વચનવિધિ કડવું - ૪૮ તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ; પદ-૧૨

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:47pm

વળી વચનદ્રોહી મતિમંદજી, પંચવિષયમાંહિ માન્યો છે આનંદજી
તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિ વચનમાં માન્યું દુઃખ દ્વન્દ્વજી

દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી ।।
અલપ સુખને અરથે, વાત બગાડે છે સઘળી ।। ર ।।

જે વચનથી મોટપ્ય મળે, વળી આવે વચનથી સુખ ।।
તે સમજયા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ ।। ૩ ।।

જે વચને નર અમર સુખી, અહિ અજ ઈશ અમરેશ ।।
જે વચને શશી સૂર્ય સુખી, ગીરા ગજાનન મુકત મુનેશ ।। ૪ ।।

એવા વચનને ઉલ્લંઘી, બીજા આગળ કહે છે વાત ।।
હું તો આવ્યો હતો ભારે ભીડ્યમાં, પણ ભલી ઊગરિયો એ ઘાત ।। પ ।।

ખાવું પીવું ને પે’રવું એહ, મુકાવ્યું હતું મનગમતું ।।
એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું ।। ૬ ।।

ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું ।।
દુઃખ દેખશું જયાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ।। ૭ ।।

એવા અભાગી નર અમરને, સુખ નહિ આવે સ્વપ્ને ।।
નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો, શીદ કરે કોઈ તપને ।। ૮ ।।

પદ:- ૧ર
રાગ-કેદારો
‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ.

તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ;
વચનમાં રહી ને જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઈ. તપ૦ ।। ૧ ।।
નારાયણ વચનથી વિધિએ, આદરિયું તે તપ અનુપ;
તેણે કરી રમાપતિ રીઝિયા રે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ।। ર ।।
શ્વેતદ્વીપમાંહિ મુનિ રહે, નિરન્નમુકત છે જેહનું નામ;
અન્ન પાન વિના કરે તપ આકરું રે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ।। ૩ ।।
બદ્રિકાશ્રમે બહુ મુનિ રહે, દમે છે કોઈ દેહ ઇન્દ્રય પ્રાણ;
સુખ સર્વે તજી શરીરનાં, થઈ રહ્યાં વા’લાના વેચાણ. તપ૦ ।। ૪ ।।
એને ન સમજો કોઈ અણસમજુ, તજયાં જેણે શરીરનાં સુખ;
પામરને પ્રવીણ ન પ્રીછવા, જે કોઈ રહ્યા હરિથી વિમુખ. તપ૦ ।। પ ।।
વચન વિમુખથી જેહ સુખ મળે, તેહ સુખ સર્વે જાજો સમૂળ;
નિષ્કુળાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતુળ.તપ૦ ।। ૬ ।।