અધ્યાય - ૧૯ - જગજીવનના આમંત્રણથી તેમના યજ્ઞામાં પધરામણી અને હિંસામય યજ્ઞાનો કરેલ નિષેધ.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:47am

અધ્યાય - ૧૯ - જગજીવનના આમંત્રણથી તેમના યજ્ઞામાં પધરામણી અને હિંસામય યજ્ઞાનો કરેલ નિષેધ.

જગજીવનના આમંત્રણથી તેમના યજ્ઞામાં પધરામણી અને હિંસામય યજ્ઞાનો કરેલ નિષેધ. બ્રાહ્મણત્વનાં લક્ષણો . સત્પાત્રતાનાં લક્ષણો. વેદોક્ત હિંસાનું તાત્પર્ય. ઉપરીચર વસુરાજાનું લાલચમાં પતન. શ્રીહરિનું ભુજથી ધમડકાપુરમાં આગમન . હરિ-અવજ્ઞાનું પરિણામ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભુજનગરમાં કુબેરજી, જગજીવન અને રામચંદ્ર નામના ત્રણ બ્રાહ્મણો રહેતા હતા. તે રાજાના મંત્રીઓ હતા. એ ત્રણે સગાભાઇઓ હતા. મહાશક્તિ ઉપાસકોમાં તેઓ અગ્રેસર હતા. તેઓ ઘણું ધન કમાયા હોવાથી તેના મદમાં ઉધ્ધત થયા હતા, મહા અભિમાની એ ત્રણે સ્વભાવથી ખળ, ક્રૂર, નીચ અને અધમ હતા અને હિંસામય યજ્ઞામાં રુચિવાળા હતા.૧-૨

હે રાજન્ ! તે ત્રણે ભાઇઓમાંથી મોટાભાઇ કુબેરજીએ રાજાઓને પણ દુર્લભ એવી ઘણી બધી સામગ્રી ભેળી કરીને સોમયાગ તથા સૌત્રામણીયજ્ઞાનો પ્રારંભ કર્યો. તેમના આમંત્રણથી યજ્ઞાવિધિ કરાવવામાં કુશળ, શાસ્ત્રવેત્તા અને સર્વે પુરાણોમાં પ્રવીણ એવા અનેક બ્રાહ્મણો દેશદેશાંતરમાંથી ત્યાં આવ્યા હતા.૩-૪

હે રાજન્ ! તે સમયે કુબેરજીએ ભગવાન શ્રીહરિને વેદશાસ્ત્રમાં પારંગત તથા બહુ પ્રતાપી જાણીને યજ્ઞામાં પધારવા આમંત્રણ આપ્યું, આમંત્રણ વિના પણ યજ્ઞામાં તો જવું જોઇએ, તો આમંત્રણ આપે ત્યારે જવાનું જ હોય એમાં શું કહેવું ? આ પ્રકારનાં સ્મૃતિ વચનોને ધ્યાને લઇ સમુદાયને સાથે લઇ સ્વયં શ્રીહરિ તેમના યજ્ઞામાં પધાર્યા.૫-૬

તે સમયે યજમાન કુબેરજીએ શ્રીહરિનો યથાયોગ્ય સત્કાર કર્યો અને શ્રીહરિને ઉચિત સુંદર આસન ઉપર વિરાજમાન થવા વિનંતી કરી. ભગવાન શ્રીહરિ પણ તેમના આદરને માન આપી વિરાજમાન થયા, ત્યારે તેણે શ્રીહરિને નમસ્કાર કરી શ્રીહરિની આગળ જ પોતાનું સ્થાન લીધું, તે પછી અગ્નિ સમાન તેજસ્વી અને વિદ્વાન એવા દેશદેશાંતરમાંથી આવેલા તથા કચ્છદેશ નિવાસી બ્રાહ્મણો પણ ભગવાન શ્રીહરિને વિનયપૂર્વક પ્રણામ કરી તેમની સન્મુખ જ સમીપે બેઠા.૭-૮

તે સભામાં વિદ્વાન બ્રાહ્મણો યથાયોગ્ય બેસી ગયા પછી યજમાન કુબેરજી ભગવાન શ્રીહરિને બે હાથ જોડી પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે વેદશાસ્ત્રમાં પારંગત છો. નૈષ્ઠિક બ્રહ્મચારી છો. એથી મારા યજ્ઞાની સમાપ્તિ પર્યંત અહીં નગરમાં જ નિવાસ કરીને રહો. એવી મારી ઇચ્છા છે અને તમે જ્યાં સુધી નિવાસ કરીને રહેશો ત્યાં સુધી હું સંતો ભક્તોના મંડળે સહિત આપની અન્ન વસ્ત્રાદિકે કરીને સેવા કરીશ, કારણ કે આપના જેવા મહાપુરુષો મારા યજ્ઞાનું આભૂષણ છે.૯-૧૧

