અધ્યાય - ૭૨ - શ્રીહરિએ જ્ઞાનના ફળરૂપ ભગવાનના ધામની પ્રાપ્તિનું નિરૂપણ કર્યું.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:35pm

અધ્યાય - ૭૨ - શ્રીહરિએ જ્ઞાનના ફળરૂપ ભગવાનના ધામની પ્રાપ્તિનું નિરૂપણ કર્યું.

શ્રીહરિએ જ્ઞાનના ફળરૃપ ભગવાનના ધામની પ્રાપ્તિનું નિરૃપણ કર્યું. હવે ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત કહે છે.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિવર્ય ! પૂર્વોક્ત સાંખ્યજ્ઞાનથી પોતાના ક્ષેત્રજ્ઞા એવા આત્મને કારણાદિ ત્રણ શરીરથી વિલક્ષણ જાણવો અને વૈરાજ પુરુષને પણ અવ્યાકૃત સૂત્રાત્મા અને વિરાટ્ આ ત્રણથી વિલક્ષણ જાણવા.૧

ત્યાર પછી પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે તાદાત્મ્ય ભાવે એકરૂપની ભાવના કરવી, આમ બ્રહ્મરૂપ થઇને ભક્તિભાવ પૂર્વક ભગવાન શ્રીવાસુદેવનું ભજન કરવું.૨

જ્યાં સુધી પોતાને શરીરનું ભાન હોય ત્યાં સુધી પોતાના અધિકાર અનુસાર વર્ણાશ્રમને ઉચિત ધર્મોનું પાલન કરતાં કરતાં શ્રીવાસુદેવ ભગવાનનું સદાય ભજન કરવું.૩

આશ્રમધર્મો, વર્ણાશ્રમ ધર્મો અને વર્ણાશ્રમથી બહારના સંકરજાતિના ધર્મો, સ્ત્રીઓના ધર્મો અને બીજા સર્વે પ્રકારના ધર્મો ધર્મશાસ્ત્રોમાં કહેલા છે. ત્યાં થકી જાણી લેવા.૪

હે મુનિ ! આવી રીતે જીવના સ્વરૂપનું લક્ષણ કહ્યું. હવે જીવના ઉપાસ્ય ભગવાન શ્રીવાસુદેવના સ્વરૂપનું લક્ષણ અમારો સિદ્ધાંત જણાવવા પૂર્વક વિવેચન કરીએ છીએ. સર્વાન્તર્યામી ને મહાસમર્થ એવા સાક્ષાત્ શ્રીવાસુદેવનારાયણ ભગવાન મુમુક્ષુ જનોને ઉપાસના કરવા યોગ્ય છે. એ સિવાય અન્ય કોઇ પણ દેવની ઉપાસના કરવી નહિ, આવો સકલ શાસ્ત્રનો સિદ્ધાંત છે.૫

તે શ્રીવાસુદેવ ભગવાન અક્ષરપુરુષાદિ સર્વદેવોના પણ દેવ છે. તે સુવર્ણની સમાન ચળકતા વર્ણવાળા છે. તથા નવીનમેઘની સમાન શ્યામ સુંદર છે. સમગ્ર સૈાંદર્યના એ નિધિ છે. એક એક અંગને વિષે કોટિ કેટિ ચંદ્રમાના પ્રકાશ તુલ્ય ઉજ્જવલ કાંતિરૂપી માલાને ધારી રહેલા છે.૬

વયથી સદાય કિશોર છે. અતિશય રમણીય છે, પીતાંબર ધારી છે, જેમના દિવ્ય શરીરમાંથી દશે દિશાઓમાં સુગંધ પસરી રહી છે. બન્ને હસ્તકમળથી પોતાના મુખ આગળ મોરલીને ધારણ કરી સુંદર નાદ કરી રહ્યા છે. ઝાંઝરથી બન્ને ચરણકમળ શોભી રહ્યાં છે.૭

મસ્તક ઉપર મુગટ, કેડમાં કટિમેખલા, હાથમાં કડાં, બાંહે બાજુબંધ અને કંઠમાં કૌસ્તુભમણિ આદિક અનંત આભૂષણોથી અલંકૃત થઇ રહ્યા છે. ચંદ્રમાની સમાન આહ્લાદક મુખકમળ વિલસી રહ્યું છે. શ્રીવત્સના ચિહ્નથી અંકિત વિશાળ વક્ષઃસ્થળ શોભી રહ્યું છે. કમળના પત્ર સમાન સુંદર વિશાળ બન્ને નેત્રો શોભી રહ્યાં છે.૮

