ગઢડા અંત્ય ૩ : દયા અને સ્નેહનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:23am

ગઢડા અંત્ય ૩ : દયા અને સ્નેહનું

સંવત્ ૧૮૮૩ ના અષાઢ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજીમહારાજની પધરામણી કરી ત્‍યારે શ્રીજીમહારાજ ત્‍યાં પધાર્યા. પછી ઉગમણે બાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને શ્રીજીમહારાજને વિરાજમાન કર્યા. પછી હરજી ઠક્કરે શ્રીજીમહારાજની કેસરચંદનાદિકે કરીને પૂજા કરી. એવી રીતે શ્રીજીમહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર તથા બે ભુજાને વિષે તે પુષ્પના ગજરા તથા પાઘને વિષે તે પુષ્પના તોરા તે અતિશે વિરાજમાન  હતા. અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં શ્રીજીમહારાજે સર્વ સંતમંડળને પ્રશ્ર્ન પુછયો જે, ”જે હરિભક્તના હૃદયને  વિષે દયા ને સ્‍નેહ એ બે સ્વાભાવિક રહ્યાં હોય ત્‍યારે સ્‍નેહનું સ્‍વરૂપ તો મધ જેવું છે તે જ્યાં ત્‍યાં ચોટે. અને દયાનો સ્‍વભાવ એવો છે જે જ્યાં ત્‍યાં દયા કરે. ત્‍યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટે જન્‍મ લેવો પડયો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંધાથે સ્‍નેહ થયા વિના રહે નહિ. અને એ દયા ને સ્‍નેહ તેને ટાળ્‍યાનો ઉપાય તો આત્‍મજ્ઞાન ને વૈરાગ્‍ય એ બે જ છે. અને વૈરાગ્‍યનું એવું સ્‍વરૂપ છે જે  સર્વે નામરૂપને નાશવંત દેખાડે. માટે આત્‍મજ્ઞાન ને વૈરાગ્‍ય એ બે વતે કરીને દયા ને સ્‍નેહનો નાશ થઈ જાય છે, અને સ્‍થૂલ, સૂક્ષ્મ ને કારણ એ આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે, અને કેવળ બ્રહ્મસત્તામાત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા ને સ્‍નેહ રહે છે કે નથી રહેતો ?” એ પ્રશ્ર્ન છે. પછી મુકતાનંદસ્વામી તથા શુકમુનિ તથા નિત્‍યાનંદસ્વામી એ આદિક પરમહંસે જેની જેવી દૃષ્ટિ પુગી તેવો તેણે ઉત્તર કર્યા. પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”લ્‍યો અમે ઉત્તર કરીએ. એનો તો ઉત્તર એમ છે જે જ્ઞાન ને વૈરાગ્‍યે કરીને ત્રણ શરીર, ત્રણ અવસ્‍થા ને ત્રણ ગુણ, એ સર્વે માયિક ઉપાધિ થકી ચૈતન્‍ય જુદો થઈ જાય છે ને કેવળ સત્તામાત્ર રહે છે, પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી, ત્‍યારે જેમ દીપકનો અગ્‍નિ તે કોડિયું, તેલ ને વાટ, એ ત્રણેને યોગે કરીને દષ્‍ટિમાં આવે તથા ગ્રહણ કર્યામાં આવે, પણ જ્યારે એ ત્રણ પ્રકારની ઉપાધિનો સંગ છુટી જાય છે ત્‍યારે એ અગ્‍નિ કોઈની દૃષ્ટિમાં પણ ન આવે ને ગ્રહણ પણ ન થાય, ને ઉપાધિએ યુક્ત હોય ત્‍યારે જ દૃષ્ટિએ આવે ને ગ્રહણ કર્યામાં આવે, તેમ જ્ઞાન વૈરાગ્‍યે કરીને સર્વે માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્‍યારે એ જીવાત્‍મા છે તે કેવળ બ્રહ્મસત્તામાત્ર રહે છે. ને તે મન વાણીને અગોચર છે. ને કોઈ ઈન્‍દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્‍ત થયું હોય, ને ભગવાન ને ભગવાનના ભક્તનું માહામ્‍ય યથાર્થપણે સમજાયું હોય, તેને તો સર્વે માયિક ઉપાધિનો સંગ ટળી જાય. ને પોતાનો જીવાત્‍મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્‍યાં દૃષ્ટાંત છે – જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્‍યારે એ અગ્‍નિ કોઈ ઈન્‍દ્રિયે કરીને ગ્રહણ ન થાય એવો આકાશને વિષે રહેછે, તોપણ એ અગ્‍નિને વિષે સુગંધી તથા દુગર્ંધીનો જે પાશ લાગ્‍યો હોય તે ટળતો નથી. તથા જેમ વાયુ છે તે તો અગ્‍નિ થકી પણ વધુ અસંગી છે, તો પણ તેને સુગંધી તથા દુગર્ંધીનો પાશ લાગે છે. તેમ જ જીવાત્‍માને જ્ઞાનવૈરાગ્‍યે કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે, તોપણ સત્‍સંગનો પાશલાગ્‍યો છે તે ટળતો નથી, અને તે બ્રહ્મરૂપ થાય છે તો પણ નારદ, સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે અતિશે દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે. ત્‍યાં શ્લોક :-

“પરિનિષ્‍ઠિતોડપિ નૈર્ગુણ્‍યે ઉત્તમશ્લોકલીલયા  ગૃહીતચેતા રાજર્ષે આખ્‍યાનં યદધીતવાન્ “ તથા

“હરેર્ગુણાક્ષિપ્‍તમતિર્ભગવાન્ બાદરાયણિ:  અઘ્‍યગાન્‍મહદાખ્‍યાનં નિત્‍યં વિષ્ણુજનપ્રિય:” તથા

‘આત્‍મારામાશ્વ મુનયો’ તથા ‘પ્રાયેણ મુનયો રાજન્’

ગીતામાં કહ્યું છે કે :-

“બ્રહ્મભૂત: પ્રસન્નાત્‍મા ન શોચતિ ન કાંક્ષતિ  સમ: સવર્ેષુ ભૂતેષુ મદ્ભકિંત લભતે પરામ્”

ઈત્‍યાદિક ઘણાક શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે જ્ઞાનવૈરાગ્‍યે કરીને માયિક ઉપાધિને ત્‍યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા ને પ્રીતિ તેણે યુક્ત હોય છે,’ અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્‍મજ્ઞાન ને વૈરાગ્‍યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તામાત્ર વર્તતો હોય તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્‍મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્‍યો છે, માટે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્‍નેહ થતાં નથી જેમ વાયુને ને અગ્‍નિને દુગર્ંધનો પાશ લાગે છે, તેમજ એને કુસંગનો પાશ લાગ્‍યો છે, તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્‍થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ એને કુસંગનો પાશ લાગ્‍યો હતો, માટે શ્રીકૃષ્ણભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્‍નેહ થયાં નહિ, તેમ કેવળ જે આત્‍મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તોપણ તેને કુસંગનો પાશ જતો નથી. ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્‍નેહ થતાં નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ  ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિષે અતિશે દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે, પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્‍ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૩|| ૨૩૭ ||