અધ્યાય -૪૯ - નીલકંઠવર્ણી દક્ષિણ ભારતની યાત્રાએ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 9:14pm

અધ્યાય - ૪૯ - નીલકંઠવર્ણી દક્ષિણ ભારતની યાત્રાએ.

વર્ણીરાજનું માનસપુરમાં આગમન :- સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! દિવ્યદેહે પરિવારે સહિત ધર્મ-ભક્તિ સદાય જેની સાથે ચાલે છે એવા વર્ણીરાજ શ્રીહરિએ એકલા જગન્નાથપુરીથી દક્ષિણ ભારત તરફ પ્રયાણ કર્યું.૧

મહાન પ્રસિદ્ધતીર્થ સેતુબંધ રામેશ્વર જવાની મનમાં ઇચ્છા રાખી આગળ ચાલ્યા જતા વર્ણીરાજ શ્રીહરિ આદિકૂર્મ નામના તીર્થમાં પધાર્યા અને ત્યાંથી મહા વનમાં ચાલતા ચાલતા માનસપુર નામના નગરમાં આવ્યા.૨

ત્યાંના દૈવી સંપત્તિને વરેલા સત્રધર્મા નામના મહારાજાએ શ્રીહરિને મોટા પુરુષ જાણી તેમનું સન્માન કર્યું, અને પોતાના રાજભવનમાં ઉતારો કરાવ્યો.૩

હે રાજન્ ! પરંતુ શ્રીહરિએ ખુલ્લા આકાશવાળા એકાંત સ્થળમાં એક વેદિકા ઉપર પોતાનો નિવાસ કર્યો અને રાજસેવકો સમયે સમયે આદરપૂર્વક શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૪

તે સમયે જગન્નાથપુરીના યુદ્ધમેદાનમાંથી નાસી છૂટેલા અને અહીં આવીને વસેલા અસુરોએ માનસપુરમાં જ રહેતા અસુરોને જણાવ્યું કે, એક નાનકડા બ્રહ્મચારીએ પુરીમાં આપણા મિત્રોને મરાવી નાખ્યા તે જ અહીં આવ્યો છે. તે જાણીને સર્વે અસુરો વર્ણીરાજને મારવાના ઉપાયો કરવા લાગ્યા.૫

પથ્થરના વરસાદમાં પણ વર્ણીનો અદ્ભૂત બચાવ :- રાત્રીએ વેદિકા ઉપર શ્રીનીલકંઠ વર્ણીને એકલા બેઠેલા જાણી સેંકડો અસુરો ભેળા મળ્યા અને શ્રીહરિ ઉપર પથ્થરનો વરસાદ વરસાવવા લાગ્યા.૬

પાપથી તેઓની બુદ્ધિ નષ્ટ પામી હતી તેથી નિર્દોષ અને સદ્ગુણે સંપન્ન એવા શ્રીહરિ ઉપર સાયંકાળથી આરંભી સવાર સુધી પથ્થરા ફેંક્યા.૭

વેદિકાની ચારે તરફ સેંકડો પથ્થરોનો મોટો ઢગલો થયો, આશ્ચર્ય એ થયું કે તેમાંથી એક પણ પથ્થર શ્રીહરિને સ્પર્શી શક્યો નહિ.૮

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાનું પ્રગટ ઐશ્વર્ય દેખાડયું છતાં મોત નજીક આવેલું હોવાથી તેઓએ શ્રીહરિને વિષે દ્રોહબુદ્ધિનો ત્યાગ કર્યો નહિ.૯

પથ્થરમારાનો પ્રયત્ન નિષ્ફળ જવા છતાં શસ્ત્રોથી શ્રીહરિને મારી નાખવાની ઇચ્છા રાખી તે સર્વે અસુરો પોતપોતાનાં હથિયારો સજ્જ કરવા લાગ્યા અને ટોળામાં સજ્જ થઇ શ્રીહરિને મારવાનો અવસર શોધવા લાગ્યા.૧૦

પ્રાતઃકાળે સત્રધર્મરાજાએ પથ્થરના વરસાદમાં પણ વર્ણીરાજનો બચાવ થયો જાણી તત્કાળ ત્યાં આવ્યા અને સમસ્ત પુરવાસી જનો પણ ત્યાં આવ્યાં. ને શ્રીહરિને એક પણ નહિ સ્પર્શેલા પથ્થરના ઢગલાને જોઇને સૌને આશ્ચર્ય થયું.૧૧

