અધ્યાય - ૧૮ - ભુજમાં રામનવમીનો ઉત્સવ ઉજવ્યો.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:44am

અધ્યાય - ૧૮ - ભુજમાં રામનવમીનો ઉત્સવ ઉજવ્યો.

ભુજમાં રામનવમીનો ઉત્સવ ઉજવ્યો. સત્સંગમાં પ્રથમ શ્રીહરિનો જન્મોત્સવ ભુજમાં ઉજવાયો. પ્રાગજી પુરાણીએ કરેલી સ્તુતિ. સુંદરજી સુથારને સમાધિ. સુંદરજીએ કરેલી સ્તુતિ. સુંદરજીના પરિવારે કરેલી સ્તુતિ. ભુજના ભક્તોની સામુહિક સમાધિ અને પ્રાર્થના.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભુજનગર નિવાસી ભક્તજનોના અંતરમાં ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની ખૂબજ ઉત્કંઠા વર્તતી હતી. તેઓએ શ્રીહરિનાં અદ્ભૂત ચરિત્રો વિષે પહેલાં ખૂબ જ સાંભળ્યું હતું. પરંતુ તે પરમાત્મા ભગવાન શ્રીહરિનાં આજે પ્રત્યક્ષ દર્શન થતાં, પરમ આનંદ પ્રાપ્ત થયો. હે નૃપતિ ! આ ભુજનગર નિવાસી ભક્તજનોએ આળસ પ્રમાદનો ત્યાગ કરીને મહા આનંદના સાગરમાં હિલોળા લેતા ભગવાન શ્રીહરિની ભારે સેવા પરિચર્યા કરવા લાગ્યા. તે સેવા કરનારા પુરવાસી ભક્તજનોમાંથી કેટલાક મુખ્ય હરિભક્તોનાં નામ તમને કહું છું.૧-૨

તે સર્વે ભક્તોમાં પ્રથમ મુખ્ય ભક્ત સુંદરજી સુથાર હતા. તેના ભાઇ હીરજી તથા ભગવાનજી, જીવરાજ, પ્રાગજી, દેવરામ તથા સદ્બુદ્ધિમાન નારાયણજી, રાઘવજી, રામજી, ધનજી આદિ બીજા અનેક સુથાર ભક્તજનો હતા. તે શ્રીહરિની અતિ ભાવથી પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. તેવી જ રીતે પ્રાગજી પુરાણી ગણપત્તરામ આદિ બ્રાહ્મણ ભક્તો હતા તે પણ અતિ ભાવથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૩-૪

હે રાજન્ ! શિવરામ, હરજી, ઉકો આદિ મહેતા અટકના ભક્તજનો તથા ગંગારામ, સંઘજી, ખીમજી આદિ મલ્લ ભક્તો ભગવાન શ્રીહરિની ખૂબજ ભાવથી સેવા કરવા લાગ્યા. તેમજ પૂંજી, અમરી, લાધી, સુરજબા, લહરી વિગેરે સ્ત્રી ભક્તો હતાં તે પણ અતિ પ્રેમથી શ્રીહરિની અખંડ સેવા કરવા લાગ્યાં.૫-૬

શ્રીહરિનો જન્મોત્સવ સત્સંગમાં પ્રથમ ભુજમાં ઉજવાયો :-- હે રાજન્ ! ભુજનગરમાં સંવત ૧૮૬૦ ના ચૈત્રમાસના સુદ નવમી તિથિના શુભ દિવસે શ્રીહરિના જન્મોત્સવનો અતિશય ભારે ઉત્સવ ઉજવવામાં આવ્યો. તે મહા ઉત્સવમાં અનંત દેશો, નગરો, પુરો, ગામો આદિ અનેક સ્થાનોમાંથી હરિભક્તો આવ્યા હતા.૭

આ ઉત્સવ નિમિત્તે ભગવાન શ્રીહરિએ કુશળ હરિભક્તોની પાસે એક અત્યંત સુશોભિત મોટામંડપની રચના કરાવી તે મંડપમાં રમણીય સિંહાસન પર ભગવાન શ્રીરામચંદ્રજીને પધરાવી મધ્યાહ્ન સમયે તેમની શાસ્ત્રવિધિને અનુસારે મોટી પૂજા કરી.૮

