૩૭ કેશી તથા વ્યોમાસુર દૈત્યને મારતા શ્રીકૃષ્ણ ભગવાન.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:40am

અધ્યાય ૩૭

કેશી તથા વ્યોમાસુર દૈત્યને મારતા શ્રીકૃષ્ણ ભગવાન.

શુકદેવજી કહે છે- પછી કંસે મોકલેલો કેશી દૈત્ય, મોટા ઘોડાનું રૂપ ધરીને ગોકુળમાં આવ્યો. મન સરખા વેગવાળો એ દૈત્ય ખરીઓથી ધરતીને ઉખેડી નાખતો હતો, આકાશને કેશવાળીથી ચારેકોર ફેંકી નાખેલાં વાદળાંથી અને વિમાનોથી સંકીર્ણ કરી મેલતો હતો, અને પોતાના હણહણાટથી સર્વને બિવરાવતો હતો.૧  તેની આંખો મોટી હતી, મુખ ભયંકર ગુફા સરખું જણાતું હતું, ગળું મોટું હતું અને શરીર કાળું તથા મેઘના જેવું હતું, એ દુષ્ટના વિચાર કંસનું ભલું કરવાના હતા. અને તે નંદના વ્રજને કંપાવતો હતો.૨  કઠોર હણહણાટથી વ્રજને ત્રાસ પમાડનાર અને યુદ્ધ માટે ભગવાનને શોધતા એવા દૈત્યને, ભગવાને સામે જઇને પોતાની પાસે બોલાવ્યો, ભગવાનનું વચન સાંભળી તે દૈત્યે સિંહની પેઠે ગર્જના કરી.૩  ભયંકર વેગવાળો, પરાભવ કરવાને અશક્ય અને બીજાનો માર્યો મરે નહીં, એવો એ કેશી દૈત્ય ભગવાનને જોઇ જાણે આકાશને પી જતો હોય તેમ મોઢું ફાડીને ભગવાનની સામે ગયો, અને પાછલા બે પગથી પાટુ મારવા લાગ્યો.૪ ભગવાને તે પ્રહાર પોતાને લાગવા નહીં દેતાં ક્રોધથી તેના પગ પકડી લઇ, આકાશમાં ફેરવીને લીલા માત્રમાં સો ધનુષ દૂર ફેંકી દીધો, અને પછી સર્પને ફેંકીને જેમ ગરુડજી ઊભા રહે તેમ ઊભા રહ્યા.૫  પછી ભાન આવતાં તે કેશી દૈત્ય પાછો ઊઠી ક્રોધથી મોઢું ફાડીને તરત ભગવાન પાસે આવ્યો. ભગવાને પણ હસતાં હસતાં પોતાના ડાબા હાથને તેના મોઢામાં નાખ્યો.૬  જેમ તપાવેલા લોઢાને સ્પર્શ કરવાથી દાંત પડી જાય, તેમ ભગવાનના હાથનો સ્પર્શ કરવાથી તે દૈત્યના દાંત પડી ગયા, અને તેના દેહમાં ગયેલો ભગવાનનો હાથ જેમ ઔષધાદિક ઉપચાર નહીં કરવાથી જળોદર વધે તેમ વધ્યો.૭  પછી વૃદ્ધિ પામેલા ભગવાનના હાથથી શ્વાસ રોકાઇ જતાં તેને પસીનો વળી ગયો, પગ પછાડવા લાગ્યો, આંખો ફાટી ગઇ અને મળ-મૂત્ર છૂટી ગયાં અને પ્રાણ નીકળી જતાં ધરતી ઉપર પડ્યો.૮ પાકેલા કાંકડીના ફળની પેઠે ચિરાઇ ગયેલા, અને પ્રાણ રહિત થયેલા એવા દૈત્યના દેહમાંથી ભગવાને કાંઇ પણ ગર્વ નહીં કરતાં હાથ કાઢી લીધો. વિસ્મય પામેલા દેવતાઓ, જેણે વગર પરિશ્રમે શત્રુને મારી નાખ્યો એવા ભગવાન ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને સ્તુતિ કરી.૯  હે રાજા ! પછી નારદજી એવાં મોટાં કાર્ય કરનારા ભગવાનને મળી, આ પ્રમાણે એકાંતમાં કહેવા લાગ્યા.૧૦

