાસે સાણશી-પાસલા આદિક હથિયારો કરાવે છે. તે પંદર દિવસ થાય છે એટલે તે બ્રાહ્મણ પોપમોચની એકાદશીનું વ્રત કરે છે તેના પુણ્યે કરીને મારો પંદર દિવસનો પ્રયાસ વ્યર્થ જાય છે. અને સર્વે હથિયારના સાંધા જુદા થઇ જાય છે. માટે તે બ્રાહ્મણને કહેજે, તું એકાદશીનું વ્રત મૂકી દે. અથવા તો એ સ્ત્રીનો ત્યાગ કરી દે. આ મારો સંદેશો જરૂર જઇને કહેજે. એમ કહ્યું એટલે યમદૂતો તેને લઇને ત્યાંથી ચાલ્યા તે વચમાં આવતાં તે લુકીને ટાઢ બહુ વાઇ તેણે કરીને બધું શરીર થરથર કંપવા લાગ્યું તે જોઇને યમદૂતો બોલ્યા જે, તેં કાંઇ વસ્ત્રનું પુણ્યદાન કર્યું છે ? ત્યારે તેણે કહ્યું, હા, ઉત્તરાયણને દિવસે જૂનું કેડિયું એક બ્રાહ્મણને આપ્યું હતું. તે સાંભળીને દૂતોએ એક મોટો ઓરડો ઉઘાડ્યો એટલે તેમાં અનેક પ્રકારનાં ભારે ભારે વસ્ત્રો તે ઓરડામાં જોયાં. અને તેમાંથી પોતાનું કેડીયું ઓળખીને તેણે પહેર્યું. એટલે ત્યાંથી લઇને ચાલ્યા તે થોડેક છેટે ગયા એટલે વળી ફરીથી તે બોલ્યો જે મને ભૂખ લાગી છે. ત્યારે તે યમદૂતો બોલ્યા જે, તેં કોઇ અન્નદાન પૂણ્ય કર્યું છે? ત્યારે તેણે કહ્યું જે, પુણ્ય તો બીજું કાંઇ નથી કર્યું પણ એક તીર્થવાસી બ્રાહ્મણ મારે આંગણે ભૂલ્યો ભટકતો આવ્યો હતો ત્યારે તેને મેં કહ્યું જે, ઓલી બ્રાહ્મણની નાત જમે છે ત્યાં જાઓ, તમને જમાડશે. એમ કહીને લાંબી આંગળી કરીને બતાવ્યું હતું એટલું પુણ્ય કર્યું છે.

ત્યારે તે બોલ્યા જે, એ આંગળીને મુખમાં લઇને ચૂસ. પછી તેણે વિશ્વાસ લાવીને તે આંગળી ચૂસી એટલે જાણે પાંચ પકવાન્ન જમ્યો હોય ને શું ? એવા અમૃતના ઓડકારો આવ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે એકદમ તેના દેહમાં લાવીને મૂકી દીધો કે તરતજ તે આંખ ઉઘાડીને આળસ મરડીને ઊભો થયો. તે જોઇને તેનાં સગાં સંબંધી સૌ બોલ્યાં જે, ઓહો, ભાઇને ઝોબો આવ્યો હતો તે વળ્યો. આ તો બેઠો થયો. એમ કહીને તે સર્વ રાજી થયાં. પછી બીજે દિવસે તે લુવાર ઓલ્યા બ્રાહ્મણને ઘેર જઇને તેને એકાન્તમાં બોલાવીને સંદેશાની વાત કહી. તે સાંભળીને તત્કાળ તે ઝાંખો થઇ ગયો, અને બોલ્યો જે, હે ભાઇ ! આ વાત કોઇની પાસે કરીશ નહીં. એમ કહીને તે વાત કોઇની પાસે જાહેર ન કરવા માટે તેને કેટલાક રૂપિયા આપ્યા. તે લઇને પોતાને ઘેર ગયો. એવી રીતે તેને તેની વાત કહી પણ તે સ્ત્રીનો ત્યાગ ન કર્યો. એવી રીતના આ જગતમાં પાપી જીવો ઘણા છે તે માટે આ વાત સહુને ઉપદેશ માટે લખી છે. (૬૨)

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ગ્વાલિયેર પરગણે ગામ ધુવાના લુવારને યમના દૂતો અજાણથી લઇ ગયા હતા અને પાછો તેને દેહમાં મૂકી ગયા અને બ્રાહ્મણને યમે સંદેશો કહેવડાવી  મોકલ્યો એ નામે અઠ્ઠાણુમોં અધ્યાય. ૯૮