વચનવિધિ કડવું - ૩૯

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:38pm

કોઈ કે’શે એમ કેમ રૈ’યે જીયાં દુઃખજી, બીજે જો જાયૈ તો પામિયે સુખજી
એમ કહે છે નર હરિના વિમુખજી, તેની કહું કિયાં ભાંગશે ભૂખજી

ભૂખ ભાંગવા ભમે ઘણું, જાણે કિયાં જઈ થાઉં સુખિયો ।।
પણ દુઃખ ચાલે દશ ડગ આગળે, તે જિયાં જાય તિયાં દુઃખિયો ।। ર ।।

ભાગ્ય એનાં ભેળાં રહે, સુખ દુઃખનાં દેનાર ।।
તેને નથી તપાસતો, વિમુખ વણ વિચાર ।। ૩ ।।

જેમ ચાલે કોઈક કમાણિયે, હોયે ફેલી વ્યસની વિશેષ ।।
તે કે દી નહિ ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ ।। ૪ ।।

જેમ ચોર ચાલ્યો વળી ચોરીએ, જાણે આવીશ ખરી કરી ખાટ ।।
પણ જાણતો નથી જે જાશે જીવડો, જે શૂળી લખી છે લલાટ ।। પ ।।

એમ નર અભાગિયો, ભાંગે છે વચનની જો વાડ્ય ।।
પર સુખ પોતાનાં કરવા, ધાય  જેમ ગાય હરાડ્ય ।। ૬ ।।

એમ વિમુખ નર વિકળ થઈ, ભટકે છે ભવમાંહી અતિ ।।
મન કરે છે સુખ મળવા, પણ મળતું નથી સુખ રતિ ।। ૭ ।।

એમ સ્થાનક ભ્રષ્ટ જે થયા, તે તો ગયા મૂળગા મૂળથી ।।
નિષ્કુળાનંદ નિશ્ચે જાણજો, જેમ ફળ સુકાણું ફૂલથી ।। ૮ ।।