તેવી જ રીતે મહામૂલ્યવાળાં વસ્ત્રો અને આભૂષણોથી તેમજ પુષ્પના હારોથી તથા કેસર ચંદનાદિક ઉપચારોથી રાધા અને રમાએ પૂજા કરેલા છે. અને કરુણાભીની દૃષ્ટિથી પોતાના ભક્તજનોને નિહાળી રહ્યા છે.૯

આવી શોભાવાળા અને મંદમંદ મુખહાસ્યથી શોભતા શ્રીવાસુદેવ ભગવાનનું મુમુક્ષુ જનોએ પોતાના હૃદયકમળમાં ચિંતવન કરવું.૧૦

પુરાણપ્રસિદ્ધ ભગવાનની પૂજામાં ઉપયોગી શોભાયમાન અનંત પ્રકારના માનસિક ઉપચારોથી પ્રથમ તે શ્રીવાસુદેવનારાયણનું હૃદયમાં પૂજન કરવું.૧૧

ભક્તજને હૃદયમાં ધ્યાનપૂર્વક માનસિક ઉપચારોથી પૂજા કરાયેલા શ્રીવાસુદેવ ભગવાનને પોતાની પૂજાની પ્રતિમામાં આવાહ્ન કરીને પ્રસિદ્ધ યથાશક્તિ મળેલા ઉપચારોથી તેમનું પૂજન કરવું.૧૨

પૂજાને અંતે પૂજા કરનારા ભક્તજને સ્વસ્થ મનથી હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષરમંત્રનો યથાશક્તિ જપ કરવો.૧૩

શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન આ નવ પ્રકારની ભક્તિથી જે ભક્તજન શ્રીવાસુદેવ ભગવાનનું આદરપૂર્વક સેવન કરે છે, તે ભક્તજનને ભગવાનને વિષે ગાઢ સ્નેહ ઉત્પન્ન થાય છે.૧૪-૧૫

હે મુનિ ! ત્યાર પછી અતિશય સ્નેહયુક્ત થયેલા એવા તે ભક્તજનના પ્રાણ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો શ્રીવાસુદેવ ભગવાનના સ્વરૂપને વિષે નિરોધ થાય છે, તેથી તે ભક્ત સર્વ પદાર્થોમાં શ્રીવાસુદેવ ભગવાનનું જ દર્શન કરે છે.૧૬

પોતાના આત્માને અખંડ, શુદ્ધ સ્વરૂપ, અક્ષર બ્રહ્મરૂપ જુએ છે, ને આવા પોતાના આત્મસ્વરૂપમાં વિલસતા પ્રભુનું દર્શન કરે છે.૧૭

જેવી રીતે પૃથ્વી આદિ ચાર તત્ત્વોનો આધાર આકાશ છે, તેવી રીતે નિત્ય એવા જીવો, વૈરાજાદિ ઇશ્વરો, પ્રધાનપ્રકૃતિ, પ્રધાન પુરુષો તથા મૂળપ્રકૃતિ અને મૂળપુરુષ આ સર્વેનો આધાર એક અક્ષરબ્રહ્મ છે.૧૮

આવી રીતના સર્વાધાર એવા અક્ષર બ્રહ્મના પણ આધાર એવા દિવ્યમૂર્તિ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, તે અક્ષરબ્રહ્મને વિષે સદાય વિરાજે છે.૧૯

ભગવાનનો ભક્તજન પોતાના સ્વરૂપને જેવું છે તેવું જ્યોતિરૂપ અર્થાત્ તેજોમય જુએ છે. પોતે આ રીતે બ્રહ્મરૂપ થઇને અક્ષરબ્રહ્મમાં વિરાજમાન ભગવાન શ્રીવાસુદેવનું યથાર્થ દર્શન કરે છે અને સેવા પણ કરે છે.૨૦

હે મુનિવર્ય ! સાંખ્યશાસ્ત્રમાં વિચક્ષણ મુનિઓ આવાં લક્ષણોવાળી ભક્તિને પરાભક્તિ કહે છે. અને સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પણ ગીતામાં અર્જુનને પણ આજ વાતની સ્પષ્ટતા કરતાં કહે છે.૨૧

'બ્રહ્મભાવને પામેલો અને એથી જ પ્રસન્ન મનવાળો ભગવાનનો જ્ઞાનીભક્ત ક્યારેક શોક કરતો નથી, અને મારી પાસેથી કોઇ પણ પ્રકારની ઇચ્છા કરતો નથી, સર્વ ભૂતપ્રાણીમાત્રને વિષે સમતા ધરી રહેલો એ મારો ભક્ત મારી એકાંતિકી પરાભક્તિને પામે છે.૨૨