સત્રધર્મરાજા શ્રીહરિને શરણે :- વિસ્મય પામેલા સત્રધર્મા રાજા કહેવા લાગ્યા કે, પૂર્વે નૃસિંહ ભગવાને જેમ પ્રહ્લાદની રક્ષા કરી હતી તેમ મહાપુરુષ આ બાલાયોગીની ભગવાને ચોક્કસ રક્ષા કરી છે. તો શું આ વર્ણી સ્વયં ભક્તરાજ પ્રહ્લાદજી તો નહિ હોય ને ? આ પ્રમાણે વિચાર કરી સત્રધર્મા રાજા શ્રીહરિપ્રત્યે કહેવા લાગ્યા કે, હે વર્ણી ! આજથી હું તમારો છું.૧૨-૧૩

હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિએ મુમુક્ષુ સત્રધર્મારાજા તથા મુમુક્ષુ તેનાં સગાસંબંધીઓ અને મુમુક્ષુ પ્રજાજનોને શાસ્ત્રવિધિ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો આશ્રય કરાવી મંત્રનો ઉપદેશ કર્યો.૧૪

શ્રીહરિ પાસે દીક્ષા લીધા પછી રાજાની બુદ્ધિ અત્યંત વિશુદ્ધ થઇ તેથી શ્રીહરિને જ સાક્ષાત્ કૃષ્ણ માની તેમને પથ્થર મારી દ્રોહ કરનારા અસુરોને અતિ પાપી જાણી પોતાના ક્રૂર સૈનિકો દ્વારા તેઓનો વિનાશ કરાવ્યો.૧૫

વર્ણીરાજનું વેંકટાદ્રિ, શિવકાંચી, વિષ્ણુકાંચી, અને શ્રીરંગક્ષેત્રમાં આગમન :- પોતાનાં પાપે જ પાપીઓ મરાયા છે, એમ જાણતા શ્રીહરિનું સત્રધર્મા રાજાએ પૂજન કર્યું. ત્યારપછી શ્રીહરિ ત્યાંથી વેંકટાદ્રિ તીર્થમાં પધાર્યા. ત્યાં અર્ચા સ્વરૂપે બિરાજતા ભગવાન વેંકટેશ શ્રીવિષ્ણુનાં દર્શન કરી, ત્યાંથી શ્રીહરિ શિવકાંચી અને વિષ્ણુકાંચી તીર્થમાં દર્શન કરી શ્રીરંગક્ષેત્રમાં પધાર્યા.૧૬-૧૭

ત્યાં કાવેરી નદીમાં સ્નાન કરી શ્રીહરિએ નદીના પૂર્વભાગમાં પુષ્પ અને ફળથી નમી ગયેલાં વૃક્ષોથી શોભતો એક બગીચામાં ઉતારો કર્યો.૧૮

ત્યાં શ્રીહરિ બે માસ સુધી રોકાયા અને ત્યાંના વૈષ્ણવો સાથે શુભ સંવાદો યોજી પોતાના પ્રભાવથી તેઓમાં રહેલા દુરાચારનો ત્યાગ કરાવી શુદ્ધ કર્યા.૧૯

અને વળી તે શ્રીરંગક્ષેત્રમાં કેટલાક વિપ્રો મારણ, મોહન, ઉચ્ચાટન આદિક આભિચારિક કર્મમાં પ્રવૃત્ત થઇ ગયેલા હતા. તે સેંકડો વિપ્રોને શ્રીહરિએ પોતાના પ્રભાવથી પરાભવ કરી દુષ્ટ પ્રવૃત્તિમાંથી બહાર કર્યા અને પોતાનો અલૌકિક પ્રતાપ શ્રીરંગક્ષેત્રમાં ફેલાવ્યો.૨૦

હે રાજન્ ! શ્રીહરિના પ્રતાપથી તે વિપ્રનું અનાદિ માયાનું અજ્ઞાન દૂર થયું અને શ્રીહરિને જ પોતાના ઇષ્ટદેવ સાક્ષાત્ લક્ષ્મીનારાયણ ભગવાન જાણી તેમની પ્રગટ ભક્તિ કરવા લાગ્યા.૨૧

સેતુબંધ રામેશ્વરમાં પધરામણી :- હે રાજન્ ! શ્રીહરિ શ્રીરંગક્ષેત્રથી ચાલ્યા તે મહાપાપોને પ્રજાળનાર સેતુબંધ તીર્થમાં પધાર્યા. ત્યાં સમુદ્રમાં સ્નાન કરી રામેશ્વરનાં દર્શન કર્યાં અને તપસ્વીઓને અતિશય પ્રિય એવા તીર્થક્ષેત્રમાં બે માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. ત્યાંથી એકાકી ચાલેલા શ્રીહરિ સુંદરરાજ તીર્થમાં તે નામના વિષ્ણુ ભગવાનની સમીપે પધાર્યા.૨૨-૨૩

સુંદરરાજતીર્થથી ભૂતપુરી તરફ પ્રયાણ :- હે રાજન્ ! સુંદરરાજ ભગવાનનાં દર્શન કરી ભૂતપુરી પ્રત્યે પ્રયાણ કરતા ભગવાન શ્રીહરિ અતિ ગહન મહાવનમાં આવ્યા. એ જંગલમાં ચાલતાં શ્રીહરિને પાંચ દિવસ સુધી અન્ન કે જળ કાંઇ જ મળ્યું નહિ.૨૪

