અધ્યાય -૪૮ - નવલખા પર્વત ઉપર નવલાખ યોગીઓને નવલાખરૂપે દર્શન.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 9:13pm

અધ્યાય - ૪૮ - નવલખા પર્વત ઉપર નવલાખ યોગીઓને નવલાખરૂપે દર્શન.

સુવ્રતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન્ ! સર્વત્ર વ્યાપક ભગવાન શ્રીહરિ નવલખા પર્વતે પધાર્યા. પર્વત ઉપર આરોહણ કરી તેનાં અદ્ભૂત આશ્ચર્યને જોતા તથા તે પર્વત ઉપર વસતા ભગવાનના ભક્ત નવલાખ સિદ્ધયોગીઓનાં નિવાસ સ્થાનોને પણ જોયાં. અને તેના નવલાખ અગ્નિકુંડો નિર્ધૂમ અગ્નિઓથી પ્રજ્જવલિત હતા. કોઇ સ્થળમાં ઠંડા પાણીના કુંડો તો કોઇ સ્થળમાં ગરમ પાણીના કુંડોને શ્રીહરિએ જોયા.૧-૨

આવા પ્રકારનાં આશ્ચર્યને જોઇને તે નવલખા પર્વત ઉપર નિવાસ કરતા તેમજ મુક્તદશાને પામેલા સમગ્ર સિદ્ધોને પણ જોયા. જેમનું દર્શન યોગીપુરુષોને પણ દુર્લભ છે આવા સાચા સિદ્ધોને જોઇ શ્રીહરિએ તેમને નમસ્કાર કર્યા અને તે સર્વે નવલાખ સિદ્ધોએ પણ યોગીઓના યોગગુરુ એવા શ્રીહરિને એકી સાથે પોતાની સનમુખ ઊભેલા જોઇ તત્કાળ નમસ્કાર કર્યા. ભગવાન શ્રીહરિ પોતાના ભક્ત એવા તે સમગ્ર સિદ્ધોને આનંદ ઉપજાવતા થકા ત્રણ દિવસ સુધી ત્યાં નિવાસ કરીને રહ્યા.૩-૪

હે રાજન્ ! ભગવાન શ્રીવાસુદેવનું ધ્યાન કરતા તે નવ લાખ સિદ્ધોએ પોતાના હૃદયકમળમાં શ્રીહરિની ઇચ્છાથી આવિર્ભાવ પામેલા દિવ્ય અક્ષરધામને વિષે બિરાજમાન મહાતેજોમય મૂર્તિ આ શ્રીહરિનાં જ અતિ આશ્ચર્યકારી દર્શન કર્યાં. હે રાજન્ ! પછી તે સર્વે સિદ્ધો સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને અહીં પધારેલા શ્રીહરિને જ સાક્ષાત્ અક્ષરધામાધિપતિ સ્વયં શ્રીકૃષ્ણ છે. એવો દૃઢ નિશ્ચય કરી અનંતકાળના તપનું ફળ પામ્યા અને તેમનું જ ધ્યાન ભજન કરવા લાગ્યા.૫-૬

વડવાકુંડતીર્થમાં આગમન :- હે રાજન્ ! ત્યારપછી સર્વે સિદ્ધોએ અનુરાગપૂર્વક શ્રીહરિને વંદન કર્યા અને તે સર્વેને આ રીતે તપનું ફળ આપી ભગવાન શ્રીહરિ હાથીઓને ચાલવાના માર્ગેથી નવલખા પર્વતથી નીચે ઊતરી વડવાકુંડ નામના તીર્થસ્થાને પધાર્યા. તે તીર્થમાં પૃથ્વીમાંથી નીકળતા વાયુ, અગ્નિ અને જળના ફુવારાઓને આશ્ચર્યપૂર્વક જોતા ભગવાન શ્રીનીલકંઠ વર્ણી ત્રણ દિવસ સુધી વાડવાકુંડ તીર્થમાં રોકાયા.૭-૮

