અધ્યાય - ૭ - મરિચ્યાદિક મુનિઓ સ્તુતિ કરે છે

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:11pm

અધ્યાય - ૭ - મરિચ્યાદિક મુનિઓ સ્તુતિ કરે છે

હે અજન્મા ! આપનો જય થાઓ. જય થાઓ. કરૂણા રસથી ભરેલા અવિચળ વચનામૃતોથી તમે વિશાળ મોહરૂપી માયાના ગાઢ અંધકારને દૂર કરી જીવાત્માઓની જન્મ જન્માંતરથી ઉદ્ભવેલી ભ્રાંતિને હરો છો. એથી આ પૃથ્વી પર તમે જગતના ગુરુસ્થાનને શોભાવી રહ્યા છો.૧

હે નાથ ! ધીરજની સાથે તપશ્ચર્યા કરી પોતાનાં પાપ ધોઇ આપના શ્રીચરણોની ઉપાસના કરતા મુનિજનોને તમે અમૃત નામથી પ્રસિદ્ધ પોતાના શ્વેતદ્વીપ ધામને વિષે પ્રથમ લઇ જાઓ છો. ત્યાર પછી અનંત સૂર્યોની ઉજ્જવલ કાંતિ સમાન પ્રકાશમાન એવા પોતાના અક્ષરધામને વિષે લઇ જાઓ છો.૨

હે સુકૃતપ્રિય પ્રભુ ! તમે એકાંતિક ધર્મ સ્થાપન કરવામાં સમર્થ છો. એ એકાંતિક વિશુદ્ધ ધર્મનું સંરક્ષણ કરવા અને કળિયુગના પ્રભાવથી નષ્ટપ્રાય થઇ ગયેલા સમગ્ર વેદ, પુરાણો, તથા આગમ આદિ સચ્છાસ્ત્રોને આ પૃથ્વી ઉપર પ્રવર્તાવવા બહુપ્રકારે પ્રયત્ન કરો છો.૩

હે ભગવન્ સમસ્ત જીવપ્રાણીમાત્રને આ સંસારની ભ્રમણામાંથી મુક્ત કરનાર અને સર્વેના ઇશ્વર એવા આપને આપના સંતપુરુષોના ઉપદેશવાક્યોથી પણ જે મનુષ્યો ઓળખી શક્તા નથી તે પછી ભલેને શરીર-ઇન્દ્રિયોનું દમન કરનારા ઋષિઓ હોય છતાં તે તમારી અવિદ્યારૂપ માયાથી હણાઇ મોક્ષમાર્ગમાંથી વંચિત રહી જાય છે.૪

હે પ્રભુ ! દેહધારી જીવાત્માઓને તમારા શરણ વિના સ્વર્ગમાં કે પૃથ્વીમાં, આકાશમાં કે પાતાળમાં અત્યારે કે સો વર્ષ પછી અવિનાશી સુખ પ્રાપ્ત થતું નથી. પણ એ જ્યારે ત્યારે તમારાં ચરણનો આશ્રય કરશે ત્યારે જ અવિનાશી સુખનો ભોક્તા થશે.૫

હે શ્રીહરિ ! પૂર્વે ઉત્પન્ન થયેલાં મહદાદિ ચોવીસ તત્ત્વો પોતાના ચેતન વિશેષો સાથે હોવા છતાં પણ આપના પ્રત્યક્ષ પ્રવેશના અનુગ્રહ વિના વિરાટને ઊભા કરવારૂપ પોતાના કાર્યમાં સમર્થ થયા નહિ, તો પછી કેવળ વિષયોમાંજ આસક્ત અને આપનાથી વિમુખ એવા મનુષ્યો તમારા આશ્રયવિના સુખને ક્યાંથી પ્રાપ્ત કરી શકે ?.૬

પરન્તુ હે હરિ ! અમો સર્વે ઋષિઓ આજે કૃતકૃત્ય થયા છીએ, કારણ કે અમે તમને જાણીએ છીએ, ઋષિરૂપધરી રહેલા આપ ખરેખર ક્ષર અક્ષરથી પર અક્ષરધામાધિપતિ સર્વેને ઉપાસના કરવા યોગ્ય, પુરુષોત્તમનારાયણ ભગવાન છો. અહો ! અમે કેવા ભાગ્યશાળી છીએ.૭

અચળ પૂર્ણભાવ અને શ્રદ્ધાથી વેદ, શાસ્ત્રો, પુરાણ આદિ સત્શાસ્ત્રોનું સેવન કરનારા આચાર્યો કે ગુરુઓને પણ જો આપને વિષે અચળ એકાંતિક ભક્તિ ઉત્પન્ન ન થાય તો તેનો અર્થ શું છે ? જય પરાજય માટે કરેલો વાણી વિલાસ માત્ર બકવાસ છે. તેનાથી કોઇ લાભ નહિ.૮

સાંખ્ય, યોગ, વેદ, મીમાંસા, પંચરાત્રશાસ્ત્ર કે સમગ્ર ધર્મશાસ્ત્રોના સિદ્ધાંતોનું લક્ષ્ય પ્રત્યક્ષ કે પરોક્ષ આપ જ છો. આ લોકમાં જેમ સમસ્ત નદીઓનું અંતિમ લક્ષ્ય સમુદ્ર છે, તેમ પ્રત્યક્ષપણે આપનું પ્રતિપાદન કરે કે પરોક્ષપણે દેવ, ઇશ્વરોના વર્ણનદ્વારા પ્રતિપાદન કરે પણ અંતે એ સમસ્ત શાસ્ત્રોનું પ્રતિપાદ્ય સ્વરૂપ આપ જ છો.૯