હે રાજન્ ! પાંચમે દિવસે સાયંકાળે શ્રીહરિ એક જળાશયની સમીપે પધાર્યા. તેમાં સ્નાન કરી શાલગ્રામ ભગવાનનું ચંદનાદિ વડે પૂજન કર્યું. તે સમયે તપસ્વીઓના ગુરુ ભગવાન શ્રીહરિએ દૈવ ઇચ્છાએ પ્રાપ્ત થયેલ ચાર વનફળીઓને અગ્નિમાં શેકી શાલગ્રામ વિષ્ણુને નૈવેદ્ય કરી તેનો પોતે પણ પ્રસાદ સ્વીકાર્યો.૨૫-૨૬

હે રાજન્ ! શ્રીહરિ રાત્રીના પ્રથમ પ્રહર સુધી તે જળાશયના કાંઠે રોકાયા પછી ત્યાંથી આગળ ચાલતા થયા. આગળ જતાં છઠ્ઠા દિવસના મધ્યાહ્ન સમયે શ્રીહરિ એક કૂવાની સમીપે પહોંચ્યા. હે રાજન્ ! શ્રીહરિએ તે કૂવામાંથી કમંડલુદ્વારા જળ સિંચી સ્નાન કર્યું. અને વટવૃક્ષની છાયામાં બેસી આહ્નિક વિધિ કર્યો.ર૭-ર૮

એવા સમયમાં જગતને સુખી કરનારા જગતના માતાપિતા પૃથ્વીપર સદાય પ્રત્યક્ષપણે વિરાજમાન રહે છે. તે ઉપાસકોને વરદાન આપનારાં, જલદી પ્રસન્ન થઇ જતાં અને તપ અતિશય જેને વ્હાલું છે એવા અને તપસ્વીઓ ઉપર બહુ હેત રાખનારાં બન્ને શિવ અને પાર્વતીદેવી તીર્થોમાં વિચરણ કરતાં કરતાં દૈવઇચ્છાએ ત્યાં આવ્યાં.૨૯-૩૦

હે રાજન્ ! તે બન્નેએ સર્વજ્ઞાપણાથી જાણી લીધું કે, આ વર્ણીરાજ શ્રીહરિ છે તે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આ પૃથ્વી પર પ્રગટ થઇ મનુષ્યનાટકને કરતા સાક્ષાત્ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે.૩૧

તેથી તેમનાં દર્શનમાં બન્નેને મહા ઉત્સાહ પ્રગટ થયો, અને ભગવાને મનુષ્યનાટય કર્યું હોવાથી પોતે પણ બન્ને મનુષ્ય નાટયને કરતાં બીજા મનુષ્યોને પોતાનાં અસલ સ્વરૂપની જાણ ન થાય તે રીતે 'કાપડી' નો વેષ ધારણ કરી શરીરે દુર્બળ છતાં રમણીય જણાતાં પતિ-પત્ની નંદીકેશ્વર ઉપર સવાર થઇ શિવ, શિવ એવા નામમંત્રનો જપ કરતાં કરતાં શ્રીહરિની સમીપે પધાર્યાં.૩૨-૩૩

હે રાજન્ ! ભગવાંવસ્ત્રધારી બન્ને શિવ-પાર્વતી અતિ તપસ્વીના વેષમાં બેઠેલા શ્રીહરિને જોઇ તત્કાળ નંદીશ્વર પરથી નીચે ઉતરી તેમને નમસ્કાર કરી શ્રીહરિની લીલાનાં દર્શન કરતાં કરતાં સમીપમાં જ બેસી રહ્યાં.૩૪

તે સમયે શ્રીહરિ પ્રવાસને કારણે સવારે પાણીનો યોગ મળતાં મોડું થયું હોવાથી પ્રાતઃ અને મધ્યાહ્ન બે સંધ્યાનું એક સાથે અનુષ્ઠાન કરી રહ્યા હતા. ત્યારે શાલગ્રામ વિષ્ણુની પૂજાનો પ્રારંભ તેમને સ્નાન કરાવાના વિધિથી ચાલું કર્યો.૩૫

શ્રીહરિએ પ્રથમ શાલગ્રામને ચંદનના પાત્રમાં પધરાવ્યા પછી વેદમંત્રના ઘોષની સાથે કાષ્ઠના મોટા કમંડલુની ધારાએ તેમનો અભિષેક કરવા લાગ્યા.૩૬

