અધ્યાય - ૮ - ઋષિઓએ કરેલું ભગવાનની આગળ અધર્મનું નિવેદન

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:12pm

અધ્યાય - ૮ - ઋષિઓએ કરેલું ભગવાનની આગળ અધર્મનું નિવેદન

ઋષિઓએ કરેલું ભગવાનની આગળ અધર્મનું નિવેદન, સ્વાગત પ્રશ્નો, સર્વોત્તમ અભયદાન, ભરતખંડની દુર્દશાનું વર્ણન, માતાપિતા ધર્મ-ભક્તિનું આગમન

 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુનિઓ સ્તુતિ કરીને બેઠા પછી ભક્તવત્સલ ભગવાન શ્રીનારાયણમુનિ અતિ પ્રસન્ન થયા અને બન્ને હાથજોડી સુખપૂર્વક પોતાની સામે બેઠેલા ઋષિમુનિઓને મધુર વચને કહેવા લાગ્યા.૧

સ્વાગત પ્રશ્નોઃ- શ્રીનારાયણ ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ મહર્ષિઓ ! હું તમારું સ્વાગત કરું છું. તમે અહીં પધાર્યા તેથી હું અતિશય પ્રસન્ન થયો છું, તમારું દર્શન મને બહુજ પ્રિય લાગે છે.૨

હે મુનિઓ તમે મને જેવા વહાલા છો તેવા ગોલોકાદિક ધામો પણ મને વહાલાં નથી. અણિમા આદિક અષ્ટસિદ્ધિઓનું ઐશ્વર્ય પણ મને એટલું વહાલું નથી. મારી પૂજા કરી મને બલિ અર્પણ કરનારા બ્રહ્માદિક દેવો પણ મને એટલા વહાલા નથી.૩

શા માટે કે, હે સંતો ! તમે માત્ર દયાએ કરીને અજ્ઞાની મનુષ્યોને મુક્તિના સાધનરૂપ ભક્તિના કારણભૂત મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો અને રાત્રી દિવસ મારું સ્મરણ કરતા થકા પૃથ્વીપર વિચરો છો, તેથી તમે મને મારા આત્માની જેમ અતિ વહાલા છો.૪

સર્વોત્તમ અભયદાનઃ- હે સંતો ! સમગ્ર ભૂમિ, ગાય, તલ વિગેરેનું મહાદાન કરે, અથવા તીવ્ર તપો કરે, અથવા યજ્ઞા અને વ્રતોનાં અનુષ્ઠાન કરે છતાં પણ મનુષ્યોને મારા સ્વરૂપનું જ્ઞાન આપી કાળના ભયમાંથી છોડાવવારૂપ જે અભયદાન આપવાના એક અંશ તોલે ન આવી શકે.૫

હે મહાભાગ્યશાળી સંતો !તમે જીવોને અભયદાન આપી મોટો પરોપકાર કરનારા છો. મારા સ્વરૂપમાં અચળ નિષ્ઠાવાળા હોવાથી તમારું અંતઃકરણ વિશુદ્ધ બનેલું છે, એથી જ આપ જેવા સંતોનું મારા હૃદયમાં હું અખંડ સ્મરણ કર્યા કરું છું.૬

હું જાણું છું કે, તમે જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવા માટે સમગ્ર ભૂમંડળ ઉપર સદાય વિચરણ કરો છો.૭

હે શ્રેષ્ઠ મુનિઓ ! તમે અત્યારે શું દેવલોકમાંથી પધાર્યા ? કે રસાતલ અથવા પાતાળલોકમાંથી પધાર્યા છો ? કે પછી પૃથ્વીલોકમાંથી પધાર્યા છો ? તે મને તમે જણાવો.૮

ત્યારે મુનિઓ કહે છે, હે સ્વામિન્ ! અમે સર્વે મુનિઓ આ ભરતખંડનાં સમગ્ર તીર્થોની યાત્રા કરીને તમારાં પાવનકારી દર્શન કરવા અહીં આવ્યા છીએ.૯

