તરંગઃ - ૮૬ - શ્રીહરિની મૂર્તિનાં ચિહ્ન વર્ણન કર્યાં

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:57am

પૂર્વછાયો

હે ભાઇ સુણો ત્યારપછી, બીજાં ચિહ્નોની વાત । કમળ પાસે અંકુશ છે, વર્ણન કરું વિખ્યાત ।।૧।। 

અંકુશરૂપી જે ચિહ્નનું, ભક્ત ધરે છે ધ્યાન । મદઝરરૂપી મનને, જીતે થઇ બળવાન ।।૨।। 

એજ ચરણની પાની મધ્યે, અષ્ટકોણ શોભે સાર । એનું જે કોઇ ધ્યાન ધરે, ધન્ય તેનો અવતાર ।।૩।। 

યોગનું તે ફળ પામે છે, ૧આવરણ રહિત થાય । હરિ સમીપે સુખ પામે, અક્ષરધામમાં જાય ।।૪।। 

તે પાસે ચિહ્ન સ્વસ્તિનું છે, અતિશે શોભાયમાન । સર્વમંગળનું મૂળ છે, માટે ધરવું તેનું ધ્યાન ।।૫।।

 

 

ચોપાઇ

 

તેનાં કર્મ તો દૂર પળાય, વળી મોક્ષ આત્યંતિક થાય । બેઉ ચરણસરોજ હરખી, આંગળીયોના નખ નિરખી ।।૬।। 

રક્ત તેજ ઉપડતા સાર, જેની શોભાતણો નહિપાર । બે ચરણની આંગળીયો જેહ, અતિ કોમળ શોભિતી તેહ ।।૭।। 

તેના ઉપર રોમાવલી છે, ઝીણી ઝીણી શોભિતી ભલી છે । દક્ષિણ ચરણ અંગુઠે નિરખે, રક્ત ચિહ્ન જોઇ મન હરખે ।।૮।। 

એ અંગુઠાને પડખે બાર, નખ પાસે તિલ એક સાર । એ અંગુઠા પાસેની આંગળી, અંગુઠા કોરે પડખે વળી ।।૯।। 

તિલ એક ત્યાં નૌતમ શોભે, ભાળી ભાળી મુનિવર લોભે । અંગુઠા આંગળી વચ્ચે ન્યારો, ચરણ પાદુકાનો છે ઘસારો ।।૧૦।। 

શ્યામ ચિહ્ન જે એમાં દેખાય, તેનું ધ્યાન ધરે સુખ થાય । વળી છેલ્લીને પડખે બાર્ય, નખ પાસે છે તિલ નિરધાર ।।૧૧।। 

એ ચરણે બાહ્યની ઘુંટી જોય, આસનનો ઘસારો છે સોય । તે ઘુંટીથી ઉંચો તસુ પાંચ, જંઘામાં નાનો તિલ છે સાચ ।।૧૨।। 

પિંડિયું જંઘાઓ ગોલ સારી, અતિ સુંદરને સુખકારી । ઉપર ચઢતે સ્થૂળ ધ્યેય, દેખી મુનિવર મોહ્યા તેય ।।૧૩।। 

જાુગલ જાનુ શોભાયમાન, સદા સેવકને સુખવાન । જાનુ આગે પડખે નવીન, ઘસારાનું છે શ્યામ ત્યાં ચિહ્ન ।।૧૪।। 

ઉભય ઉરૂ શોભે છે કેવા, જાણે કેળ સ્તંભ હોય તેવા । વળી હસ્તિની સુંઢ સમાન, તેજસ્વી મધ્યે શોભે નિદાન ।।૧૫।। 

દક્ષિણ ચરણના ઉરુ બાર, ખાંપાનું ચિહ્ન છે નિરધાર । વામ ચરણનું તળું છે જેહ, અંગુઠા પાસ ફણામાં તેહ ।।૧૬।। 

તેમાં કળશનું ચિહ્ન એક, અતિ શોભાયમાન વિશેક । તેનું ધ્યાન કરે છે જે ભક્ત, થાય માયાથકી તે વિરક્ત ।।૧૭।। 

કળશ શિખરે ચડે જેમ, અક્ષરધામ પામે છે તેમ । વળી અંગુઠા પાસે આંગળી, તેની બેકોરે થઇ નીકળી ।।૧૮।। 

એવી ઉર્ધ્વરેખા જે કેવાય, પાનીની બેકોરે તે દેખાય । આંગળી પાસે ફણામાં સાર, ઉર્ધ્વરેખામાં મળતું તે ઠાર ।।૧૯।। 

વ્યોમનું ચિહ્ન છે જે અચળ, તેનું ધ્યાન કરે જે વિમલ । થાય પ્રગટ પ્રભુ પ્રસન્ન, નિષ્કામાદિ ગુણ પામે જન ।।૨૦।। 

વ્યોમની સમ નિર્લેપ થઇ, અક્ષરધામમાં બેસે જઇ । તે ફણામાં તે ચિહ્નની પાસ, અર્ધચંદ્રનું ચિહ્ન છે તાસ ।।૨૧।। 

તેનું ધ્યાન ધરે કોઇ ધીર, શાંતિ પામે ને થાય છે સ્થિર । વળી દેખે અંતરપ્રકાશ, મટી જાય મનની ઉદાસ ।।૨૨।। 

જેમ કંજ પ્રફુલ્લિત થાય, તેમ આનંદ પામે સદાય । એ બે ચિહ્નની પાસે દેખાય, ઉર્ધ્વરેખાને મળતાં જ્યાંય ।।૨૩।। 