તે દિવસે સ્વયં શ્રીહરિએ તથા બ્રહ્મચારી અને સાધુ એવા ત્યાગીઓએ તથા અન્ય ઘણાક ગૃહસ્થ ભક્તજનોએ ઉપવાસ કર્યો હતો અને રાત્રીએ જાગરણ પણ કર્યું હતું.૯

હે રાજન્ ! શ્રીહરિ સ્વયં પૂર્ણકામ હોવા છતાં પૃથ્વી પર ધર્મસ્થાપન કરવાને માટે મધ્યાહ્ને રઘુકુલતિલક ભગવાન શ્રીરામચંદ્રજીનું પૂજન કરી પછી સાધુ તથા બ્રાહ્મણોનું પણ પૂજન કર્યું.૧૦

હે રાજન્ ! નવમીના બપોર પછીના સમયે વિશાળ સભામંડપમાં સુવર્ણના સિંહાસન પર વિરાજમાન ભગવાન શ્રીહરિનો પણ આજે જન્મ દિવસ છે એમ જાણનારા સર્વે ભક્તજનો પ્રથમ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી વિધિવત્ પૂજાનો પ્રારંભ કર્યો.૧૧

હે રાજન્ ! તેમાં સૌ પ્રથમ વેદશાસ્ત્રમાં વિશારદ વિપ્રવર્ય પ્રાગજી પુરાણીએ ભગવાન શ્રીહરિને પ્રણામ કરી ચંદન, પુષ્પો અને પુષ્પોની માળાઓ તથા નવીન વસ્ત્રોથી વિધિપ્રમાણે અતિ સ્નેહથી પૂજા કરી.૧૨

ત્યારપછી તે પ્રાગજી પુરાણી ભગવાન શ્રીહરિનાં એકાગ્રદૃષ્ટિથી દર્શન કરવા લાગ્યા તે જ સમયે તેમને સમાધિ થઇ. તે સમાધિમાં અક્ષરબ્રહ્મના પ્રકાશને મધ્યે વર્ણિવેષ ધારી આ ભગવાન શ્રીહરિકૃષ્ણનાં દર્શન થયાં.૧૩

એક ક્ષણવાર પછી પ્રાગજી પુરાણીને ગોલોકધામની મધ્યે વિરાજીત આજ ભગવાન શ્રીહરિનાં રાસેશ્વરી રાધાનાં પ્રાણનાથ શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન થયાં, વળી ફરી પાછાં શ્રીહરિનાં વર્ણિવેષના રૂપમાં દર્શન થયાં. ત્યારપછી ભગવાન શ્રીહરિના દિવ્ય સંકલ્પથી સમાધિમાંથી જાગ્રત થયા.૧૪

તે સદ્બુદ્ધિમાન મહાપ્રતિભાશાળી તથા ભગવાન શ્રીહરિના જ એક ચરણકમળનો દૃઢ આશરો કરનારા પ્રાગજી પુરાણી બે હાથ જોડી અતિશય પ્રેમથી શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા.૧૫

પ્રાગજીપુરાણીએ કરેલી સ્તુતિ :-- પ્રાગજી પુરાણી કહે છે, હે કૃપાનાથ ! પ્રકાશમાન દિવ્ય ગોલોકધામને વિષે રાધા, રમા અને ગોપિકાઓની સાથે આપ સદાય આપના દિવ્ય વિલાસને વિસ્તારી રહ્યા છો અને વેણુનો નાદ કરી રહ્યા છો. એવા હે હરિકૃષ્ણ ભગવાન, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૧૬