હે વર્ણીરાજ ! હે સ્વામિન્ ! દેશદેશાંતરમાંથી આવેલા આ સર્વે બ્રાહ્મણો વેદશાસ્ત્રના જ્ઞાતા છે. તેઓ સત્પાત્ર છે, અને ઉચ્ચકુળમાં જન્મ્યા છે.૧૨

તેમાંથી કોઇ કાશીના નિવાસી છે, તો કોઇ દ્રવિડદેશના નિવાસી છે, કોઇ મહારાષ્ટ્રના નિવાસી છે, કોઇ ગૌડદેશના નિવાસી છે, તો કોઇ ગુજરાતના પણ નિવાસી છે.૧૩

એટલાજ માટે હે સદ્બુદ્ધિમાન સ્વામી ! તમે પણ સ્થિર મન કરી અહીં નિવાસ કરીને રહો, એવો મારો મનોરથ છે.૧૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કુબેરજીનું વચન સાંભળી યજ્ઞામાં હોમ કરવા બાંધેલાં અને ઉચ્ચ સ્વરે આક્રોશ કરતાં અનેક બકરાંઓને જોઇ જેનું હૃદય અત્યંત દયાળુ છે એવા ભગવાન શ્રીહરિ કુબેરજી પ્રત્યે કહેવા લાગ્યા.૧૫

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે કુબેરજી વિપ્ર ! ભાઇઓએ સહિત તમે અને આ સર્વે વિદ્વાન બ્રાહ્મણો મારું વચન સાંભળો. યજ્ઞા જેવા પવિત્ર ધર્માચરણને કરવા જઇ રહ્યા છો ત્યારે તમારા સર્વેના હિતની વાત હું કરું છું, સજ્જન પુરુષો સભામાં જતા નથી અને જો જાય તો સત્ય બોલે છે. સત્ય જાણવા છતાં બોલે નહિ અથવા કોઇની શરમમાં વિપરીત બોલે છે, તો તેને પાપ લાગે છે. તેથી હું તમને જેમ છે તેમ સત્ય જણાવીશ.૧૬-૧૭

હે વિપ્રો ! સત્ત્વગુણ પ્રધાન એવા ક્ષત્રિય અને વૈશ્ય જનોએ અને તેમાં પણ વિશેષપણે કરીને તો બ્રાહ્મણોએ પ્રત્યક્ષ પશુના વધ રહિતના યજ્ઞોનું અનુષ્ઠાન કરવું જોઇએ. હે શ્રેષ્ઠ વિપ્રો ! હિંસામય યજ્ઞામાં યજ્ઞાના શેષભૂત માંસનું ભક્ષણ કરવાનું થાય એ ધાર્મિક બ્રાહ્મણો માટે ક્યારેય યોગ્ય નથી. તેમાં પણ આક્રોશ કરતાં નિર્દોષ પશુનો વધ કરી તેને ટુકડા કરીને કાપવું, એ દૃશ્ય કયો દયાળુ બ્રાહ્મણ જોવા સમર્થ થાય ?.૧૮-૨૦

હે કુબેરજી ! તમે એમ કહો છો કે, આ બ્રાહ્મણો સર્વે સત્પાત્ર છે. તો એવા સત્પાત્ર બ્રાહ્મણો રાક્ષસની પેઠે આવું પશુ હિંસાનું ઘોર કર્મ તથા યજ્ઞાના શેષભૂત માંસના ભક્ષણનું નિંદિત કર્મ કેમ કરી શકશે ? અને જો આવું કર્મ કરશે તો તેઓની પાત્રતા અને બ્રાહ્મણત્ત્વ નાશ પામી જશે. સદાચારના પાલન વિના કેવળ શાસ્ત્રોના બહુ અધ્યયનથી સત્પાત્રતા કે બ્રાહ્મણત્વ પ્રાપ્ત થઇ જતું નથી.૨૧-૨૨

બ્રાહ્મણત્વનાં લક્ષણો :-- હે વિપ્ર ! આ સત્પાત્રનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરનારાં સ્મૃતિ, શ્રુતિ, પુરાણો અને ધર્મશાસ્ત્રોમાંથી હેમાદ્રિ નામના વિદ્વાને ઘણાં બધાં વચનો એકઠાં કરેલાં છે. તેમાંથી અમુક વચનો તમને સંભળાવું છું.૨૩

