ગઢડા મઘ્ય ૩૦ : સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:03am

ગઢડા મઘ્ય ૩૦ : સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું

સંવત્ ૧૮૭૯ ના દ્વિતીય ચૈત્ર શુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્‍તકે બાંધીહતી, ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોળા પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવત આદિક જે સત્‍શાસ્ત્ર તે સત્‍ય છે, અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવીજરીતે થાય છે પણ બીજી રીતે થતું નથી. જુઓને, શ્રીમદ્ભાગવતમાં સુવર્ણને વિષે કળીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે, તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે, જ્યારે રૂપવાન સ્‍ત્રી હોય ને તે સભામાં આવે, ત્‍યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દૃષ્ટિ તેના રૂપને વિષે તણાયા વિના રહે નહિ. માટે સોનું અને સ્‍ત્રી એ બે અતિ બંધનકારી છે. અને એ બે પદાર્થનું બંધન તો ત્‍યારે ન થાય, જ્યારે પ્રકૃતિપુરૂષ થકી પર એવું જે શુઘ્‍ધ ચૈતન્‍ય બ્રહ્મ તેને જ એક સત્‍ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્‍વરૂપ માને,ને તે બ્રહ્મરૂપ થઇને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ભજન કરે, અને એ બ્રહ્મ થકી ઓરૂં જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્‍ય જાણે ને નાશવંત જાણે ને તુચ્‍છ સમજે, ને માયિક જે નામરૂપ તેને વિષે અતિશે દોષદૃષ્ટિ રાખે, ને તે સર્વ નામરૂપને વિષે અતિશય વૈરાગ્‍ય પામે, તેને સોનું ને સ્‍ત્રી બંધન ન કરે, અને બીજાને તો જરૂર બંધન કરે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૦|| ૧૬૩ ||