શ્ર્લોક ૧૬૩-૧૭૨ વિધવાસ્‍ત્રી વિશેષ ધર્મ

Submitted by swaminarayanworld on Fri, 08/01/2010 - 10:50am

હવે વિધવા સ્‍ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ- અમારે આશ્રિત જે વિધવા સ્‍ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્‍ણભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્‍વતંત્રપણે ન વર્તવું (૧૬૩)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્‍થાને વિષે અવશ્‍ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. (૧૬૪)

અને ધાવણો જે બાળક તેના સ્‍પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્‍યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. (૧૬પ)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું (૧૬૬)

અને તે વિધવા  સ્‍ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે કર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું (૧૬૭)

અને વિધવા સ્‍ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્‍વીને વિષે સુવું અને મૈથુનાસકત એવા જે પશુ પક્ષી  આદિક જીવ પ્રાણીમાત્ર તેમને જોવા નહિ. (૧૬૮)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે સુવાસિની સ્‍ત્રીના જેવો વેષ ન ધારવો તથા સંન્‍યાસણી તથા વૈરાગણી તેના જેવો વેષ ન ધારવો અને પોતાના દેશ કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો (૧૬૯)

અને ગર્ભની પાડનારી જે સ્‍ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્‍પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાતો તે કયારેય ન કરવી અને ન સાંભળવી (૧૭૦)

અને યુવા અવસ્‍થાને વિષે રહી એવી જે વિધવા સ્‍ત્રીઓ તેમણે યુવા અવસ્‍થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્‍થળને વિષે આપત્‍કાળ પડયા વિના ન રહેવું (૧૭૧)

અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવા ઝીણા વસ્‍ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. (૧૭૨)