તરંગઃ - ૪૪ - શ્રીહરિ ગામ હળવદે પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:27pm

પૂર્વછાયો

ભુજનગ્રમાં આવ્યા પ્રભુ, કૃપામય અવિનાશ । ત્યાં શ્રીહરિની ઇચ્છા થકી, આવ્યા છે સંતદાસ ।।૧।।

દયાળુનાં દર્શન કર્યાં, આનંદ પામ્યા અપાર । પછે મહારાજે જમાડ્યા, નિજ હાથે નિરધાર ।।૨।।

સંતદાસને બીજા સંત, હરિજનનો સાથ । હમ્મિરસર નાવા ગયા, ઉમંગથી યોગિનાથ ।।૩।।

ભુજનગરથી પશ્ચિમે, હમ્મિરસર છે ત્યાંય । તેને તીરે વસ્ત્ર મુકી સૌ, નાવા પેઠા જલમાંય ।।૪।।

 

 

ચોપાઈ

 

તે તળાવના જળ મોઝાર, લાલે લીલા કરી ઘણીવાર । પછે નિકળ્યા જળથી બાર, સંત ભક્ત સાથે તેણી વાર ।।૫।।

હવે સંતદાસજીયે ત્યાંય, ડુબકી મારી તે જલમાંય । પાછા આવ્યા નહી તે બહાર, ત્યારે સર્વે કરેછે વિચાર ।।૬।।

થયા મહારાજશ્રી તૈયાર, વસ્ત્ર પેરી લીધાં તેણી વાર । ત્યારે બોલ્યા સર્વે હરિજન, વાલિડા પ્રત્યે મિષ્ટ વચન ।।૭।।

સંતદાસ દેખાયા ન આંય, માટે ડુબી ગયા જલમાંય । ત્યારે શ્રીહરિ કે સુણો ભાઈ, તમે ચિંતા ન કરશો કાંઈ ।।૮।।

તેતો પોચ્યાછે બદ્રિકાશ્રમ, કોઈ જાણે નહી તેનો મર્મ । એછે અષ્ટ આવર્ણે રહિત, મુજમાં છે નિશ દિન ચિત્ત ।।૯।।

સમાધિનિષ્ઠ છે એતો સંત, થયા ભજનવડે મહંત । એવું કૈૈને તે સુંદર શ્યામ, પધાર્યા નગ્રમાં સુખધામ ।।૧૦।।

નવી નવી લીલા કરે નિત, હરિલીધાં છે સર્વેનાં ચિત્ત । ધન્ય ભુજનગ્રની ધરણી, ધન્ય ત્યાંના મનુષ્યની કરણી ।।૧૧।।

પુરુષોત્તમ પૂરણબ્રહ્મ, નિત્ય ભેગા જમે રમે પરમ । મોટા લોકપતિને દુર્લભ, નિજ સેવકને તો સુલભ ।।૧૨।।

ભુજનગ્રમાં વારમવાર, પધારે છે શ્રીજગદા-ધાર । રાખે છે સ્થિર મુકામ ત્યાંય, ફરેછે બીજા ગામોની માંય ।।૧૩।।

સુંદરજી આદિ હરિજન, નિત્ય નૌતમ આપે ભોજન । ઘણા દિવસ રહ્યા તે ઠાર, વળી ચાલવા થયા તૈયાર ।।૧૪।।

માનકુવે પધાર્યા મુરારી, નિજ ભક્તના ત્યાં હિતકારી । નાથો ભક્તછે ત્યાં રૂડું નામ, તેને ઘેર કર્યો છે મુકામ ।।૧૫।।

તેણે કરાવી રુડી રસોઈ, પ્રભુને જમાડ્યા પ્રીત પ્રોઈ । નિત્ય લીલા કરેછે ત્યાં નાથ, નિજ ભક્તને કરવા સનાથ ।।૧૬।।

તેહ ગામના સૌ હરિજન, ભાવે કરેછે પ્રભુનું ભજન । કેશવજી શ્યામજી એ સાર, તેજસિંહ શ્યામજી સુતાર ।।૧૭।।

મૂલજી કૃષ્ણજી વશરામ, પટેલ વાઘજીભાઈ નામ । અદાભાઈ ઠાકોર કેવાય, એ આદિ સત્સંગી સમુદાય ।।૧૮।।

એ સર્વેને ઘેર ભગવન, વારા ફરતી જમેછે ભોજન । આપે સર્વેને આનંદ એમ, વધારે છે ઘણો પ્રેમ નેમ ।।૧૯।।

વળી એક દિવસ મુરાર, કૃપા કરી મનમાં અપાર । અબોટી વિપ્ર ડાહીને ઘેર, જમવા પધાર્યા સુખભેર ।।૨૦।।

જોયું એના ઓરડામાંયે, એક કૌતુક દિઠુંછે ત્યાંયે । પુતળાં કાષ્ઠ લોહનાં જેહ, સિંદુરે ચર્ચેલાં દેખ્યાં તેહ ।।૨૧।।

