તરંગ - ૧૭ - શ્રીહરિને બળીયા નીકળ્યા

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 11:04pm

 

પૂર્વછાયો- ત્યાર કેડે દિન કેટલે, કર્યું પ્રભુએ કાજ । શ્રવણ ધરી તે સાંભળો, મોટા થયા મહારાજ ।।૧।।

એક સમે મૂર્તિમાતાએ, કરાવ્યું સ્તનપાન । રમાડવા લક્ષ્મી બાઇને, આપ્યા શ્રીભગવાન ।।૨।।

રસોડામાં ગયાં માતા, કરવા પાકનું કામ । તે બાઇએ ચુલા ઉપર, મુક્યું છે દુધનું ઠામ ।।૩।।

ઉભરાઇ જાશે જાણી આવ્યાં, પ્રભુને લૈ નિજ ઘેર । હરિને બેસાર્યા બારણે, ઘરમાં ગયાં એ પેર ।।૪।।

ભુલી ગયાં ભગવાનને, ખાવા બેઠાં ઘરમાંય । એવે સમે અસુર આવ્યો, જે ભૈરવદત્ત ત્યાંય ।।૫।।

ચોપાઇ- કાલિદત્તનો છે મોટો મિત્રરે, જેની આકૃતિ ચિત્રવિચિત્રરે । આવ્યો વંટોળીયો થઇ પોતેરે, અંધકાર કર્યો સર્વે જોતેરે ।।૬।।

છુપૈયાપુરમાં પડયો ત્રાસરે, પાપી આવ્યો પ્રભુજીને પાસરે । ઓચિંતાના લીધાછે ઉપાડીરે, ફરે આકાશમાં મુખ ફાડીરે ।।૭।।

ભક્તિમાતા આવ્યાં જુવે બારરે, થયોછે ત્યાં અતિ અંધકારરે । ભાળીને થયાં છે ભયભીતરે, અરે આ શું બન્યું વિપરીતરે ।।૮।।

મારા પુત્રને થયું વિઘનરે, એમ કહી મુંઝાણાં છે મનરે । દોડીને આવ્યાં છે લક્ષ્મીપાસરે, પુછેછે મુખે માય ન શ્વાસરે ।।૯।।

તમે કરો છો ઘરનું કામરે, પણ ક્યાં મુક્યા છે ઘનશ્યામરે । જમવા બેઠાંતાં લક્ષ્મીબાઇરે, સુણીને આવ્યાં બારણે ધાઇરે ।।૧૦।।

હમણાં બેસાર્યાતા મેં બારરે, હું તો ભુલી ગઇ આણે ઠારરે । મુને ખબર નથી ક્યાં ગયારે, કોણ જાણે કિયે સ્થળે ગયારે ।।૧૧।।

એવું સુણી ચળી ગયું ચિત્તરે, પડયાં માતા થઇ મુર્છિત્તરે । આવી મળ્યાં છે ત્યાં સર્વે લોકરે, થયો તેમના મનમાં શોકરે ।।૧૨।।

નરનારીનાં ઉદાસી મનરે, કરે આરતનાદે રૂદનરે । થયું માતાનું નિસ્તેજ તનરે, જાણી લીધું છે પ્રાણજીવનરે ।।૧૩।।

વધાર્યું નિજ અંગે વજનરે, નથી થાતો અસુરને સહનરે । જાણે ગિરીનું શિખર હોયરે, પાપી વિચારેછે મન સોયરે ।।૧૪।।

મુકિ દેવા કરે છે વિચારરે, પણ ન છોડે ધર્મકુમારરે । ભુર જાણે મળ્યા હવે ભોગરે, મારે થયો મરવાનો જોગરે ।।૧૫।।

કંઠે ઝાલ્યો કરી કર પોળારે, દુષ્ટના નિકળી ગયા ડોળારે । આવ્યો તો હું તો મારવા સારૂં રે, અણધાર્યું થયું મોત મારૂં રે ।।૧૬।।

બોલ્યા શ્રીહરિજી તિરસ્કારેરે, જા જા તુને કોણ મારેરે । એવું કૈ ને છોડી દીધો શ્યામેરે, જૈને પડયો દેશાંતર ગામેરે ।।૧૭।।