ગંગાસાગરે કપિલાશ્રમમાં પધરામણી :- હે રાજન્ ! તે વાડવાકુંડતીર્થ સ્થળેથી શ્રીહરિ અગ્નિદિશા તરફ ચાલવા લાગ્યા. તે ચાલતાં ચાલતાં ગંગાસાગરના સંગમે પધાર્યા. ત્યાં સ્નાન કરી ત્રણ દિવસ સુધી રોકાયા.૯

ત્યાંથી નાવ દ્વારા સમુદ્રની ખાડી ઉતરી કપિલ ભગવાનના આશ્રમમાં પધાર્યા. અતિશય શોભાયમાન આ આશ્રમની ચારેબાજુ ખાઇરૂપે ગોળાકાર સમુદ્ર રહેલો છે.૧૦

હે રાજન્ ! આ આશ્રમમાં સાંખ્યજ્ઞાનના આચાર્યોના પણ ગુરુ સ્વયં સાક્ષાત્ કપિલભગવાન બિરાજે છે. અને સદાય ત્રિલોકીના કલ્યાણને માટે તપશ્ચર્યા કરે છે.૧૧

હે રાજન્ ! સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અષ્ટાંગયોગે યુક્ત ભક્તિમાર્ગનું પોતાની માતા દેવહૂતિને ઉદ્દેશીને નિરુપણ કરનારા ભગવાન કપિલજીનાં દર્શન કરી ભક્તિપુત્ર ભગવાન શ્રીહરિ પરમ આનંદને પામ્યા.૧૨

મનુષ્યનાટયથી ઐશ્વર્યને છૂપાવી, ઇશ્વરના જેવો પોતાને આદર આપી પોતાની સેવા કરતા સર્વનિયંતા ભગવાન શ્રીહરિને કપિલજીએ ધ્યાનયોગના પ્રભાવથી ઓળખ્યા કે, આ સ્વયં સાક્ષાત્ શ્રીકૃષ્ણ જનકલ્યાણ માટે અક્ષરધામમાંથી મનુષ્યનાટય ધરી અહીં પધાર્યા છે. તેથી ખૂબજ આનંદને પામ્યા. હે રાજન્ ! ત્યારપછી ભગવાન કપિલજી પણ સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને ધર્મસ્થાપન કરવામાં તત્પર સાક્ષાત્ શ્રીહરિનો આતિથ્ય સત્કાર કરી તેમની નિરંતર અતિ સ્નેહથી સેવા કરવા લાગ્યા. આ રીતે એક મહિના સુધી રોકાયા.૧૩-૧૪

જગન્નાથપુરીમાં શ્રીહરિનું આગમન :- તપસ્વીઓને અતિપ્રિય એવા કપિલાશ્રમમાં એક માસ પર્યંત નિવાસ કરીને ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પધાર્યા.૧૫

આ પુરુષોત્તમપુરીમાં નિવાસ કરીને રહેલા વર્ણીરાજ શ્રીહરિ પ્રતિદિન સમુદ્રસ્નાન અને જગન્નનાથજીનાં દર્શન કરતા.૧૬

તેમજ તીર્થવિધિને જાણનારા શ્રીહરિ આ પુરુષોત્તમપુરીમાં મુખ્ય તીર્થસ્વરૂપે રહેલાં ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં પણ સ્નાન કરવા જતા.૧૭

હે રાજન્ ! આ પુરીમાં પોતાના નિવાસ દરમ્યાન શ્રીહરિએ ત્યાં રહેલા અને ટોળામાં ફરતા હજારો અસુરોને જોયા. તેઓ દંભથી વૈષ્ણવ, શૈવ આદિ ભક્તોનાં ચિહ્નો ધારણ કરી મનુષ્યરૂપે રહેતા હતા.૧૮

તેઓ માન, ક્રોધ, શૂરવીરતા અને મત્સરથી પરસ્પર એક બીજાની સ્પર્ધા કરતા રહેતા. ઉદ્ધત વર્તન રાખી ધર્મથી સદાય વિમુખ વર્તતા હતા. તેઓ અતિશય કામક્રિડામાં જ આસક્ત અને ખળપુરુષો હતા.૧૯

જગતમાં ગુરુપણાની ખ્યાતિ માટે અને સાધુતાની ખ્યાતિ માટે ઘણો બધો દંભ કરતા અને શૈવ, વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયનાં સમગ્ર બાહ્ય ચિહ્નો ધારણ કરી ફરતા હતા.૨૦