હે મુનિ ! આવી અનન્ય પરાભક્તિથી પુરુષને ગુણાતીત સ્થિતિ અને સર્વથા શાંતિ પ્રાપ્ત થાય છે. તેથી બુદ્ધિમાન પુરુષે આ પરાભક્તિનો આશ્રય કરવો.૨૩

સાંખ્યશાસ્ત્રનો આ ગૂઢાર્થ રહસ્ય ખોલીને સર્વેને બોધ થાય એ રીતે મેં તમને જણાવ્યો, પરંતુ આધુનિક અત્યારના સાંખ્યજ્ઞાનીઓ આ પ્રકારને જાણતા નથી. તેથી વિપરીત સાંખ્યસિદ્ધાંતનું વર્ણન કરે છે.૨૪

તેઓ જીવ અને પરબ્રહ્મના સ્વરૂપને અભેદપણે કહે છે, તેથી સ્વયં વાસુદેવ થઇને શિશ્ન અને ઉદરનુંજ પોષણ કરવા માટે ઇરછા મુંજબની ક્રિયા કરે છે. ૨૫

લોકોને મિથ્યા જ્ઞાનનો ઉપદેશ આપી છેતરનારા તે જ્ઞાની પુરુષો ''એકમેવાદ્વિતીયં બ્રહ્મ'' એ શ્રુતિના તાત્પર્યને નહીં સમજીને પોતાના માનેલા જીવ અને પરબ્રહ્મ એક છે એવા અર્થમાં પ્રમાણપણે લે છે.૨૬

જન્મમરણરૂપ સંસૃતિથી મુક્ત થવા ઇચ્છતા પુરુષે એ મતનો ક્યારેય સ્વીકાર કરવો નહિ. પરંતુ મુમુક્ષુએ આ અમે કહેલા સિદ્ધાંતનું સેવન કરવું. આ ઉદ્ધવસંપ્રદાયનો મત રામાનંદ સ્વામીએ સ્થાપન કરેલો છે.૨૭

હવે ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત કહે છે, જીવ, ઇશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એવા ભગવાનના સ્વરૂપમાં વાસ્તવિક ભેદ છે. તે ભેદ ''નિત્યોનિત્યાનાં'' ઇત્યાદિ શ્રુતિઓએ પ્રતિપાદન કરેલો છે. એ પણ નક્કી વાત છે.૨૮

તેવી રીતે ''બ્રહ્મવિદાપ્નોતિ પરમ્'' બ્રહ્મભાવ પામેલો પુરુષ પરબ્રહ્મને પામે છે, આ શ્રુતિ પણ બ્રહ્મજ્ઞાનીઓને પણ ઉપાસના કરવા યોગ્ય પરબ્રહ્મ છે'' એમ સ્પષ્ટ કહે છે.૨૯

વળી અન્ય શ્રુતિઓ કહે છે કે, ''આત્મા પરમાત્માનું શરીર છે, છતાં આત્મા તે પરમાત્માને જાણી શકતો નથી. એ પરમાત્મા અંતર્યામી સ્વરૂપે આત્માની અંદર રહી તેનું નિયમન કરે છે. એ પરમાત્મા અમૃત સ્વરૂપ છે.''૩૦ ''

અક્ષરબ્રહ્મ પણ પરમાત્માનું શરીર છે, છતાં એ અક્ષરબ્રહ્મ પરમાત્માને જાણી શકતા નથી. એ પરમાત્મા અંતર્યામી સ્વરૂપે એ અક્ષરની અંદર રહીને તેમનું નિયમન કરે છે. તે પરમાત્માઅમૃત સ્વરૂપ છે.''૩૧

આવી રીતના વાસ્તવિક ભેદના અર્થનો બોધ કરનારી શ્રુતિઓના સમુદાયે તો અક્ષરબ્રહ્મને પણ પરબ્રહ્મનું શરીર કહ્યું છે. પરંતુ તેમના અભેદપણાનું વર્ણન કર્યું નથી. તેથી આત્મા, ઇશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મમાં સ્વસ્વરૂપથી જે ભેદ કહેલો છે તે વાસ્તવિક છે, એમ જાણવું.૩૨

વળી હે મુનિ ! શ્રીમદ્ ભાગવતમાં પણ અક્ષરનું સ્વરૂપ ભગવાન શ્રીહરિનું નિવાસ સ્થાન છે. એમ મૈત્રેય મહર્ષિએ વિદૂરજીને સ્પષ્ટપણે કહેલું છે.૩૩

