(૦૫) ગૃહસ્થધર્મ પ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:41pm

ગૃહસ્થધર્મ પ્રકરણમ્ (૫)

ગૃહસ્થે દરરોજ સ્માર્ત કર્મ વિવાહાગ્નિમાં અથવા પિતૃસંપત્તિના વિભાગ સમયે ગૃહીત આહિત આગ્નિમાં કરવા. તથા અગ્નિહોત્રાદિક શ્રોત વૈતાનિક અગ્નિમાં કરવા. ૯૭

દ્વિજ મલમૂત્રોત્સર્ગરૂપ શરીર કાર્ય કરી રહ્યા પછી શોચવિધિ કરીને દંતધાવન કરે અને ત્યાર પછી પ્રાતઃસંધ્યાની ઊપાસના કરે. ૯૮

તદનન્તર અગ્નિહોત્ર કર્મ કરી સ્વસ્થચિત્તથી સૂર્યદેવતાના મંત્રનો જપ કરે. અને ત્યાર પછી વેદનો અર્થ સમજવા માટે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરે. ૯૯

યોગ અને ક્ષેમની સિદ્ધિ માટે રાજા અથવા કોઈ સમર્થ પુરૂષ પાસે જવું. અને ત્યાર પછી મધ્યાહ્ન સમયે સ્નાન કરી દેવતાઓનું તથા પિતૃઓનું તર્પણ અને અર્ચન કરવું. ૧૦૦

જપ યજ્ઞની સિદ્ધિ માટે વેદ, અથર્વમંત્રો, પુરાણો ઈતિહાસ અને આધ્યાત્મિક વિધાનો યથાશકિત જપ કરવો. ૧૦૧

બલિકર્મ, સ્વાધા, હોમ, સ્વાધ્યાય અને અતિથિ સત્કાર, આ બધાજ કર્મોને અનુક્રમે ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ અને મનુષ્યયજ્ઞ એવી રીતે પંચમહાયજ્ઞ કહેવાય છે.૧૦૨

દેવતાઓને માટે (વૈશ્વદેવ) હોમ કર્યા બાદ બાકી રહેલા અન્નથી ભૂતબલિ કરે, શ્વાન, ચાંડાલ અને કાગડા ને માટે પૃથ્વી ઊપર અન્ન ફકવું જોઈએ. ૧૦૩

પ્રતિદિન પિતૃઓને અને મનુષ્યોને અન્ન આપવું, અન્નના અભાવમાં જળ આપવું, નિરંતર સ્વાધ્યાય કરવો અને કેવળ પોતાને માટે ભોજન ન રાંધવું. ૧૦૪

બાળક, પિતૃગૃહે રહેનારી વિવાહિક સ્ત્રી, વૃદ્ધ, ગર્ભવતી, રોગી કન્યા, અતિથિ, અને સેવકોને ભોજન કરાવ્યા પછી શેષ રહેલા અન્ન વડે પતિપત્નીએ ભોજન કરવું. ૧૦૫

ભોજન કરતાં દ્વિજાતિએ ભોજન પહેલાં અને પછી આપોશન કર્મ વડે અન્નને અનગ્ન તથા અમૃત કરવું. ૧૦૬

અનેક અતિથિઓ જો આવ્યા હોય તો વર્ણાનુક્રમથી અન્ન યથાશકિત આપવું. કદાપિ સાંજે પણ અતિથિ આવે તો પાછો વાળવો નહીં. પરંતુ મધુરવાણી, સ્થળ, આસન, જળ વડે તેનો સત્કાર કરવો. ૧૦૭

ભિક્ષુકને અને બ્રહ્મચારીને સત્કારપૂર્વક ભિક્ષા આપવી જોઈએ. ભોજન સમયે આવેલ મિત્ર, સંબંધી અને બાંધવાદિકને પણ ભોજન આપવું. ૧૦૮

શ્રૌત્રિય અતિથિ બ્રાહ્મણને ઊત્તમ લક્ષણવાળો એક બળદ અથવા એક બકરો ભેટમાં આપવો. પાદ્ય, અર્ઘ્ય, આસન, આચમનાદિક વડે તેનું સ્વાગત કરવું. તદુપરાત સમીપમાં બેસી ભોજન કરાવવું અને પ્રિય વાણી બોલવી. ૧૦૯

સ્નાતક, આચાર્ય, રાજા, પ્રિય મિત્ર અને જમાઈને પ્રતિવર્ષ પોતાને ઘેર બોલાવીને અર્ઘ્યદ્વારા સત્કાર કરવો અને ઋત્વિજની પ્રત્યેક યજ્ઞ સમયે મધિપર્કથી પૂજા કરવી.૧૧૦

