અધ્યાય - ૧૬ - હેમંતસિંહ રાજા તથા ઉત્તમરાજા વચ્ચે થયેલા મીઠા પ્રેમકલહનું વર્ણન.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:57pm

અધ્યાય - ૧૬ - હેમંતસિંહ રાજા તથા ઉત્તમરાજા વચ્ચે થયેલા મીઠા પ્રેમકલહનું વર્ણન.

હેમંતસિંહ રાજા તથા ઉત્તમરાજા વચ્ચે થયેલા મીઠા પ્રેમના કલહનું વર્ણન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિ હેમંતસિંહ રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમે તમારા સંબંધીજનોની સાથે તમારા પુર પ્રત્યે જાઓ, હું તમારી પાછળ જ તમારા નગર પ્રત્યે આવું છું, એ નક્કી વાત છે.૧

આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ હેમંતસિંહરાજાને કહ્યું તેથી તે ખૂબજ રાજી થયા અને તે જ સમયે પોતાના પુર પ્રત્યે જવા તૈયાર થયા. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ સુરાખાચરને કહ્યું કે, હે સુરાભક્ત ! તમે તમારા પુર પ્રત્યે પધારો અને હું આવતી કાલે પ્રાતઃકાળે તમારા નાગડકાપુરે પધારું છું. આ મારા વચનમાં કોઇ સંશય કરશો નહિ. એથી બ્રાહ્મણો પાસે રસોઇ તૈયાર કરાવી મારા આગમનની પ્રતિક્ષા કરો.૨-૩

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી સુરાભક્ત પણ અતિશય પ્રસન્ન થયા ને પોતાના સંબંધીજનોની સાથે પોતાના પુર પ્રત્યે જવા પ્રયાણ કર્યું. આ સમગ્ર વૃત્તાંત શ્રીહરિ જુનાગઢ અને નાગડકા પ્રત્યે જવાના છે, તે રતિદેવીએ જયાબાને કહ્યું.૪

તે સમયે જયાબા લલિતાબાની સાથે એકદમ ઊભાં થયાં ને સ્નાન કરી પોતાનું નિત્યકર્મ કરી રહેલા પોતાના ભાઇ ઉત્તમરાજાની પાસે જઇ કહેવા લાગ્યાં.૫

હે ભાઇ ! દિવસનો એક પ્રહર વીતી ગયો, છતાં પણ દીર્ઘસૂત્રીની જેમ અત્યાર સુધી તમે શું ઘંટડી બજાવી રહ્યા છો ? આપણું સર્વસ્વ લૂટાઇ રહ્યું છે. માછલાંઓને જળની જેમ આપણા જીવનપ્રાણ ભગવાન શ્રીહરિને સુરાખાચર અને હેમંતસિંહ રાજા આપણાથી દૂર લઇ જઇ રહ્યા છે.૬

શું ? શું ? કેવી રીતે ? આ પ્રમાણે સામે પૂછતા ઉત્તમરાજાને જયાબા કહેવા લાગ્યાં કે, હે ભાઇ ! સંતોની સાથે ભગવાન શ્રી નારાયણમુનિ જુનાગઢ પ્રત્યે જઇ રહ્યા છે.૭

તો ત્યાનાં સ્નેહી ભક્તજનો સમયે સમયે એવી પ્રેમથી સેવા કરશે કે પછી આપણા પુરમાં તે પાછા કેમ પધારશે ?૮

કારણ કે પોતાના એકાંતિક ભક્તો ઉપર સમાન દૃષ્ટિવાળા શ્રીહરિને સર્વે ભક્તો એક સરખા હોય છે. તેથી તત્કાળ તમો શ્રીહરિની સમીપે જાઓ અને નમસ્કાર કરી પ્રાર્થના કરીને ત્યાં જતાં અટકાવો.૯

આ પ્રમાણે જયાબા અને લલિતાબાએ કહ્યું તેથી ઉત્તમરાજા તત્કાળ પૂજાની સમાપ્તિ કરીને ઉઘાડે માથે શ્રીહરિની સમીપે જવા દોટ મૂકી. તે સમયે વચ્ચે આ રીતે આવી રહેલા ઉત્તમરાજાને હેમંતસિંહ રાજાએ જોયા.૧૦