એવું જોઈને વિપ્રીત કાજ, ત્યારે કેવા લાગ્યા મહારાજ । આટલાં દેવલાં છે આ ઠામ, હવે અમારૂં તે શું છે કામ ।।૨૨।।

તમે સેવોછો દેવ મલિન, જમીશું નહિ તમે છો ભિન્ન । ત્યારે તે બાઈનો પતિ સાર, નામ વિઠ્ઠલજી નિરધાર ।।૨૩।।

બોલ્યો મહારાજ પ્રત્યે વાણ, કેમ ન જમો સારંગપાણ । એવું સુણીને શ્રીભગવન, કહે વિઠ્ઠલજીને વચન ।।૨૪।।

મુને પાખંડ ન ગમે મન, નિશ્ચે માની લેવું બ્રહ્મતન । કાંતો રાખો આ દેવને દાસ, કાંતો અમને રાખોને પાસ ।।૨૫।।

ત્યારે વિઠ્ઠલજી બોલ્યા વારું, આ વચન માનીશ તમારું । જેમ તમે કહો મહારાજ, તેમ કરવું છે મારે કાજ ।।૨૬।।

એવું સુણીને શ્રીયોગિનાથ, બોલ્યા વચન વિપ્રની સાથ । ચોટલો છે આ તમારે શીષ, તેને કાઢી નંખાવો આ દિશ ।।૨૭।।

જંત્ર મંત્ર પાખંડ અસંભ, કાંઈ કરવો નહિ આ દંભ । ધુણવાનું તો મુકી દ્યો કામ, આજ દિવસથી અભિરામ ।।૨૮।।

ચાલશે નહિ આ જંત્ર મંત્ર, સર્વે ખોટાં થયાં છે તે તંત્ર । ક્ષુદ્ર દેવલાં લેઈને સોય, જલમાં પધરાવી દ્યો જોય ।।૨૯।।

કર્યું વિઠ્ઠલજીયે તો એમ, શ્રીહરિયે આજ્ઞા કરી જેમ । પછે રાજી થયા ભગવાન, વિપ્રને ધરાવ્યાં વર્તમાન ।।૩૦।।

તે કેડે કર્યાં ભોજન પાન, કૃતાર્થ કરીયો છે નિદાન । વિપ્ર પામ્યોછે મન આનંદ, છોડી દીધાંછે ફોગટ ફંદ ।।૩૧।।

પછે એકદિને યોગિનાથ, ગયા તે હરિજન લૈ સાથ । ભીચંદરા નામે જે તડાગ, ત્યાં નાવા પધાર્યા જોઈ લાગ ।।૩૨।।

ગામથી પશ્ચિમ દિશામાંય, સ્નાન કરવા ચાલ્યા છે ત્યાંય । વચ્ચે આવ્યોછે વેકળો એક, જેમાં પાણી વહેછે વિશેક ।।૩૩।।

તેને કાંઠે ગયા અલબેલ, સખા સહિત સુંદર છેલ । અદાજીને કહે અવિનાશ, સુણો વાત કહું છું હુલાસ ।।૩૪।।

વેકળો કુદીને જૈયે પાર, સૌનું દેખાશે બળ આ ઠાર । એવું સુણી કુદ્યા સહુ ત્યાંય, જેને જેવું બળ અંગમાંય ।।૩૫।।

કોઈ પાંચ હાથ કુદ્યા સાર, કોઈ આઠ હાથ નિરધાર । ત્યારે પ્રભુ કે એમ ન થાય, જાુવો આવી રીતેથી કુદાય ।।૩૬।।

એેક ડગલું ભર્યું જ્યાં નાથ, જૈને ઉભા રહ્યા ત્રીસ હાથ । એવું દેખી સખા હરિજન, વિસ્મે પામી ગયા સહુ મન ।।૩૭।।

બોલ્યા ગદ ગદ થૈ વચન, સુણો કૃપા કરી ભગવન । તવ મૂર્તિમાંથી અવતાર, થયા વામનજી જેણી વાર ।।૩૮।।

ત્રૈણ ડગમાં બ્રહ્માંડ જેહ, પોતે ભરી લીધું વળી તેહ । તમે તો અવતારી છો આજ, ધારો તેમ કરો મહારાજ ।।૩૯।।

પછે ત્યાંથી ચાલ્યા નરવીર, ગયા ભીચંદરાસર તીર । વસ્ત્ર સર્વે મુક્યાંછે તેઠાર, જલમાં નાવા પેઠા એ વાર ।।૪૦।।

નિજ ભક્તસહિત નિરધાર, ગિરધારી નાહ્યા ઘણીવાર । પછે નીકળ્યા જલથી બાર, પેર્યાં વસ્ત્ર અનુપમ સાર ।।૪૧।।

એેવામાં થયું કૌતુક એક, સુણો શ્રોતા કરીને વિવેક । તે સરોવરતીરે પ્રત્યક્ષ, એક ગંભીર છે વડવૃક્ષ ।।૪૨।।

