૬૨. શ્રીજીએ કારીયાણીમાં હુતાશની ઉત્સવ કર્યો, પછી ભૂજમાં ભીમએકાદશી કરી, જુનાગઢ થઇ કારિયાણી આવ્યા,

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:49pm

ચોપાઇ-

પોતે દયાળુ હતા ડભાણ, સુંદરવર શ્યામ સુજાણ ।

ત્યાંથી ચાલીયા અંતરજામી, આવ્યા બુધેજમાં બહુનામી ।।૧।।

હરિભક્ત તિયાં હઠિભાઇ, રહ્યા રાત્ય તિયાં સુખદાઇ ।

ત્યાંથી આવ્યા પછમે મહારાજ, જીયાં ભક્ત ઓધવ જેરાજ ।।૨।।

રહી રાત્ય એક તેને ઘેર, ત્યાંથી વાલો આવ્યા છે ઝીંઝર ।

સંગે ભક્ત હતો મેર જેઠો, અતિવૃધ્ધ અંગે વળી દિઠો ।।૩।।

તેને પહેરાવ્યો સુંદર સ્વાંગ, જામો જરી ને સોનેરી પાગ ।

રહી રાત્ય ને ચાલ્યા દયાળુ, આવ્યા કુંડળમાંહિ કૃપાળુ ।।૪।।

મોટા ભક્ત મામૈયો ને રામ, તેને ઘેર રહ્યા જુગ જામ ।

ત્યાંથી સારંગપુર આવીયા, દિન ત્રણ સુધી તિયાં રહ્યા ।।૫।।

પછી આવ્યા નાગડકે નાથ, સવેર્સખા છે પોતાને સાથ ।

તિયાં ભક્ત સુરો સતસંગી, હરિભક્ત જક્તથી અસંગી ।।૬।।

તેને ઘેર ગિરિધર ગયા, દિન ચારસુધી તિયાં રહ્યા ।

અતિહેતે જમાડ્યા જીવન, પ્રભુ જનપર છે પ્રસન ।।૭।।

દેવા દર્શન જનમન ભાવ્યાં, સુંદર વસ્ત્ર શ્યામળે મગાવ્યાં ।

વાલે પહેર્યો સોનેરી સુવાગ, જેણે જોયા તેનાં મોટાં ભાગ્ય ।।૮।।

પછી ત્યાંથી શ્યામળો સધાવ્યા, પોતે નાથ પિપરડીયે આવ્યા ।

તિયાં ભક્ત પવિત્ર જે પીઠો, તેને ઘેર રહ્યા માવ મીઠો ।।૯।।

ત્યાંથી ચાલીયા સુંદરશ્યામ, ગયા ભક્ત માંતરાને ગામ ।

ત્યાંથી ભોંયરે ભોજન કીધું, ભક્ત નાજાને દર્શન દીધું ।।૧૦।।

પછી ત્યાંથી આવ્યા ગોખલાણે, જાગ્યાં ભાગ્ય ભક્ત જીવો જાણે ।

ત્યાંથી ચાલિયા પૂરણકામ, આવ્યા કૃપાળુ કરિયાણે ગામ ।।૧૧।।

તિયાં રહ્યા રાજી થઇ બહુ, આવ્યા દાસ દરશને સહુ ।

એમ કરતાં હુતાસની આવી, કરી લીળા લાલે મનભાવી ।।૧૨।।

તિયાં ઉડાડ્યો વાલે ગુલાલ, સર્વે સખા કર્યા રંગે લાલ ।

વળી કરે ધુન્ય તાલી વાજે, લોક લાજવાળા જોઇ લાજે ।।૧૩।।

કરી ઉત્સવ ને પછી માવ, આપ્યો અલૈયાને શિરપાવ ।

કહ્યું રાખજયો આવો જ વેશ, ફરી આવજયો વાળાક દેશ ।।૧૪।।

સખા સંગે લઇ દશ વિશ, કરજયો પ્રભુની વાતો હમેશ ।

એને એટલી આગન્યા કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૧૫।।