અગ્નિપુરાણના વચનોથી કહે છે, હે રાજન્ ! ઉત્તમ બ્રાહ્મણની જાતિ સારા કુળમાં જન્મ, વેદાધ્યયન અને અનેક શાસ્ત્રોનું અધ્યયન આમાંથી બ્રાહ્મણપણાનાં કોઇ કારણો કે લક્ષણો નથી. પરંતુ સદાચાર એ જ એક બ્રાહ્મણત્વનું સાચું લક્ષણ છે. સત્ય, અહિંસા આદિ સદાચારહીન અને તેથી જ દુષ્ટ પુરુષોનો ઉચ્ચ કુળમાં જન્મ પ્રાપ્ત થયો તેનાથી શું છે ? એતો સુગંધીમાન પુષ્પોમાં ઘણાય સૂક્ષ્મ કીડાઓ ઉત્પન્ન થાય છે. તેને કુળપણાનું સન્માન થોડું મળી શકે છે ?.૨૪-૨૫

હે રાજન્ ! હે તાત ! કેવળ વેદાધ્યયન કે શાસ્ત્રાધ્યયન માત્રથી બ્રાહ્મણત્વ આવી જતું નથી. તેતો માત્ર સદાચારના પાલનથી જ આવે છે. કેવળ શાસ્ત્રાધ્યયનથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત થતું હોય તો રાક્ષસો ક્યાં નથી ભણતા ? બ્રાહ્મણ કુળમાં જન્મ અને શાસ્ત્રાધ્યયન કરેલું હોવા છતાં જગત તેને રાક્ષસો કહે છે. પરંતુ સત્પાત્ર બ્રાહ્મણ તરીકેનો કોઇ સ્વીકાર કરતું નથી. બહુ જ શાસ્ત્રોના અધ્યયન કર્યાં હોય છતાં હિંસા આદિ પાપમાં રુચિ હોય તો તેનું નટના વેષ જેવું નિરર્થક બ્રાહ્મણત્વપણું છે. માત્ર બ્રાહ્મણના વેષથી શું છે ? માટે સદાચાર સંપન્ન હોય તે જ સાચો બ્રાહ્મણ છે. તેને જ વેદાધ્યયન અને શાસ્ત્રાધ્યયન કર્યું છે.૨૬-૨૭

બાકી માનવની ખોપરીમાં ભરેલું શુદ્ધપાણી અને કૂતરાંના ચામડાની કોથળીમાં ભરેલું દૂધ જેમ સ્થાન દોષથી દુષિત થાય છે. તેમ સદાચારહીન બ્રાહ્મણમાં રહેલી વિદ્યા દુષિત થાય છે.૨૮

હે મહારાજા ! તે માટે સદાચારનેજ એક તમે બ્રાહ્મણત્વનું લક્ષણ જાણો. તે વિના ચાર વેદ ભણ્યો હોય છતાં દુરાચારી હોય તો તે શૂદ્ર કરતાં પણ તુચ્છ ગણાય છે.૨૯

હે રાજેન્દ્ર ! જેમાં સત્ય, દમ, તપ, દાન, અહિંસા, ઇન્દ્રિયનિગ્રહ આદિ ગુણો જોવામાં આવે તેને જ બ્રાહ્મણ જાણવો.૩૦

યમસ્મૃતિમાં કહેલું છે કે, અહિંસાધર્મ પરાયણ હોય, નિત્ય અગ્નિમાં હોમ હવન કરતો હોય, એક પત્નીવ્રતવાળો હોય, યથાશક્તિ સત્પાત્રમાં દાન કરતો હોય, આવાં લક્ષણો હોય તેજ બ્રાહ્મણ કહેવાયો છે.૩૧

જેનામાં સત્ય, દાન, ક્ષમા, શીલ, માનવતા, દયા, શાસ્ત્ર વિરુધ્ધ વર્તનમાં ઘૃણા વગેરે સદાચારના સદ્ગુણો જોવા મળે તેને જ દેવતાઓ બ્રાહ્મણ કહે છે.૩૨

તેવીજ રીતે યમરાજાએ તથા શાતાતપે પણ કહેલું છે કે તપ, દમ, દાન, સત્ય, શૌચ, શાસ્ત્રાધ્યયન, દયા, વિદ્યા, વિનય, અસ્તેય, આર્ષપણું, જપ આદિ લક્ષણો જેનામાં જોવા મળે તેને જ બ્રાહ્મણ જાણવા.૩૩

વળી વસિષ્ઠમુનિએ પણ કહેલું છે કે, યાગ, તપ, દયા, દાન, સત્ય, શૌચ, શાસ્ત્રાભ્યાસ, અસત્કર્મ કરવામાં ઘૃણા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્તા આદિ બ્રાહ્મણનાં લક્ષણો છે.૩૪

જે ક્ષમા રાખે છે, ઇંદ્રિયોનું દમન કરે છે, શાસ્ત્ર શ્રવણથી જેના કાન તૃપ્ત થયા છે, ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે, પ્રાણીઓનો વધ જે મનથી પણ નથી કરતા અને દાનનો સ્વીકાર કરવામાં જેમનો હાથ સંકોચ કરે છે તેવા બ્રાહ્મણો છે તે જ અનેક જીવોને સંસારમાંથી તારવા સમર્થ થાય છે.૩૫