બ્રહ્મલોકને પામવાની ઈચ્છાવાળા ગૃહસ્થે પથિક (મુસાફર) ને અતિથિ જાણવો. અને શ્રોત્રિય, વેદના પારને પામેલ પંડિત જો પથીક હોય તો તે બન્ને ગૃહસ્થને સન્માનનીય અતિથિ છે. ૧૧૧

શ્રેષ્ઠ વ્યકિતના નિમંત્રણ વિના ગૃહસ્થાશ્રમ પુરૂષે પરાન્નની ઈચ્છા ન રાખવી. અને ભોજન સમયે વાણી, હાથ, પગ, વગેરેની ચપળતાનો ત્યાગ કરવો તથા અતિ ભોજનનો ત્યાગ કરવો. ૧૧૨

શ્રોત્રિય અતિથિને તૃપ્ત કરી સીમ સુધી વળાવવા જવું, અને ભોજન પછીનો શેષ દિવસ શિષ્ટ, ઈષ્ટ, (કાવ્યકથામાં ચતુર) એવા બંધુવર્ગની સાથે વિતાવવો. ૧૧૩

સાયંકાલીન સંધ્યોપાસના કરી, અગ્નિમાં હોમ કરી, અને અગ્નિઓની ઊપાસના કરે. તદનન્તર ભ્રુત્યો (સેવકગણ) ની સાથે ભોજન કરવું, પરંતુ તૃપ્તિથી અધિક ભોજન ન કરવું, અને ત્યારબાર શયન કરવું. ૧૧૪

બ્રાહ્મમૂહૂર્તમાં ઊઠીને પોતાનું હિત થાય તેવો વિચાર કરવો. ધર્મ અર્થ અને કામનો યથાયોગ્ય સમયે ત્યાગ ન કરવો, પરંતુ તેમનું સેવન કરવું. ૧૧૫

વિદ્યા, કર્મ, વય, બંધુ અને ધન થી મનુષ્ય અનુક્રમે માનનીય થાય છે. અને વિદ્યાદિક અધિક હોવાથી શૂદ્ર પણ વૃદ્ધાવસ્થામાં આદરણીય થાય છે. ૧૧૬

વૃદ્ધ, ભારવાહક, રાજા, સ્નાતક (બ્રહ્મચારી) સ્ત્રી, રોગી, વર અને ચક્રી (ગાડીવાળા)ને માર્ગ આપવો. આ સર્વેમાં રાજા અધિક માનનીય છે. અને સ્નાતક રાજાને પણ પૂજય છે. ૧૧૭

યજ્ઞ કરવો, વેદાધ્યયન કરવું અને દાન આપવું, આ કર્મ ક્ષત્રિય અને વૈશ્યે કરવાનાં હોય છે. બ્રાહ્મણ માટે દાન લેવું, યજ્ઞ કરાવવો અને અધ્યાપન કરવું, આ કર્મ ક્ષત્રિય અને વૈશ્ય કરતાં અધિક હોય છે. ૧૧૮

પ્રજાનું પાલન કરવું તે ક્ષત્રિયનો મુખ્ય ધર્મ છે. અને વ્યાજવટું, કૃષિ, વાણિજય તથા પશુપાલન વગેરે કર્મ વૈશ્યનાં છે. ૧૧૯

દ્વિજાતિઓની સેવા કરવી તે શૂદ્રનું પ્રધાન કર્મ છે. તેથી પોતાની આજીવિકા ન ચાલે તો વાણિકવૃત્તિનો આશ્રય લેવો. અથવા દ્વિજાતિઓને અનુરૂપ આચરણ કરી વિવિધ પ્રકારની શિલ્પકળા દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરવો. ૧૨૦

તે શૂદ્ર પોતાની પત્નીમાં જ રત રહે, દ્વિજાતિઓની સમાન પવિત્ર રહે, ભ્રુત્યો (સેવકગણ)નું પાલન કરે, શ્રાદ્ધ કર્મ માટે નમસ્કાર તથા મંત્રોએ સહિત પંચમહાયજ્ઞોનો ત્યાગ ન કરે. ૧૨૧

અહિંસા, સત્ય, અસ્તેય, પવિત્રતા, ઈન્દ્રયનિગ્રહ, દાન, દમ, દયા, અને ક્ષમા સર્વવર્ણના પુરૂષો માટે ધર્મના સાધનરૂપ છે. ૧૨૨

અવસ્થા, બુદ્ધિ, ધન, વાણી, વેષ, શાસ્ત્રનું જ્ઞાન તેમજ કર્મને અનુસારે એવી જીવિકાનો સ્વીકાર કરવો જોઈએ કે જે વિપરીત તેમજ મત્સરયુકત ન હોય. ૧૨૩

