૧૧ એકાદશોધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:33pm

અધ્યાય - ૧૧


श्रीपरमात्मने नमः
अथैकादशोऽध्यायः

अर्जुन उवाच
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥११- १॥

અર્જુન કહે છે =
મારા ઉપર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ રહસ્યરૂપ અધ્યાત્મ-જ્ઞાન સંબંધી વચન કહ્યું, તેનાથી મારો આ મોહ ટળી ગયો. ।।૧૧- ૧।।

भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥११- २॥

કેમ કે - હે કમળનયન પ્રભો ! મેં આપના થકી ભૂત-પ્રાણીમાત્રની ઉત્ત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે, તથા આપનો અખંડ અવિનાશી મહિમા પણ સાંભળ્યો છે. ।।૧૧- ૨।।

एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥११- ३॥

હે પરમેશ્વર ! આપ પોતાને જેવા કહો છો, એ બરોબર એમ જ છે. પરંતુ હે પુરૂષોત્તમ ! આપનું એ સકળ ઐશ્વર્ય સંપન્ન ઐશ્વર્યરૂપ હું સાક્ષાત્‌ નેત્રોથી જોવા ઇચ્છુ છું. ।।૧૧- ૩।।

मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥११- ४॥

હે પ્રભો ! જો મારાથી તે આપનું રૂપ દેખવાને શક્ય છે, એમ આપ માનતા હો, તો હે યોગેશ્વર ! મને આપ આપના એ અવિનાશી સ્વરૂપનાં દર્શન કરાવો. ।।૧૧- ૪।।

श्रीभगवानुवाच
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥११- ५॥

શ્રી ભગવાન કહે છે =
હે પાર્થ ! મારાં સોએ સો અને હજારો હજાર નાના પ્રકારનાં અનેક વર્ણનવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિકરૂપોને તું જો ! ।।૧૧- ૫।।

पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥११- ६॥

હે ભરતકુળોત્પન્ન- અર્જુન ! મારામાં રહેલા બાર આદિત્યો, આઠ વસુઓ, અગીયાર રૂદ્રો, બે અશ્વિનીકુમારો, તથા ઓગણપચાસ મરૂતોને જો ! તેમ જ પૂર્વે કદી નહિ જોએલાં એવાં ઘણાંક આશ્ચર્યકારી રૂપોને પણ જો ! ।।૧૧- ૬।।

इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥११- ७॥

હે ગુડાકેશ ! હમણાં આ મારાં શરીરમાં એકભાગમાં રહેલું સચરાચર સઘળું વિશ્વ જો ! તેમજ-તું જે કાંઇ બીજું જોવા ઇચ્છતો હોય તે પણ જો ! ।।૧૧- ૭।।

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११- ८॥

પણ મને તું આ તારા પ્રાકૃત-માયિક ચક્ષુથી તો જોવા સમર્થ નહિ જ થાય. માટે હું તને દિવ્ય ચક્ષુ આપુછું. એનાંથી તું મારૂં ઇશ્વરભાવને જણાવનારૂં યોગ સામર્થ્ય જો ! ।।૧૧- ૮।।

संजय उवाच
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥११- ९॥

સંજય કહે છે =
હે રાજન્‌ ! મહાયોગેશ્વર અને સ્મરણ માત્રથી પાપને હણનારા ભગવાન શ્રીહરિએ આપ્રમાણે કહીને તુરતજ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૧૧- ૯।।

अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥११- १०॥
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥११- ११॥

અનેક મુખ અને અનેક નેત્રોએ યુક્ત, અનેક અદ્ભુત- આશ્ચર્યકારી દેખાવવાળું, અનેક દિવ્ય આભૂષણોએ યુક્ત, અને અનેક ઉગામેલાં દિવ્ય આયુધો ધારી રહેલું. દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રો ધારણ કરી રહેલું, દિવ્ય ગંધનું બધે શરીરે જેને લેપન કરેલું છે. સર્વ આશ્ચર્યોથી પૂર્ણ, ચોતરફ સીમાએ રહિત, સર્વ બાજુએ મુખવાળું એવું વિરાટરૂપ ભગવાને અર્જુનને બતાવ્યું. ।।૧૧- ૧૦-૧૧।।

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥११- १२॥
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥११- १३॥

