પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૧

Submitted by Parth Patel on Wed, 07/09/2011 - 12:32am
પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૧

દોહા -

ભકિત ધર્મ સુત શ્રીહરિ, સહજાનંદ સુખરુપ ।

વિનય સહિત વંદન કરૂં, પાવન પરમ અનૂપ ।।૧।।

‍ચિંતવિ ચરણનખચંદ છટા, લખી ઊર અમિત પ્રતાપ ।

વંદુ વિઘ્ન વિનાશકર, હરણ વિપત અણમાપ ।।૨।।

સ્વામિનારાયણ સુખદ, પ્રગટ વિદિત જગસૂર ।

ત્રિવિધ તાપ અજ્ઞાન તમ, કળિમળ મત કર ચૂર ।।૩।।

આપો વાણી રસ ભરી, વિમળ મતિ અવિનાશ ।

ચરણ વંદી આદર કરૂં, પુરૂષોત્તમપ્રકાશ ।।૪।।

ચોપાઈ -

રચુ ગ્રંથ પ્રગટ ગુણ જુક્તરે, કૃપા કરો હરિજન મુકતરે ।

આ ગ્રંથ પ્રગટ પર જાણીરે, લેજયો પ્રગટ મહિમા ઊર આણીરે ।।૫।।

નામ પુરૂષોત્તમ પ્રકાશ રે, પુરૂષોત્તમ મહિમા નિવાસ રે ।

પુરૂષોત્તમ પરમ દયાળ રે, તેજ ભકિત ધર્મના બાળ રે ।।૬।।

એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રે ।

નવ પો’ચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મકુમાર રે ।।૭।।

જેને નિગમ નેતિ નેતિ કહે રે, અલ્પબુદ્ધિ પાર કેમ લહે રે ।

એના ચરણ કમળ પરતાપ રે, કરૂં કંઈક અમાપનો માપ રે ।।૮।।

લખું દિશમાત્ર તે વિચારી રે, કૃપા કરજયો સંત સુખકારી રે ।

જયાં રે’છે સદા સુખકારી રે, વરણવું ધામ તે મૂર્તિ સંભારી રે ।।૯।।

શ્રીગોલોક ધામ મોઝાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે ।

કોટિ રવિ શશિ તડિત અનળ રે, તેમના તેજથી અતિ નિર્મળ રે ।।૧૦।।

એ છે પરમ દિવ્ય અતિશ્વેત રે, સચ્ચિદાનંદ રૂપનિકેત રે ।

જેને બ્રહ્મપુર કહે અમૃતધામ રે, પરમપદ આદિ અનંત નામ રે ।।૧૧।।

જેને કે’છે બ્રહ્મ ચિદાકાશ રે, એમાં સદાય શ્રીહરિનો વાસ રે ।

એ શ્રીકૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે ।।૧૨।।

એમાં સદાય શ્રીહરિ વિરાજે રે, નિરખિ કોટિ કામ છબિ લાજે રે ।

એ છે પુરૂષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કે’વાય રે ।।૧૩।।

પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર શ્યામ રે ।

કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે, એ છે અનંત નામના નામી રે ।।૧૪।।

એ છે અક્ષરપર અવિનાશ રે, સર્વકર્તા નિયંતા નિવાસ રે ।

કારણકારણ કળા વિકાશ રે, અંતરજામી નિર્ગુણ સ્વયંપ્રકાશ રે ।।૧૫।।

એ છે સ્વતંત્ર સર્વાધાર રે, એવા ભકિત ધર્મના કુમાર રે ।

અનંત કોટી મુકત બ્રહ્મરૂપ રે, તેમને ઊપાસ્યા યોગ્ય અનુપ રે ।।૧૬।।

અનંત કોટિ બ્રહ્માંડની જેહ રે, ઊત્પત્તિ સ્થિતિ લય કહિએ તેહ રે ।

એવી લીળા જેની અતિ સાર રે, એવા ધર્મકુંવર કિરતાર રે ।।૧૭।।

માયા પુરૂષ કૃતાંત અનાદિ રે, પ્રધાનપુરૂષ મહત્તત્ત્વ આદિ રે ।

એ આદિ અનંત શકિતધાર રે, એના પ્રેરક ધર્મકુમાર રે ।।૧૮।।

અનંત કોટી બ્રહ્માંડના જેહ રે, સ્વામી રાજાધિરાજ છે તેહ રે ।

સદા કિશોરમૂર્તિ શોભાધામ રે, પરમ પાવન પૂરણકામ રે ।।૧૯।।

દેખી કોટિ રતિપતિ લાજે રે, મેઘ નવીન શ્યામ છબી છાજે રે ।

ભકતવત્સલ મહા ભયહારી રે, એવા ધર્મકુંવર સુખકારી રે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે શ્રી પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પ્રથમઃ પ્રકારઃ ।।૧।।