તેથી ઉત્તમરાજાને કહેવા લાગ્યા કે, હે મિત્ર ! પાઘડી પહેર્યા વિના ઉઘાડે માથે આમ દોડતા ક્યાં જઇ રહ્યા છો ? હું તમને આમંત્રણ દેવા તમારી સમીપે જ આવતો હતો.૧૧

હે મિત્ર ! શ્રીહરિ સંતોની સાથે જુનાગઢ પ્રત્યે પધારે છે. તેની સાથે તમો પણ પોતાના પરિવારે સહિત મારા જુનાગઢ પુરમાં પધારો.૧૨

આવી રીતે હેમંતસિંહ રાજાનું આમંત્રણનું વચન સાંભળી બુદ્ધિમાં ઉદ્ધવજીની સમાન ઉત્તમરાજા શ્રીહરિને રોકવા યુક્તિપૂર્વકનાં વચનોથી હેમંતસિંહ રાજાને કહેવા લાગ્યા.૧૩

કે હે ભાઇ ! તમે તો બુદ્ધિમાન અને અતિશય સુજ્ઞા છો. તમારામાં ક્યા સમયે શું કરવું અને શું ન કરવું ? તેમાં વિવેક બુદ્ધિ રહેલી છે. અને તેથી જ સર્વ વિવેકીજનોમાં માન્ય છો. તમારી બુદ્ધિની વિચારસરણીનું અવલંબન કરી મનુષ્યો ધર્મમાં વર્તે છે.૧૪

તેમ છતાં હે મિત્ર ! તમે શ્રીહરિને અત્યારના સમયે તમારા પુર પ્રત્યે લઇ જવા આમંત્રણ આપ્યું, તે વિચાર કર્યા વિના આપ્યું હોય તેમ જણાય છે.૧૫

કારણ કે અત્યારે દેહધારી મનુષ્યોની ચામડીને પણ વિદારી મૂકે એવા શિયાળાનો સમય છે. જેમાં રુ ભરેલી ગરમ ડગલી પહેરીને બેઠેલા મનુષ્યોને ઘરમાં પણ ઠંડી સહન થઇ શકે તેમ નથી.૧૬

તો પછી પ્રચંડ પવન ફુંકાતા માર્ગમાં ને તેમાં પણ પ્રાતઃકાળે શ્રીહરિથી ઠંડી સહન કરવી શક્ય બનશે ? તેમ છતાં પણ તમે લઇ જશો તો તમારી ભક્તિની ઇતર જનો દ્વારા મશ્કરી થશે.૧૭

હે મિત્ર ! તેમાં પણ અષ્ટાંગયોગનો અભ્યાસ કરવાથી અતિશય કોમળ અને કૃશ શરીરવાળા મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી આદિ સર્વે સંતો પોતાની ગોદડીનો ભાર ઉપાડવા અસમર્થ હોવાથી આદર કરતા નથી. તેથી તેઓ આવી હેમંતઋતુમાં માર્ગમાં ઠંડીથી કષ્ટ પામશે.૧૮

વળી અલ્પાહાર કરતી અને ભક્તિયોગને આશરી શ્રીહરિના ધ્યાનપરાયણ રહેતી તેમજ પગમાં પગરખાં નહિ પહેરતી આ સર્વે વિધવા નારીઓ, હેમંતઋતુમાં પગની આંગળીઓને ફાડી નાખતા માર્ગમાં કેવી રીતે ચાલી શકશે ?૧૯

પ્રાતઃકાળે ઠંડા જળમાં સ્નાન કરીને ચાલતા, ઠંડીથી ધ્રુજતા, સંતો તથા સત્સંગીજનોને જોઇને અલ્પબુદ્ધિવાળા ગામડીજનો પણ તમને શાપ આપશે કે, આવી ઠંડીઋતુમાં આ લોકોને પ્રવાસ કરાવનારો કોણ છે ? તેને ધિક્કાર છે. આવો તમારા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરશે.૨૦