એની આસુરી માયા જે મોટીરે, હરિયે કરી નાખી છે ખોટીરે । હવે પૃથ્વી ઉપર શું થાયરે, કરે ૧આક્રંદ ભક્તિમાતાયરે ।।૧૮।।

બેઠાં છે મળીને સર્વ સાથરે, તેના મધ્યે આવી ઉભા નાથરે । દીઠા પ્રભુને પ્રેમ સહિતરે, થયાં છે સહુ શોક રહિતરે ।।૧૯।।

પામ્યાં આનંદ પુછેછે માતારે, તમે ક્યાં ગયાતા સુખદાતારે । થયો તો આકાશે ઘનઘોરરે, શું હતું સત્ય કોને કીશોરરે ।।૨૦।।

કહિ કેશવે સઘળી વાતરે, સુણી સર્વે થયાં રળિયાતરે । હવે મુવો જાણીને અસુરરે, આવ્યા આકાશમાં સહુ સુરરે ।।૨૧।।

સિદ્ધ ચારણ ગાંધર્વ જેહરે, જયકાર કરે સહુ એહરે । વળી દુંદુભી નાદ બજાવેરે, કરે પુષ્પની વૃષ્ટિ સુહાવેરે ।।૨૨।।

એકસમે સખા લેઇ સંગેરે, થયા તૈયાર રમવા રંગેરે । વેણી માધવને જે પ્રયાગરે, કહેછે ચાલો જૈયે સોહાગરે ।।૨૩।।

પેરેલાં હતાં જે ૨પટકુલરે, તેને કાઢીનાખ્યાં અનુકુલરે । ભક્તિમાતા કહે સુણો ભાઇરે, તમે વસ્ત્ર રાખો અંગમાંહિરે ।।૨૪।।

ઉઘાડે શરીરે ટાઢ વાસેરે, શિયાળો છે વપુ કરમાશેરે । વસ્ત્ર પેરીને રમવા જાઓરે, કહ્યું માનો અવળા ન થાઓરે ।।૨૫।।

તોયે માન્યું નહિ તે વચનરે, ગયા રમવા કાજે જીવનરે; નારાયણસરોવર તીરરે, રમે સખા જોડે બળવીરરે ।।૨૬।।

રમે મનગમતી રમતરે, કરે હાસ્ય વિનોદ ગમતરે । જુવો ધર્મધુરંધર ધીરરે, ખેલ કરે તડાગની તીરરે ।।૨૭।।

વસ્ત્રવિના ફરે સ્વામી એહરે, જાણ્યું અનંતમુક્તોએ તેહરે । આવી પોંચ્યા ત્યાં મુક્ત અપારરે, લાવ્યા ગરમ વસ્ત્ર અલંકારરે ।।૨૮।।

વસ્ત્ર પેરાવ્યાં પૂરણ પ્રીતેરે, કરી પ્રારથના એકચિત્તેરે । કર્યો હરિના ચર્ણનો સ્પર્શરે, પછે મુક્ત થયા છે અદર્શરે ।।૨૯।।

સખા સહિત ત્યાંથી સધાવ્યારે, પાછા છુપૈયાપુરમાં આવ્યારે । દીઠા સુરજામામીએ દ્રષ્ટરે, આવેછે પ્રભુજી ઉત્કૃષ્ટરે ।।૩૦।।

કોટી કોટી કંદર્પ લજાવેરે, મુનિયોને મોહ ઉપજાવેરે । વય કીશોર મૂરતિ શોભેરે, નરનારી તણાં મન લોભેરે ।।૩૧।।

એવા જોયા છે મામીએ જ્યારેરે, દ્વારે તેડી લાવ્યાં પોતે ત્યારે રે । બીજી મામીઓ જાણીને આવીરે, મનોહર મૂરતિ મન ભાવીરે ।।૩૨।।

આપ્યાં અલૌકિક દર્શનરે, હરિ લીધાં છે સર્વેનાં મનરે । ત્યાંથી ચાલ્યા ચઉટામાં થઇરે, સખાનો કર કરમાં લઇરે ।।૩૩।।

જુવે બજારમાં સહુ જનરે, નરનારીનાં લોભાણાં મનરે । કરે વાતો વણિકની નારીરે, જુવે અકળ છબીને ધારીરે ।।૩૪।।