હે રાજન્ ! પાંચ પ્રસ્થ (આશરે પાંચ લીટર) જેટલા જળથી ભરેલું કમંડલ શાલગ્રામને અભિષેક કરતાં કરતાં ખાલી થઇ ગયું. છતાં શાલગ્રામના આધારભૂત ચંદનની નાની કઠારી પૂર્વવત્ જળ વિનાની ખાલી શ્રીહરિને જોવામાં આવી.૩૭

આટલું બધું જળ ક્યાં ગયું હશે ? આ પ્રમાણે વિચારી શ્રીહરિએ કઠારીને ઊંચી કરીને જોઇ પણ તેમાં ક્યાંય છિદ્ર જોવામાં આવ્યું નહિ. તેથી તેને ફરી ધરતીપર પધરાવી.૩૮

તૃષાતુર થયેલા શાલગ્રામ જ સમગ્ર જળપાન કરી ગયા છે, એવો મનમાં નિર્ણય કરી તેમની તૃષા નિવૃત્તિ કરવાની સ્વયં શ્રીહરિએ ઇચ્છા કરી.૩૯

હે રાજન્ ! શ્રીહરિ કૂવામાંથી કમંડલું દ્વારા જળ સિંચી તેની ધારાએ શાલગ્રામને અભિષેક કર્યો તે બધું જળ શાલગ્રામ પી ગયા.૪૦

વળી શ્રીહરિએ ફરીથી જળ સીંચી અભિષેક કર્યો તો તે પણ બધું જળ શાલગ્રામ પી ગયા. તેથી મંદમંદ હસ્તા શ્રીહરિએ ફરીથી કૂવામાંથી જળ સીંચ્યું અને કમંડલુંની ધારાએ અભિષેક કરવા લાગ્યા.૪૧

તે જળ પણ જ્યારે શાલગ્રામ પી ગયા ત્યારે શ્રીહરિએ જાણ્યું કે શાલગ્રામ અતિશય તરસ્યા થયા છે. તેથી ફરી જળનું કમંડલું ભરવા કૂવાની સમીપે આવ્યા.૪૨

હે રાજન્ ! કૂવામાંથી વારે વારે જળ સીંચવાના પરિશ્રમથી શ્રીહરિનાં સમગ્ર અંગ ઉપર પરસેવાનાં બિંદુ લાગ્યાં. શ્રીહરિ છ દિવસના ઉપવાસી હતા છતાં તેમની ઉત્કૃષ્ટ ભક્તિ જોઇ શંકર-પાર્વતી અતિશય વિસ્મય પામ્યાં.૪૩

હે રાજન્ ! પોતાની સેવા કરનારા સેવક ઉપર વાત્સલ્ય વરસાવનારા ભગવાન શાલગ્રામ પણ, નીલકંઠવર્ણીને થાક લાગ્યો છે, એમ જાણી તત્કાળ તૃપ્ત થયા.૪૪

ફરીને શ્રીહરિ જ્યાં જળ લઇને આવ્યા ત્યારે સ્નાનપાત્રમાં જળ જોયું, તેથી હવે શાલગ્રામ ભગવાનની તૃષા શાંત થઇ છે, એમ જાણી શ્રીહરિએ ચંદનાદિ ઉપચારોથી પૂજન કર્યું.૪૫

ત્યારપછી શ્રીહરિ મનથી ચિંતા કરવા લાગ્યા કે શાલગ્રામની બહોળી તૃષા તો શાંત થઇ પરંતુ અત્યારે ક્ષુધાની નિવૃત્તિ કેમ થશે ?૪૬

પાર્વતીજીએ કર્યો સાથવો અર્પણ :- આ પ્રમાણે ભગવાન શ્રીહરિ શાલગ્રામના ભૂખની ચિંતા કરવા લાગ્યા, પણ પોતાને છ ઉપવાસ થયા છે તેની લેશમાત્ર મનમાં ચિંતા કરતા નથી.૪૭

હે રાજન્ ! ચિંતા કરતા શ્રીહરિને જાણી પોતાને સેવાનો અવસર પ્રાપ્ત થતાં શિવ-પાર્વતી અતિશય પ્રસન્ન થયાં અને શિવે પાર્વતીને કહ્યું કે, હે પ્રિયે ! તમે ભગવાન શાલગ્રામને નૈવેદ્ય ધરવા માટે પોટલીમાં બાંધેલો સાથવો અને મીઠું તત્કાળ આ બ્રહ્મચારીને અર્પણ કરો.૪૮-૪૯

હે રાજન્ ! પતિનું વચન સાંભળી તત્કાળ ઉમામૈયાએ પોટલીની ગાંઠ છોડી, નાની કોથળીમાં રહેલો એક શેર જેટલો સાથવો નીલકંઠવર્ણીને અર્પણ કર્યો.૫૦

ત્યારે શ્રીહરિએ સાથવામાં મીઠું મિશ્ર કરી જળ મેળવી શાલગ્રામને નૈવેદ્ય અર્પણ કર્યું. ત્યારપછી શાસ્ત્રવિધિ અનુસાર શાલગ્રામ ભગવાનની પૂજા સમાપ્ત કરી.૫૧