સત્પાત્રતાનાં લક્ષણો :-- શ્રીહરિ કહે છે, હે વિપ્રો ! હવે તમને ભવિષ્યપુરાણમાં સત્પાત્રનાં જે લક્ષણો કહેલાં છે તે કહી દેખાડું છું. ક્ષમા, ઇંદ્રિયોનું દમન, દયા, સત્ય, દાન, શીલ, તપ અને વેદાધ્યયન આ આઠ અંગ છે તે ''સત્પાત્રતા'' નાં પરમ લક્ષણો છે, એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે, તેથી યાજ્ઞાવલ્ક્યઋષિ પણ કહે છે કે, કેવળ એક શાસ્ત્રમાત્રનું અધ્યયન કરવાથી કે કેવળ તપમાત્રનું આચરણ કરવાથી સત્પાત્રતા પ્રાપ્ત થતી નથી, પરંતુ જેનામાં પૂર્વોક્ત સદાચાર હોય ને તેની સાથે વિદ્યા અને તપ આ બે ગુણોનો સમાવેશ જોવામાં આવે તે બ્રાહ્મણ જ ઉત્તમ પાત્ર છે.૩૬-૩૭

હે ઉત્તમ વિપ્ર કુબેરજી ! આ પ્રમાણે સત્પાત્ર બ્રાહ્મણત્વનાં અને તેની દયાળુતાનાં પ્રતિપાદન કરનારાં અનેક શાસ્ત્રોનાં વચનો છે જેને સદાચાર નિષ્ઠ વિદ્વાન સત્પુરુષોએ પ્રમાણપણે માન્ય ગણ્યાં છે.૩૮

તેથી તમે પણ આ યજ્ઞાનું અનુષ્ઠાન પશુહિંસા રહિતનું કરો. અહિંસામય યજ્ઞા કરવાથી તમારું સર્વેનું હિત થશે, કલ્યાણ થશે.૩૯

હે વિપ્ર ! પૂર્વોક્ત લક્ષણે સંપન્ન સત્પાત્રભૂત બ્રાહ્મણો જે યજ્ઞામાં વિરાજતા હોય તે યજ્ઞામાં સંકલ્પમાત્રથી પણ જીવહિંસા કેમ થાય ? સંભવ જ નથી.૪૦

હે વિપ્ર ! આક્રોશ કરતાં અને વધમાટે બાંધેલાં આ બકરાં આદિ પશુઓને જોઇને દયાવસાત્ મારા મનમાં અત્યંત ખેદ થઇ રહ્યો છે.૪૧

ડાંગર, જવ, ઘઉં, તલ વિગેરે અન્નથી દુધ, દહીં, ઘી, સાકર આદિ રસોથી તમે યજ્ઞાની ક્રિયા સંપાદન કરો, અને તેવા સાત્વિક યજ્ઞાના અનુષ્ઠાનથીજ દેવતાઓ તૃપ્ત થશે.૪૨

હે વિપ્ર ! શાસ્ત્રોમાં એમ પણ કહેલું છે કે, દેવતાઓ સાત્વિક હોવાથી ઉપર સ્વર્ગમાં વસે છે, અસુરો તામસી હોવાથી નીચે પાતાળમાં વસે છે અને મનુષ્યો રાજસી હોવાથી વચ્ચે પૃથ્વીલોકમાં વસે છે.૪૩

હે બ્રહ્મન્ ! અસુરો તામસી હોવાથી તેમને મદ્ય અને માંસ જ પ્રિય હોય છે, અને દેવતાઓ સાત્વિક હોવાથી તેમને ડાંગર આદિ અન્ન અને ઘી આદિ રસ પ્રિય લાગે છે.૪૪

કોઇ આપત્કાળ ન હોવા છતાં અર્થાત્ ધાન્યરસાદિ વિદ્યમાન હોવા છતાં મદ્યમાંસથી દેવતાઓનું યજન પૂજન કરવું તે ઉચિત નથી. અન્નાદિનો અભાવ હોય તેવા આપત્કાળના સમયે કદાચ મદ્ય-માંસથી પૂજન કરવામાં આવે તો પોતાના પ્રાણ રક્ષણ માટે દોષ નથી.૪૫

હે વિપ્ર ! તમારી પાસે તો અનેક પ્રકારનાં અન્ન તથા રસોની સમૃદ્ધિ છે. અને કોઇ જાતનો આપત્કાળ પણ તમને આવ્યો નથી. છતાં લોક અને શાસ્ત્રમાં નિંદિત હિંસામય યજ્ઞાનું અનુષ્ઠાન તમે કરો છો તે યોગ્ય નથી કરતા. હે કુબેરજી ! જો તમે આ પશુઓને છોડી મૂકો અને ખીર આદિ હૂત દ્રવ્યોથી યજ્ઞાનું અનુષ્ઠાન કરો તોજ હું અહીં રહી શકું, નહિં તો હું ચાલ્યો જઇશ.૪૬-૪૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનું વચન સાંભળી કુબેરજીનું મન શંકામાં પડયું, કે હવે શું કરવું ? તથા કેટલાક સાત્વિક પ્રકૃતિના બ્રાહ્મણો હતા તેણે પણ શ્રીહરિની વાત સાચી માની.૪૮