આવા દુઃસહ્ય સમયે શ્રીહરિને જુનાગઢ લઇ જવારૂપ કર્મથી તમારૂં હેમંતસિંહ એવું નામ ક્યારેય પણ સાર્થક ન થાઓ, એવી હું પ્રાર્થના કરૂં છું. તમો ગ્રીષ્મઋતુમાં સુખેથી શ્રીહરિને લઇ જજો.૨૧

હે ભાઇ ! ગ્રીષ્મઋતુ આવે ત્યાં સુધી તમે પણ તમારા સંબંધી તથા દેશવાસી ભક્તજનોની સાથે ગઢપુરમાં નિવાસ કરીને રહો, અને શ્રીહરિનું દર્શન કરો.૨૨

હે ભાઇ ! અહીં ગઢપુરમાં જ તમો શ્રીહરિ તથા સંતોને પકવાન્નોથી ભોજન કરાવો અને શ્રીહરિનું સારી રીતે પૂજન પણ કરો.૨૩

શ્રીહરિને પોતાના ઘરે લઇ ગયા પછી પણ તેઓને જમાડવા કે પૂજા કરવાથી વિશેષ બીજો અર્થ જણાતો નથી. અને ગારમાટીનું ઘર એ કાંઇ ઘર નથી. એમ સ્મૃતિકારોએ કહ્યું છે. પરંતુ ગૃહિણીની સાથે રહેવું એ જ ઘર છે.૨૪

જો સાતમાળની હવેલીમાં પણ પત્ની સાથે ન હોય તો તે મહેલ પણ અરણ્ય સમાન કહેલો છે. અને પત્ની જ્યાં રહેતી હોય તે જ સ્થળને ગૃહસ્થાશ્રમીઓનું ઘર કહેલું છે.૨૫

અમારાં ભાભી અહીં તમારી સાથે જ છે. તેથી મારાં ભાભીની સાથે તમે બહુ પ્રકારના ઉપચારોથી ભગવાન શ્રીહરિનું પૂજન કરી અહીં ગઢપુરમાં જ ગૃહસ્થાશ્રમીના કર્તવ્યને સફળ કરો.૨૬

હે ભાઇ ! મિત્રનું ઘર પોતાના ઘરથી જુદું નથી. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી ગઢપુરમાં મારા ભવનમાં રહીને તમે શ્રીહરિને આદરપૂર્વક પ્રસન્ન કરો.૨૭

મેં આ બધું તમને તમારી ઉપરના સ્નેહને કારણે કહ્યું છે. બાકી તમે ઉદારબુદ્ધિવાળા છો, તેથી હવે તમારૂં હિત કે અહિત શેમાં છે ? તેનો વિચાર કરીને જેમાં હિત હોય તેમ કરવા તમે સ્વતંત્ર છો.૨૮

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજાનાં યુક્તિપૂર્વકનાં વચનો સાંભળીને વચનોનો પ્રયોગ જાણવામાં પ્રવીણ અને નીતિયુક્ત બુદ્ધિમાં વિદૂરજીની સમાન, તેથી જ ઉત્તમરાજાના વચનોના ભાવને જાણતા હેમંતસિંહ રાજા ઉત્તમરાજા પ્રત્યે કહેવા લાગ્યા.૨૯

હે ભાઇ ! કેવળ પોતાના સ્વાર્થનું રક્ષણ કરવા તમે બહુ સુંદર બોલી રહ્યા છો. નાના છો છતાં પણ તમારી બુદ્ધિ વૃદ્ધપુરુષોની બુદ્ધિને પણ ઉલ્લંઘી જાય તેવી અધિક જણાય છે.૩૦

જે સ્વભાવથી જ સદાય પરોપકારી છે એવા સંતોના નિરંતર સમાગમમાં રહેલા હોવા છતાં પણ તમે સ્વાર્થી બુદ્ધિનો અભ્યાસ ક્યાંથી શીખ્યા ?૩૧