તમે જ શ્રીવાસુદેવ છો, શ્રીકૃષ્ણ છો એવા આપને મારા નિત્ય નમસ્કાર છે. તમે સદાય શુદ્ધ સ્વરૂપ છો, જનોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે તમે તમારાં સ્વરૂપનું જ્ઞાન થાય એવી બુદ્ધિ તેમને પ્રદાન કરો છો. ભક્તજનોનું રક્ષણ કરવા સદાય પ્રયત્નશીલ રહો છો. એવા હે કૃપાનાથ ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૧૭

હે હરિ ! તમે ભક્તિ-ધર્મના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા છો. પોતાના આશ્રિતોની પીડાને હરો છો. વર્ણિવેષ ધારણ કરી આ પૃથ્વી પર વર્ણાશ્રમ ધર્મનું તથા એકાંતિક ધર્મનું પાલન કરી કરાવી પોષણ કરો છો. તથા દંભલોભાદિ અધર્મવંશને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેનારા એવા હે કૃપાનાથ ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૧૮

હે હરિ ! અગ્નિ આદિ દેવોના દેવ ઇન્દ્ર પણ આપને સદાય વંદન કરે છે. તથા બ્રહ્મા, શિવ અને વિષ્ણુ અતિ આદરપૂર્વક અનેકવિધ ઉપચારોથી આપની નિત્યે પૂજા કરે છે. આપના શરીરનું એક એક રોમ અનંતકોટી બ્રહ્માંડોના આધારરૂપ છે. આવા મહિમાવાળા. હે કૃપાનાથ ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૧૯

હે હરિ ! તમે જ એક સર્વલોકના સર્જક છો અને પાલક છો, સુખ મેળવવા ઇચ્છતા મનુષ્યોને માટે આપ સદાય ચિંતવન અને ધ્યાન કરવા યોગ્ય છો. તમે ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ પુરુષોત્તમ છો. એવા હે કૃપાનાથ ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૦

હે હરિ ! હે સર્વેશ્વર ! પોતાના ભક્તજનોનું રક્ષણ કરવા માટે તમેજ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ આદિ અવતારોને ધારણ કર્યા હતા અને હજુ પણ કલ્કી આદિ અવતારોને ધારણ કરશો એવા. હે કૃપાનાથ ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૧

હે હરિ ! તમેજ કાળે કાળે તથા યુગયુગને વિષે અધર્મનો વિનાશ કરી ધર્મનું સ્થાપન કરવા અનંત અવતારોને ધારણ કરો છો. તમે સ્વતંત્ર હોવા છતાં પોતાના એકાંતિક ભક્તોને પરાધીન વર્તો છો એવા. હે કૃપાનાથ ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૨

હે હરિ ! જેવી રીતે પોતાના બાળકનું પ્રેરણા કર્યા વિના પણ પિતા સદાય હિત કરે છે. તેવી જ રીતે તમે પણ અમારું સદાય પ્રેરણા કર્યા વિના હિત કર્યા કરો છો એવા. હે કૃપાનાથ ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે વિપ્ર પ્રાગજી પુરાણીએ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી, તેથી અત્યંત પ્રસન્ન થયેલા પ્રભુએ તેમને પુરાણોમાં નિપુણ જાણી પુરાણીને કથા વાંચવા માટે પોતાની સમીપે રાખ્યા.૨૪

હે રાજન્ ! સુંદરજી સુથાર શ્રીહરિની સમીપે પૂજા કરવા પધાર્યા. તેમનાં ઘરનો વૈભવ મહારાજાના રાજવૈભવ જેવો હતો. ઘડિયાલ આદિના નિર્માણની શિલ્પકળામાં તેઓ વિશ્વકર્મા સમાન ચતુર હતા. ભુજનગરના રાજાના એક મંત્રીપદને તે શોભાવતા હતા. ભગવાનની ભક્તિ કરવામાં અંબરીષ રાજાની સમાન એકાંતિક ભક્ત હતા. આવા સુંદરજી સુથાર સુગંધીમાન ચંદન, પુષ્પના હારો, તોરા, ગજરા તથા અનેક પ્રકારનાં મહામૂલાં વસ્ત્રો અને આભૂષણોથી ભગવાન શ્રીહરિનું અતિ અદ્ભૂત પૂજન કરી, શ્રીહરિની આગળ હજારો સુવર્ણમુદ્રાઓની ભેટ ધરીને પત્ની, પુત્ર આદિ પરિવારને સાથે રાખીને શ્રીહરિની આરતી ઉતારી. સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી બે હાથ જોડી નમસ્કાર કરી દર્શનીય ભગવાન શ્રીહરિનું આનંદ વિભોર થઇ દર્શન કરવા લાગ્યા.૨૫-૨૮