પરંતુ તે સમયે રજોગુણ અને તમોગુણ પ્રકૃતિવાળા કાશી, મહારાષ્ટ્ર અને દ્રવિડદેશના કેટલાક બ્રાહ્મણો હતા, તેમણે પોતાના જેવા જ તમોગુણી અને મહાઅભિમાની જગજીવનને પ્રેર્યો તેથી તે શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો.૪૯

હે શ્રીહરિ ! ''યજ્ઞાર્થં પશવઃ સૃષ્ટાઃ'' અર્થાત્ ''પશુઓનું સર્જન કેવળ યજ્ઞા માટે જ થયું છે'' એમ આ વેદની શ્રુતિ પ્રમાણ કરે છે. તેથી જે પુરુષો યજ્ઞા સિવાય અન્યત્ર પશુવધ કરે છે, તે પુરુષો અસુરો મનાયેલા છે.૫૦

હે વર્ણિ ! જે હિંસાનું વેદમાં પ્રતિપાદન કરેલ છે, તેને હિંસા કહેવાય નહિ, એમ વિદ્વાન પુરુષો માને છે. અને તેથી જ આથી પહેલાં હજારો રાજા મહારાજાઓએ હિંસામય યજ્ઞોનું અનુષ્ઠાન કરેલું છે.૫૧

આવી પુરાતન વૈદિક પરંપરાને મિથ્યા કરવા કયો પુરુષ સમર્થ છે ? અને તેથી જ અમે વેદોક્ત પરંપરા અનુસાર હિંસામય યજ્ઞા કરશું જ.૫૨

વેદોક્ત હિંસાનું તાત્પર્ય :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે હિંસામાં રુચિ હોવાથી અને વેદનું તાત્પર્ય નહિં સમજતા એવા જગજીવનનું વચન સાંભળી ભગવાન શ્રીસહજાનંદ સ્વામી તેનું હિત થાય તેવાં વચનો ફરી કહેવા લાગ્યા.૫૩

શ્રીનારાયણમુનિ કહે છે, હે વિપ્ર ! વેદનું તાત્પર્ય હિંસાપરક નથી. તેમાં જે હિંસાનું વિધાન છે તેતો પોતાના માંસ ભક્ષણના રાગથી લોકો જ્યાં ત્યાં હિંસા કરતા હતા. તેનો ધીરે ધીરે સંકોચ થાય અને છેલ્લે સદંતર બંધ કરી દેવામાં આવે, એ તાત્પર્ય છે.૫૪

રાજસી અને તામસી સ્વભાવના મનુષ્યોની પ્રવૃત્તિ જીવહિંસામાં સહજ રહેલી હોય છે. તેને કાંઇ વેદવાક્યોની પ્રેરણાની જરૂર પડે નહિ.૫૫

હે વિપ્ર ! વેદનું તાત્પર્ય એજ રહ્યું છે કે, ''જો તમને હિંસામાં રાગ હોય તો તે હિંસા માત્ર યજ્ઞામાં કરો. ગમે ત્યાં ગમે ત્યારે નહિ'' આ પ્રમાણે કહીને વેદો હિંસાનો સંકોચ કરે છે.૫૬

અને વેદનું સંપૂર્ણ તાત્પર્ય તો જીવહિંસાની ધીરે ધીરે નિવૃત્તિ કરવાનું છે. અને તે બાબતનો નિર્ણય શ્રીમદ્ ભાગવતમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે, તે તમને જણાવું છું, તમે સાવધાન થઇને સાંભળો.૫૭

હે વિપ્ર ! આ લોકમાં મનુષ્યોએ સહિત જીવપ્રાણી માત્રને મૈથુન, માંસ અને મદિરાના સેવનમાં સહેજે જ રાગ હોવાથી તેમાં પ્રવૃત્તિ સહેજે જ થાય છે. તેમાં શાસ્ત્રના ઉપદેશની કોઇ જરૂર પડતી નથી. પરંતુ તેમાંથી ધીરે ધીરે નિવૃત્ત થવા માટે જ મૈથુન માટે વિવાહ વ્યવસ્થા, માંસ માટે યજ્ઞા વ્યવસ્થા અને મદિરા માટે સૌત્રામણીયાગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે વેદનું તાત્પર્ય તો સદન્તર હિંસાથી નિવૃત્ત થવું તે જ છે.૫૮