એ અસુરો પોતે ઉપદેશેલા મંત્રોની સિદ્ધિના ચમત્કારો દેખાડી નગરવાસી નરનારીઓને વશ કરી તેઓને પોતાના વૈદિક ધર્મોમાંથી ભ્રષ્ટ કરતા અને સર્વેના ગુરુ થઇને બેઠેલા તેઓ બહારથી નિસ્પૃહી વર્તન રાખતા, પરંતુ પોતાની પુત્રી તુલ્ય ગણાય એવી શિષ્યોની પત્નીઓને વારંવાર પ્રીતિપૂર્વક ભોગવતા હતા.૨૧-૨૨

તે અસુરો આસુરી માયા દેખાડી મહાફળના બહાને લોકોને પ્રલોભન પમાડી તેમની પાસેથી ધન ધૂતી લેતા અને કેટલાક તો પુત્રને મારી નાખવા આદિકનો ભય દેખાડી લોકો પાસેથી ધન પડાવી લેતા હતા.૨૩

હે રાજન્ ! એ અસુરોમાંથી કેટલાક તો તપસ્વીના વેષમાં રહીને તીક્ષ્ણ તલવારાદિ શસ્ત્રોને ધારણ કરીને ફરતા અને કેટલાક કડિયારી-ડાંગો અને લોખંડના જાડા ચીપિયાઓને ધારણ કરીને ફરતા રહેતા.૨૪

હે રાજન્ ! કેટલાક તો શસ્ત્ર વગરના અસુરોને પણ શ્રીહરિએ જોયા. તેમજ કેટલાકને તો ઉપરથી સૌમ્યવેષ ધારીને ફરનારા પણ જોયા. પરંતુ તેઓ છાની રીતે વીરોને અને કૃત્યાઓને સાધીને મલિન મંત્રોથી અને તંત્રોથી મનુષ્યોનો દ્રોહ કરતા હતા.૨૫

તે અસુરોની મધ્યે કેટલાક શૈવ, શાક્ત અને વામમાર્ગી હતા. તેઓ તેમના કલ્પિત કૌલાર્ણવ આગમ વગેરે મૂળગ્રંથોમાં દેખાડેલી મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન આ પાંચ મકારની પદ્ધતિથી શિવ અને શક્તિનું પૂજન કરવામાં આસક્ત હતા.૨૬

તથા કેટલાક વૈષ્ણવી દીક્ષાને પ્રાપ્ત કરી દક્ષિણ માર્ગની પદ્ધતિથી પ્રથમ ચાર મકારને છોડી માત્ર છેલા મૈથુનમાં જ આસક્ત થઇ કાન-ગોપીના ભાવમાં વિષ્ણુનું અશુદ્ધમાર્ગે પૂજન કરતા હતા. આ રીતે બન્ને માર્ગીઓ શુદ્ધમાર્ગથી ભ્રષ્ટ કરી પોતાના શિષ્યોને પાપાચારમાં પ્રવર્તાવતા હતા.૨૭

અસુરોનું મૂળ ઉખેડવા વર્ણીએ કરેલો સંકલ્પ :- હે રાજન્ ! સમૂહમાં ભેળામળીને ફરતા અને છૂપી રીતે પાપલીલાને આચરતા એ સર્વે અસુરોને જોઇને ''આ સર્વે અસુરો પૃથ્વીના ભારરૂપ છે અને મારા શત્રુઓ છે.'' એમ શ્રીહરિ માનવા લાગ્યા.૨૮

શ્રીહરિને આ પુરીમાં પાંચ દિવસ રહીને બીજા તીર્થમાં જવાની ઇચ્છા હતી. પણ તે સર્વે અસુરોનો પરાભવ કરવા વધુ દિવસો સુધી રોકાવાનો સંકલ્પ કરીને ત્યાં રોકાયા.૨૯

હે રાજન્ ! સર્વે માયિક પદાર્થોમાં સદાય નિઃસ્પૃહી અને શાંત સ્વભાવે વર્તતા અને ધર્મે સહિત ભગવાનની ભક્તિનો ક્યારેય પણ ત્યાગ નહિ થવા દેનારા ભગવાન શ્રીહરિ બહુધા તો ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે જ પોતાનો નિવાસ કરી રહેવા લાગ્યા.૩૦