તેમાં ભૂત રહેછે અપાર, ઘણા દિનથી ભીતિનું દ્વાર । પુરુષોત્તમજી ગયા ત્યાંય, બળવા લાગ્યાંછે તનમાંય ।।૪૩।।

વડ હેઠે ઉભા ભગવન, થયો નહી તે તાપ સહન । મૂર્તિમાન થયાં થયું દુઃખ, આવીને ઉભાં સહુ સન્મુખ ।।૪૪।।

અતિશુષ્ક ભયંકર દેહ, હાડપિંજર દેખાય એહ । કાળાં કાજળ સરખાં શરીર, નથી તે વિષે માંસ રુધિર ।।૪૫।।

ભયાનક દિસે વિકરાળ, જાણે પ્રત્યક્ષ આવ્યો શું કાળ । તે દેખીને સખા હરિજન, સર્વે ડરવા લાગ્યા ઘણું મન ।।૪૬।।

પછે વિચાર્યું સુંદરશ્યામે, ભૂતને આજ્ઞા આપી તેઠામે । મુક્યાં બદ્રિકાશ્રમ મોઝાર, અંતે કરવા તેઓનો ઉદ્ધાર ।।૪૭।।

પછે ભક્ત સહિત શ્રીશ્યામ, આવ્યા નાથા સુતારને ધામ । એમ માનકુવે ત્રૈણ માસ, ઘણી લીલા કરી અવિનાશ ।।૪૮।।

વળી પધાર્યા ત્યાંથી જીવન, ભુજનગ્રે ગયા ભગવન । મહીદાસની વાડીમાં શ્યામ, પોતે જૈને કર્યો છે મુકામ ।।૪૯।।

ઘણીવાર તે વાડી મોેઝાર, લીલા કરી અપરમપાર । સીધું મંગાવે હરબા સાથ, રસોઈ કરાવી જમે નાથ ।।૫૦।।

થોેડી વાર કર્યો ત્યાં વિશ્રામ, શહેરમાં આવ્યા અભિરામ । સુંદરજીભાઈ જે સુતાર, ઉતારો કર્યો તેમને દ્વાર ।।૫૧।।

કર્યું છે તેમણે સન્માન, ભલે પધાર્યા શ્રીભગવાન । રસોઈ કરાવી પ્રીત પ્રોઈ, સંત સહિત જમાડ્યા જોઈ ।।૫૨।।

અમે અક્ષરપતિ આવ્યા આજ, એમ વાત કરે મહારાજ । ખટ માસ રહી અલબેલ, ઘણાં સુખ આપ્યાં રંગરેલ ।।૫૩।।

પછે ચાલવા થયા તૈયાર, રજા માગી લીધી તેણીવાર । બીજે દિવસે પધાર્યા માવ, ગયા અંજારમાં કરી ભાવ ।।૫૪।।

ત્યાં હરિજન છે ચાગબાઈ, તેને ઘેર રહ્યા સુખદાઈ । બ્રહ્મચારીયે કર્યો ત્યાં થાળ, પોતે જમ્યા છે દીનદયાળ ।।૫૫।।

પછે બીજે દિવસે સવાર, ત્યાંથી ચાલ્યા શ્રીજગદાધાર । ભચૌ ગામે ગયા અવિનાશ, વાઘજીને ઘરે સુખરાશ ।।૫૬।।

જમીને રહ્યા ત્યાં એક રાત, ગામ વાંઢિયે ગયા વિખ્યાત । ત્યાંથી માળીયે થઈને ધીર, મોરબીયે ગયા નરવીર ।।૫૭।।

ત્યાં છે ભટ અંબારામ નામ, તેને ઘેર કર્યો છે મુકામ । ત્રૈણ દિવસ રહ્યા તે ઠામ, ત્યાંથી દેવળીયે ગયા શ્યામ ।।૫૮।।

પછે ત્યાંથી ચાલ્યા તતકાળ, પ્રેમે પધાર્યા ગામ ધનાળ । વળી વિચર્યા શ્રીઅલબેલ, દેરીસર પોચ્યા રંગરેલ ।।૫૯।।

તે સરોવરમાં કર્યું સ્નાન, થયા પ્રસન્ન ત્યાં ભગવાન । ત્યાં છે વછનાગ કેરાં વૃક્ષ, ફળ મંગાવ્યાં પોતે સમક્ષ ।।૬૦।।

તેનાં ફળ જમ્યા ભગવંત, જાુવે સર્વે હરિજન સંત । ૧તક્ર મંગાવીને પીધી છે ત્યાંય, ઝેર સહન કર્યું તનમાંય ।।૬૧।।

વળી ઇચ્છા કરી શુભ કાજ, ગયા માનસરે મહારાજ । પછે શ્રીહરિ સહજાનંદ, પ્રાતઃકાળે આવ્યા હળવદ ।।૬૨।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગામ હળવદે પધાર્યા એ નામે ચુમાલીસમો તરંગઃ ।।૪૪।।