હે વિપ્ર ! વેદમાં બતાવેલ સ્વર્ગાદિ પ્રાપ્તિ આદિ કામ્યકર્મના વિધાનનો અભિપ્રાય તેવાં કર્મમાંથી નિવૃત્તિ લેવી તે જ છે. છતાં તે અભિપ્રાયને નહિ સમજી શક્તા અજ્ઞાનીજનોને સમજાવવા માટે પરોક્ષવાદનાં વચનો કહેલાં છે. જેમ રોગી બાળકને ઔષધ પાવા માટે પિતા લાડુ દેખાડીને કહે બેટા ! આ ઔષધ પી જા તને આ લાડુ આપીશ. આ લાડુ આપવાના વિધાનનો પરોક્ષ અર્થ શું છે ? બાળક દવા પીએ અને રોગમુક્ત થાય, પરંતુ લાડુ ખવડાવીને તેનો રોગ વધારવાનો પ્રયત્ન કે અભિપ્રાય અહીં છે જ નહિ.૫૯

હે વિપ્ર ! તેથી તમે પણ વેદને હિંસાના સમર્થન કરનારા ક્યારેય પણ ન માનો. અને જે વેદને હિંસાપર માને છે તેને મહા અનર્થો ઉત્પન્ન થાય છે તેમાં કોઇ સંશય નથી.૬૦

ઉપરીચર વસુરાજાનું લાલચમાં પતન :-- શ્રીહરિ કહે છે, હે વિપ્ર ! પૂર્વે આકાશમાર્ગે વિચરણ કરતા ઉપરીચર નામના રાજા થયા. હિંસામય યજ્ઞા કરનારા ઇન્દ્રાદિ દેવતાઓ અને તેનો નિષેધ કરનારા ઋષિમુનિઓએ સાથે મળીને ઉપરીચર વસુરાજાને પોતાના સંશય વિષે પ્રશ્ન કર્યો કે, હે રાજન્ ! વેદોનું તાત્પર્ય હિંસા પરત્વે છે કે નથી ? આ પ્રમાણે પૂછયું ત્યારે ઇન્દ્ર સાથેની મિત્રતાની લાલચમાં આવી ઉપરીચર વસુરાજાએ કહ્યું કે, ''વેદોનું તાત્પર્ય હિંસાપર છે'' આટલું બોલતાં જ રાજા આકાશમાંથી પૃથ્વી પર પડયા.૬૧-૬૨

રાજા આકાશમાં ગતિ કરતા હતા છતાં ખોટો અભિપ્રાય આપતાંની સાથે જ તેની અધોગતિ થઇ. આ કથા વાયુ પુરાણ, મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ અને મહાભારત જેવા ઇતિહાસને વિષે વિસ્તારથી વર્ણવેલી છે.૬૩

હે વિપ્ર ! જો વેદનું તાત્પર્ય હિંસા પરત્વે હોય તો ''વેદોનું તાત્પર્ય હિંસા પર છે'' એટલું બોલવા માત્રથી ઉપરીચર વસુરાજાનું તત્કાળ પૃથ્વી પર પતન કેમ થાય ?૬૪

તેથી તમે પણ વેદનું તાત્પર્ય હિંસાની નિવૃત્તિ પરત્વે છે, એમ નક્કી જાણો. આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી જગજીવન વિપ્ર મહા ક્રોધથી બળવા લાગ્યો અને શ્રીહરિ ઉપર ફરી આક્ષેપ કરીને કહેવા લાગ્યો. કે, હે વર્ણિ ! યજ્ઞા કરનાર પુરુષો યજ્ઞામાં મંત્રના સંસ્કાર કરીને જે પશુઓનો વધ કરે છે તે પશુઓ તિર્યગ્યોનિમાંથી મુક્ત થઇ સ્વર્ગમાં દેવતા થાય છે. આ વાત વેદમાં પ્રસિદ્ધ છે.૬૫-૬૬

હે વર્ણિ ! એથી યજ્ઞામાં કરવામાં આવતી હિંસા એક નક્કી ધર્મ જ છે. અને તેને વિદ્વાનોની સભામાં અધર્મ કહેવો તે તમારા જેવા પુરુષોને શોભતું નથી.૬૭

અને બીજું કે, ''યજ્ઞાના શેષભૂત પ્રસાદનું ભક્ષણ કરનાર પુરુષો સર્વ પાપ થકી મુક્ત થઇ જાય છે.'' આવું ભગવદ્ગીતાનું પ્રમાણભૂત વાક્ય છે તેથી યજ્ઞાના શેષભૂત માંસનું ભક્ષણ પણ કરવામાં કોઇ દોષ નથી.૬૮

સુવ્રતમુનિ કહ છે, હે રાજન્ ! માંસ પ્રિય અને યજ્ઞાના અનુષ્ઠાનનો દંભ કરનાર તથા અધર્મને ધર્મ માનનારા જગજીવનનાં ઉપરોક્ત વચનો સાંભળી ભગવાન શ્રીહરિ ફરી કહેવા લાગ્યા.૬૯