આકાશમાં હજારો સૂર્ય એક સાથે ઉદય પામ્યા હોય અને તેનો જેવો પ્રકાશ થાય, તે પ્રકાશ પણ મહાત્મા-વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશને તુલ્ય કદાચિત્‌ થાય કે ન પણ થાય. પાંડુપુત્ર અર્જુનને તે સમયમાં અનેક પ્રકારે ભિન્નભિન્ન રહેલું સઘળું જગત્‌ દેવોના પણ દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં એકભાગમાં રહેલું દીઠું. ।।૧૧- ૧૨-૧૩।।

ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनंजयः ।
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥११- १४॥

અને તે પછી આવાં ઐશ્વર્યથી ચકીત અને રોમાંચ શરીરવાળો અર્જુન પ્રકાશમય વિશ્વરૂપ શ્રીકૃષ્ણ પરમાત્માને શ્રધ્ધા-ભક્તિ પૂર્વક મસ્તકથી નમસ્કાર કરી હાથ જોડીને કહેવા લાગ્યો. ।।૧૧- ૧૪।।

अर्जुन उवाच
पश्यामि देवांस्तव देव देहे
सर्वांस्तथा भूतविशेषसंघान् ।
ब्रह्माणमीशं कमलासनस्थ-
मृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥११- १५॥

અર્જુન કહે છે =
હે પ્રકાશ મૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને, તથા અનેક ભૂતોના સમુદાયોને, તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને, તથા શંકરને, તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું દેખું છું. ।।૧૧- ૧૫।।

अनेकबाहूदरवक्त्रनेत्रं
पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं
पश्यामि विश्वेश्वर विश्वरूप ॥११- १६॥

હે વિશ્વના સ્વામી સમર્થદેવ ! હું આપને અનેક ભુજા, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા સર્વબાજુએ અનંતરૂપે દેખાતા જોઉં છું. હે વિશ્વરૂપ ! હું આપનો નથી અંત છેડો દેખતો, કે નથી મધ્ય દેખતો, તેમજ આપનો આદિ ભાગ પણ હું નથી દેખતો. ।।૧૧- ૧૬।।

किरीटिनं गदिनं चक्रिणं च
तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ता-
द्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥११- १७॥

હું આપને મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા તથા સર્વથા તેજના સમૂહરૂપ અને સર્વ બાજુએથી મહા કાન્તિમાન, તથા બળતો અગ્નિ અને સૂર્યને સમાન પ્રકાશમય અને સર્વ બાજુએથી અમાપ સ્વરૂપ અને સામું પણ ન જોઇ શકાય એવા દુર્નિરીક્ષ્યરૂપ આપને દેખું છું. ।।૧૧- ૧૭।।

त्वमक्षरं परमं वेदितव्यं
त्वमस्य विश्वस्य परं निधानम् ।
त्वमव्ययः शाश्वतधर्मगोप्ता
सनातनस्त्वं पुरुषो मतो मे ॥११- १८॥

આપજ જાણવા યોગ્ય- જ્ઞેયસ્વરૂપ પરમ અક્ષર છો. આપજ આ સકળ વિશ્વના પરમ નિધાન-આશ્રય છો. શાશ્વત-સનાતન ધર્મના રક્ષક આપ જ છો. તથા અવ્યય સ્વરૂપ સનાતન પુરૂષ-પરમાત્મા આપ જ છો. એમ મારો મત-અભિપ્રાય છે. ।।૧૧- ૧૮।।

अनादिमध्यान्तमनन्तवीर्य-
मनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।
पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं
स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥११- १९॥

આપને આદિ, મધ્ય અને અન્તે વર્જીત, અનન્ત વીર્ય-પરાક્રમવાળા, અનન્ત ભુજાઓવાળા, ચન્દ્ર-સૂર્યરૂપ નેત્રોવાળા, પ્રજવલિત જવાળાઓવાળો અગ્નિ જેના મુખમાં રહેલો છે. અને પોતાના તેજથી આ સઘળા વિશ્વને તપાવતા એવા હું જોઉં છું. ।।૧૧- ૧૯।।

द्यावापृथिव्योरिदमन्तरं हि
व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं
लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥११- २०॥