હે રાજન્ ! વર્ણીરાજ શ્રીહરિ, જે પ્રકારે એ અસુરો પોતાને આ વર્ણી આપણો શત્રુ છે એમ જાણી ન જાય તે રીતનું પોતાનું વર્તન દેખાડવા લાગ્યા.૩૧

અને પુરવાસીજનો શ્રીહરિને કોઇ આ મોટા સિદ્ધયોગી છે એમ જાણી તેમનું પ્રતિદિન દર્શન પૂજન કરવા લાગ્યા.૩૨

હે રાજન્ ! જે જે જનો શ્રીહરિને પૂછીને જે જે કાર્ય કરતા તે સર્વે મનુષ્યોના કોઇનાથી પણ ન થઇ શકે તેવાં સર્વે કાર્યો તત્કાળ સિદ્ધ થતાં.૩૩

તે સર્વે મનુષ્યો શ્રીહરિની આગળ ધન, વસ્ત્ર વિગેરે પદાર્થોના ઢગલા કરતા ને કહેતા કે, હે વર્ણી ! આ બધું તમારું છે. તમે તેનો સ્વીકાર કરો.૩૪

ત્યારે અતિ નિઃસ્પૃહિ વર્ણી તેઓએ અર્પણ કરેલા પદાર્થોનો દૃષ્ટિથી પણ સ્વીકાર કરતા નહિ. આવું આશ્ચર્ય જોઇને તે સર્વે જનો શ્રીહરિને પરમેશ્વર માનવા લાગ્યા.૩૫

તેથી ધન, સ્ત્રી અને રસાસ્વાદમાં લોલુપ અને ભક્તપણાનો દંભ કરતા તે સર્વે અસુરો માત્સર્યથી શ્રીહરિનો ઉત્કર્ષ સહન કરી શક્યા નહિ.૩૬

અને ઉદ્ધતાઇ કરી અશ્લીલ શબ્દોથી વારંવાર શ્રીહરિનું અપમાન કરવા લાગ્યા. તથા શ્રીહરિ ઉપર મિથ્યા કલંકોનું આરોપણ કરવા લાગ્યા.૩૭

મદથી ઉધ્ધત થયેલા તે અસુરો કોઇ કોઇ વેળાએતો ધ્યાનાવસ્થામાં વિરાજતા મહાવ્રતધારી શ્રીહરિને ઉપાડીને પોતાને નિવાસ સ્થાને લઇ જતા અને બહુ પ્રકારે તેમની ભર્ત્સના કરતા.૩૮

નિર્દય સ્વભાવના કેટલાક ક્રૂર અસુરો શ્રીહરિને બળાત્કાળે પકડીને વિના મૂલ્યે લાકડાંના ભારા ઉપડાવવા વગેરેની વેઠ કરાવતા. અને કેટલાક અસુરો મૌનવ્રતધારી શ્રીહરિને બળાત્કારે બોલાવતા.૩૯

હે રાજન્ ! આ પ્રમાણે અજ્ઞાની અસુરોએ બહુ જ કષ્ટ આપ્યું. છતાં અહંતા અને મમતાથી રહિત આત્મનિષ્ઠ શ્રીહરિ મનમાં લેશમાત્ર ખેદ પામ્યા નહિ.૪૦

દૈવીજીવોને બચાવી લેવા વર્ણીનો પ્રયાસ :- હે રાજન્ ! પોતાની સાધુતાનો ત્યાગ નહીં કરી ક્ષમાશીલ શ્રીહરિ સર્વે અસુરોને સમજાવી તેની આસુરીવૃત્તિનો નાશ કરવાની ઇચ્છાથી હસતા હસતા કહેવા લાગ્યા કે, હે ભક્તો ! આ દેહ તો નિશ્ચય નશ્વર છે. પરંતુ તેમાં રહેલો આત્મા અછેદ્યાદિ લક્ષણોથી સંપન્ન અવિનાશી છે. આ પ્રમાણે વેદાદિ શાસ્ત્રો અને પૂર્વના સત્પુરુષોએ કહેલું છે.૪૧-૪૨