વસે કોટડે પ્રેમ પુતળી, તેને ઘેર ગયા વાલો વળી ।

ત્યાંથી પધાર્યા નડાલે ગામ, જીયાં ભક્ત ગંગેવ ને રામ ।।૧૬।।

તિયાં જમાડ્યા લખમણે રાજ, પછી બંધીયે ગયા મહારાજ ।

રાત્ય શેઠ જુઠા ઘેર રહ્યા, પછી ગોંડળથી વડે ગયા ।।૧૭।।

ત્યાંથી ભાદરે પ્રભુ પધાર્યા, દેઇ દર્શન મોદ વધાર્યા ।

પછી ત્યાંથી પિપળિયે આવ્યા, ઘણું માનબાઇ મન ભાવ્યા ।।૧૮।।

ત્યાંથી રણ ઉતરીયા રાજ, આવ્યા કચ્છદેશ મહારાજ ।

કરી કચ્છમાં કૃપા કૃપાળે, દીધાં દર્શન સહુને દયાળે ।।૧૯।।

વાગડ પાવર કચ્છ અબડાસે, કર્યાં હરિનાં દર્શન દાસે ।

કરી ભુજે ભીમએકાદશી, પછી પધારીયા વાંણે બેશી ।।૨૦।।

ઉતરી હરિ આવ્યા હાલાર, આપ્યાં દાસને સુખ અપાર ।

જેજે વાટમાં આવે છે ગામ, તિયાં વાલો કરે વિશરામ ।।૨૧।।

દિયે દર્શન પ્રસન્ન ઘણું, મન છે સોરઠ જાવાતણું ।

ત્યાંથી આવીયા ગઢ જીરણે, રહ્યા રાત્ય ન જાણિયા કેણે ।।૨૨।।

પછી ત્યાંથી ચાલ્યા અલબેલો, આવ્યા અગત્રાઇ છેલ છબીલો ।

રહ્યા દિન દશ તિયાં શ્યામ, પછી આવીયા પંચાળે ગામ ।।૨૩।।

ભક્ત શિરોમણિ ઝીણોભાઇ, તિયાં રહ્યા શ્યામ સુખદાઇ ।

સર્વે જનને દર્શન દીધાં, કરી કૃપા કૃતારથ કીધાં ।।૨૪।।

પછી ત્યાંથી પધારિયા હરિ, આવ્યા માણાવદ્ર મહેર કરી ।

જીયાં ભક્ત વસે મયારામ, ગોવિંદ ભાણો આંબો વાઘો નામ ।।૨૫।।

વળી વસતા આદિ જે જન, તેને નાથે દિધાં દરશન ।

પછી ત્યાંથકી આવીયા શ્યામ, દેતા દરશન ગામોગામ ।।૨૬।।

આવ્યા કરિયાણે પોતે કૃપાળુ, દેવા દર્શન સહુને દયાળુ ।

તિયાં આવીયા છે સંતદાસ, મહામુક્ત અંતરે પ્રકાશ ।।૨૭।।

સદેહે જાય હિમાલાપાર, પોતે ગયા આવ્યા દોયવાર ।

આપ ઇચ્છાએ આવે ને જાય, બીજા કોઇ થકી ન જવાય ।।૨૮।।

તેની ખબર પુછી અવિનાશે, સવેર્કહી છે તે સંતદાસે ।

કહે નાથ સુણો સંતદાસ, રહો સતસંગમાં કરી વાસ ।।૨૯।।

એમ કહીને સમશ્યા કિધી, સંતે વાટ હિમાળાની લીધી ।

પછી તેડાવિયા સર્વે સંત, દેવા દાસને સુખ અત્યંત ।।૩૦।।

મેલ્યા રાજા ભગતને રાજે, કહેજયો આવે સહુ દર્શન કાજે ।

આવ્યા સંત તે સરવે મળી, હતી દેશોદેશ જે મંડળી ।।૩૧।।

સવેર્આવીયા પ્રભુજી પાસ, આવી નિરખિયા અવિનાશ ।

સામા આવીને મળીયા શ્યામ, પુરી સંતના હૈયાની હામ ।।૩૨।।