હે મહાત્મન્‌ ! સ્વર્ગ લોક અને આ પૃથ્વી લોક એ બેનો વચલો લઘળો આકાશનો ભાગ તથા સર્વ દિશાઓ તમો એકલાથી જ વ્યાપ્ત-પૂર્ણ છે. અને આ આપનું આશ્ચર્યકારી અને ઉગ્ર-ભયંકર રૂપ જોઇને સઘળી ત્રિલોકી અતિશય વ્યથા પામી ગઇ છે. ।।૧૧- ૨૦।।

अमी हि त्वां सुरसंघा विशन्ति
केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः
स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥११- २१॥

આ સઘળા દેવતાઓના સમૂહો આપના પ્રત્યે જ પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક ભયભીત થઇને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. તેમજ મહર્ષિઓ અને સિદ્ધોના સમૂહો ‘‘કલ્યાણ હો’’ એમ કહીને ઘણાં ઉત્તમ સ્તુતિવચનરૂપ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. ।।૧૧- ૨૧।।

रुद्रादित्या वसवो ये च साध्या
विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिद्धसंघा
वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥११- २२॥

અગીયાર રૂદ્રો, બાર આદિત્યો, આઠ વસુઓ, સાધ્ય દેવો, વિશ્વ દેવો, અશ્વિની કુમારો, મરૂત્‌-વાયુગણો તથા પિતૃગણો, તેમજ ગન્ધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોના સમૂહો, આ સર્વે વિસ્મિત-ચકિત થઇને ભયપૂર્વક આપને જોઇ રહ્યા છે. ।।૧૧- ૨૨।।

रूपं महत्ते बहुवक्त्रनेत्रं
महाबाहो बहुबाहूरुपादम् ।
बहूदरं बहुदंष्ट्राकरालं
दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥११- २३॥

હે મહાબાહો ! આપનું બહુ મુખ અને બહુ નેત્રોવાળું,ઘણાક બાહુઓ, સાથળો અને પગોવાળું, બહુ ઉદરવાળું, બહુ દાઢોથી ભયંકર લાગતું, એવું આ મોટું રૂપ- આકૃતિ જોઇને સઘળા લોકો વ્યાકુળ થઇ ગયા છે. અને હું પણ વ્યાકુળ થઇ ગયો છું. ।।૧૧- ૨૩।।

नभःस्पृशं दीप्तमनेकवर्णं
व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा
धृतिं न विन्दामि शमं च विष्णो ॥११- २४॥

કારણ કે-હે વિષ્ણો ! આકાશને અડી રહેલા, દેદીપ્યમાન-પ્રકાશમય, અનેક વર્ણ-રંગવાળા, ફાટું મુખ અને પ્રજ્વલિત વિશાળ નેત્રોવાળા એવા આપને જોઇને અતિ વ્યથા પામેલો ભયભીત અન્તઃકરણવાળો હું ધીરજ નથી પામતો, તેમ મને શાન્તિ પણ નથી થતી. ।।૧૧- ૨૪।।

दंष्ट्राकरालानि च ते मुखानि
दृष्ट्वैव कालानलसन्निभानि ।
दिशो न जाने न लभे च शर्म
प्रसीद देवेश जगन्निवास ॥११- २५॥

આપનાં દાઢોને લીધે ભયંકર લાગતાં અને પ્રલય કાળના અગ્નિ સમાન પ્રજવલિત મુખો જોઇને હું દિશાઓ પણ જાણતો નથી, તેમ મને સુખ પણ થતું નથી. માટે હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૧૧- ૨૫।।

अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः
सर्वे सहैवावनिपालसंघैः ।
भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ
सहास्मदीयैरपि योधमुख्यैः ॥११- २६॥
वक्त्राणि ते त्वरमाणा विशन्ति
दंष्ट्राकरालानि भयानकानि ।
केचिद्विलग्ना दशनान्तरेषु
संदृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥११- २७॥