સુંદરજી સુથારને સમાધિ :-- હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિનાં રમણીય રૂપનું દર્શન કરતાં કરતાં અચાનક તેમને સમાધિ થઇ. તે સમાધિમાં તેમને અક્ષરબ્રહ્મધામરૂપ મહાતેજનાં દર્શન થયાં અને તે મહાતેજના મધ્યે વર્ણિવેષ ભગવાન શ્રીહરિકૃષ્ણનાં દર્શન થયાં. ત્યારપછી તેને ગોલોકધામનાં દર્શન થયાં, તે મોરલીને વગાડતા ભગવાન શ્રીકૃષ્ણ સ્વરૂપે શ્રીહરિનાં દર્શન થયાં.૨૯-૩૦

ત્યારપછી અવ્યાકૃતધામમાં શેષશૈયાપર શયનમુદ્રામાં વિરાજીત અષ્ટભૂજાધારી અતિશય દર્શનીય મનોહરમૂર્તિને ધારી રહેલા ભગવાન શ્રીભૂમાપુરુષરૂપે ભગવાન શ્રીહરિનાં દર્શન થયાં.૩૧

પછી અમૃતનામના શ્વેતદ્વિપધામને વિષે નિરન્નમુક્તોના સમૂહો જેની સેવા કરી રહ્યા છે એવા મહાપુરુષરૂપે ભગવાન શ્રીહરિને જોયા.૩૨

પછી વૈકુંઠલોકને વિષે લક્ષ્મીજીએ સેવેલા શ્રીવિષ્ણુસ્વરૂપે ભગવાન શ્રીહરિને જોયા. ક્ષીરસાગરને વિષે શેષશાયી યોગેશ્વર સ્વરૂપે શ્રીહરિનાં દર્શન થયાં.૩૩

અગ્નિ મંડળને વિષે સ્રુક, સ્રવ આદિ ઉપકરણોને ધારી રહેલા યજ્ઞાનારાયણરૂપે તથા સૂર્યમંડળને વિષે હિરણ્યમયપુરુષરૂપે ભગવાન શ્રીહરિનાં દર્શન થયાં.૩૪

ત્યારપછી બદ્રિવિશાલાને વિષે ભગવાન શ્રીનરનારાયણ સ્વરૂપે શ્રીહરિનાં દર્શન થયાં અને પૂર્વની માફક જ સભામાં વિરાજમાન વર્ણિવેષધારી ભગવાન શ્રીહરિનાં સુંદરજી સુથારને પોતાના હૃદયમાં દર્શન થયાં.૩૫

હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિની દૃષ્ટિમાત્રથી સમાધિમાંથી જાગ્રત થયેલા સુંદરજીભાઇ શ્રીહરિને સર્વના કારણ સર્વાવતારી જાણીને ફરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા.૩૬

સુંદરજીએ કરેલી સ્તુતિ :-- સુંદરજી સુથાર કહે છે, હે સર્વ થકી પર એવા અક્ષરધામના અધિપતિ ! હે ગોલોકધામાધિપતિ ! હે કૃષ્ણ ! હે ભગવન્ ! તમે કાળ માયા આદિ સર્વના નિયંતા છો. તથા તેના કાર્યરૂપ પ્રધાન પુરુષાદિ સ્મસ્ત સૃષ્ટિના પણ તમે નિયામક છો. સર્વથકી પર અક્ષર છે પરંતુ તમે તો તેનાથી પણ પર છો. સદાય દિવ્યાકૃતિમાં આપ વિરાજો છો. સ્વયં પ્રકાશિત છો અને અક્ષરાદિ સર્વેના આત્મા છો. અણિમાદિ સકલ ઐશ્વર્યથી આપ સદાય સેવન કરાયેલા છો. તમે સ્વયં પુરુષોત્તમનારાયણ છો. તથા પોતાના આશ્રિત ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવા કલ્પતરુ સમાન છો. એવા હે વર્ણિવેષધારી ! હે ભગવાન શ્રીહરિ ! હું તમને સદાય વંદન કરું છું.૩૭