ત્યારે નારાયણ ભગવાન કહે છે, હે સંતો ! ભરતખંડને વિષે દેવતાઓને પણ દુર્લભ અને બહુજન્મના પુણ્યને અંતે પ્રાપ્ત થતા એવા મનુષ્ય જન્મને પામેલ મારી પ્રજા મેં બાંધેલી ધર્મમર્યાદાનું પાલન કરે છે કે નહીં ?.૧૦

ભરતખંડની દુર્દશાનું વર્ણનઃ- ત્યારે ઋષિઓ કહે છે, હે ભગવન્ ! અત્યારે આ ભરતખંડને વિષે કલિયુગની સહાયતાથી પોતાના વંશે સહિત અધર્મસર્ગ સમગ્ર પ્રજાજનોમાં અતિશય વૃધ્ધિ પામી ગયો છે.૧૧

હે પ્રભુ ! તમે કહેશો કે ધર્મરક્ષક રાજા અને ધર્મગુરુઓ શું કરે છે ? તો તેમાં પણ અધર્મસર્ગે પ્રવેશ કર્યો છે, તેથી તમોએ બાંધેલી ધર્મની મર્યાદા પણ તેઓએ છિન્ન ભિન્ન કરી નાખી છે.૧૨

અને મનુષ્યો બ્રહ્મહત્યા આદિ મહાપાપ અને ગૌહત્યા કે પરસ્ત્રીગમન આદિ ઉપપાપોમાં ખૂબજ પ્રવૃત્ત થઇ પંચવિષયોમાં અતિ આસક્ત બન્યા છે. આમ સદાચારરૂપ ધર્મને છોડી સ્વેચ્છાચારી થયા છે.૧૩

તેથી તે પાપીઓના આવાગમનને કારણે યમપુરીનો માર્ગ પણ અતિશય સાંકડો બન્યો છે. અત્યારે પૃથ્વી પર કોઇ કોઇનો રક્ષણહાર રહ્યો નથી.૧૪ હે ભગવન્ ! તમે ભરતખંડવાસી જનોના આરાધ્ય ઇષ્ટદેવ છો. તેમને માટે જ તમો તીવ્ર તપશ્ચર્યા કરો છો. તેથી ભરતખંડવાસી જનોની અધર્મ થકી રક્ષા કરવા એક તમેજ યોગ્ય છો.૧૫

માતાપિતા ધર્મ-ભક્તિનું આગમનઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આવા પ્રકારનાં ઋષિઓનાં વચન સાંભળી ભગવાન શ્રીનારાયણમુનિના અંતરમાં કરુણા પ્રગટી, સર્વેનું રક્ષણ કરવા સમર્થ ભગવાન નારાયણે ભરતખંડને વિષે અવતાર ધારણ કરી પોતાની પ્રજાનું અધર્મવંશ થકી રક્ષણ કરવાની ઇચ્છા કરી.૧૬

મોટા મોટા મુનિઓ ભગવદ્ દર્શને પધાર્યા છે, એમ જાણી માતા મૂર્તિદેવીની સાથે પિતા ધર્મદેવ ત્યાં પધાર્યા.૧૭

ધર્મદેવનું શરીર ગૌરવર્ણનું છે, તપથી કાયા કૃશ બની છે, મસ્તક ઉપર ઉત્તમ જટા શોભે છે, પૂર્ણિમાના ચંદ્ર સરખું રમણીય મુખારવિંદ છે, બન્ને નેત્રો કરૂણારસથી ભરેલાં છે. ડાબે ખભે સુંદર યજ્ઞોપવિત ધારી છે. પવિત્ર શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં છે. તેમજ હાથમાં દર્ભ ધારણ કરેલા એવા ધર્મપિતાએ આવી નારાયણ ભગવાનનાં દર્શન કર્યાં.૧૮

