એકાદશી થઈ એ વાત સર્વે જાણો રે, (૪)?

Submitted by swaminarayanworld on Thu, 04/05/2017 - 9:42pm

એકાદશી પદ

રાગ : સામેરી

 

પદ-૧

એકાદશી થઈ એ વાત સર્વે જાણો રે,

એના વરત કેરી રીતભાત ઉરમાં આણો રે. ટેક૦

સુતા જોઈને શ્યામને રે લડવાની કરીહામ,

નાડીજંઘનો દીકરો રે, આવ્યો મુરદાનવ એનું નામ. સર્વે૦ ૧

ઇંદ્રિય એકાદશ શ્યામના ‘રે, તેનું જે કાંઈ તેજ,

તેમાંથી પ્રગટી પ્રમદા રે, દેખી વરવા ઇચ્છયો એજ. સર્વે૦ ૨

તે સંગે બોલી સુંદરી રે, યુદ્ધ કરી મુને જીત,

ત્યારે વરું હું તુજને રે, એમ કહી દેખાડી રીત. સર્વે૦ ૩

કન્યાને સંગ લડવા રે આવ્યો એ અસુર,

ભૂમાનંદ કહે ખડગે રે, એનું શિર છેદી નાખ્યું દૂર. સર્વે૦ ૪

 

પદ-૨

પછે બોલ્યા સુંદરશ્યામ, સુંદરી સંગે રે,

માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે. ટેક૦

માગ્યો વર માનનીયે રે, જોડી જીવનને હાથ,

મારા વરતને દિવસે રે, અન્ન ન જમે પીવે પાથ. સુંદરી૦ ૧

ઇંદ્રિય અગીઆરમાં ઉપની રે માટે એકાદશી નામ,

તપસ્વી છઉં તે કારણે રે, મારુ વરત કરે નિષ્કામ. સુંદરી૦ ૨

મનસહિત ઇંદ્રિયું રે કહાવે જે અગ્યાર,

મારાવરતને દિવસે રે, એને કરવા ન દેવો આહાર. સુંદરી૦ ૩

પંચવિષયને પરહરી રહે તજી ક્રોધ ને કામ,

વરત કરે તેની ઉપરે રે, રીઝે ભૂમાનંદનો શ્યામ. સુંદરી૦ ૪

 

પદ-૩

વરત એકાદશીને તુલ્ય, કોઈ ન કહાવે રે,

કરો કોટિક ગાયોનું દાન બરોબર નાવે રે, ટેક૦

એકાદશે ઇંદ્રિયું રે રાખીને નિયમમાંઈ,

પ્રગટ પ્રભુ વિના મુખથી રે, વૃથા વાણી ન બોલે કોઈ. કોય૦ ૧

અડસઠ તીરથ કરવે રે, આવું ન સરે કાજ,

એકાદશીને દિવસે રે, મુને મળ્યા પ્રગટ મહારાજ. કોય૦ ૨

પ્યારી કરી પ્રબોધની રે, વ્હાલે આપ્યું વરદાન,

આ વરત કેરે દિવસે રે, કરવું કેવળ જળનું પાન. કોય૦ ૩

હરિજનને નવ મૂકવી રે, એકાદશી કહે શ્યામ,

ભૂમાનંદ કહે પામશો રે, તમે જરૂર વૈકુંઠધામ. કોય૦ ૪

 

પદ-૪

અતિ ઉત્તમ દિવસ આજ, એકાદશી આવી રે,

હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે. ટેક૦

કુસંગી હોય તે ન કરે રે, એકાદશી વરતસાર,

સત્સંગી છોડે નહિ રે, જેને પ્રભુ સંઘાથે પ્યાર. એકાદશી૦ ૧

મોહનના મનમાં ગમે રે આ વરતનો ઉપવાસ,

બ્રહ્મચર્ય યુક્ત જે કરે રે, તેને રાખે પોતાને પાસ. એકાદશી૦ ૨

આ વરત કરવું સહુને રે અંતર લાવી ઉછાવ,

કામદિક પીડે નહિ રે, જેને પ્રગટ મળે માવ. એકાદશી૦ ૩

એકાદશી અધનાશીની રે કહે હરિના જન,

ભૂમાનંદના નાથમાં રે, સદા રાખી પોતાનાં મન. એકાદશી૦ ૪

Facebook Comments