હે હરિ ! અવ્યાકૃતધામમાં ભૂમાપુરુષરૂપે, શ્વેતદ્વિપધામમાં મહાપુરુષરૂપે, વૈકુંઠમાં વિષ્ણુરૂપે, ક્ષીરસાગરમાં યોગેશ્વરરૂપે, અગ્નિમંડળમાં યજ્ઞાનારાયણરૂપે, સૂર્યમંડળમાં હિરણ્યમયપુરુષરૂપે તેમજ પૃથ્વી પર બદરિકાશ્રમને વિષે શ્રીનરનારાયણસ્વરૂપે તમે જ એક રહેલા છો.૩૮

હે હરિ ! તમારો પૌઢ પ્રબળ આશ્રય છે તે કાળ, માયા અને યમદૂતના ભયંકર ભયને નિવૃત્તિ પમાડનારો છે. તમો અક્ષરાદિ ધામો અને તેમાં રહેલી શક્તિઓ, પાર્ષદો અને ઐશ્વર્ય આદિ સર્વને સાથે લઇ આ પૃથ્વી પર મનુષ્યોનાં આત્યંતિક કલ્યાણ કરવા માટે દયા કરીને ધર્મભક્તિને ત્યાં મનુષ્યસ્વરૂપે પ્રગટ થયા છો. છતાં આપના આશ્રિતોને યોગ સમાધિ કરાવી આપનાં પૂર્વોક્ત અનંત ઐશ્વર્યે યુક્ત દિવ્ય સ્વરૂપનાં દર્શન કરાવી આપ અહી સર્વોત્તમપણે શોભી રહ્યા છો. એવા હે ભગવન્ ! આપની સુંદરજી ભક્ત હું સ્તુતિ કરું છું.૩૯

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઉદાર બુદ્ધિવાળા સુંદરજી સુથારે આ પ્રમાણે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરીને ફરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પોતાના ભાઇ અને પુત્ર જે હીરજીભાઇ તથા રાઘવજીભાઇ આદિ પરિવારની પાસે વિધિપૂર્વક જુદી જુદી પૂજા કરાવી, અને તે સુંદરજીના પરિવારે અતિ ભાવપૂર્વક અનેક ઉપચારોથી ભગવાન શ્રીહરિની પૂજા કરી. ત્યારપછી તેઓએ ભગવાન શ્રીહરિનો જે પ્રત્યક્ષ પ્રતાપ નિહાળ્યો હતો તેને હૃદયમાં રાખી સૌ પૃથક્ પૃથક્ સ્તુતિ કરવા લાગ્યા.૪૦-૪૧

સુંદરજીના પરિવારે કરેલી સ્તુતિ :-- હે હરિ ! તમે સત્શાસ્ત્ર વિરુદ્ધ એવા પાખંડ ધર્મનું ખંડન કરો છો. વિશુદ્ધબુદ્ધિવાળા ભક્તજનોને ધર્મજ્ઞાનાદિ ગુણોથી શોભાવો છો. ક્રોધે સહિત લોભનો વિનાશ કરો છો. રસાસ્વાદની આસક્તિને તોડનારા છો, કુસંગનો સંગ કરનાર મનુષ્યને મોટો દંડ આપો છો, સદાય અભિમાનમાં જીવતા પુરુષોના અભિમાનને તમે તોડો છો. કુમાર્ગના મૂળને ઉખેડો છો. કામે સહિત મોહનો મૂળમાંથી વિનાશ કરો છો.૪૨