આ સઘળા ધૃતરાષ્ટ્રના છોકરાઓ સર્વ અવનિપાળોએ સહિત આપનામાં પ્રવેશ કરી રહ્યા છે, આ ભીષ્મ-પિતામહ, દ્રોણાચાર્ય, અને આ સૂતપુત્ર-કર્ણ, તથા અમારા પક્ષના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓએ સહિત બહુ કોઇ અતિ ત્વરાપૂર્વક વિકરાળ દાઢોને લીધે અતિ ભયાનક આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક તો ભાંગી ગયેલાં મસ્તકોએ સહિત આપના દાંતોના અન્તરાળ ભાગમાં વળગી રહેલા દેખાય છે. ।।૧૧- ૨૬-૨૭।।

यथा नदीनां बहवोऽम्बुवेगाः
समुद्रमेवाभिमुखा द्रवन्ति ।
तथा तवामी नरलोकवीरा
विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥११- २८॥

જેમ નદીઓના ઘણાક જળના પ્રવાહો સ્વાભાવિકપણે સમુદ્ર તરફજ વેગપૂર્વક દોડે છે. એટલે કે સમુદ્રમાંજ જેમ પ્રવેશ કરે છે. તેમ જ આ સઘળા નર લોકના વીરો પણ આપનાં અતિ પ્રજવલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. ।।૧૧- ૨૮।।

यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा
विशन्ति नाशाय समृद्धवेगाः ।
तथैव नाशाय विशन्ति लोका-
 स्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥११- २९॥

જેમ બળતા અગ્નિ પ્રત્યે પતંગીઆઓ આંધળા થઇને પોતાના નાશ માટે અતિ વેગથી દોડતા થકા પ્રવેશ કરે છે. તે જ પ્રમાણે આ સઘળા લોક પણ પોતાના નાશને માટેજ આપના મુખોમાં અતિ વેગપૂર્વક દોડતા પ્રવેશ કરી રહ્યા છે. ।।૧૧- ૨૯।।

लेलिह्यसे ग्रसमानः समन्ता-
ल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।
तेजोभिरापूर्य जगत्समग्रं
भासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥११- ३०॥

આપ આ સઘળા લોકોને પ્રજ્વલિત મુખોથી ગળી લેતા થકા ચોતરફથી ચાટી રહ્યા છો. હે વિષ્ણો ! આપની ઉગ્રકાન્તિઓ સમગ્ર જગત્ને પોતાના તેજથી ભરી કાઢીને અતિ તપાયમાન જણાય છે - તપી રહે છે. ।।૧૧- ૩૦।।

आख्याहि मे को भवानुग्ररूपो
नमोऽस्तु ते देववर प्रसीद ।
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं
न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥११- ३१॥

મને કહો ! કે આવા ઉગ્ર-ભયાનક રૂપવાળા આપ કોણ છો ? હે દેવવર ! આપને નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ ! આદિપુરુષ આપને હું વિશેષપણે જાણવા ઇચ્છું છું. કેમ કે-આપની આ પ્રવૃતિ મારા સમઝાવામાં નથી આવતી. ।।૧૧- ૩૧।।

श्रीभगवानुवाच
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो
लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे
येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥११- ३२॥

શ્રી ભગવાન કહે છે-
હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું. અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે સામા પક્ષની સેનાઓમાં રહેલા યોદ્ધાઓ છે. તે સઘળાય પણ એક તારા સિવાય નહી રહે. અર્થાત્‌ તું યુદ્ધ નહિ કરે તોય તે સર્વે જીવવાના નથી. મરવાના જ છે.।।૧૧- ૩૨।।

तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व
जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।
मयैवैते निहताः पूर्वमेव
निमित्तमात्रं भव सव्यसाचिन् ॥११- ३३॥

માટે તું ઉઠ ! યશ પ્રાપ્તિ કરી લે ! અને શત્રુઓને જીતીને ધન ધાન્યાદિક સમૃદ્ધિથી સમૃદ્ધ રાજ્ય ભોગવ ! આ સર્વ શૂરવીર યોદ્ધાઓને મેં પ્રથમથીજ મારી દૃષ્ટિમાત્રથી મારી મૂકેલા છે. અને હે સવ્યસાચિન્‌ ! તું તો આ યુદ્ધમાં જય પામવામાં નિમિત્તમાત્રજ થા ! ।।૧૧- ૩૩।।

द्रोणं च भीष्मं च जयद्रथं च
कर्णं तथान्यानपि योधवीरान् ।
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा
युध्यस्व जेतासि रणे सपत्नान् ॥११- ३४॥

