પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૮

Submitted by Parth Patel on Thu, 08/09/2011 - 4:10am

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૮

દોહા -

શ્રીહરિ કહે સંત સાંભળો, એવો કરવો નથી ઊપાય ।

જેણે કરીને જકતનું, બંધન તમને થાય ।।૧।।

એવી રીતને રાખશું, જેહ રહ્યા ન રે’શે કોય ।

શાસ્ત્રમાં પણ શોધતાં, કિયાં હોય કે વળિ નો’ય ।।૨।।

જેમ અલૌકિક અવતાર છે, તેમ કાઢું અલૌકિક રીત ।

સહુ ઊપર શિરોમણિ, વળિ ઘણી પરમ પુનિત ।।૩।।

તે રીત કહું તે હૃદે ધરી, સહુ રહો થઈ સાવધાન ।

એમ મુનિ મંડળને આગળે, શ્રીમુખે કહે ભગવાન ।।૪।।

ચોપાઈ -

રે’જો પંચ વ્રત પ્રમાણરે, ધારી વિચારી સહુ સુજાણરે ।

પંચ વ્રત છે સહુને પારરે, નથી એથી બીજું કાંય બા’રરે ।।૫।।

જોશો વિધવિધે જો વિચારીરે, ભર્યા અર્થે છે એ અતિ ભારિરે ।

તેમાં ધન ને ત્રિયાનો ત્યાગરે, ઘણો કહ્યો છે કરી વિભાગરે ।।૬।।

અષ્ટ પ્રકારે તજવી નારીરે, તેમ ધન તજવું વિચારીરે ।

કોઈ દેશ કાળ ક્રિયા સંગેરે, એથી અળગું રે’વું અષ્ટ અંગેરે ।।૭।।

સહુ જાણજો જન એમ પંડ્યેરે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડેરે ।

એમ નકી કરી નિરધારરે, ફરો પરહિતે પૃથવી મોઝારરે ।।૮।।

અંગે રાખજો અંબર એટલાંરે, શીત ઊષ્ણ ન પીડે તેટલાંરે ।

કંથા કૌપીન ને કટિપટરે, એટલાં તો રાખજો અમટરે ।।૯।।

તેપણ જાચિને જીરણ લેજોરે, એવી રીત્યે સહુ મુનિ રે’જોરે ।

અન્ન માગિને જમજો મધ્યાહ્નેરે, રસે રહિત સહિત જળ પાનેરે ।।૧૦।।

સર્વે મેળવી ભેળું તે કરીરે, જમજો એકવાર ભાવભરીરે ।

એમ રહી સહુ મુનિરાયરે, ફરજો દેશ પરદેશને માંયરે ।।૧૧।।

કરજો પુરૂષ આગળે વાતરે, જેમ છે તેમ વળી સાક્ષાતરે ।

જયારે નિ’મ ધારે જાણો જનરે, કે’જો કરે પ્રગટ ભજનરે ।।૧૨।।

ધરેે પ્રગટ પ્રભુનું ધ્યાનરે, જેવા ભૂમિયે છે ભગવાનરે ।

ધરતાં ધ્યાન થાશે પ્રકાશરે, તેણે મગન થાશે મને દાસરે ।।૧૩।।

આપે દેખશે અક્ષરધામરે, દેખી માનશે પૂરણકામરે ।

એમ અનંત જીવ આશરીરે, જાશે અખંડ ધામે કામ કરીરે ।।૧૪।।

તેના સંગી બીજા જે જનરે, કરશે ભાવ કરીને ભજનરે ।

તેતો પામશે એ ધામ આપરે, એવો મોટો છે આજ પ્રતાપરે ।।૧૫।।

વળી અન્ન જળ તમને જે દેશેરે, આપી અંબર અક્ષર ઘર લેશેરે ।

જેહ ધામના અમે રે’નારરે, લઈ જાશું તે ધામ મોઝારરે ।।૧૬।।

નથી જોવી જીવની કરણીરે, રીત આવારની દોષ હરણીરે ।

જયારે ભરવું હોય મોટું વા’ણરે, વો’રે શાલ દાળ્ય લોહ પાષાણરે ।।૧૭।।

જેવો માલ મળે તેવો વો’રેરે, તોયે ઠાલું છે કહી બકોરેરે ।

એવો આજ મોટો છે અવતારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૮।।

તેતો સર્વે જાણો છો તમે જનરે, સમઝી રહો મનમાં મગનરે ।

નિર્ભય નિઃશંક થૈ સહુ રે’જોરે, વાતો પ્રગલ્ભ મન કરી કે’જોરે ।।૧૯।।

એમ મુનિને કહ્યું મહારાજેરે, સુખસાગર ગરીબ નિવાજેરે ।

આવ્યા લેર્ય મેર્યમાં આ વારરે, પરમ સનેહી પ્રાણ આધારરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટમઃ પ્રકારઃ ।।૮।।