૦૯ નવમોધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:25pm

અધ્યાય - ૯


श्रीपरमात्मने नमः
अथ नवमोऽध्यायः

श्रीभगवानुवाच
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥९- १॥

શ્રી ભગવાન કહે છે =
તું અસૂયા દોષથી રહિત છે માટે અતિ રહસ્યરૂપ એવું આ વિજ્ઞાને સહિત જ્ઞાન તે હું તને કહીશ. કે જે જ્ઞાન સમઝવાથી મોક્ષમાં વિરોધી અશુભ-પાપમાત્રથી તું મુક્ત થઇ જઇશ. ।।૯- ૧।।

राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥९- २॥

આ જ્ઞાન સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. સર્વ રહસ્યોમાં પરમ રહસ્યરૂપ છે. પવિત્ર, ઉત્તમ, પ્રત્યક્ષપણે સમઝાય એવું, સુખેથી સાધી શકાય, નાશ ન પામે એવું અને ધર્મે યુક્ત છે. ।।૯- ૨।।

अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥९- ३॥

હે પરન્તપ ! આ જ્ઞાનરૂપ ધર્મમાં શ્રદ્ધા નહિ રાખનારા પુરૂષો, મને નહિ પામતાં મૃત્યુની પરંપરાથી ભરેલા સંસાર-માર્ગમાં પાછા ફરે છે. ।।૯- ૩।।

मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥९- ४॥

અવ્યક્ત-ઇન્દ્રિયોને અગોચર દિવ્યમૂર્તિ એવા મેં જ આ સઘળું જગત્‌ વિસ્તારેલું છે, અથવા વ્યાપેલું છે. માટેજ સર્વ ભૂતો મારામાં-મારે આધારે રહેલાં છે. પણ હું તેમાં-તેમને આધારે રહેલો નથી. ।।૯- ૪।।

न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥९- ५॥

વળી એ સર્વ ભૂતો મારામાં નથી રહેલાં એવું પણ મારૂં ઇશ્વર ભાવને સૂચવનારૂં યોગ-સામર્થ્ય છે, તેને તું જો-સમઝ અને સર્વ ભૂતની વૃદ્ધિ-પોષણ કરનારો મારો આત્મા-સ્વરૂપ સર્વ ભૂતનું ભરણ-પોષણ કરે છે, તો પણ તે તેમાં રહેલો નથી. ન્યારો જ છે. ।।૯- ૫।।

यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् ।
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥९- ६॥

સર્વત્ર અસ્ખલિત ગતિ કરનારો મહાન્‌ વાયુ જેમ નિરન્તર આકાશમાં જ રહેલો છે. છતાં ન્યારો છે. તે જ પ્રમાણે સર્વ ભૂતો મારામાં રહેલાં છે. એમ સમઝ ! ।।૯- ૬।।

सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥९- ७॥

હૈ કૌન્તેય ! કલ્પને અન્તે સર્વ ભૂત-પ્રાણીમાત્ર મારી માયા પ્રત્યે પ્રવેશી જાય છે. તેજ સર્વ ભૂતોને કલ્પના આરંભમાં પાછો હું જ સર્જું છું. ।।૯- ૭।।

प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः ।
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥९- ८॥

પ્રકૃતિ-માયાના વશપણાથી પરવશ-કર્માધીન વર્તતા આ સમગ્ર ભૂતસમૂહને હું મારી માયા-શક્તિને અવલંબીને વખતો-વખત વારંવાર સર્જું છું. ।।૯- ૮।।

न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय ।
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ॥९- ९॥

પણ હે ધનંજય !તે સૃષ્ટિ આદિક કર્મમાં ઉદાસીનની પેઠે વર્તનારા અને આસક્તિ વિનાના મને, તે સૃષ્ટિ આદિક કર્મ બન્ધન કરી શકતાં નથી. ।।૯- ૯।।

मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ॥९- १०॥

અને હું અધ્યક્ષ-તટસ્થ રહીનેજ પ્રકૃતિદ્વારા આ ચરાચર વિશ્વને સર્જાવું છું. અને હે કૌન્તેય ! આ કારણથીજ આ સઘળું જગત્‌ સંસૃતિમાં વિવિધ ભાવે પરિવર્તન પામ્યા જ કરે છે. ।।૯- ૧૦।।

अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥९- ११॥

સર્વ ભૂત-પ્રાણીમાત્રનો હું સર્વોપરિ નિયન્તા છું. એ મારૂં મોટું ઐશ્વર્ય નહિ જાણનારા મૂઢાત્માઓ મનુષ્ય શરીરને આશરીને પ્રત્યક્ષ વર્તતા મારી અવજ્ઞા કરે છે. ।।૯- ૧૧।।

मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः ।
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥९- १२॥

આવા મનુષ્યો નિષ્ફળ આશાઓ સેવનારા, નિષ્ફળ કર્મ કરનારા, મિથ્યા જ્ઞાન સમઝનારા, ભ્રષ્ટ ચિત્તવાળા અને તેઓ રાક્ષસી અને આસુરી માયાને આશરેલા હોય છે. ।।૯- ૧૨।।

महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥९- १३॥

અને હે પાર્થ ! દૈવી પ્રકૃતિને આશરેલા મહાત્માઓ-મારા જ્ઞાની ભક્તો તો, મને સર્વ ભૂતનો આદિ-કારણ અને અવિનાશી સ્વરૂપ જાણી-સમઝીને અનન્ય મનવાળા થઇને મને જ ભજે છે. ।।૯- ૧૩।।

सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥९- १४॥

મારૂં જ સતત-અખંડકીર્તન કરતા, અને દૃઢસંકલ્પ થઇને મને પ્રસન્ન કરવાજ દરેક પ્રયત્ન કરતા, નિરન્તર મનેજ નમસ્કાર કરતા અને મારામાં અખંડ યુક્ત થઇને પ્રેમપૂર્વક મારીજ ઉપાસના કરે છે. ।।૯- ૧૪।।

ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥९- १५॥

બીજા જ્ઞાનયોગી ભક્તો, મારી કથા-કીર્તનાદિક કરવારૂપ જ્ઞાનયજ્ઞથી મારૂં પૂજન કરતા થકા મારી ઉપાસના કરે છે. વળી બીજાઓ પણ અનેકરૂપે રહેલા મારી ઉપાસના એકત્વથી તેમજ પૃથગ્ભાવથી પોતપોતાની રૂચિ પ્રમાણે બહુ પ્રકારે કરે છે. ।।૯- ૧૫।।

अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥९- १६॥
पिताहमस्य जगतो माता धाता पितामहः ।
वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च ॥९- १७॥

ક્રતુ-શ્રૌત યજ્ઞ હું છું. યજ્ઞ-સ્માર્ત યજ્ઞ હું છું. સ્વધા- આહુતિ આપવાનો મંત્ર હું છું. ઔષધિ હું છું મંત્ર હું છું. ઘી પણ હું જ છું. હોમવાનું દ્વાર અગ્નિ હું છું. અને હોમેલું દ્રવ્ય પણ હું જ છું. આ સઘળા જગત નો પિતા-જનક, માતા-જનની, ધાતા-પોષક, પિતામહ-દાદો, જાણવા જેવું તત્ત્વ, પવિત્ર વસ્તુ, ૐકાર, ઋગવેદ, સામવેદ અને અથર્વવેદ પણ, આ સઘળારૂપે હુંજ છું. ।।૯- ૧૬-૧૭।।

गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥९- १८॥

પામવા યોગ્ય પરમ પ્રાપ્તિસ્થાન, ભરણ પોષણ કરનારો, સર્વનો સ્વામી, સર્વના કર્મનો સાક્ષી, સર્વનો નિવાસ-આધાર, શરણ-રક્ષણ કરનાર, સુહૃત્‌-અપ્રેરિત હિત કરનાર, પ્રભવ-ઉત્પત્તિનું કારણ, પ્રલય-લયનું કારણ, સર્વની સ્થિતિ રાખનાર, નિધાન, અને અવિનાશી બીજ-કારણ હું જ છું ।।૯- ૧૮।।

तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च ।
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥९- १९॥

સૂર્યરૂપે હું જ તપું છું. વરસાદને રોકી પણ હું જ રાખું છું. અને વખત આવ્યે હું જ વરસાવું છું. અમૃત-મુક્તિ અથવા જીવન, અને મૃત્યુ તે પણ હું જ છું. અને હે અર્જુન ! સત્‌-કાર્યરૂપ આ જગત્‌, અને અસત્‌ કાર્યથી ભિન્ન કારણરૂપ તત્ત્વ તે પણ હું જ છું ।।૯- ૧૯।।

त्रैविद्या मां सोमपाः पूतपापा
यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक-
मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥९- २०॥
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना
गतागतं कामकामा लभन्ते ॥९- २१॥

વેદત્રયીમાં કહેલાં કર્મ કરનારા, સોમ-રસનું પાન કરનારા અને તેથી જ પાપ રહિત થયેલા પુરૂષો વેદ વિહિત યજ્ઞોથી મારૂં પૂજન કરીને સ્વર્ગ લોકની પ્રાપ્તિની માગણી કરે છે. તેઓ પુણ્યપ્રાપ્ય સુરેન્દ્રલોકને પામીને સ્વર્ગમાં રહેલા દેવભોગોને ભોગવે છે. તે લોકો તે વિશાળ-વૈભવશાળી સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય થઇ રહે છે ત્યારે પાછા મર્ત્ય લોકમાં આવે છે. આ પ્રમાણે વેદત્રયીમાં કહેલા ધર્મને અનુસરનારા વિષયોપભોગની અભિલાષા રાખનારા મનુષ્યો આવાગમને પામ્યા કરે છે. ।।૯- ૨૦-૨૧।।

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥९- २२॥

અને જે જનો અનન્ય ભાવથી ભાવિત થઇને મારૂંજ ચિન્તવન કરતાં મારી ઉપાસના કરે છે. એવા તે મારામાં અખંડ જોડાયેલા પુરૂષનું યોગ અને ક્ષેમ તેને હુંજ ઉપાડી લઉં છું. ।।૯- ૨૨।।

येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥९- २३॥

અને જેઓ પણ બીજા દેવતાઓમાં ભક્તિ રાખે છે. અને શ્રદ્ધાયુક્ત થઇને પૂજન કરે છે, તે પણ હે કૌન્તેય ! જો કે-પૂજા તો મારીજ કરે છે. પણ અવિધિપૂર્વક-મને સર્વાત્મા નહિ જાણીને પરોક્ષ રીતે પૂજે છે. ।।૯- ૨૩।।

अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥९- २४॥

કારણ કે સર્વ યજ્ઞોનો ભોક્તા અને પ્રભુ-ફળપ્રદાતા તો હું જ છું. પણ એ રીતે મને તેઓ ખરી રીતે યથાર્થ જાણતા નથી. તેથી તેઓ અવિનાશી મહાફળથી પડી જાય છે. અર્થાત્‌-અતિ અલ્પ ફળને મેળવે છે. ।।૯- ૨૪।।

यान्ति देवव्रता देवान्पितॄन्यान्ति पितृव्रताः ।
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥९- २५॥

દેવોમાં શ્રદ્ધા રાખીને વ્રતકરનારા દેવોને પામે છે. પિતૃઓમાં શ્રદ્ધા રાખીને વ્રત કરનારા પિતૃઓને પામેછે. ભૂત ભૈરવાદિકને પૂજનારા ભૂત ભૈરવાદિકને પામે છે. અને એતો ખુલ્લુંજ છે કે મારૂં યજન-પૂજન કરનારા તો મને જ પામે છે. ।।૯- ૨૫।।

पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥९- २६॥

(હું કેટલો સરલ અને સુલભ છું તે તો જો !) પત્ર, પુષ્પ, ફળ કે જળ, જે મને પ્રેમથી અર્પણ કરે છે. તે હું પવિત્ર-એકાગ્ર મનવાળા મારા ભક્તનું ભક્તિથી આપેલુ ગ્રહણ કરૂં છું. ।।૯- ૨૬।।

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥९- २७॥

માટે તું પણ જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, અને જે તપ કરે છે. તે સઘળું હે કૌન્તેય ? મને અર્પણ બુદ્ધિથી જ કર ! ।।૯- ૨૭।।

शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः ।
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥९- २८॥

અને આમ મને અર્પણ કરવાથી સારાં-નરસાં ફળ આપનારાં શુભ-અશુભ સર્વ કર્મબંધનોથી તું મુકાઇ જઇશ. અને આ ફળત્યાગરૂપ સંન્યાસયોગથી યુક્ત મનવાળો તું સર્વ કર્મથી મુક્ત થઇને મનેજ પામીશ. ।।૯- ૨૮।।

समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥९- २९॥

સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવથી હું રહેલો છું, માટે મારે આ દ્વેષ કરવા યોગ્ય, કે આ પ્રેમ કરવા યોગ્ય એવો વિભાગ નથી. પણ જે કોઇ મને પરમ પ્રેમથી ભજે છે. તો તેઓ મારામાં છે. અને તેઓમાં હું પણ છું. (અર્થાત્‌- ભજે તેના ભગવાન છે.) ।।૯- ૨૯।।

अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥९- ३०॥

અને વળી મર કોઇ ગમે તેવો અતિ દુરાચારી હોય, તો પણ મને અનન્ય ભાવથી જો ભજે છે, તો તે ખરો સાધુજ છે એમ માનવો, કારણ કે હવે તે ઘણા સારા નિશ્ચય ઉપર આવી ગયેલો છે માટે. ।।૯- ૩૦।।

क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रति जानीहि न मे भक्तः प्रणश्यति ॥९- ३१॥

આવો માણસ ટુંકી મુદતમાંજ ધર્માત્મા થઇ જાય છે. અને અખંડ શાન્તિને પણ પામે છે. હે કૌન્તેય ! તું પ્રતિજ્ઞા કરીને કહે જે કે મારો ભક્ત કયારેય મોક્ષમાર્ગથી પડશે નહિ. ।।૯- ૩૧।।

मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥९- ३२॥

હે પાર્થ ! મારો મહિમા તો જો ! મારો આશ્રય કરીને તો, જે કોઇ પાપ યોનિમાં જન્મેલા હોય, તેમજ સ્ત્રીઓ, વૈશ્યો, તથા શૂદ્રો, તે સઘળાય પણ પરમ સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મારા ધામને પામે છે. ।।૯- ૩૨।।

किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥९- ३३॥

તો પછી પુણ્યવાન બ્રાહ્મણો તથા રાજર્ષિ-ક્ષત્રિયો, તે મારા ભક્તો હોય તો તે પરમગતિ પામેજ. એમાં વળી કહેવાનું જ શું હોય ? માટે તું આ અનિત્ય અને વાસ્તવિક સુખ વિનાના માનવ લોકને જન્મને પામીને મારૂંજ ભજન કરી લે ! ।।૯- ૩૩।।

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥९- ३४॥

તું મારામાં જ મન રાખનારો થા ! મારામાં જ સ્નેહ રાખ ! મારૂં જ પૂજન કર ! અને મને જ નમસ્કાર કર ! આ પ્રમાણે તું મત્પરાયણ થઇને મારામાં જ મન જોડીશ, તો નક્કી તું મને જ પામીશ. ।।૯- ૩૪।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः ॥९॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે રાજવિદ્યા-રાજગુહ્યયોગો નામ નવમોઽધ્યાયઃ ।।૯।।