સ્નેહગીતા કડવું - ૧૧

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:09pm

આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઈક કપટ ભતરે આવ્યો  ભરીજી ।
કોરે જઈ કૃષ્ણને કાંઈક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું આપણને હરિજી ।।૧।।

ઢાળ –

હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી વરતાવતા ।
પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા ।।૨।।

કોણ જાણે બાઈ કેમ કરશે, કળ પડતી નથી કાંય ।
પુછો જઈ પ્રાણ-જીવનને, શું છે એના બાઈ મનમાંય ।।૩।।

એમ કરતાં અક્રુરના, મનનો તે મર્મ જાણિયો ।
શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઈ આણિયો ।।૪।।

એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી ।  
જેમ પ્રાણ રહિત વત પુતળાં, એવી ગત્ય થઈ ગોપીતણી ।।૫।।

લડથડે કોઈ પડે પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની ।
શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં, નક નયણે ચાલી નીરની ।।૬।।

વલવલી ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું ।  
જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઈ પેરે ધરશું ।।૭।।

આવ્યો અક્રુર કાળરૂપે, હમણાં પ્રાણ લઈને હાલશે ।
પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ।।૮।।

ગયું ધનજોબન દિન જે, તે પાછું નથી કોઈ પામતાં ।  
એમ આપણે થાશે અબળા, હરિ હીરો વામતાં ।।૯।।

નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે’શું અંગે ।  
નિષ્કુલાનંદના નાથ સાથે, હવે કયાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું ।।૧૧।।