દ્રોણાચાર્ય અને ભિષ્મપિતામહ, તથા જયદ્રથ અને કર્ણ, તથા બીજા પણ ઘણાક મારા દ્વારા હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું માર ! તું વ્યથા ન પામીશ, નિઃસંદેહ તું યુદ્ધ કર ! રથ સંગ્રામમાં શત્રુઓને તું જ જીતનારો છે. ।।૧૧- ૩૪।।

संजय उवाच
एतच्छ्रुत्वा वचनं केशवस्य
कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं
सगद्गदं भीतभीतः प्रणम्य ॥११- ३५॥

સંજય કહે છે-
કેશવ ભગવાનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઇ જઇને પ્રણામ કરીને ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યે ગદગદ વાણીથી કહેવા લાગ્યો ।।૧૧- ૩૫।।

अर्जुन उवाच
स्थाने हृषीकेश तव प्रकीर्त्या
जगत्प्रहृष्यत्यनुरज्यते च ।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति
सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥११- ३६॥

અર્જુન કહે છે =
હે અન્તર્યામિન્‌ ! આપનાં નામ અને ગુણ તથા પ્રભાવનું કીર્તન કરવાથી સઘણું જગત્‌ અતિ હર્ષિત થઇ રહ્યું છે. અને આપનામાં અતિ સ્નેહાતુર બની જાય છે. તેમજ ભયભીત થયેલા રાક્ષસગણો ચોતરફ દિશાઓમાં દોડી જાય છે. અને સર્વ સિદ્ધગણો નમસ્કાર કરી રહ્યા છે. ।।૧૧- ૩૬।।

कस्माच्च ते न नमेरन्महात्मन्
गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास
त्वमक्षरं सदसत्तत्परं यत् ॥११- ३७॥

હે મહાત્મન્‌ સર્વથી મહાન્‌ અને બ્રહ્માના પણ આદિકર્તા એવા આપને કેમ તેઓ નમસ્કાર ન કરે ? કેમકે હે અનન્ત ! હે દેવેશ ! હે જગન્નિવાસ ! સત્‌-કાર્ય અને અસત્‌-કારણ એ બન્નેરૂપ આ સઘળું વિશ્વ અને તે સર્વથી પણ પર એવું જે અક્ષર તે પણ આપ જ છો. ।।૧૧- ૩૭।।

त्वमादिदेवः पुरुषः पुराण-
स्त्वमस्य विश्वस्य परं निधानम् ।
वेत्तासि वेद्यं च परं च धाम
त्वया ततं विश्वमनन्तरूप ॥११- ३८॥

આપ આદિદેવ અને પુરાણ-સનાતન પુરૂષ-પરમાત્મા છો. આપ જ આ વિશ્વના પરમ આધાર છો. જાણનારા છો. અને જાણવા યોગ્ય પરમધામ પણ આપ જ છો. હે અન્નતરૂપ ! આપે જ આ સઘળું વિશ્વ વ્યાપેલું છે. અર્થાત્‌ આપજ સર્વત્ર પરિપૂર્ણ છો. ।।૧૧- ૩૮।।

वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः
प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः
पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥११- ३९॥

આપજ વાયુ, યમ, અગ્નિ, વરૂણ, ચન્દ્રમા, પ્રજાઓના સ્વામી બ્રહ્મા અને તેના પણ પિતા વૈરાજ છો. આપને હજારો વાર નમસ્કાર છે. નમસ્કાર છે. વળી આપને ફરીથી પણ વારંવાર નમસ્કાર કરૂં છું, નમસ્કાર કરૂં છું ।।૧૧- ૩૯।।

नमः पुरस्तादथ पृष्ठतस्ते
नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं
सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥११- ४०॥

હે અનન્ત-અપાર સામર્થ્યવાળા પ્રભો ! આપને આગળથી પણ નમસ્કાર છે. અને પાછળથી પણ નમસ્કાર છે. હે સર્વાત્મન્‌ ! આપને સર્વ બાજુઓથી નમસ્કાર છે. કારણ કે આપ તો અનન્ત-અમાપ પરાક્રમવાળા છો. અને સર્વમાં વ્યાપીને રહેલા છો. માટે આપ જ સર્વરૂપ છો. ।।૧૧- ૪૦।।