હે સત્પુરુષોના ઇશ્વર ! તમે વિશ્વનું કારણ છો, શરણાગત જીવોનો ઉદ્ધાર કરનારા છો, પોતાના ભક્તજનોના અંતઃશત્રુઓનો વિનાશ કરો છો, સમગ્ર ધર્મવંશને ભક્તજનોના અંતરમાં ધારણ કરો છો, ભક્તજનોમાંથી છ ઉર્મિઓને દૂર કરો છો. ચિત્તને વિકૃત કરનાર પંચવિષયોની વાસનાને ભક્તજનોમાંથી દૂર કરો છો, અપરિમિત જનોના કલ્યાણ માટે કૃપારસનો વિસ્તાર કરો છો, શરણાગતનાં સર્વદુઃખોને દૂર કરો છો. એવા આપને અમારા નમસ્કાર છે.૪૩

હે ધર્મ ધુરંધર ! તમારો સર્વત્ર વિજય થાઓ, વિજય થાઓ. ઉત્તમોત્તમ આ સાધુ, બ્રહ્મચારીઓ પોતાનાં મસ્તક તમારાં ચરણોમાં મૂકી નિર્માનીપણે તમારી સેવા કરે છે. એવા તમે સુંદર મંદિરને વિષે સદાય નિવાસ કરો છો. તથા આ સુંદરજીના ભવનમાં નિવાસ કરી તેમને ધન્ય કરી રહ્યા છો, તમે સમગ્ર સુખના સ્વામી છો. હે લોકથી વિલક્ષણ સ્વરૂપવાળા ! તમારો સર્વત્ર વિજય થાઓ. તમે જ્ઞાનનો બોધ આપવામાં વિચક્ષણ છો, ચરણમાં રહેલાં સોળ ચિહ્નોનાં લક્ષણથી તમે પરમાત્મા છો. એવો બોધ અમને થાય છે. તમે ભક્તજનોનું સદાય રક્ષણ કરો છો. તમારાં નેત્રો કમળના પત્રની સમાન શોભી રહ્યાં છે. તમારી ગજગતિ ચાલ સર્વના મનને હરી લે છે, તેવી જ રીતે નિર્માની સંતોને આનંદ ઉપજાવતા હે પ્રભુ ! તમારો સર્વત્ર વિજય થાઓ. તમે વંદન કરવા માત્રથી સર્વને સુખ આપો છો. શરણાગત ભક્તનાં બંધનોને તમે તોડી નાખો છો. સમસ્ત દુષ્કૃતોનો નાશ કરો છો. તમારું નામ ઉચ્ચારણ કરવા માત્રથી માનવના અંતરમાં જ્ઞાન પ્રજ્વલ્લિત થાય છે. તેમજ સદ્બુદ્ધિવાળા મનુષ્યના હર્ષને વધારી તેને રાજી રાખનારા હે પ્રભુ ! તમારો જય થાઓ, જય થાઓ. તમે કુમાર્ગને વિનાશ કરનારા અને સન્માર્ગનું પોષણ કરનારા છો. સાધુ પુરુષોનું તમે આભૂષણ છો. તમે સદાય અનર્થોથી મુક્ત રહો છો. સંત પુરુષોમાં સદાય પ્રેમ વરસાવો છો તથા સ્વસ્વરૂપના આનંદમાં સદાય મગ્ન રહો છો.૪૪