છતાં આ પૃથ્વી ઉપર જે પુરુષો આ સમગ્ર શાસ્ત્રોને ભણીને સારી રીતે સમજી લીધા પછી પણ પોતાની સત્ત્વ, રજ અને તમોગુણાત્મક વિપરિત બુદ્ધિથી ઉલટા અભિપ્રાયોને ઊભા કરી સર્વત્ર એક પરમાત્મા જ પ્રતિપાદ્ય છે. એવા સર્વે શાસ્ત્રોના સિદ્ધાંતને અવગણીને જે મનુષ્યો તમારા ચરણકમળનો આશ્રય કરતાં નથી ને અન્યાશ્રય કરે છે. તે પુરુષો અધોગતિને પામે છે.૧૦

હે નારાયણ ! તમે ઋષિરૂપમાં વિરાજો છો તેથી તમારા સ્વરૂપને યથાર્થ નહિ સમજનારા જે મૂઢ પુરુષો તમને એક તપસ્વી જાણીને તમારી અવગણના કરે છે, અને આપનું ભજન, સ્મરણ કરતા નથી તે પુરુષો વારંવાર આસુરી યોનિને વિષે ભટકી બહુ કષ્ટને પામે છે.૧૧

હે ભગવન્ ! જે પુરુષો તમારી ઉપાસના છોડીને અન્ય દેવની કે ગુરુની ઉપાસના કરે છે, તે પુરુષો કદાચ પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરે તો પણ પોતાનું આત્મદર્શન પામી શકતા નથી. તેઓ પોતાના શિષ્યસમુદાયને છેતરી મોક્ષમાર્ગમાંથી ભ્રષ્ટ થાય છે અને શિષ્યોએ સહિત નરકમાં પડે છે.૧૨

પોતાથી નીચેના ઇન્દ્રાદિ દેવતાઓએ કે મનુષ્યોએ અર્પણ કરેલ પૂજાના પદાર્થોને ભોગવતા બ્રહ્માદિક ઇશ્વરો પણ આપનાથી ભય પામીને તમારા ચરણકમળમાં એ પૂજાના પદાર્થો સમર્પિત કરી દે છે. તેથી જ આપના આવાં નિર્ભય ચરણકમળનો અમે આશ્રય કરીએ છીએ.૧૩

હે સ્વામિન્ ! આવાં આપનાં શ્રીચરણોનાં દર્શનથી અમે અત્યારે ભાગ્યશાળી બન્યા છીએ. બહુ દિવસો પછી અમને આપનાં દર્શનરૂપ અમારા મનોરથનું ફળ પ્રાપ્ત થયું છે.૧૪

હે હરિ ! તમારી ભક્તિ વિના જીવો કામ અને લોભરૂપી દાવાનળમાં સતત બળ્યા કરે છે, તેથી પરમ પુરુષાર્થરૂપ મોક્ષમાર્ગમાંથી ભ્રષ્ટ થઇ જાય છે. માટે અમે સર્વે મુનિઓ તમારા શરણે આવ્યા છીએ.૧૫

ગોલોકધામના અધિપતિ ભગવાન શ્રીવાસુદેવ એવા તમેજ જન સમુદાયના આત્યંતિક મોક્ષ કરવાને અર્થે ધર્મ અને મૂર્તિદેવી થકી પ્રગટ થયા છો. નિષ્કામકર્મને વિષે અતિ આદરભાવ રાખી તમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત તીવ્ર તપશ્ચર્યા કરો છો અને આ બદરિકાશ્રમવાસી મુનિઓને સિદ્ધદશા પમાડો છો.૧૬

આવા આપના અનંત કલ્યાણકારી ગુણોના સમૂહનું સંપૂર્ણપણે વર્ણન કરવા હજાર મુખવાળા સર્વ સર્પોના સ્વામી સ્વયં શેષજી પણ સમર્થ થયા નથી. તો બ્રહ્માદિક દેવતાઓ આપના ગુણોના પારને કેમ પામી શકે ? તેથી અત્યારે અમે તો માત્ર અમારી વૈખરી વાણીને સફળ બનાવવા અમારી બુદ્ધિ પ્રમાણે આપની સ્તુતિ કરીછે, રાજી રહેજો.૧૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! જેમનું સંસ્મરણ સમગ્ર પાપને ધોનારું છે એવા ભગવાન શ્રીનારાયણની મરીચ્યાદિ મુનિઓએ આ પ્રમાણે સ્તુતિ કરી તેમની આગળ જ બેસી રહ્યા અને પરમાત્મા ભગવાન શ્રીનારાયણના મુખારવિંદનાં દર્શન કરવા લાગ્યા.૧૮


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં મરીચ્યાદિ મુનિઓએ શ્રીનારાયણ ભગવાનની સ્તુતિ કરી એ નામે સાતમો અધ્યાય પૂર્ણ થયો. -૭-