सखेति मत्वा प्रसभं यदुक्तं
हे कृष्ण हे यादव हे सखेति ।
अजानता महिमानं तवेदं
मया प्रमादात्प्रणयेन वापि ॥११- ४१॥
यच्चावहासार्थमसत्कृतोऽसि
विहारशय्यासनभोजनेषु ।
एकोऽथवाप्यच्युत तत्समक्षं
तत्क्षामये त्वामहमप्रमेयम् ॥११- ४२॥

આવો તમારો મહિમા નહિ જાણતાં મેં આપ મારા સખા છો એમ માનીને પ્રેમથી અથવા તો કયારેક પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખે ! એવા શબ્દો કહ્યા હોય, તેમજ હે અચ્યુત ! આપને મેં હાસ્ય-વિનોદ પ્રસંગે વિહાર, શય્યા, આસન અને ભોજન વિગેરેના પ્રસંગે, આપ એકલા હો ત્યારે અથવા આપના સખા વિગેરેના સમક્ષમાં પણ અપમાનિત કર્યા હોય, તે સઘળા અપરાધની અપાર મહિમાવાળા અપ્રમેયસ્વરૂપ આપની પાસે હું ક્ષમા માગું છું।। ૧૧- ૪૧-૪૨।।

पितासि लोकस्य चराचरस्य
त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो
लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥११- ४३॥
तस्मात्प्रणम्य प्रणिधाय कायं
प्रसादये त्वामहमीशमीड्यम् ।
पितेव पुत्रस्य सखेव सख्युः
 प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥११- ४४॥

આપ આ સ્થાવર-જંગમાત્મક સકળ લોકના પિતા અને આસર્વ વિશ્વના પૂજ્ય ગુરૂ અને સર્વ તુલ્ય બીજો કોઇ નથી, તો પછી આપનાથી અધિક તો હોઇ જ કેમ શકે ? ।। તેથી હે પ્રભો ! આપના ચરણોમાં આ શરીરને અર્પણ કરીને પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય સકળ વિશ્વના સ્વામી આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરૂં છું - હે દેવ ! પિતા જેમ પુત્રનો, સખા જેમ સખાનો અને પ્રિય-પતિ જેમ પ્રિયા-પત્નીનો અપરાધ સહન કરે છે. એજ પ્રમાણે આપ મારો અપરાધ સહન કરવા યોગ્ય છો. ।।૧૧- ૪૩-૪૪।।

अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा
भयेन च प्रव्यथितं मनो मे ।
तदेव मे दर्शय देव रूपं
प्रसीद देवेश जगन्निवास ॥११- ४५॥

મેં પહેલાં નહિ દેખેલું આપનું આવું આશ્ચર્યમય રૂપ જોઇને હર્ષિત થયો છું. તેમજ વળી મારૂં મન ભયથી પણ વ્યાકુળ બની ગયું છે, માટે હે દેવ ! મને જે પ્રથમ હતું તે જ રૂપ બતાવો ! અને હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૧૧- ૪૫।।

किरीटिनं गदिनं चक्रहस्त-
मिच्छामि त्वां द्रष्टुमहं तथैव ।
तेनैव रूपेण चतुर्भुजेन
सहस्रबाहो भव विश्वमूर्ते ॥११- ४६॥

હું આપને મુકુટધારી, ગદાધારી અને ચક્ર હસ્તમાં જેમને છે, એવા દેખવા ઇચ્છું છું, માટે હે વિશ્વસ્વરૂપ ! હે સહસ્રબાહો ! આપ તે પ્રમાણેજ-તે ચર્તુભુજરૂપે જ થાઓ ! દર્શન આપો ! ।।૧૧- ૪૬।।

श्रीभगवानुवाच
मया प्रसन्नेन तवार्जुनेदं
रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥११- ४७॥

શ્રીભગવાન કહે =
છે હે અર્જુન અનુગ્રહપૂર્વક પ્રસન્ન થયેલા મેં મારી યોગ શક્તિના પ્રભાવથી આ મારૂં પરમ તેજોમય સર્વનું આદિભૂત અને સીમાએ રહિત વિરાટરૂપ તને બતાવ્યું છે. કે જે તારા સિવાય બીજા કોઇએ આથી પૂર્વે દેખ્યું નહોતું. ।।૧૧- ૪૭।।