તે સમયે ભગવાન નારાયણમુનિનું મુખારવિંદ પ્રસન્નમુદ્રામાં છે. સૌમ્ય આકૃતિ અને કરૂણા ભરેલાં નેત્રોથી ભક્ત સમુદાયને નિહાળી રહ્યા છે. ક્ષમાના નિધિ, સર્વના નિયંતા અને દુઃખી જીવાત્માઓની સહાય કરનારા તે પોતાના શરીરની મનોહરકાંતિથી સામે બેઠેલા સર્વ ભક્તજનોના નેત્રો અને મનને આનંદ ઉપજાવી રહ્યા છે.૧૯

મુનિમંડળને મધ્યે વિરાજતા આવા નારાયણ ભગવાનનાં દર્શન કરી અતિશય હર્ષથી ઘેલા થયેલા મહાતેજસ્વી પિતા ધર્મદેવ એકદમ તેમની સમીપે આવ્યા.૨૦

પિતાને આવતા જોઇ શ્રીનારાયણમુનિ પણ એકદમ પોતાના આસન પરથી ઊભા થઇ ગયા ને તેમની સન્મુખ દોડી પિતાને આલિંગન કરી તેમનાં ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા.૨૧

સુવ્રતમુનિ કહે છે, હે ભૂપતિ પ્રતાપસિંહ રાજા ! ધર્મપિતાનાં નેત્રોમાંથી હર્ષનાં અશ્રુઓ ઉભરાયાં. બન્ને પુત્ર નર અને નારાયણમુનિને "તમારો જય થાઓ," આવાં સુંદર આશીર્વચનોથી અભિવાદન કર્યું.૨૨

ત્યાર પછી નર અને નારાયણે માતા મૂર્તિદેવીના ચરણમાં વંદન કર્યા, અને માતાએ પણ બન્ને પુત્રોને આશીર્વાદ આપ્યા.૨૩

હે રાજન્ ! તે સમયે સમગ્ર મુનિઓ પણ પોતપોતાના આસન પરથી ઊભા થઇ આદરપૂર્વક ધર્મ અને મૂર્તિદેવીની સન્મુખ પધાર્યા ને અતિ હર્ષ ઘેલા થઇ ભક્તિ ધર્મને પ્રણામ કરવા લાગ્યા.૨૪

તેથી બન્નેએ પણ ઋષિમુનિઓને આદરપૂર્વક યથાયોગ્ય માન આપ્યું. પછી નરમુનિએ પ્રેમથી અર્પણ કરેલા દર્ભનાં આસન ઉપર વિરાજમાન થયાં.૨૫

ત્યારપછી સર્વે મુનિઓ પણ નર અને નારાયણ ભગવાનની સાથે પોતપોતાના આસન પર યથા યોગ્ય વિરાજમાન થયા, ને ભગવાન શ્રીનારાયણમુનિએ માતાપિતાને કુશળ સમાચાર પૂછયા.૨૬

ત્યાર પછી તેમણે ઋષિઓએ કહેલી ભરતખંડમાં વૃદ્ધિ પામેલા અધર્મસર્ગના ઉપદ્રવની વાર્તા પ્રેમપૂર્વક જે શ્રવણ કરતા હતા, તે સર્વે વૃત્તાંત ઋષિમુનિઓના જ સાંન્નિધ્યમાં માતાપિતાને યથાર્થ કહી સંભળાવ્યું.૨૭

સુવ્રતમુનિ કહે છે, રાજન્ ! તે સમય ભગવાન શ્રીનારાયણના મુખકમળમાંથી નીકળતી આ અમૃતસમાન વાર્તાને સાંભળતા મુનિજનો, ધર્મ, ભક્તિ, ઉદ્ધવ, નારદ આદિ સર્વેના મનની વૃત્તિ સમાધિમાં જેમ સ્થિર થાય તેમ સ્થિર થઇ ગઇ.૨૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઋષિઓએ નિવેદન કરેલા અધર્મ ઉપદ્રવનું નિરૂપણ કર્યું એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો. --૮--