હે રાજન્ ! દેવ અને મનુષ્યને તેનાં લક્ષણો ઉપરથી સારી રીતે ઓળખી જતા શ્રીહરિ આ દંપતિ દરિદ્ર ભિક્ષુકના વેષમાં હોવા છતાં કોઇ અમાનવ છે, એવું નક્કી કરીને બન્નેને નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે, આકસ્મિક અહીં પધારેલાં, શાંત સ્વભાવવાળાં, કરુણાના ભંડાર સમા, યોગિના રૂપથી પોતાના અસલ સ્વરૂપને ગુપ્ત રાખનારાં શિવ-પાર્વતી જેવાં જણાતાં તમે બને કોણ છો ? તમારું નામ શું છે ? ગોત્ર શું છે ? આવા મહા જંગલમાં આપના જેવા યોગીઓનાં દર્શન દુર્લભ છે, તમે બન્ને નિશ્ચય મનુષ્ય તો નથી જ એ નક્કી છે. માટે આપનો યથાર્થ પરિચય મને આપો. ખોટું બોલશો નહિ.૫૨-૫૪

શ્રીહરિના પૂછવાથી તેઓ કહેવા લાગ્યાં કે, હે બાલાયોગી ! તમે ભૂખ અને તરસથી ખેદ પામી રહ્યા છો, તમારું શરીર અત્યંત દુર્બળ થયું છે, તેથી તમે જળપાન કરો અને વિષ્ણુને નૈવેદ્ય કરેલો સાથવો પણ આરોગો. પછી આપણે પરસ્પર વાર્તાલાપ કરીશું. હે રાજન્ ! આ પ્રમાણે બન્નેએ કહ્યું તેથી શ્રીહરિએ તે બન્નેને આદર આપી સાથવો જમ્યા અને જળપાન કર્યું. પછી તે બન્નેની સમીપે બેઠા.૫૫-૫૬

પરિચયની સાથે શિવજીએ આપ્યાં દિવ્યદર્શન :- હે રાજન્ ! ત્યારે યોગીવેષધારી શિવજી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વિપ્ર ! તમે બ્રહ્મચર્યવ્રતમાં દૃઢ નિષ્ઠાવાળા છો. તપમાં પ્રીતીવાળા અને ક્રોધ ઉપર વિજય મેળવનારા મહાન ભગવાનના ભક્ત છો. તેથી તપસ્વી પુરુષની આગળ ખોટું બોલવું તે સમગ્ર પુણ્યનો વિનાશ સર્જે છે, અને અત્યાર સુધી હું કોઇની આગળ ખોટું બોલ્યો પણ નથી તેથી તમારી આગળ પણ ખોટું બોલીશ નહિ.૫૭-૫૮

હે વર્ણીરાજ ! હું સાક્ષાત્ શંકર છું, આ પાર્વતી દેવી છે, તપસ્વીઓને પણ મારું દર્શન દુર્લભ છે, છતાં દૈવી ઇચ્છાએ હું તમારી સમીપે આવ્યો છું. આ પ્રમાણે કહી શિવજીએ પોતાના મૂળ સ્વરૂપનું દર્શન કરાવ્યું, ત્યારે નીલકંઠવર્ણીએ પણ આશ્ચર્યપૂર્વક દિવ્યાકાર શિવજીનાં દર્શન કર્યાં.૫૯-૬૦

હે રાજન્ ! તે સમયે શિવજીનો કપૂર સમાન ગૌરવર્ણ હતો. અનેક સૂર્યની સમાન ઉજ્જ્વલ શરીરની કાંતિ હતી. અંગ ઉપર ભભૂત લગાવી હોવાથી અવયવો દર્શનીય અને સુંદર જણાતાં હતાં. યજ્ઞોપવીતના પ્રતિક સ્વરૂપે નાગરાજને ખભાથી કેડ સુધી વર્તુળાકારે ધાર્યો હતો. બાજુબંધ હાર અને કટિમેખલાની જગ્યાએ પણ સર્પો જ ધારણ કર્યા હતા.૬૧

વાઘાંબર અને ગજાંબરનાં વસ્ત્ર યુગલથી શોભતા હતા. તેમનું મુખ ખીલેલા કમળની સમાન મંદમંદ હાસ્યથી શોભતું હતું. ચંદ્રમાની કાંતિથી ચળકતા સ્વતઃસિદ્ધ સુંદર વિશાળ ભાલથી રમણીય લાગતા હતા. ચળકતાં સુવર્ણ સમાન પિંગલવર્ણ જટા મસ્તક ઉપર ધારી હતી.૬૨