न वेदयज्ञाध्ययनैर्न दानै-
र्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।
एवंरूपः शक्य अहं नृलोके
द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥११- ४८॥

કુરૂકુળમાં શ્રેષ્ઠ હે અર્જુન ! મનુષ્ય લોકમાં આવા પ્રકારે વિશ્વરૂપે હું નહિ તો વેદોથી, કે નહિ યજ્ઞોથી, કે નહિ અધ્યયનો કરવાથી, તેમજ નહિ દાનોથી, કે નહિ ક્રિયાઓથી, અગર તો નહિ ઉગ્ર તપોથી પણ, તારા સિવાય બીજા કોઇએ દેખવામાં આવી શક્તો હોઉં. ।।૧૧- ૪૮।।

मा ते व्यथा मा च विमूढभावो
दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् ।
व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं
तदेव मे रूपमिदं प्रपश्य ॥११- ४९॥

મારૂં આ આવું ઘોર-ભયાનક રૂપ જોઇને તને વ્યથા મા થાઓ ! અને વિમૂઢ ભાવ પણ મા થાઓ ! તું ભયરહિત અને પ્રસન્ન મનવાળો થઇને ફરીથી મારૂં શંખ, ચક્ર, ગદા અને પદમ. તેણે યુક્ત ચતુર્ભુજ રૂપ સારી રીતે જો ! ।।૧૧- ૪૯।।

संजय उवाच
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा
स्वकं रूपं दर्शयामास भूयः ।
आश्वासयामास च भीतमेनं
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥११- ५०॥

સંજય કહે છે =
વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે કહીને ફરીથી પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું. અને ફરીથી મહાત્મા શ્રીકૃષ્ણ ભગવાને સૌમ્ય-અક્રોધ સુન્દરમૂર્તિ થઇને ભય પામેલા અર્જુનને આશ્વાસન કરીને ધીરજ આપી. ।।૧૧- ૫૦।।

अर्जुन उवाच
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥११- ५१॥

અર્જુન કહે છે-
હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાન્તિકર માનુષ રૂપ જોઇને હમણાં હું સ્થિરચિત્ત થયોછું. અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૧૧- ૫૧।।

श्रीभगवानुवाच
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥११- ५२॥

શ્રી ભગવાન કહે છે =
આ મારૂં જે વિશ્વ-વિરાટ્‌ રૂપ તેં દીઠું, તે રૂપનું દર્શન તો અતિશય દુર્લભ છે. બ્રહ્માદિક દેવો પણ આ રૂપનાં દર્શન નિરન્તર ઇચ્છયાજ કરે છે. ।।૧૧- ૫૨।।

नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥११- ५३॥

જેવા પ્રકારથી તેં મને દેખ્યો. તેવી રીતે તો હું વેદોથી પણ નથી  દેખવામાં આવતો. કે નથી તપથી દેખાતો, કે નથી દાનથી, કે નથી યજ્ઞથી પણ દેખવામાં શક્ય થતો. ।।૧૧- ૫૩।।

भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप ॥११- ५४॥

પરન્તુ હે પરન્તપ અર્જુન ! મારામાં અનન્ય ભક્તિથી તો આવા પ્રકારે જાણવાને, દેખવાને સાક્ષાત્‌ કરવાને અને તત્ત્વે કરીને પ્વેશ કરવા મારી સાથે પરમ સામ્ય પામવા માટે પણ હું શક્ય થાઉં છું ।।૧૧- ૫૪।।

मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥११- ५५॥ હે પાંડવ ! જે પુરૂષ કેવળ મારે માટે જ સઘળાં કર્મ કરનારો

થાય છે. મારા પરાયણ વર્તે છે. મારામાં ભક્તિવાળો હોય છે. સંગ- આસક્તિ વિનાનો હોય છે. અને સર્વભૂત-પ્રાણીમાં વૈર ભાવે રહિત હોય છે. તે પુરૂષ મને પામે છે. ।।૧૧- ૫૫।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नामैकादशोऽध्यायः ॥ ११ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિશ્વરૂપદર્શનયોગો નામૈકાદશોઽધ્યાયઃ ।।૧૧।।