નારદજી કહે છે- હે કૃષ્ણ ! હે અમાપ સ્વરૂપવાળા ! હે યોગેશ્વર ! હે જગતના ઇશ્વર ! હે વાસુદેવ ! હે સર્વના નિવાસરૂપ ! હે પ્રભુ ! હે યાદવોમાં ઉત્તમ ! સર્વ પદાર્થોના ધારક તમે એક જ છો. લાકડાંમાં અગ્નિની પેઠે સર્વમાં ગૂઢરૂપે રહ્યા છો. બુદ્ધિના પણ સાક્ષી છો. અલ્પ મતિવાળા પુરુષો તમને જાણતા નથી. સર્વ જીવના ઇશ્વર તમે જ છો.૧૧-૧૨  હે ઇશ્વર ! હે સત્યસંકલ્પ ! આપ સર્વના આધાર થઇને પોતાની શક્તિરૂપ માયાવડે પ્રથમ મહદાદિક તત્ત્વોને સર્જો છો, અને ત્યાર પછી એ  મહદાદિક તત્ત્વો દ્વારા આ જગતને સ્રજો છો, પાલન કરો છો, અને પ્રલય કરો છો.૧૩  તે આપ અત્યારે રાજાઓના રૂપથી અવતરેલા દૈત્યો, પ્રમથો અને રાક્ષસોનો વિનાશ કરવા માટે અને ધર્મની મર્યાદાનું રક્ષણ કરવા સારુ અવતર્યા છો.૧૪  આ ઘોડાના રૂપવાળો દૈત્ય કે જેના શબ્દથી ત્રાસ પામીને દેવતાઓ સ્વર્ગને છોડી દેતા હતા, તેને આપે લીલા માત્રથી માર્યો એ ઘણું સારુ કર્યું.૧૫  હવે આવતા બે દિવસમાં આપ ચાણૂર, મુષ્ટિક, બીજા મલ્લો, હાથી અને કંસને મારશો તે હું જોઇશ.૧૬ તે પછી હે જગતના પતિ ! તમે પંચજન, કાળયવન, મુરદાનવ અને નરકાસુરને મારશો, પારિજાતકનું હરણ કરી આવશો, ઇંદ્રનો પરાજય કરશો, પરાક્રમરૂપી મૂલ્યાદિક આપીને રાજાઓની કન્યાઓને પરણશો, દ્વારકામાં નૃગ રાજાને તેના પાપથી છોડાવશો.૧૭-૧૮  જાંબવતીની સાથે સ્યમંતકમણિને લાવશો, બ્રાહ્મણના મરી ગયેલા પુત્રોને મહાકાળના પુરમાંથી પાછા જીવતા લાવી આપશો.૧૯  પૌંડ્રક નામના મિથ્યા વાસુદેવને મારશો, કાશીપુરીને બાળશો, દંતવક્રને મારશો, રાજસૂય યજ્ઞમાં શિશુપાળને મારશો અને એવાં બીજાં પણ પૃથ્વીમાં કવિઓને ગાવા યોગ્ય જે જે પરાક્રમ દ્વારકામાં રહીને કરશો તે હું જોઇશ.૨૦-૨૧  પછી કાળરૂપ અને આ પૃથ્વીના ભારને ઉતારવાને ઇચ્છતા આપ અર્જુનના સારથિ થઇ અક્ષોહિણીઓનો નાશ કરાવશો તે પણ હું જોઇશ.૨૨  આપ શુદ્ધ જ્ઞાનરૂપ નિરતિશય આનંદમય એવા સ્વસ્વરૂપના અનુભવથી જ સર્વ પ્રકારે પૂર્ણકામ અને પોતાના સામર્થ્યવડે જેમાં માયાના કાર્યરૂપ સંસારનો પ્રવાહ નિરંતર નિવૃત્તિ પામેલો જ છે એવા જે તમો, તે તમારે શરણે અમો આવેલા છીએ.૨૩ ઇશ્વર, સ્વતંત્ર, પોતાના સંકલ્પથી સર્વ પ્રકારના વિશેષોની કલ્પના કરનાર, હમણાં ક્રીડાને માટે મનુષ્ય દેહનું ગ્રહણ કરનાર, અને યદુ, વૃષ્ણિ તથા ભાગવત ભક્તોના અગ્રણી આપને પ્રણામ કરું છું.૨૪

શુકદેવજી કહે છે- આ પ્રમાણે યાદવોના પતિ ભગવાનને પ્રણામ કરી, આજ્ઞા લઇ તેમના દર્શનથી રાજી થયેલા મહાવૈષ્ણવ નારદજી ત્યાંથી વિદાય થયા.૨૫  વ્રજને સુખ આપનાર ભગવાન શ્રીકૃષ્ણ પણ યુદ્ધમાં કેશી દૈત્યને મારીને, રાજી થયેલા ગોવાળોની સાથે પશુઓનું પાલન કરવા લાગ્યા.૨૬  પછી એક દિવસે પર્વતના શિખરો ઉપર પશુઓને ચારતા ગોવાળો, ઘેટાંઓને અમો ચોરીએ  અને તમે ઘેટાઓનું રક્ષણ કરો. આ રીતે ચોર અને પાલક થઇને છૂપાઇ જવાની રમતો રમતા હતા.૨૭ ગોવાળોમાં કેટલાક ચોર થયા હતા. કેટલાક પાલક થયા હતા, અને કેટલાક ઘેટાં થયા હતા. ગોવાળો આવી રીતે ભય રહિત થઇને રમત રમવા માંડ્યા હતા.૨૮  ત્યાં મોટી માયાવાળો અને ગોવાળનો વેષ ધરી આવેલો મયદાનવનો પુત્ર વ્યોમાસુર ઘણી વખત ચોર થઇને ઘેટારૂપ થયેલા ઘણા ગોવાળોને હરી ગયો અને એક એકને હરી જઇ પર્વતની ગુફામાં નાખીને તે ગુફાના દ્વારને શિલાથી બંધ કરી દેતો હતો. આમ કરતાં ચાર પાંચ ગોવાળો બાકી રહ્યા.૨૯-૩૦  ભગવાન વ્યોમાસુરનું આ કામ જાણીને સિંહ જેમ શિયાળને પકડે તેમ ગોવાળોને લઇ જતા એવા દૈત્યને બળાત્કારથી પકડ્યો.૩૧  પકડવાથી આતુર થયેલા એ બળવાન દૈત્યે મોટા પર્વત જેવડું પોતાનું રૂપ ધરીને પોતાના શરીરને છોડાવવા માંડ્યું પણ છોડાવી શક્યો નહીં.૩૨  ભગવાને તેને બે હાથથી પકડી ધરતી પર પાડીને આકાશમાં દેવતાઓના દેખતાં જ પશુને જેમ મારે તેમ મારી નાખ્યો.૩૩  પછી ગુફાના ઢાંકણને તોડી નાખી ગોવાળોને દુઃખમાંથી કાઢ્યા. પછી દેવતા અને ગોવાળો જેની સ્તુતિ કરવા લાગ્યા, એવા ભગવાન પોતાના ગોકુળમાં પધાર્યા.૩૪

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સાડત્રીશમો અધ્યાય સંપૂર્ણ.