શ્રીનારાયણમુનિ કહે છે, હે વિપ્ર ! પશુના ઘાત કરવાને ધર્મ કહેવો એ કેવળ તમારો અભિપ્રાય છે. એ સંતપુરુષોનો મત નથી. ધર્મનું ફળ સુખ છે અને અધર્મનું ફળ દુઃખ છે.૭૦

હે વિપ્ર ! શ્રીમદ્ભાગવતમાં દેવર્ષિ નારદે યજ્ઞામાં પશુઘાતના કર્મનું દુઃખ જ છે એમ કહેલું છે, તે તમને હું સંભળાવું છું.૭૧

હે વિપ્ર ! અધ્યાત્મતત્ત્વને જાણનારા પરમ કૃપાળુ દેવર્ષિ નારદે હિંસામય યજ્ઞા કરવામાં આસક્ત પ્રાચીન બર્હિષ રાજાને બોધ આપતાં કહ્યું કે, હે પ્રજાપતિ ! યજ્ઞામાં નિર્દય થઇને તમે મારેલાં હજારો પશુઓના જીવ સમૂહોને આકાશમાં નિહાળો.૭૨-૭૩

તે સર્વે તમે આપેલી પ્રાણઘાતની વેદનાનું સ્મરણ કરતાં કરતાં તમે મૃત્યુના માર્ગે ક્યારે સિધાવો છો તેની પ્રતીક્ષા કરી રહ્યાં છે. તમે જ્યારે મૃત્યુ પામી આકાશમાર્ગે પ્રસાર થશો ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલાં તે પશુઓ લોહના યંત્રથી તમારા શરીરના ટુકડે ટુકડા કરી નાખશે.૭૪

પૂર્વે પુરંજન રાજાએ નિર્દયપણે મારેલાં યજ્ઞાનાં પશુઓ અત્યંત ક્રોધે ભરાઇને તે રાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેની નિર્દયતાનું સ્મરણ કરતાં કરતાં લોહના કુઠારથી તેમના ટુકડે ટુકડા કર્યા હતા.૭૫

હે વિપ્ર ! આ પ્રમાણે નારદજીનાં વચનો સાંભળી પ્રાચીન બર્હિષ રાજાએ હિંસામય યજ્ઞાનો ત્યાગ કરી અહિંસામય યજ્ઞોવાળા ધર્મનું અનુસરણ કર્યું હતું. અને હે વિપ્ર ! તમે પણ સુજ્ઞા છો. આ પૃથ્વી પર તમે યશ, કીર્તિથી પ્રખ્યાત છો. તેથી સમગ્ર પણે પશુહિંસાનો ત્યાગ કરી અહિંસામય યજ્ઞાનું અનુષ્ઠાન કરો.૭૬-૭૭

શ્રીહરિનું ભુજથી ધમડકાપુરમાં આગમન :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ બહુ સમજાવ્યા, છતાં પણ જગજીવન વિપ્રે પોતે માનેલા મતનો ત્યાગ કર્યો નહિ તેથી તેમને મદથી ઉદ્ધત જાણી ભગવાન શ્રીહરિ તત્કાળ યજ્ઞામંડપને છોડી પોતાના નિવાસ સ્થાને આવતા રહ્યા.૭૮

ત્યારપછી બીજે દિવસે ભુજનગરવાસી પોતાના ભક્તજનોને સ્વધર્મમાં રહેવાનો ઉપદેશ આપી ભગવાન શ્રીહરિ ભુજનગરથી રવાના થયા અને સર્વે ભક્તજનો દૂર પ્રદેશ સુધી તેમને વળાવવા પાછળ પાછળ આવ્યા.૭૯

હે રાજન્ ! પરમેશ્વર ભગવાન શ્રીહરિ પોતાની પાછળ આવતા ભુજનગરના ભક્તોને પાછા વાળી માર્ગમાં આવતાં તે તે ગામના ભક્તજનોને પોતાનાં દર્શનનું સુખ આપતા કેટલાક દિવસે ધમડકાપુર પધાર્યા.૮૦

હરિ-અવજ્ઞાનું પરિણામ :-- હે રાજન્ ! શ્રીહરિએ ભુજનગર છોડયા પછી મદ અને માનથી બુદ્ધિભ્રષ્ટ થયેલા જગજીવન વિપ્રે ભગવાન શ્રીહરિનાં વચનનો અનાદર કરી પોતાના હિંસામય યજ્ઞાનો પ્રારંભ કર્યો અને પશુઓનો વધ કરી હોમ કર્યો.૮૧