ત્રણ કે તેથી વધુ વર્ષો સુધી જીવનનિર્વાહ થાય તેટલા અન્નનો સંગ્રહ જેની પાસે હોય તેવા દ્વિજે સોમપાન કરવું, જેની પાસે એક વર્ષ સુધી ચાલે ચેટલો અન્નનો સંગ્રહ હોય તેણે સોમયાગ પૂર્વેની ક્રિયા કરવી.૨૪ 

મિતાક્ષરા ભાષાન્તર

ત્રણ અથવા તેથી વધારે વર્ષ સુધી જીવન નિર્વાહ થાય તેયલા અન્નનો સંગ્રહ કરી શકે તેટલી ધન સંપત્તિ હોય તેવા ગૃહસ્થે સમયાગ કરવો તેથી અલ્પ જો ધન હોય તો ન કરવો. કારણ કે ‘‘તેથી અલ્પ ધન છતાં સોમયાગ કરેતો તે પુરૂષને સોમયાગનું ફળ મળેનહી’’ એવું સ્મૃતિવચન છે. આ વચનનો અભિપ્રાય કામ્યયજ્ઞ રૂપ કર્મનો નિષેધ કરવા માટે છે. જે નિત્ય હોવાથી અવશ્ય કરવાજ જોએ. એક વર્ષ સુધી અન્ન ચાલે તેટલો સંગ્રહ જેની પાસે હોય તેણે સોમયાગ પૂર્વેની અગ્નિહોત્ર, ‘દર્શપૂર્ણમાસે’ ચાતુર્માસ્ય યજ્ઞ, પશુયજ્ઞ ઈતિયાદિક જે કામ્ય ક્રિયાઓ અને તત્ તત્ વિકૃતિ રૂપ જે ક્રિયાઓ છે તે કરવી.

પ્રતિવર્ષ સોમયાગ કરવો. ઊત્તરાયણ અને દક્ષિણાયનમાં એકવાર યજ્ઞ કરવો, તેમજ નવા અન્નની ઈત્પત્તિ સમયે ‘આગ્રયણેષ્ટિ’ તથા ‘ચાતુર્માસ્ય’ યજ્ઞ પણ કરવા. ૧૨૫

મિતાક્ષરા ભાષાન્તર

પ્રતિવર્ષે એકવાર સોમયાગ તથા ઊત્તરાયણ અને દક્ષિણાયનમાં એક એક યજ્ઞ કરવો, અથવા વર્ષમાં એકવાર પણ કરવો. કારણકે ‘‘વર્ષે એકવાર યજ્ઞ કરવો અથવા છ મહીને’’ એમ બૌધાયનસ્મૃતિનું વચન છે. નવું ધાન્ય જયારે પેદા થાય ત્યારે આગ્રયણેષ્ટિ કરવી તેમજ દર વર્ષે  ‘ચાતુર્માસ્ય’ યજ્ઞ કરવા.

જો સોમયાગાદિક ન થઈ શકે તો દ્વિજાતિએ વૈશ્વાનરી ઈષ્ટિ અવશ્ય કરવી જોઈએ. પરંતુ જો પોતાનું સામર્થ્ય હોય તો આ વિકલ્પનો સ્વીકાર ન કરવો. તથા હીન-કલ્પ (ગૌણ) પક્ષ તો કયારે કરવો ન જોઈએ. ૧૨૬

મિતાક્ષરા ભાષાન્તર

પૂર્વોકત નિત્ય સોમયાગ વગેરે જે ત્રોત યજ્ઞ કહ્યા છે. તે કદાચિત્ કયારેક મુશ્કેલીથી થઈ ન શકે ત્યારે વૈશ્વાનરી ઇષ્ટિ કરવી. વળી શાસ્ત્રમાં જે ગૌણ પક્ષ કહ્યો છે, તે પોતાના દ્રવ્યદિક વડે સામર્થ્ય હોય ત્યારે સ્વીકારવો નહી. અને જે કામ્ય કર્મ છે તે તો કયારેય ગૌણ પક્ષ વડે કરવા નહી.

દ્વિજ જો યજ્ઞ માટે શૂદ્ર પાસે ધનની યાચના કરે, તો તે દ્વિજ બીજા જન્મમાં ચાંડાલ થાય છે. અને યજ્ઞ માટે એકત્ર કરેલ ધન જો તેમાં ન વાપરે તો ભાસ (શકુંત પક્ષી) અથવા કાગડો થાય છે. ૧૨૭

કુસૂલધાન્ય, કુંભીધાન્ય ત્ર્યાહિક અને અશ્વસ્તન એવા ચાર પ્રકારના ગૃહસ્થ હોય છે. ઊપરોકત ચાર પ્રકારના ગૃહસ્થોએ શિલોંછવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવો અને તે ઊત્તરોત્તર શ્રેષ્ઠ છે. ૧૨૮

 

ઈતિ ગૃહસ્થધર્મ પ્રકરણમ્