તેમજ ભક્તજનોના કષ્ટનું ભંજન કરનારા હે પ્રભુ ! તમારો સર્વત્ર જય થાઓ, જય થાઓ. તમે નિત્ય નિરંજન છો. મુક્તોને રંજન કરાવો છો. રમણીય નેત્રોવાળા છો. તમે બદ્ધજીવોને મુક્તિ આપનારા છો. તમે મુક્તોના સ્વામી છો, તથા સમસ્ત જીવો ઉપર દયા કરનારા તમારો સર્વત્ર વિજય થાઓ. તમે જ્ઞાનનો બોધ આપી સર્વને ચંદ્રમાની સમાન શીતળતા આપો છો. તમે સમસ્ત યોગની કલાઓને ધારણ કરનારા છો. ભક્તજનોને તમે બહુ આદર આપી સન્માનો છો, કામદેવના મનને હરનારું એવું તમારું મનોહર સ્વરૂપ છે. ભક્તોના પતિ છો. તેમજ તમે સત્શાસ્ત્રમાં નહિ સમજનારા મંદબુદ્ધિ મનુષ્યોને ખેદ ઉપજાવનારા છો. એવા તમારો સદાય જય થાઓ. તમે દંભનો અને પાપનો વિનાશ કરનારા છો, ધર્મનો વિકાસ કરનારા છો. સકામી ભક્તોની પણ ઇચ્છા પૂરી કરો છો. અનેક પ્રકારના દિવ્ય ભોગોના તમે માલિક છો. ઇન્દ્રાદિ દિગ્પતિઓ પોતાના મુકુટથી તમારી ચરણમાં ધારણ કરેલી પાદુકાનો સ્પર્શ કરી સતત તમને વંદન કરે છે. એવા તમારો સર્વત્ર જય થાઓ. જય થાઓ. વિશ્વનું પાલન કરનારા વિષ્ણુ, બ્રહ્મા અને શિવ પણ તમને સદાય વંદન કરે છે, તમે વિદ્વાન પુરુષોને સદાય આનંદ ઉપજાવો છો. પોતાના ભક્તોને ઉપદેશ આપી તેના સંશયોને દૂર કરો છો. મુક્તિના અધિષ્ઠાતા પણ એક તમે જ છો. એવા તમારો જય થાઓ. જય થાઓ.૪૫

હે હરિ ! પૂર્ણિમાના ચંદ્રના બિંબ સરખા શોભાયમાન નખમંડળની પંક્તિઓનાં કિરણની શ્વેત કાંતિથી તમે ભક્તજનોના હૃદયમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરો છો. આત્યંતિક કલ્યાણના એક સ્થાનરૂપ આપનાં લાંબી લાંબી ઉર્ધ્વરેખાથી શોભી રહેલાં ચરણકમળમાં હું વંદન કરું છું. તમે મારી ઉપર પ્રસન્ન થાઓ.૪૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તપ આદિ સાધન સંપત્તિ વિના પણ પોતાના ભક્તને ભુક્તિ અને મુક્તિ આપનારા ભગવાન શ્રીહરિની આ પ્રમાણે અતિ સ્નેહથી સ્તુતિ કરી પ્રણામ કરી પરિવારે સહિત સુંદરજી સુથાર સભામાં બેઠા.૪૭

ત્યારપછી પુરવાસી સર્વ ભક્તજનોએ પોતપોતાની શક્તિને અનુસાર વસ્ત્રો, આભૂષણ, ધન અને ચંદન પુષ્પાદિકે કરીને ભગવાન શ્રીહરિનું મહાપૂજન કર્યું. આ પ્રમાણે પૂજા કરી સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિના સ્વરૂપને એક ચિત્તથી નિહાળી રહ્યા હતા ત્યાં શ્રીહરિની કૃપાના બળથી તેઓને તત્કાળ સમાધિ થઇ.૪૮-૪૯

ભુજના ભક્તોની સામુહિક સમાધિ અને પ્રાર્થના :-- હે રાજન્ ! તે સમાધિમાં ભગવાનના ગોલોકાદિ દિવ્યધામોમાં રહેલા સચ્ચિદાનંદરૂપ મૂર્તિવાળા આ પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિને જ નિહાળી સર્વે ભક્તજનો અત્યંત વિસ્મયપૂર્વક પરમ આનંદ પામ્યા. આ પ્રત્યક્ષ શ્રીહરિ છે તે જ સાક્ષાત્ પરમેશ્વર છે, એવો નિઃસંશયપણે દૃઢ નિશ્ચય કર્યો, અને શ્રીહરિના જ ચરણનો એક દૃઢ આશ્રય કર્યો.૫૦-૫૧

