ધન્ય ધન્ય છપૈયાપુર ધામને જો (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:47pm
રાગ ગરબી
પદ - ૧
ધન્ય ધન્ય છપૈયાપુર ધામને જો .
વાલું લાગ્યું તે શ્રી ઘનશ્યામને જો. ધન્ય.
વાલો અક્ષર થકી જીયાં આવિયા જો,
ભક્તિ ધર્મ તણા સુત કાવિયા જો. ધન્ય. ૧
તે માં મંદિર મણિમય શોભતું જો ,
બ્રહ્મમોલ થકી અતિ ઓપતું જો. ધન્ય. ૨
ધન્ય કૈં યે છપૈયા લોકને જો ,
ધન્ય બહિરી બજારના ચોકને જો. ધન્ય. ૩
ધન્ય બાગ બગીચા મન ગમતા જો,
શ્યામ સખા સંગ ત્યાં રમતા જો. ધન્ય. ૪
ધન્ય ધર્મ તણો રંગ રસીયો જો,
દાસ બદ્રિનાથને દીલ વસીયો જો. ધન્ય. ૫
 
પદ - ૨
વારી જાઉં રે સુંદર ઘનશ્યામને જો.
ચારે વેદ વંદે જેના નામને જો. વારી.
વાલો છપૈયે રહ્યા કરી વાસને જો;
સુખ આપ્યાં અતિઘણાં દાસને જો. વારી. ૧
રૂડું રતન સિંહાસન શ્યામનું જો,
સર્વ શોભાતણું તેહ ધામનું જો. વારી. ૨
રાજે રાજાધિરાજ તેના ઊપરે જો,
સારું શોભે છે શ્યામ સ્વરૂપ રે જો. વારી. ૩
ત્યાં ત્રાંબા નોબતું બહુ ગડગડે જો,
ચોઘડીયે રૂડાં ડંકા પડે જો. વારી. ૪
ગાન ગવૈયા અહોનીશ ગાય છે જો,
દાસ બદ્રિનાથ વારી જાય છે જો. વારી. ૫
 
પદ - ૩
જેહ જન છપૈયાપુર જાય છે જો,
તેનાં પાપ પ્રલે સર્વે થાય છે જો. જેહ.
ઘનશ્યામ સુંદર જોયા જે જને જો,
કુલ તાર્યા એકોતેર તે જને જો. જેહ. ૧
છાપ છપૈયામાં લે શુદ્ધ હોઈને જો,
જમદુત ડરે તેને જોઈને જો. જેહ. ૨
તિયાં શ્રાદ્ધ સરાવી દીયે પિંડને જો,
તેના પિત્રિ પામે ગોવિંદને જો. જેહ. ૩
ત્યાં સંતને જમાડી રાજી થાય છે જો,
તેને પૂન્ય હજારગણું થાય છે જો. જેહ. ૪
એવો મહિમા મોટો તેહ ધામનો જો,
દાસ બદ્રિનાથ કહે ઘનશ્યામનો જો. જેહ. ૫
 
પદ - ૪
સર્વે ધામમાં શીરોમણી ધામ છે જો,
એવું જાણો છપૈયા રૂડું ગામ છે જો. સર્વે.
વસે તેત્રીસ કરોડ ત્યાં દેવતા જો,
ઘનશ્યામનાં ચરણ રોજ સેવતા જો. સર્વે. ૧
સર્વે તીરથ રહ્યાં તેના તીરમાં જો,
વળી નારાયણસરના નીરમાં જો. સર્વે. ૨
જેહ જન છપૈયા કહે મુખથી જો,
તેહ તુરત તરે સર્વે દુઃખથી જો. સર્વે. ૩
તેહ ધામનો મહિમા શું હું વર્ણવું જો,
ત્યાં જાય તેને ચરણે નમું જો. સર્વે. ૪
વળી છપૈયા જાવાનું જેને મન છે જો,
બદ્રિનાથ કહે તેને ધન્ય છે જો. સર્વે. ૫
 
Facebook Comments