વિકાર પામેલી અગિયાર ઇન્દ્રિયોનું પંચમહાભૂતે સહિત તથા પંચતન્માત્રા, અહંકાર, મહત્તત્ત્વ ને પ્રધાન પ્રકૃતિએ સહિત પચાસ કોટિ યોજનના વિસ્તારવાળું અને ઉત્તરોત્તર એક એક થી દશદશગણા આવરણવાળું આ બ્રહ્માંડ અક્ષરબ્રહ્મની અંદર પ્રવેશે છે ત્યારે એક પરમાણુ જેવું જણાય છે. આવી રીતના અનંતકોટિ બ્રહ્માંડો અક્ષરબ્રહ્મની અંદર પ્રવેશે છે ત્યારે એક પરમાણુ જેવાં જણાય છે. આવી રીતનાઅનંતકોટિ બ્રહ્માંડો અક્ષરબ્રહ્મની અંદર પરમાણુની જેમ આવ જા કરે છે. આવા સર્વ કારણના પણ કારણ અક્ષરબ્રહ્મને સાક્ષાત્ દિવ્યાકૃતિવાળા મહાત્મા શ્રી વાસુદેવ ભગવાનનું સર્વોત્કૃષ્ટ પરમ ધામ કહ્યું છે.૩૪-૩૬

હે મુનિ ! આવા મહામહિમાવાળા અક્ષરબ્રહ્મનું પણ પરબ્રહ્મની સાથે અભેદપણું સંભવી શકે નહિ તો મહાપુરુષાદિ ઇશ્વરોની વાત શું કરવી ? અને સામાન્ય જીવોની તો વાત ક્યાં કરવી ? આ પરસ્પરના વાસ્તવિક ભેદને કોઇ મીટાવી શકે તેમ નથી.૩૭

તો પછી વેદોમાં જે બ્રહ્મનું એકત્વ વર્ણન કર્યું છે તેનો શું અર્થ છે ? એતો નિર્વિકલ્પ સમાધિદશાવાળા મહામુક્તોની ઉચ્ચ સ્થિતિની દશામાં ઉચ્ચારાયેલાં વાક્યો છે. પરંતુ વાસ્તવિક ભેદ નથી.૩૮

જેવી રીતે લોકાલોક પર્વત ઉપર વિરાજમાન મનુષ્યો ભૂમિના કેવળ એક ગોળાને નિહાળે છે. પરંતુ તેમાં રહેલા પહાડ, વૃક્ષોને અલગપણે જોઇ શકતા નથી.૩૯

તેવી રીતે નિર્વિકલ્પ સમાધિ દશાને પામેલા મહામુક્તો એક કેવળ બ્રહ્મ એવા વાસુદેવને જ નિહાળે છે. પરંતુ તેનાથી ઓરા અલગ સ્થિતિમાં રહેલા જીવ, ઇશ્વરાદિકને નિહાળતા નથી. તેથી એક જ બ્રહ્મ છે, એમ કહે છે.૪૦

હે મુનિ ! જે પુરુષો આવી નિર્વિકલ્પ સ્થિતિને પામ્યા ન હોય, માત્ર શાસ્ત્રોને ભણીને બ્રહ્મ જ એક પરમાર્થ સત્ય છે, બાકી અન્ય જીવાદિક અસત્ય છે, એમ જાણીને શાસ્ત્ર નિષિદ્ધ ઇચ્છાનુસાર આચરણો કરે છે, તે પુરુષોનું અધઃપતન થાય છે. તેઓ મરીને નરકમાં પડે છે.૪૧

માટે એટલું નક્કી રાખવું કે, અનંત કોટિ બ્રહ્માંડના નિયંતા પરમાત્મા અને જીવ ઇશ્વરાદિકના સ્વરૂપમાં અભેદપણું નથી. પરંતુ સર્વે વચ્ચે વાસ્તવિક અખંડ ભેદ છે.૪૨

તેથી જીવાત્માઓને તથા ઇશ્વરોને પણ ભક્તિભાવ પૂર્વક ઉપાસના કરવા યોગ્ય એક જ શ્રીવાસુદેવ ભગવાન છે. બીજા કોઇ ઉપાસના કરવા યોગ્ય નથી. આ બાબતનો વિશેષ વિસ્તાર આજ ચતુર્થ પ્રકરણના એકવીસમા અધ્યાયમાં વિસ્તારથી વર્ણન કરેલ છે ત્યાંથી જાણવો.૪૩

હે મુનિવર્ય ! એટલાજ માટે આલોકમાં મુમુક્ષુ ભક્તોએ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની શ્રીવાસુદેવ ભગવાનનું ભજન કરવું, તેનાથી જ પરમસમાધિદશા પ્રાપ્ત થાય છે. અને અંતે ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.૪૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં શ્રીહરિએ સબીજ સાંખ્ય સિદ્ધાંતનું નિરૂપણ કર્યું, એ નામે બોતેરમો અધ્યાય પૂર્ણ થયો. --૭૨--