પછી બેઠા સંત ને શ્રીહરિ, તેને પુછ્યું વાલે પ્રેમે કરી ।

સંત સુખિયા છો તમે સહુ, હમણાં દુબળા દિસો છો બહુ ।।૩૩।।

કાંઇક અધિકું જમજયો અન્ન, સુખે થાય પ્રભુનું ભજન ।

એમ કહ્યું છે દયા કરીને, પણ ત્યાગ વાલો છે હરિને ।।૩૪।।

પછી જનને જમાડ્યા નાથે, પ્રેમે પિરસ્યું પોતાને હાથે ।

જે પ્રસાદીને ઇચ્છે છે અજ, તોય મળતી નથી એક રજ ।।૩૫।।

જે પ્રસાદી સારૂં શિવ આપ, સહ્યો પારવતિજીનો શાપ ।

તે પ્રસાદી પામી સહુ સંતે, દિધી ભાવેકરી ભગવંતે ।।૩૬।।

અતિઅઢળ ઢળ્યા અવિનાશી, શ્યામસુંદરવર સુખરાશી ।

વળી નાવા જાય જયારે નાથ, ત્યારે સંત લિયે સહુ સાથ ।।૩૭।।

તિયાં ફેરવે અશ્વને હરિ, જુવે જન સહુ દ્રગ ભરી ।

જુવે જનને જીવન પ્રાણ, દેખી વેષને કરે વખાણ ।।૩૮।।

કહે સહુતણુ તેજ વળી, આવ્યું આ સંતમાં સર્વે મળી ।

એમ કહી રાજી બહુ થીયા, પછી નાથ ઉતારે આવીયા ।।૩૯।।

એમ કરતાં લીળા નિત્ય નવી, પછી જન્માષ્ટમી તે આવી ।

કર્યો ઉત્સવ અતિ આનંદે, સુખ લીધું સહુ જનવૃંદે ।।૪૦।।

ગામોગામથી આવ્યા હતા દાસ, તેણે નિરખિયા અવિનાશ ।

તિયાં મેઘ ઝરે ઝરમરીયા, રમે અલબેલો આનંદ ભરિયા ।।૪૧।।

જોઇ જન થયા છે મગન, એમ વિત્યો અષ્ટમીનો દન ।

એવી લીળા અલબેલે કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૪૨।।

આવ્યા સુખપુરે સુખસિંધુ, દિનદયાળ દિનના બંધુ ।

રહ્યા પોતે તિયાં દિન ચાર, આપ્યાં સંતને સુખ અપાર ।।૪૩।।

ત્યાંથી આવ્યા સારંગપુરે નાથ, સખા સંત સહુ પોતા સાથ ।

દિયે દર્શન પ્રસન્ન હોઇ, થાય મગન જન મુખ જોઇ ।।૪૪।।

વળી મર્મે બોલે મરમાળો, જાણે જનની છેલ છોગાળો ।

મમેર્ભરી હરિ કરી હાસ, આપ્યો બાપુભાઇને સંન્યાસ ।।૪૫।।

જેને જેમ થાય છે સમાસ, તેને તેમ કરે અવિનાશ ।

માટે જાણવા અંતરજામી, પછી સંત પ્રત્યે બોલ્યા સ્વામી ।।૪૬।।

સંતો જાઓ હવે સહુ મળી, ફરો દેશોદેશમાં મંડળી ।

જેને ભણવું હોય તે ભણજયો, સહુ નિયમમાં કુશળ રહેજયો ।।૪૭।।

જે જે થાય નિયમમાંથી બારૂં, એતો નથી ગમતું અમારૂં ।

ત્યારે સંત કહે સત્ય સ્વામી, એમ કહી ચાલ્યા શિશ નામી ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અષ્ટમી ઉત્સવ એ નામે બાસઠ્યમું પ્રકરણમ્ ।।૬૨।।