તેથી માન અને અપમાન આ શરીરનિષ્ઠ હોવાથી મારે માટે તે બન્ને સમાન છે. હું તો બ્રહ્મરૂપ થઇ નિરંતર શ્રીકૃષ્ણ પરમાત્માની નવધા ભક્તિ કરું છું.૪૩

આ મનુષ્યના શરીરમાં રહેલો ક્રોધ તો મનુષ્યોનો મહાશત્રુ છે. કારણ કે તે શરીરને બાળનારો અને પૂર્વના પુણ્યને ભસ્મીભૂત કરનારો છે. અને તમે તો ભગવાનના ભક્ત છો. તેથી ભક્તિ અને જ્ઞાનમાં અવરોધ કરનારા મહાશત્રુ રૂપ ક્રોધને સદ્અસદ્ના વિવેકવાળી બુદ્ધિથી વશ કરીને પોતપોતાના ઇષ્ટદેવનું ભજન સ્મરણ કરો.૪૪-૪૫

હે રાજન્ ! શ્રીહરિનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી તેઓના મધ્યે કુસંગના યોગથી આસુરીભાવને પામેલા કેટલાક દૈવી જીવો હતા તેઓએ પોતાના આત્મકલ્યાણને અર્થે ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો. તેમજ જન્મથી પણ આસુરી સંપત્તિવાળા અસુરોની મધ્યે કેટલાક અસુરો શ્રીહરિનું વાક્ય યથાર્થ છે, એ પ્રમાણે કહેવા લાગ્યા. તેથી બીજા ખરા અસુરો તેને પોતાના દ્વેષી માનવા લાગ્યા.૪૬-૪૭

અસુરોમાં પડી પરસ્પર કૂટ :- હે રાજન્ ! તે અસુરો જન્મથી જ ધર્મના દ્વેષી તો હતા જ, ને વળી પરમાત્મા એવા શ્રીહરિનો દ્રોહ કરવાથી તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઇ, તેથી શસ્ત્રધારી તથા માન, ઇર્ષ્યા, મત્સર અને ક્રોધગ્રસ્ત થયેલા મૂઢબુદ્ધિવાળા તેમજ લાલચોળ નેત્રોવાળા તે અસુરોમાં કોઇ પણ જાતનાં પ્રયોજન વિના પરસ્પર કલહ થયો.૪૮-૪૯

હે રાજન્ ! પોતાનાં વચનોનો અનાદર કરનારા પાપી પુરુષોનો વિનાશ નજીકમાં જાણનારા વર્ણીરાજ શ્રીહરિ તે અસુરોના નિવાસ સ્થાનેથી પોતાના નિવાસ સ્થાને પધાર્યા.૫૦

પછી સર્વે અસુરો ટોળે મળી તે તે સ્થાનોમાં ભેળા થયા અને ક્રોધથી આકુળ વ્યાકુળ થઇ પરસ્પર એકબીજાને ઉધ્ધતાઇથી મર્મભેદી વચનો કહેવા લાગ્યા. પછી શ્રીહરિની ભૂભાર હરણ કરવાની ઇચ્છારૂપ માયાથી મોહ પામેલા મૂઢ અસુરોના મધ્યે કદી જોયો ન હોય અને સાંભળ્યો પણ ન હોય તેવો મોટો કલહ થયો. તે અસુરો સાંભળનારાના કાનમાં કીડા પડે તેવા ગાળાગાળીના અપશબ્દો ઉચ્ચસ્વરે બોલવા લાગ્યા. જેથી ભયંકર ગર્જના થવા લાગી.૫૧-૫૨