કેવા બન્યા છે ધર્મકુમારરે, વખાણે ઘણું વારમવારરે । એક હલવાઇ વંશીધરરે, તેની બાળા જે રામકુંવરરે ।।૩૫।।

બોલીછે તે હરખ ભરાઇરે, પધારો ઘનશ્યામજી ભાઇરે । દયાળુએ જોઇ એને દ્રષ્ટરે, સમાધિ થઇ તેને અભિષ્ટરે ।।૩૬।।

બીજી બાયું કે શું થયું આતોરે, વનિતાયો મળી કરે વાતોરે । કેટલીક વિતી ગઇ વારરે, કરેછે સહુ મન વિચારરે ।।૩૭।।

એટલામાં તો એ બાઇ જાગીરે, ધર્મકુંવરને પગે લાગીરે । બોલી મુખેથી મધુરાં વેણરે, ધન્ય ધન્ય છો કમળનેણરે ।।૩૮।।

અક્ષરધામમાં ગઇતી આજરે, તમને જોયા ત્યાં મહારાજરે । તેજોમય દિવ્ય સિંહાસનરે, તે પર બેઠા ધર્મનંદનરે ।।૩૯।।

બીજા અનેક તમારા જેવારે, બેઠા સિંહાસન પાસે એવારે । એવી વાત કરે છે તે બાઇરે, તરત ગુપ્ત કરી પ્રભુતાઇરે ।।૪૦।।

બન્યા બાળક શ્રીઘનશ્યામરે, શિશુરૂપે થયા તેહ ઠામરે । હતું તેવું સ્વરૂપ કરીનેરે, રમતા આવ્યા ઘરે ફરીનેરે ।।૪૧।।

આવી નારીઓ માતાની પાસરે, કહિ વાત પ્રભુની હુલાસરે । સુણી પ્રેમવતી થયાં રાજીરે, કરે તે પણ પ્રશંસા ઝાઝીરે ।।૪૨।।

હવે ગ્રીષ્મઋતુ આવ્યો જ્યારેરે, બન્યું ભાવિ પદારથ ત્યારેરે । વાલાને શરીરે ચડયો તાવરે, નહિ તેદી જમવાનો ભાવરે ।।૪૩।।

વાલિડાને નિકળ્યા બળીયારે, ચંદામામીએ જોઇ કળીયારે । કહે શ્યામનું દિલ દેખાડીરે, માતાજીને સમજણ્ય પાડીરે ।।૪૪।।

પછે માતાજીએ ધારી મનરે, ઓરડામાં સુવાર્યા જીવનરે । પાસે બેઠાછે પૂન્ય પાવનરે, કરે ભૂધરજીનું ભજનરે ।।૪૫।।

એમ વિતી ગઇ થોડીવારરે, આવ્યાં લક્ષ્મીબાઇ ધર્મદ્વારરે । સુણો છોટીબા કહું નિરધારરે, ભાઇને જાવા ન દેશો બારરે ।।૪૬।।

નાવા ધોવા બાર નવ લેશોરે, નીર અંગે અડવા માં દેશોરે । હવે જાળવજ્યો દિન વીશરે, ત્યારે બોલ્યા છે શ્રીજગદીશરે ।।૪૭।।

નાયા ધોયા વિના નવ ચાલેરે, ધર્મ બ્રાહ્મણનો કેમ હાલેરે । અમારે તો નાવું છે જે હાલેરે, લાવો શીતળ પાણી આકાળરે ।।૪૮।।

ટાઢા પાણીથી આ મટી જાશેરે, અમારે શરીરે સુખ થાશેરે । કર્યો વચન તણો વિશ્વાસરે, કરે નવરાવવાનો પ્રયાસરે ।।૪૯।।

જન્મસ્થાનકનો કૂપ જ્યાંયરે, પ્રભુને તેડી ગયાં છે ત્યાંયરે । પરથાર ઉપર બેસાર્યારે, ટાઢું પાણી કાઢીને નવરાવ્યારે ।।૫૦।।

નાતાં નાતાં થઇ ઘણી વારરે, બળીયા સમી ગયા તે ઠારરે । તે શીળીનાં રહ્યાં ચિહ્ન અંગરે, એવી લીલા કરેછે શ્રીરંગરે ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિને બળીયા નીકળ્યા એ નામે સતરમો તરંગઃ ।। ૧૭ ।।