હે કલ્યાણકારી મિત્ર ! યુક્તિપૂર્વક બોલવાનું જાણતા તમો ઠંડીને કારણે શ્રીહરિને જુનાગઢ લઇ જવાનો નિષેધ કરી રહ્યા છો તેનો ઉત્તર હું તમોને આપું છું.૩૨

હે મિત્ર ! હું પવન ન લાગે તેવી નાના ઘર જેવી શિબિકામાં શ્રીહરિને બેસાડીને લઇ જઇશ. આમ કરવાથી ઠંડીનું કષ્ટ કેવી રીતે થશે ?૩૩

તેમજ તપસ્વિની સર્વે નારીઓને પણ વસ્ત્રના ઘર જેવા રથ કે ગાડાંમાં બેસાડીને માર્ગમાં જેમ સુખ થાય તેમ લઇ જઇશ.૩૪

અને સર્વે સંતો તથા હરિભક્તો દિવસનો પ્રથમ પહોર વીતી જશે પછીથી જ માર્ગમાં સુખેથી ચાલશે, જેથી ઉનાળાની જેમ તડકાનો પણ ભય રહેશે નહિ.૩૫

ઝેરી પવનથી મુસાફરના પ્રાણને હરી લેતા ગરમીના સમયને તમે શીતકાળથી શ્રેષ્ઠ કહો છો, તે શું વિચારીને કહો છો ?૩૬

બીજું તમે યુક્તિપૂર્વક ગૃહસ્થધર્મની સફળતા કહી તે તમારે મારી સાથે જુનાગઢ આવીને તમારા કહેવા પ્રમાણે કરવાની રહેશે.૩૭

હે મિત્ર ! શ્રીહરિની પ્રાર્થના કરતાં કરતાં જ્યારે મને ઘણાં વર્ષો પસાર થયાં ત્યારે, અત્યારે જ 'હું તમારા નગર પ્રત્યે આવું છું.' એમ શ્રીહરિએ મને કહ્યું.૩૮

તેથી અત્યારે મારા મનોરથનું ફળ પ્રાપ્ત થઇ રહ્યું છે, તેને ઉખેડતાં જ તમારે વિષે મિત્રના સ્નેહનું લક્ષણ અપૂર્વ ઉત્પન્ન થયું હોય તેમ મને જણાય છે.૩૯

હે મિત્ર ! શ્રીહરિ જુનાગઢ પધારશે ત્યારે માર્ગમાં કરોડો મનુષ્યો ભગવાન શ્રીહરિનાં દર્શન કરી પોતાના મનુષ્ય જન્મનું તત્કાળ ફળ પ્રાપ્ત કરશે. અને પાપનું નિવારણ કરી દેતા હજારો સંતોનાં દર્શન કરી સંસારના બંધનમાંથી મુક્ત થશે.૪૦-૪૧

હે મિત્ર ! આવા પુણ્યોદયના સમયે અતિશય ઉત્તમ જ્ઞાનવાળા હોવા છતાં પણ તમે શ્રીહરિના જુનાગઢના આગમનનો નિષેધ કરીને લોકોમાં અતિશય તમરૂપી જેને અજ્ઞાન છે, એવા ઉત્તમ નામને સાર્થક ન કરો.૪૨

આ લોકમાં ભાઇઓની સાથે પિતૃસંબંધી સુખ સમાનપણે ભોગવવું જોઇએ. તે સુખ તમે એકલા જ બહુકાળથી ભોગવી રહ્યા છો. તેથી તમને અત્યારે વધુ બોલવું યોગ્ય નથી.૪૩

જે વિવેકી ભાઇઓ હોય તે સ્વતંત્રપણે જ પિતાની સંપત્તિનો વિભાગ કરીને તેનો ઉપભોગ કરે છે. અને તમે તો પિતા એવા શ્રીહરિએ અન્ય ભાઇ એવા મને આપેલાં સુખનો નિષેધ કરીને શરમાતા નથી ?૪૪

તમારે મારી પ્રેરણા વિના પણ ભગવાન શ્રીહરિને લઇને મારા નગરમાં આવવું જોઇએ. આ જ મિત્રનું સાચું લક્ષણ છે.૪૫