શ્રીહરિની આગળ પૃથ્વી પર દર્ભના આસન ઉપર વીર આસનની મુદ્રામાં બેઠા હતા. તેમનાં ત્રણે નેત્રો સ્થિર હતાં, તેમનું શરીરપણ સ્થિર હતું. ડાબા હાથે પોતાના ભક્તોને અભયદાન આપતી મુદ્રા ધારણ કરી હતી. તથા જમણા હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી.૬૩

ડાબે પડખે પાર્વતીજી બેઠાં હતાં અને ત્રિલોકીની પતિવ્રતા નારીઓનો સમૂહ ભક્તિભાવપૂર્વક તેમના ચરણની પૂજા કરતો હતો. બાજુમાં બેઠેલાં પાર્વતીજી સ્નેહપૂર્વક વીંજણો ઢોળીને સેવા કરી રહ્યાં હતાં. નંદીશ્વર આદિ પાર્ષદોનું મંડળ સ્તુતિ કરતું હતું.૬૪

બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી સુંદર મોક્ષ સંબંધી બુદ્ધિને વરેલા અને વિનમ્રતાથી બે હાથ જોડીને સામે ઊભેલા કાર્તિક સ્વામી, નારદજી, સનંદન આદિ ચાર સનકાદિકો અને અનેક ઋષિમુનિઓ અતિ હર્ષપૂર્વક તેમના કરુણા ભરેલા કૃપાકટાક્ષને નિહાળી રહ્યા હતા.૬૫

આ પ્રમાણે પ્રત્યક્ષ દિવ્યાકાર શિવજીનાં દર્શન કરી વર્ણીરાજ શ્રીહરિ બે હાથ જોડી વંદન કરી રોમાંચિત ગાત્રે પ્રેમપૂર્વક વિનમ્રભાવે આંખમાં હર્ષનાં અશ્રુઓ સાથે જગતના અધીશ્વર ભગવાન શિવજીની સ્તુતિ કરવા લાગ્યા.૬૬

શિવસ્તુતિ :- નીલકંઠવર્ણી સ્તુતિ કરતાં કહે છે, હે ભગવાન શંકર ! હું તમને પ્રણામ કરું છું. તમે સદાય કલ્યાણકારી મૂર્તિ છો, શાશ્વત છો, સર્વજગતના ઇશ્વર છો, પ્રશાંતમૂર્તિ છો, દિશાઓના પતિ ઇન્દ્રાદિ દેવતાઓના પણ ઇશ્વર છો. બ્રહ્માદિ સમસ્ત દેવતાઓ તમારાં ચરણ કમળનું પૂજન અર્ચન કરે છે. એવા સર્વેને સુખને કરનારા હે શંકર ! તમને હું પ્રણામ કરું છું.૬૭

તમે સર્વેશ્વર છો. સર્વગુણોના ભંડાર છો. દેવ છો. મહાદેવ છો. ઉદાર કીર્તિવાળા છો. વિદ્યા, તપ અને યોગકલાના નિધિ છો. એવા હે ભગવાન શંકર ! તમને હું પ્રણામ કરું છું.૬૮

તમે કાળે સહિત માયા અને યમરાજના ભયને ભાંગનારા છો. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ છો. પ્રાચીન બર્હિષ રાજાના પુત્રો પ્રચેતાઓના ગુરુ છો. પૂર્ણકામ છો. એવા હે ભગવાન શંકર ! તમને હું પ્રણામ કરું છું.૬૯

તમે સમુદ્રમંથન વખતે નીકળેલા હળાહળ કાળકૂટ વિષથી સમસ્ત વિશ્વનું રક્ષણ કરનારા છો. તમે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનારા મૃત્યુંજય છો. તમે પૂજા કરનારા ભક્તો ઉપર જલદીથી પ્રસન્ન થનારા આશુતોષ છો. ત્રીજું નેત્ર ખોલી કામદેવના શરીરને ભસ્મભૂત કરનારા એવા હે ભગવાન શંકર ! તમને હું પ્રણામ કરું છું.૭૦

તમે સમસ્ત વિદ્યા, શાસ્ત્ર અને મંત્રની પ્રવૃત્તિના મૂળ કારણરૂપ છો. વૈરાગ્યના વેગથી સમગ્ર વિષયભોગનો ત્યાગ કરનારા છો. મુમુક્ષુઓ અને મુક્તજનો દ્વારા સદાય સેવા કરવા યોગ્ય છો. એવા હે ભગવાન શંકર ! તમને હું પ્રણામ કરું છું.૭૧

તમે મસ્તકની જટામાં ગંગાને ધારણ કરનારા છો. અંધક નામના દૈત્યનો વિનાશ કરનારા છો. કૈલાશના અધિપતિ છો. પોતાના સેવકવૃંદને સુખી કરનારા છો. કેવળ તમારા નામમંત્રનો કોઇ ઉચ્ચાર કરે તેના પાપના સમૂહોનો નાશ થઇ જાય છે. એવા હે ભગવાન શંકર ! તમને હું પ્રણામ કરું છું.૭૨