ત્યારપછી ભગવાન શ્રીહરિના મુખકમળ સામેજ એક સ્થિર દૃષ્ટિ રાખી બન્ને હાથ જોડી ભક્તજનોના પરમ ચિંતામણિરૂપ પરમાત્મા ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરવા લાગ્યા.૫૨

હે વિભુસ્વરૂપ ! જેમાં ધન ક્ષેત્ર આદિની પ્રાપ્તિની અભિલાષારૂપી ભયંકર ભમરીઓ વારંવાર સર્જાય છે. ચારે તરફથી ખેંચાખેંચ કરતાં સ્ત્રી, પુત્ર તથા મિત્રરૂપ મગરમચ્છો જેમાં સતત ફર્યા કરે છે, તથા બાહ્યવૃત્તિથી વિષયોમાં ફરતી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા છઠ્ઠું મન આ છ શત્રુઓરૂપી ઉછળતા તરંગોથી જે જીવને વારંવાર ડુબાડી મારે છે એવા આ ભયંકર ભવસાગરમાં સદાય ભટકવાથી ખૂબજ ખેદ પામતા અને મનુષ્ય શરીરરૂપી નૌકામાં બેઠેલા જીવાત્માના તમે જ એક કર્ણધાર છો. આ સંસારમાંથી જીવને તારી અક્ષરધામમાં લઇ જનારા એક તમે જ છો.૫૩

હે હરિ ! અંતકાળે માત્ર એકવાર તમારાં હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, સ્વામિનારાયણ એવા નામનું કોઇ મનુષ્ય ઉચ્ચારણ કરે તો, તનો ત્યાગ કરી ભયંકર યમના દૂતો તત્કાળ દૂર ભાગી જાય છે, આવા મહિમાવાળા તમને આ મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ કહીને વર્ણવ્યા છે. એવા હે ભગવાન શ્રીહરિ ! અમે તમને નમસ્કાર કરી નિરંતર આપનું ભજન કરીએ છીએ. તમે અધમનો પણ ઉદ્ધાર કરો છો. એવા હે હરિ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ. જય થાઓ.૫૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભુજનગરના સર્વે ભક્તજનો પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની અતિ આદરપૂર્વક સ્તુતિ કરી, નમસ્કાર કરી બહુ આનંદ પામ્યા અને સભામાં શ્રીહરિની સમીપે બેઠા.૫૫

હે રાજન્ ! ત્યારે શ્રીહરિએ ભક્તજનોએ પૂજન કરી અર્પણ કરેલાં વસ્ત્રો, આભૂષણો, ધન આદિ જે કાંઇ પણ હતું તે સર્વે તે જ ક્ષણે બ્રાહ્મણોને દાનમાં આપી દીધું.૫૬

હે રાજન્ ! ભગવાન શ્રીહરિનું આવું મહાદાન જોઇ તેમનો દ્વેષ કરનારા આસુરીજનો હતા તે પણ અત્યંત વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે, આ નારાયણમુનિએ કોઇ પોતાના ઇષ્ટદેવને વશ કર્યા છે. તો કોઇ કહેતા હતા કે આ નારાયણમુનિ કોઇ સામાન્ય પુરુષ નથી, કોઇ મહાપુરુષ જરૂર છે.૫૭

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ દશમીના પ્રાતઃકાળે હજારો વિપ્રોને અને ત્યાગી સાધુઓને ભોજનોથી તૃપ્ત કર્યા. અને બ્રાહ્મણોને ફરીથી ખૂબજ દક્ષિણા આપી રાજી કર્યા.૫૮

હે ધરણીપતિ ! આ પ્રમાણે ક્ષમા તથા દયાના મહાસાગર એવા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિનાં દર્શન, પૂજન અને સેવા કરીને ભુજનગરના ભક્તજનોએ પોતાના માનવ જન્મને સફળ કર્યો.૫૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભુજમાં રામનવમીનો ઉત્સવ તથા શ્રીહરિનો પ્રથમ જન્મોત્સવન ભુજના સુંદરજી આદિ ભક્તોએ ઉજવ્યો ને સ્તુતિ કરી એ નામે અઢારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૮--