પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦ર

Submitted by Parth Patel on Wed, 07/09/2011 - 1:21am

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦ર

દોહા -

સુંદર મૂર્તિ શ્રીહરિ, લાવણ્યતાનું ધામ ।

દયાસુધા પૂરિત નયન, નટવર છબી ઘનશ્યામ ।।૧।।

શોભા કીરતિ ઊદારતા, અનંત ભુવનની આય ।

ઊમંગ ભરિ ઊદે થઈ, નવ નીરદ તનમાંય ।।૨।।

નવ રસ નવ મૂર્તિ ધરિ, આણિ અનુપમ હેત ।

સજલ જલદ શ્યામ તનુ, મન કર્મ કર્યું નિકેત ।।૩।।

વસ્યા વાસ જુકતે કરિ, નવરસ નવે પ્રકાર ।

ભ્રકુટિ નેત્ર મુખહાસ ગતિ, ઊર તન બાહુ ઊદાર ।।૪।।

ચોપાઈ -

નવ રસને જાણિ નિજ દાસરે, આપ્યો નિજ તનમાંહિ નિવાસરે ।

રૂદ્ર વીર ભયાનક તિનરે, વસે ભ્રકુટિમાંહિ પ્રવિન રે ।।૫।।

રસ શૃંગાર વસે તનમાંઈ રે, કરૂણા શાંતિ નેણે સુખદાઈ રે ।

રસ હાસ્યને અદ્ભુત કા’વે રે, હરે ચિત્ત હરિ હેતે બોલાવે રે ।।૬।।

રસવિષે અસુર રહ્યા મોઈ રે, હરિનાં દિવ્ય ચરિત્રને જોઈ રે ।

એમ રસને અમિત અલંકાર રે, ધર્યા નિજ ઈચ્છાએ અપાર રે ।।૭।।

રસ અલંકાર તે વિનાય રે, હરિનું રમણીય રૂપ સદાય રે ।

દિવ્ય અમાયિક અભિરામ રે, હરિનું રૂપ સદા છબિધામ રે ।।૮।।

કરે ગ્રણ જયારે કિરતાર રે, શોભા પામે રસ ને અલંકાર રે ।

વસ્ત્ર ભૂષણ વાહન જેહ રે, કરે ગ્રહણ શોભે ત્યારે તેહ રે ।।૯।।

સદા પુરણકામ મોરાર રે, કરે ભકતભાવે અંગીકાર રે ।

ઊપમા અલંકાર દેવાની રીત રે, ભકતભાવ જણાયે પ્રીત રે ।।૧૦।।

કોટિ કામતણી છબિ છાજે રે, હરિનું હસવું જરા જોઈ લાજે રે ।

હરિનાં દિવ્ય વસ્ત્રને જોઈ રે, લાજે તડિત ચામીકર દોઈ રે ।।૧૧।।

હરિનાં અમૂલ્ય આભૂષણ જોઈ રે, રહ્યા સુર નર મુનિ મન મોઈ રે ।

કરણે કુંડળ મકરાકાર રે, મહાતેજતણો અંબાર રે ।।૧૨।।

નિરખિ લાજ પામ્યા વારમવાર રે, વસ્યા રવિ શશિ ગગન મોઝારરે।

શોભાસાગર શોભાના ધામ રે, ભકતવત્સલ દીનબંધુ નામ રે ।।૧૩।।

રસરૂપ ગુણાકર દેવ રે, મહામુકત કરે જેની સેવ રે ।

સર્વ સુખમય મૂર્તિને જાણિ રે, મહામુકત ધારે ઊર આણિરે ।।૧૪।।

જોઈ રૂપછટા સુખદાઈ રે, રમા રાધા કરે સેવકાઈ રે ।

તજી ચંચળતા રમા પ્યારી રે, સેવે સ્થિર થઈ સુકુમારી રે ।।૧૫।।

શું હું વર્ણવું રસના એક રે, અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે ।

સહસ્રવદન પાર નહિ પાવે રે, શુક નારદ નિગમ નિત્ય ગાવે રે ।।૧૬।।

એવા કૃષ્ણ કમળ દલ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે ।

અઘમોચન લોચન વિશાળ રે, કૃપાસધુ શ્રીકૃષ્ણ કૃપાળ રે ।।૧૭।।

ચાલે સુંદર ગજગતી ચાલ રે, લાજે નિરખીને રાજ મરાલ રે ।

કર લટકાં જોઈ તે જન રે, પામે આનંદ સ્થિર થાય મન રે ।।૧૮।।

એવા દિવ્યવિગ્રહ દીનાનાથ રે, ભેટે મુકત મુનિને ભરિ બાથ રે ।

સદા પ્રસન્ન પ્રપન્ન પ્રતિપાળ રે, કરે ચરિત્ર દીનદયાળ રે ।।૧૯।।

વા’લો અક્ષરધામના ધામી રે, અસંખ્ય મુકતતણા એક સ્વામી રે ।

સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે, સર્વોપરિ શ્રીહરિ છાજે રે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે શ્રી પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વિતીયઃ પ્રકારઃ ।।૨।।