તમે કાશીમાં વિરાજતા શ્રીવિશ્વનાથ નામથી પ્રસિદ્ધ છો. સમીપ મૃત્યુવાળા મનુષ્યના જમણા કાનમાં શ્રીરામ નામના તારકમંત્રનો ઉપદેશ કરનારા છો, ભવસાગરમાંથી અને મહાપાપી જીવોનો ઉદ્ધાર કરનારા છો. એવા હે ભગવાન શંકર ! તમને હું પ્રણામ કરું છું.૭૩

તમે દેવ આદિ સર્વનાં દુઃખને હરનારા છો. હર એવા નામને ધારણ કરનારા છો. પ્રતિવ્રતાના ધર્મમાં અચળ એવાં પાર્વતીદેવીના પ્રાણનાથ છો, ત્રિપુર નામના દૈત્યનો અંત લાવનારા છો. નંદીશ્વરનામના વૃષભનું ચિહ્ન ધ્વજામાં ધારણ કરનારા છો.તમે મંગળ મૂર્તિ છો. અને સર્વેના ઇશ્વર છો. એવા હે ભગવાન શંકર ! તમને હું પ્રણામ કરું છું.૭૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ધર્મપુત્ર ભગવાન શ્રીહરિએ સદાશિવની સ્તુતિ કરી પ્રણામ કર્યા. ત્યારપછી દુર્મતિનો વિનાશ કરનારાં જગદંબા મા દુર્ગાદેવીનું સ્તવન કરવા લાગ્યા.૭૫

જગદંબાસ્તુતિ :- હે માતા ! તમે અખિલ લોકનાં માતા છો. સદાય કલ્યાણકારી છો. સર્વનું મંગલકરનારાં છો. સર્વેશ્વરી છો. સમસ્ત લોકને ધારણ કરનારાં છો. મહાસતી છો. શંકરનાં શક્તિસ્વરૂપા છો. સમસ્ત જગતનાં આદિ છો. એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૭૬

તમે ઇન્દ્રાદિ દેવગણોને કષ્ટ આપનારા અસુરોનાં વૃંદને વિનાશ કરનારાં છો. અને સર્વે દેવતાઓને સદાય સુખ આપનારાં છો. એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૭૭

તમે નિશુંભ અને શુંભ નામના અસુરોનો ગર્વ હણનારાં છો. પોતાના આશ્રિતજનોની વિપત્તિઓના સમૂહનો વિનાશ કરનારાં છો. ભગવાન વિષ્ણુનું કોઇ પણ કાર્ય કરવા સદાય તત્પર રહો છો તેથી યોગમાયા નામે પ્રસિદ્ધ છો. એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૭૮

તમે દેવતાઓના શત્રુ એવા અસુરોના વિનાશ માટે કાલિકા આદિ અનેક અન્ય શક્તિઓને ઉત્પન્ન કરનારાં છો. દેવતાઓએ સહિત ઇન્દ્રના પક્ષમાં સદાય રહી તેને સહાય કરનારાં છો. જરૂર પડયે મહાયુદ્ધમાં હજારો ભૂજાઓને પ્રગટ કરનારાં છો. એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૭૯

તમે સૂરા અને માંસથી પોતાનું પૂજન કરનારા સર્વવર્ણના મનુષ્યોના મસ્તકને કાપવાને અર્થે મહાક્રોધથી વિકરાળ મુખને ધારણ કરનારાં છે. શ્રીકૃષ્ણને પોતાના પતિ કરવા ઇચ્છતી વ્રજની ગોપ કન્યાઓને ઇચ્છિત વરદાન આપનારાં એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૮૦

તમે આદિયુગમાં સુંદરરૂપ ધારણ કરનારાં દક્ષપુત્રી સતી એવા નામથી વિખ્યાત થયાં અને પછી હિમાલય પર્વતની પુત્રી પાર્વતી એવાં નામથી પ્રસિદ્ધ થયાં છો. તમે પતિવ્રતાધર્મનું સદાય રક્ષણ કરનારાં છો. તથા અનાદિ સિદ્ધસ્વરૂપા એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૮૧

તમે પરણ્યા પહેલાં શિવજીને પ્રસન્ન કરવા માટે કોઇ પણ મનુષ્ય કે દેવથી પણ ન થઇ શકે તેવી તીવ્ર તપશ્ચર્યા કરી હતી. તે સમયે તમે પાંદડાંનું પણ ભક્ષણ કર્યું નહિ તેથી ''અપર્ણા'' એવા નામથી પ્રસિદ્ધિને પામ્યાં છો. એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૮૨