મંડાયું ઘમાસણયુધ્ધ :- હે રાજન્ ! આ પ્રમાણે તે અસુરો પરસ્પર એકબીજાની ભર્ત્સના અને તિરસ્કાર કરતા તત્કાળ તીખી તલવારો ઉઠાવી લીધી. કોઇ અસુરોએ શક્તિ નામનું શસ્ત્ર ઉઠાવ્યું તો કોઇએ ધનુષ્ય ઉઠાવ્યું અને કોઇએ તે તીક્ષ્ણ ધારદાર કુહાડીઓ હાથમાં લીધી. વળી કોઇ ભાલા તો કોઇ ચાબુકો ઉઠાવી અને કેટલાય તો ખાટલાના પાયા અને ઇસ આદિ ઉઠાવ્યા. કોઇએ લોહદંડ ધારણ કર્યા તો કોઇએ કાષ્ઠના દંડ ધારણ કર્યા. કોઇના હાથમાં લોખંડના ચીપિયા તો કોઇના હાથમાં સિંદૂરથી અર્ચા કરેલાં ત્રિશૂલ અને કોઇના હાથમાં બંદૂકો તો કોઇએ છરાઓ ધારણ કર્યા. અને કોઇ કોઇ તો અગ્નિ બાણો ઉઠાવ્યાં.૫૩-૫૫

તે અસુરોએ ક્રોધથી ઉઠાવેલાં એ શસ્ત્રો અને અસ્ત્રો તેમજ મુષ્ટિકાના પ્રહારો કરવા લાગ્યા. વળી કેટલાક લાકડીઓ, લોહદંડો, વૃક્ષની ડાળીઓ અને પથ્થરાઓથી નિર્દયપણે પરસ્પર એકબીજાને મારવા લાગ્યા.૫૬

બળવાન અસુરોએ પ્રહાર કરેલા આયુધોના ભયંકર અવાજો થવા લાગ્યા. તેમજ ઢોલ નગારાં અને તુરી આદિ વાજિંત્રોના ભયાનક નાદોની સાથે ''મારો મારો'' એવા શબ્દની ધડબડાટી મચી ગઇ. માંસભક્ષણથી મદમસ્ત બનેલા અસુરોનું તુમુલ યુદ્ધ શૂરવીર પુરુષો પણ ન જોઈ શકે તેવું બિહામણું લાગતું હતું.૫૭-૫૮

અત્યાચારી તે અસુરોના યુદ્ધમાં માંસભક્ષી સમડા, કાગડા, ગીધડાં, કૂતરાં વગેરે પ્રાણીઓનો મહાન આનંદ ઉત્સવ થયો.૫૯

તેવી જ રીતે માંસભક્ષણ કરનારા અને રુધીર પીનારા પિશાચો, શાકિની, યોગિની, રાક્ષસ, ભૈરવ વગેરે ભૂતગણોને પણ મહા આનંદ ઉત્સવ થયો.૬૦

હે રાજન્ ! તે યુદ્ધમાં તલવાર આદિ તીક્ષ્ણ આયુધોથી કપાયેલા અસુરોનાં હજારો માથાં પૃથ્વી પર પડતાં હતાં.૬૧

વળી તે યુદ્ધમાં કેટલાકના પગ કપાયા, કેટલાકના હાથ કપાયા. આવી રીતે શરીરનાં કેટલાંય અંગો કપાઇને પૃથ્વી પર પડવા લાગ્યાં.૬૨

અત્યાચારીઓનો બૂરો અંત :- હે રાજન્ ! દાંતથી પીસાયેલા હોઠવાળા અને ધરતી ઉપર પડેલાં તે અસુરોનાં માથાંઓ મનુષ્યોથી જોઇ ન શકાય તેવાં વિરૂપ બની ગયાં હતાં.૬૩

હે રાજન્ ! આ પ્રમાણે ક્રોધથી એકબીજાનો સંહાર કરતા દશહજાર જેટલા અસુરો યુદ્ધારંભના પ્રથમ દિવસે જ યમરાજાના અતિથિ થયા.૬૪

અને તે દિવસથી આરંભીને માંસભક્ષણથી બળવાન અને મદિરાપાનથી મદમસ્ત બનેલા તેમજ પહેલા દિવસના યુદ્ધમાં બચી ગયેલા અસુરો પરસ્પર વિજયી થવાની આશાથી પ્રતિદિન રણસંગ્રામ ખેલવા લાગ્યા.૬૫

હે રાજન્ ! આ પ્રમાણે કોઇ દિવસ પાંચ હજાર, કોઇ દિવસ બે હજાર, કોઇ દિવસ એક હજાર, કોઇ દિવસ પાંચસો, તો કોઇ દિવસ બસો, સો અને પચાસ આમ પરસ્પર યુદ્ધ કરવાથી અસુરો મરણને શરણ થયા. હે રાજન્ ! આમ ને આમ બે મહિના સુધી મહારણસંગ્રામ ખેલાયો.૬૬-૬૭