શરીરનું જેમ હાથ રક્ષણ કરે, નેત્રનું જેમ પાંપણ રક્ષણ કરે, તેમ પોતાના મિત્રની પ્રેરણા વિના જ તેમનું હિત કરે, એને જ મિત્ર કહેવાય છે.૪૬

હે મિત્ર ! તમારે વિષે મિત્ર શબ્દનો અર્થ નિરંતર નપુંસક લિંગના અર્થમાં જ પ્રવૃત્તિ પામો, પરંતુ પુલિંગમાં વપરાતા મિત્ર શબ્દની પ્રવૃત્તિ ન થાઓ. કારણ કે, નપુંસક લિંગમાં વપરાતો મિત્ર શબ્દનો અર્થ સુહૃદ વાચક છે અને પુલિંગમાં સૂર્ય વાચક છે. અર્થાત્ તમે સુહૃદની જેમ વર્તી સુખ આપો અને મારા સહાયક થાઓ પણ સૂર્યની જેમ વર્તી તાપયુક્ત ન થાઓ.૪૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ કહ્યું તેથી ઉત્તમ રાજા મંદમંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા કે, હે મિત્ર ! શ્રીહરિની જેવી ઇચ્છા હશે તે પ્રમાણે થશે.૪૮

હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજા હેમંતસિંહ રાજાને કહીને શ્રીહરિની સમીપે પધાર્યા. હેમંતસિંહ રાજા પોતાના નિવાસ સ્થાને આવી વિચાર કરવા લાગ્યા કે, 'કલ્યાણના માર્ગમાં અનેક અંતરાયો રહેલા હોય છે.' આવા પ્રકારની વિદ્વાનોની વાણી સત્ય છે. છતાં પણ જ્યાં સુધી બુદ્ધિનું બળ પહોંચે ત્યાં સુધી પ્રયત્નો કરવા જોઇએ. તેનું ફળ ભગવાન શ્રીહરિ આપશે.૪૯-૫૦

આ પ્રમાણે વિચારીને હેમંતસિંહ રાજા પોતાનાં કાર્યમાં વિઘ્નરૂપ અંતરાયને શાંત કરવા માટે ગણપતિસ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની આદર પૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ગણેશ ! તમને આગામી કાર્તિક વદ ચોથને દિવસે ગોળના લાડુનું નૈવેદ્ય ધરાવીને તમારૂં દૂર્વા, સિંદૂર આદિકથી પૂજન કરીશ. તમે મારા કાર્યમાં વિઘ્નનું નિવારણ કરો.૫૧-૫૨

હે રાજન્ ! આ પ્રમાણે ગણપતિજીની પ્રાર્થના કરી પોતાના સોરઠ દેશવાસી સર્વે ભક્તજનોને તથા સંબંધીજનોને જુનાગઢ પ્રત્યે પાછા મોકલી દીધા. પરંતુ સ્વયં હેમંતસિંહ રાજા શ્રીહરિની આજ્ઞા લઇને ત્યાંજ રોકાઇ રહ્યા.૫૩

હે રાજન્ ! પછી પોતાની આગળ પ્રતિજ્ઞા કરાયેલા શ્રીહરિના વચનમાં નિષ્ઠા રાખીને તથા શ્રીહરિની ભક્તવત્સલતાને જાણતા હેમંતસિંહરાજા પોતાના મિત્ર ઉત્તમરાજા શ્રીહરિની સમીપે ગયા છે તેથી જુનાગઢ આગમનનો નિષેધ તો નહિ કરે ને ? આવા પ્રકારની શંકા રાખીને ફરી શ્રીહરિની સમીપે આવી ઊભા રહ્યા.૫૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કારીયાણીથી શ્રીહરિને જુનાગઢ લઇ જતા હેમંતસિંહરાજા તથા ઉત્તમરાજાના પરસ્પર યુક્તિ યુક્ત વચનોનું નિરૂપણ કર્યું એ નામે સોળમો અધ્યાય પૂર્ણ થયો. --૧૬--