હે મા ! તમે ગણેશજીનાં જનેતા છો. સદાય મહેશ્વરની સેવા પરાયણ છો અને પોતાના ભક્તોનું અમંગળને હરનારાં છો એવાં હે ઉમાદેવી ! હું તમને પ્રણામ કરું છું.૮૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સ્તુતિ કરીનેશ્રીહરિ વિરામ પામ્યા ત્યારે બન્ને શિવજી અને પાર્વતી શ્રીહરિને કહેવા લાગ્યાં કે, હે વર્ણી ! આપની ઇચ્છા અનુસાર અમારી પાસેથી વરદાન માગો.૮૪

ત્યારે નીલકંઠવર્ણી કહેવા લાગ્યા કે હે જગતનાં માતાપિતા ! તમે બન્ને જો મારી ઉપર ખૂબજ રાજી હો તો મને સાંસારિક પંચવિષયમાંથી અત્યંત દૃઢ વૈરાગ્ય થાય. એવું વરદાન આપો.૮૫

હે રાજન્ ! શ્રીહરિનાં આવાં વચનો સાંભળી ઉમા-મહેશ્વર કહેવા લાગ્યાં કે, હે વર્ણીરાજ ! આપે જે વૈરાગ્યની માંગણી કરી છે તેતો આપનામાં સદાય સ્વતઃસિદ્ધ રહેલો જ છે છતાં તે વૈરાગ્ય વિશેષપણે વૃદ્ધિ પામશે એવું અમારું વરદાન છે.૮૬

ઉમા-મહેશ્વરે ક¬રેલી શ્રીહરિની સ્તુતિ :- હે ભગવન્ ! હે ભગવાન ! તમે બદરીપતિ સાક્ષાત્ નારાયણઋષિ છો. મનુષ્યનાટયને કરતા તમે અત્યારે આલોકમાં અમારી નજર સમક્ષ વિરાજો છો, એમ ચોક્કસપણે જાણીએ છીએ.૮૭

માટે હે સમસ્ત જગતના માલિક તમને નમસ્કાર. શ્રીનરનારાયણરૂપે રહેલા તમને નમસ્કાર, અર્જુનની સાથે બિરાજતા શ્રીકૃષ્ણ પરમાત્મા તમને નમસ્કાર. આ પૃથ્વી પર એકાંતિક ધર્મનું સ્થાપન કરનારા તમને અમારા નમસ્કાર.૮૮

હે હરિ, તમે ક્ષર અને અક્ષરથકી પણ પર છો. સર્વાન્તર્યામી સાક્ષાત્ પરબ્રહ્મ છો. અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના મૂળ કારણરૂપ તમે જ છો.૮૯

તમે ગોલોકના અધિપતિ છો. દિવ્ય વૃંદાવનમાં વિહાર કરનારા છો, અખંડ રાસલીલા કરનારા તમે છો. અને સ્વયં રાધિકાના પતિ છો.૯૦

હે પ્રભુ ! તમે કલિયુગ અને અધર્મથી ભરપૂર અસુરગુરુઓએ પ્રવર્તાવેલા પૃથ્વી પરના પાખંડ ધર્મથી પીડાતા એકાંતિક ધર્મનું રક્ષણ કરવા દયાનિધિ તમે આ ધરતી ઉપર પ્રગટ થઇને વિચરો છો.૯૧

નારાયણઋષિ સ્વરૂપે દુર્વાસાના શાપને નિમિત્ત કરીને ભક્તજનોનાં દુઃખ હરનારા તમે ધર્મદેવ અને ભક્તિદેવીને ત્યાં હરિકૃષ્ણ એવા નામથી પ્રગટ થયા છો.૯૨

અત્યારે તમે કલિયુગના ભાવિ જીવાત્માઓને સંસારનાં બંધનમાંથી મુક્ત કરવા માટે તેઓને સાંભળવા યોગ્ય તથા ગાન કરવા યોગ્ય દિવ્ય ચરિત્રોનો વિસ્તાર કરી રહ્યા છો.૯૩

હે ભગવાન્ ! તમારી ભક્તિ કરવામાં સદાય તત્પર રહેનારાં અને તમારાં દર્શનની હમેશાં મનમાં ઉત્કંઠા રાખનારાં અમને બન્નેને અત્યારે આપનાં દર્શન થયાં તેથી પરમ આનંદના સાગરમાં અમે ડૂબી ગયાં છીએ.૯૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શિવ અને પાર્વતીદેવીએ મંદમંદ હાસ્યથી સભર મુખકમળથી શોભતા ઋષીશ્વર શ્રીહરિની સ્તુતિ કરી અને શ્રીહરિનાં દર્શન થવાથી અંતરમાં અત્યંત હર્ષ પામતાં ત્યાંથી એકાએક અંતર્ધાન થયાં.૯૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઉમા મહેશ્વર મહાવનમાં શ્રીહરિનાં દર્શને આવ્યાં એ નામે ઓગણપચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૯--