આ પ્રમાણે ધર્મદ્રોહી સર્વે અસુરોનો ભગવાન શ્રીનીલકંઠવર્ણીની સંકલ્પરૂપ માયાથીજ મહા વિનાશ થયો તેથી સર્વે દેવતાઓને ખૂબજ આનંદ થયો.૬૮

નાક, કાન તથા હાથ, પગ કપાયેલા કેટલાક અસુરો અને કેટલાક ભીષણ રણસંગ્રામથી ભય પામેલા અસુરો ત્યાંથી નાસી છૂટયા.૬૯

તે અસુરોએ દેશાંતરમાં જઇ ત્યાં રહેલા પોતાના બળવાન સાથીદારોને આરંભથી અંત સુધીની તમામ હકીકત કહી સંભળાવી.૭૦

તે સાંભળી અસુરોને ભગવાન શ્રીહરિ ઉપર અત્યંત વૈરબુદ્ધિ થઇ પછી તેમને શોધીને મારી નાખવાની ઇચ્છાથી શસ્ત્ર તથા અસ્ત્રના પ્રહારોની યુક્તિ-પ્રયુક્તિઓનો અભ્યાસ મન દઇને કરવા લાગ્યા.૭૧

હે રાજન્ ! તે જગન્નાથપુરીમાં ધર્મના દ્રોહી અસુરોના સમૂહો જ્યારે મરણને શરણ થયા ત્યારે અધર્મનું મૂળ નાશ પામ્યું. એ પ્રમાણે શ્રીહરિ માનવા લાગ્યા.૭૨

અશ્વત્થામાનો શાપ રહ્યો અકબંધ :- હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ કુસંગથી અસુરો થયેલા પરંતુ વાસ્તવિક્તાએ દૈવી સંપત્તિવાળા જનોને જ્ઞાનનો બોધ આપ્યો અને દુરાચારનો ત્યાગ કરાવી ફરી સન્માર્ગે વાળ્યા. તેવી જ રીતે શ્રીહરિએ તેઓને ભગવાનની ભક્તિ અને અહિંસા આદિ સમગ્ર ધર્મનો પણ ઉપદેશ કર્યો અને તે સર્વે દૈવી જીવોએ સ્નેહપૂર્વક શ્રીહરિનું સન્માન અને પૂજન કર્યું.૭૩-૭૪

તે શ્રીહરિના પ્રતાપથી દૈવી જીવોના અંતરનું અંધારું નષ્ટ થયું, તેથી શ્રીહરિને પ્રત્યક્ષ નારાયણ જાણી તેમનાં વચનોમાં વર્તી ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન્ ! આ પ્રમાણે ઐશ્વર્યના નિધિ ભગવાન શ્રીહરિએ સૂર્ય જેમ અંધકારનો નાશ કરે તેમ શસ્ત્ર વિના પણ પોતાના પ્રતાપથી ધર્મદ્રોહી અસુરોનો વિનાશ કર્યો.૭૫-૭૬

હે રાજન્ ! ધર્મનંદન શ્રીહરિ ધર્મ અને ભક્તિનું પોષણ અને તેના દ્રોહીઓનો પરાભવ કરતા કરતા તે જગન્નાથપુરીમાં દશ મહિના સુધી રોકાયા. હે રાજન્ ! ભગવાન શ્રીહરિકૃષ્ણનાં આ પાવનકારી ચરિત્રનું જે કોઇ પણ મનુષ્યો શ્રવણ કરશે અથવા કીર્તન કરશે તે સર્વે પોતાના અંતઃશત્રુઓની આપત્તિઓના સમૂહ થકી મુક્ત થશે અને દેહને અંતે ભગવદ્ધામને પામશે.૭૭-૭૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઓરીસા પ્રાંતની જગન્નાથપુરીમાં અસુરોના સમૂહોનો પરાભવ કર્યો,તેનું વર્ણન કર્યું એ નામે અડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૮--