તેની જોડે છે બિંદુ બે શ્યામ, એના પાસે ગોપદ તે ઠામ । તે ગોપદનું ધરે જે ધ્યાન, મળે છે તેને તો મોટું માન ।।૨૪।। 

ગોપદને તુલ્ય તે નિરધાર, શ્રમ વિના તરે છે સંસાર । તેને જમણે બાજુ નૌતમ, ઉર્ધ્વરેખાને મળતું ઉત્તમ ।।૨૫।। 

ત્યાં છે ધનુષ્યનું ચિહ્ન સારું, તેનું ધ્યાન કરે કોઇ વારું । કામાદિક અંતર શત્રુ જેહ, હાર પામે નડે નહિ તેહ ।।૨૬।। 

એજ ચરણની પાની મોઝાર, ચિહ્ન ત્રિકોણનું છે તે ઠાર । તેનું કરે છે જે ચિંતવન, ધ્યાનમાં ધારીને શુભ મન ।।૨૭।। 

તેના ટળે છે ત્રિવિધ તાપ, બ્રહ્મમય તનુ પામે આપ । ત્રણ અવસ્થાને ત્રણ દેહ, તેથી વિરક્ત થાય છે તેહ ।।૨૮।। 

અક્ષરધામમાં પ્રભુ પાસ, નિશ્ચે મળે છે ત્યાંજ નિવાસ । એના પાસે છે મચ્છનું ચિહ્ન, જાણે ભક્તજનોનું જીવન ।।૨૯।। 

તેનું ધ્યાન કરે છે જે ધારી, પામે સદ્ગુણ અવિકારી । સંસારસિંધુ જળ મોઝાર, પરાભવ પામે ન લગાર ।।૩૦।। 

એજ ચરણની ઘુંટી વિચારો, બારલીકોરથી મન ધારો । આસન ઘસારાનું તે ઠામ, એક ચિહ્ન દેખાય છે શ્યામ ।।૩૧।। 

એજ ચરણની ઘુટીંથી શોભે, પાંચ તસુ ઉંચે મન લોભે । મોટો તિલ છે જાનુમાં એક, તે પર નાનો બીજો વિશેક ।।૩૨।। 

હવે કટિ વિષે બેઉ પાસ, ધોતીના ઘસારાનું પ્રકાશ । શ્યામ રેખારૂપે દિસે ચિહ્ન, તે છે ભક્ત સર્વેનું જીવન ।।૩૩।। 

ઉદર ઉપડતું શીતળ, હેઠેથી છે વિશાળ અકળ । ઉપર સંકીર્ણ શોભે સાર, પિપળાના પત્ર આકાર ।।૩૪।। 

નાભિકૂપ ઉંડોછે ગંભીર, ગોળ ભમર આકારે ધીર । અતિ ધ્યેયને શોભાયમાન, ભવબ્રહ્મા ભુલે તેમાં ભાન ।।૩૫।। 

નાભિકૂપના ઉપર વચે, ત્રિવળી પડે છે વળી નીચે । દક્ષિણ કાંઠો નાભિનો જ્યાંય, એક તિલ છે સુંદર ત્યાંય ।।૩૬।। 

ડાબા પડખેથી થોડે દૂર, તિલ એક શોભે છે જરૂર । નાભિથી બે તસુ ઉંચા જ્યાંય, શોભિતા ત્રણ તિલ છે ત્યાંય ।।૩૭।। 

બેઉ નળ પર એક એક, ત્રીજો વચે રહ્યો છે વિશેક । વચલા તિલથી તસુ બેય, ઉંચો તિલ એક રહ્યો તેય ।।૩૮।। 

જમણી કુખે તિલ છે નાનો, જોડે મોટો છે તે નથી છાનો । ડાબી કુખે તિલ મોટા ચાર, ઉભી પંક્તિ ઓપે છે અપાર ।।૩૯।। 

તેના બારલે પડખે સાર, નાનાચારની ઉભી છે હાર । ત્રણ તિલ કુક્ષિપાસ શોભે, ઉભી પંક્તિ જોઇ મન લોભે ।।૪૦।। 

હૃદયમાં બે સ્તન વચે ચિહ્ન, રોમનું શ્રીવત્સ છે નવીન । નજીક ચિહ્ન શોભે છે એહ, દેખી ટળે મનનો સંદેહ ।।૪૧।। 

છાતિ ઉપર તિલ છે વિશાળ, તેજસ્વી ધ્યેય છે તે રસાળ । તે છાતિ વચે દેખાય ભિન્ન, રક્ત પાંચ તસુ પોળું ચિહ્ન ।।૪૨।। 

જમણી પાસ ચડતું જોય, અર્ધચંદ્રાકારે ચિહ્ન સોય । એજ ચિહ્ન મધ્યે છાતિમાંય, ડાબી કોરે તિલ એક ત્યાંય ।।૪૩।। 

એથી ડાબી કોરે તસુ બેય, એક તિલછે સુંદર ધ્યેય । તેથી બે તસુ છેટે વિશેક, ડાબી કોરે શોભે તિલ એક ।।૪૪।। 

ત્યાંથી બે તસુ દૂર પ્રમાણો, ડાબા સ્તન પાસે તિલ જાણો । છાતિમાં છે વિનગુણહાર, અતિ દિસે છે અદ્ભુત સાર ।।૪૫।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિની મૂર્તિનાં ચિહ્ન વર્ણન કર્યાં એ નામે છાશીમો તરંગઃ ।।૮૬।।