હે જનાધિપ ! એક ભગવાન શ્રીહરિનાં વચનોનો અનાદર કરવાથી અને બીજું વેદને હિંસા પરક કહેવાથી તે જગજીવન વિપ્ર ઉપર કોઇ કારણવસાત્ ભુજનગરના રાજાનો કોપ થયો. અને ક્રોધાયમાન રાજાએ પોતાના સૈન્યને મોકલી તેના યજ્ઞાનો ઉચ્છેદ કરી નાખ્યો.૮૨-૮૩

જેવી રીતે પૂર્વે શિવજીનું અપમાન કરનાર દક્ષપ્રજાપતિના યજ્ઞાનો વીરભદ્રગણે ઉચ્છેદ કર્યો હતો. તેવી જ રીતે ભુજનગરના રાજાએ જગજીવનના યજ્ઞાનો ઉચ્છેદ કર્યો.૮૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! રાજાએ મોકલેલા સૈનિકોએ જગજીવન વિપ્રની સમસ્ત સંપત્તિ, શિબિકા આદિક વાહનો, ઘરનાં સર્વે ઉપકરણો, યજ્ઞાનાં પાત્રો તેમજ જલેબી, મોતૈયા આદિ અનેક પક્વાન્નના ઢગલાઓ હરી ગયા.૮૫

તે સમયે મહા અભિમાની ત્રણે ભાઇઓ અત્યંત ક્રોધ પામી શસ્ત્રધારી પોતાના સેવકોની સાથે તે સૈનિકો સામે યુદ્ધ કરવા લાગ્યા.૮૬

મોટી દાઢીવાળા મુસ્લીમ સૈનિકોનો માર પડવાથી કાશી આદિ સ્થાનોના બ્રાહ્મણો ઉચ્ચે સ્વરે રડતા રડતા ભુજનગરથી ભાગવા લાગ્યા, મારના ભયથી આક્રંદ કરતા અને ભાગતા તે બ્રાહ્મણોની સંપત્તિ સૈનિકોએ હરી લીધી અને તેમની પાછળ આ મહાકાળ જેવા સૈનિકો દોડતા હતા ત્યારે રાજાએ તેઓને અટકાવ્યા.૮૭-૮૮

હે રાજન્ ! તે યુદ્ધમાં હાથમાં તીક્ષ્ણ તલવારો લઇ રાજાના ક્રૂર સૈનિકોએ લાલચોળ નેત્રો કરી પોતાને મારવા આવતા કુબેરજી આદિ ત્રણે ભાઇઓનાં માથાં વાઢી નાખ્યાં.૮૯

આ પ્રમાણે હથિયાર ધારી પોતાના પુત્રો અને અનુચરોની સાથે તે ત્રણે ભાઇઓ રણસંગ્રામમાં મૃત્યુ પામ્યા અને તે જ ક્ષણે માંસભક્ષી કાગડા, ગીધ, સમડા આદિ હિંસક પક્ષીઓ અને પ્રાણીઓ તેનું ભક્ષણ કરવા લાગ્યા.૯૦

તે સમયે ભુજનગરને વિષે તેમનાં મૃત્યુથી ચારે બાજુ હાહાકાર વર્તાયો અને ભગવાન શ્રીહરિનાં વચનોના અનાદરનું આ ફળ તેઓને મળ્યું છે, એમ પુરવાસીજનો માનવા લાગ્યા.૯૧

હે રાજન્ ! ત્યારથી આરંભીને સમગ્ર દેશમાં એવો ઉદ્ઘોષ વ્યાપી ગયો કે, દેવોને માટે પણ યજ્ઞામાં કરવામાં આવતી જીવ હિંસા મૂળે સહિત વંશનો વિનાશ કરનારી છે.૯૨

હે રાજન્ ! ત્યારથી આરંભીને પૃથ્વી પર ધાર્મિક પુરુષોએ પણ યજ્ઞાદિમાં જીવહિંસાનો અને દેવાદિકને નિવેદન કરી મદ્યમાંસ ભક્ષણ કરવાનો રિવાજ સદંતર છોડી દીધો.૯૩

હે રાજન્ ! આ પ્રમાણે હિંસામય યજ્ઞાદિ આસુરી ક્રિયાનો વિનાશ કરતા ભગવાન શ્રીસ્વામિનારાયણનો પ્રતાપ આ ધરતીપર ચારે તરફ ફેલાયો અને તેણે કરીને પત્ની ભક્તિ અને પુત્ર જ્ઞાન, વૈરાગ્ય વગેરેની સાથે પોતાનું પોષણ થતાં ભગવાન શ્રીહરિના પિતા સાક્ષાત્ ધર્મદેવ અતિશય મહા આનંદન પામ્યા.૯૪

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભુજનગરને વિષે હિંસામય યજ્ઞાનો નિષેધ કરી અહિંસામય ધર્મનું સ્થાપન કર્યું એ નામે ઓગણીસમો અધ્યાય પૂર્ણ થયો. --૧૯--