૧૮ અષ્ટાદશોધ્યાય: મોક્ષસંન્યાસયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:50pm

અધ્યાય - ૧૮


श्रीपरमात्मने नमः
अथाष्टादशोऽध्यायः

अर्जुन उवाच
संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥१८- १॥

અર્જુન પૂછે છે =
હે મહાબાહો ! હું સંન્યાસનું તત્ત્વ-યથાર્થ સ્વરૂપ જાણવા ઇચ્છું છું. અને હે હૃષીકેશ ! હે કેશિનિસૂદન ! ત્યાગનું તત્ત્વપણ સંન્યાસથી ભિન્નપણે જાણવા ઇચ્છું છું. ।।૧૮- ૧।।

श्रीभगवानुवाच
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥१८- २॥

શ્રીભગવાન કહે છે =
કેટલાક કવિ-પંડિતો કામ્ય કર્મના ત્યાગનેજ સંન્યાસ જાણેછે. અને કેટલાક વિચક્ષણ જ્ઞાનીજનો સર્વ કર્મના ફળત્યાગને ત્યાગ એ પ્રમાણે કહે છે. ।।૧૮- ૨।।

त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।
यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥१८- ३॥

કેટલાક સૂક્ષ્મ બુદ્ધિવાળા ડાહ્યા માણસો દોષવાળાં કર્મ ત્યાગ કરવાં એમ કહે છે. ત્યારે બીજાઓ કેટલાક એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપ એવાં એવાં કર્મ તો ન જ તજવાં. ।।૧૮- ૩।।

निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।
त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः ॥१८- ४॥

હે ભરતસત્તમ ! તે ત્યાગના સમ્બન્ધમાં મારો નિશ્ચય સાંભળ હે પુરૂષવ્યાઘ્ર ! તે ત્યાગ તો ત્રણ પ્રકારનો વિગતવાર કહેલો છે. ।।૧૮- ૪।।

यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥१८- ५॥

યજ્ઞ, દાન અને તપ, એવાં કર્મ તો તજવા લાયક નથી, માટે એ તો કરવાંજ. કેમકે યજ્ઞ, દાન અને તપ, એ તો બધાં સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યોને પણ પાવન કરનારાં જ છે. ।।૧૮- ૫।।

एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च ।
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥१८- ६॥

અને આ સઘળાંય કર્મ પણ હે પાર્થ ! સંગ-આસક્તિ અને ફળની આશા પણ છોડી દઇને જ કરવાં. એમ મારો ઉત્તમ નિશ્ચિત મત-અભિપ્રાય છે.।।૧૮- ૬।।

नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते ।
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥१८- ७॥

નિયત -અવશ્ય પ્રાપ્ત કર્મનો તો ત્યાગ કરવો ઘટતો જ નથી. અને જો મોહથી-વિપરીત સમઝણથી તેનો પરિત્યાગ કરે છે. તો તે તામસ-અધોગતિ આપનારો ત્યાગ કહેલો છે. ।।૧૮- ૭।।

दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् ।
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥१८- ८॥

કર્મ તો દુ:ખરૂપ જ છે. એમ જાણીને શરીરકલેશના ભયથી જે કર્મનો ત્યાગ કરે છે. તે પુરૂષ એવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને નથી પામતો. એ ત્યાગનો કાંઇ અર્થ જ નથી. ।।૧૮- ૮।।

कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥१८- ९॥

કર્મ કરવુંજ જોઇએ એમ સમઝીને હે અર્જુન ! જે નિયત કર્મ કર્યા કરે છે. અને તેમાં સંગ-આસક્તિ અને ફળ પણ છોડી દઇને કરે છે. તો તે સાત્ત્વિક ત્યાગ માનેલો છે. ।।૧૮- ૯।।

न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते ।
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥१८- १०॥

સત્ત્વગુણે સમ્પન્ન, યથાર્થ સમઝણવાળો અને સંદેહ વિનાનો - નિઃસંશય, કર્મફળ ત્યાગ કરનારો પુરૂષ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો તેમ કુશળ કર્મમાં આસક્ત પણ થતો નથી. ।।૧૮- ૧૦।।

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥१८- ११॥

કારણ કે દેહધારીઓએ સર્વથા તો કર્મ છોડી શકાતાં જ નથી. માટે જે કર્મના ફળનો ત્યાગ કરે છે. એ જ ખરો ત્યાગી એમ કહેવાય છે. ।।૧૮- ૧૧।।

अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥१८- १२॥

કર્મફળનો ત્યાગ નહિ કરનારાઓને અપ્રિય, પ્રિય, અને પ્રિયઅિપ્રય-મિશ્ર, એવાં ત્રણ પ્રકારનાં ફળ મરીને ભોગવવાં પડે છે. પરન્તું જે કર્મફળનો ત્યાગ કરનારા છે. તેમને તો કયારેય એવું ફળ ભોગવવાનું હોતું જ નથી. ।।૧૮- ૧૨।।

पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१८- १३॥

હે મહાબાહો ! હવે સધળા કર્મની સિદ્ધિને માટે આ પાંચ કારણો કર્મનો અન્ત લાવવાની યુક્તિ શીખવનારા સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેને મારા થકી તું સમઝ. ।।૧૮- ૧૩।।

अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१८- १४॥

અધિષ્ઠાન-શરીરરૂપ સ્થાન, કર્તા-જીવાત્મા, જુદા જુદા પ્રકારનાં કરણ-મન અને ઇન્દ્રિયો, અનેક પ્રકારની ચેષ્ટા-વ્યાપાર અને એમાં પાંચમુ દૈવ-ફળદાતા ભગવાન. ।।૧૮- ૧૪।।

शरीरवाङ्‌मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥१८- १५॥

માણસ શરીર, વાણી અને મનથી જે કંઇ સારૂં કે ખોટું કર્મ આરંભે છે. તેમાં આ અધિષ્ઠાનાદિક પાંચ હેતુઓ-કારણો છે. ।।૧૮- ૧૫।।

तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः ॥१८- १६॥

તેમાં આમ સ્પષ્ટ હોવા છતાં જે અશિક્ષિત બુદ્ધિવાળો હોવાથી દુર્મતિ માણસ કેવળ એકલા જીવાત્માનેજ કર્તા જુએ છે-માને છે. તો તે ખરૂં જોતો-જાણતો નથી. ।।૧૮- ૧૬।।

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥१८- १७॥ જે પુરૂષને અહંકૃત ભાવ નથી અને જેની બુદ્ધિ સારા-નરસાથી લેપાતી નથી. તે પુરૂષ આ સઘળા લોકને મારીને-મારેછે. તો પણ તે મારતોય નથી અને બંધાતોય નથી. ।।૧૮- ૧૭।।

ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।
करणं कर्म कर्तेति त्रिविधः कर्मसंग्रहः ॥१८- १८॥

જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા-જાણનારો, એમ ત્રણ પ્રકારે કર્મની નોદના-વિધિ છે. અને કરણ-સાધન, કર્મ અને કર્તા, એમ ત્રણ પ્રકારનો કર્મનો સંગ્રહ-નિરૂપણ છે. ।।૧૮- ૧૮।।

ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि ॥१८- १९॥

હવે સત્ત્વાદિક ગુણભેદને લીધે જ્ઞાન, કર્મ અને કર્તા તે પણ ત્રણ-ત્રણ પ્રકારનાં છે. એમ ગુણકાર્યના ભેદને નિરૂપણ કરનાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તેને પણ મારા થકીજ તું યથાર્થપણે સાંભળ ! ।।૧૮- ૧૯।।

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥१८- २०॥

બ્રાહ્મણાદિક વિભાગથી રહેલાં સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં અવિભક્ત-બ્રાહ્મણાદિક વિભાગવ્યવસ્થા જેમાં નથી. એવા એક અવિષમ અવ્યય-અવિનાશી આત્માને જે જ્ઞાને કરીને જુએ છે જાણે છે. તે જ્ઞાનને સાત્ત્વિક જ્ઞાન જાણ ! ।।૧૮- ૨૦।।

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥१८- २१॥

બ્રાહ્મણાદિક સર્વ ભૂતોમાં ભિન્ન ભિન્ન પ્રકારના જુદા જુદા ભાવોને પૃથક્‌ પૃથક્‌ પણે જે જ્ઞાનથી જાણે છે. તે જ્ઞાનને રાજસ જ્ઞાન જાણ ! ।।૧૮- ૨૧।।

यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥१८- २२॥

અને જે જ્ઞાન તો એકજ કાર્યમાં સમગ્ર ફળવાળામાંજ જેમ, એમ આસક્ત થાય, ઇચ્છિત ફળનું અનુસન્ધાન પણ જેમાં ન હોય, તત્ત્વાર્થ સિવાયનું અને જે તુચ્છ ફળ પમાડનારૂં હોય, તે તામસ જ્ઞાન કહેલું છે. ।।૧૮- ૨૨।।

नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥१८- २३॥

નિયત-અવશ્ય પ્રાપ્ત, સંગ-આસક્તિએ રહિત અને ફળની ઇચ્છા નહિ રાખનારા નિષ્કામ પુરૂષે રાગ-દ્વેષ સિવાય કરેલું જે કર્મ તે સાત્ત્વિક કર્મ કહેવાય છે. ।।૧૮- ૨૩।।

यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥१८- २४॥ જે કર્મ તો ફળની ઇચ્છાથી પ્રેરાઇને કરેલું હોય અને અહંકારઅિભનિવેશ પણ જેમાં પૂરો હોય, તેમ બહુ પ્રયાસવાળું જે કર્મ હોય, આવું કર્મ તે રાજસ કર્મ કહેલું છે. ।।૧૮- ૨૪।।

अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥१८- २५॥

પરિણામે થનારૂં ફળ, અર્થાદિકનો થતો વિનાશ, પ્રાણીઓની થતી હિંસા, તેમજ પોતાનું સામર્થ્ય, આ સઘળાનો વિચાર-વિવેક કર્યા સિવાયજ કેવળ મોહ-મમતાથી જે કર્મ આરંભાય છે. તે તામસ કર્મ કહેવાય છે. ।।૧૮- ૨૫।।

मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥१८- २६॥

ફળમાં આસક્તિ જેણે છોડી દીધી છે, અહંકાર ભર્યું વચન પણ નહિ બોલનારો, ધૈર્ય અને સતત ઉત્સાહ રાખનારો, કાર્યની સિદ્ધિઅસિદ્ધિમાં પણ શોક-મોહાદિક વિકાર નહિ પામનારો, આવો કર્તા સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે. ।।૧૮- ૨૬।।

रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।
हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ॥१८- २७॥

આસક્તિવાળો, કર્મના ફળને ઇચ્છનારો, ઉચિત દ્રવ્ય પણ નહિ ખર્ચનારો, હિંસામાં રૂચિવાળો, અપવિત્રપણે વર્તનારો અને વારંવાર હર્ષ-શોક પામનારો, આવો કર્તા રાજસ કર્તા કહેલો છે. ।।૧૮- ૨૭।।

अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥१८- २८॥

શાસ્ત્રીય કર્મ આચરવામાં ગાફલ વર્તનારો, પ્રાકૃત-વિવેકશૂન્ય પામર, ગુરૂદેવાદિકની આગળ પણ અનમ્ર વર્તનારો, શઠ, ઠગારો, આળસ્ય રાખનારો પ્રમાદી, સદાય અસંતુષ્ટ રહીને ખેદ પામનારો અને દીર્ઘ સૂત્રી, આવો કર્તા તામસ કર્તા કહેવાય છે. ।।૧૮- ૨૮।।

बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु ।
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय ॥१८- २९॥

હવે-બુદ્ધિના અને ધૃતિના પણ ગુણે કરીને થતા ત્રણ પ્રકારના ભેદ હે ધનંજય ! હું જુદા-જુદા વિક્તિપૂર્વક કહીશ તેને સમગ્રપણે તું સાવધાન થઇને સાંભળ ! ।।૧૮- ૨૯।।

प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये ।
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ॥१८- ३०॥

હે પાર્થ ! જે બુદ્ધિથી મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે. તેમજ કાર્ય-અકાર્યને, ભય-અભયને, તથા બંધ-મોક્ષને પણ જાણે છે. તે સાત્ત્વિકી ઉત્તમ બુદ્ધિ છે. ।।૧૮- ૩૦।।

यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।
अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥१८- ३१॥

હે પાર્થ ! જે બુદ્ધિથી ધર્મ-અધર્મને, તથા કાર્ય-અકાર્યને પણ અયથાર્થ પણે જાણે છે. અર્થાત્‌-ખરી રીતે વાસ્તવિક પણે નથી સમઝતો તે રાજસી મધ્યમ બુદ્ધિ છે. ।।૧૮- ૩૧।।

अधर्मं धर्ममिति या मन्यते तमसावृता ।
सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥१८- ३२॥

અને હે પાર્થ ! તમોગુણથી આવરણ પામેલી જે બુદ્ધિથી અધર્મને ધર્મ એમ માને છે. તેમજ સઘળા અર્થોને-શાસ્ત્રમાં કહેલા સદર્થોને પણ વિપરીતજ માને છે. તે બુદ્ધિ તો તામસી અધમ બુદ્ધિ જાણવી. ।।૧૮- ૩૨।।

धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः ।
योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥१८- ३३॥

બીજા વિષયોમાં વ્યભિચાર નહિ પામનારી એવી જે ધૃતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ભક્તિયોગની સિદ્ધિ માટે વશ કરાય છે. હે પાર્થ ! તે સાત્ત્વિકી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૩।।

यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन ।
प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी ॥१८- ३४॥

હે અર્જુન ! જે ધૃતિથી તો ફળની આકાંક્ષાવાળો પુરૂષ ધર્મ, અર્થ અને કામ, તેને અતિ આસક્તિપૂર્વક ધારે છે- મુકી શક્તો નથી, હે પાર્થ ! તે રાજસી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૪।।

यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च ।
न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥१८- ३५॥

કુબુદ્ધિવાળો મનુષ્ય જે ધૃતિથી સ્વપ્ન-નિદ્રા, ભય, શોક, વિષાદ-ખેદ અને મદ-ગર્વ, આ સર્વને છોડી શક્તો નથી, હે પાર્થ ! તે તામસી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૫।।

सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।
अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति ॥१८- ३६॥
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥१८- ३७॥

હે ભરતર્ષભ ! હવે-હમણાં મારા થકી ત્રણ પ્રકારનું સુખ તું સાંભળ ! જે સુખમાં સહજ અભ્યાસથી જ રમે છે-સ્થિતિ પામે છે, અને સાંસારિક કલેશના અન્તને પણ પામે છે. વળી જે અભ્યાસ વખતે વિષ સમાન લાગે છે. અને પરિણામે અમૃતને તુલ્ય નીવડે છે. આવું પોતાની આત્મનિશ્ચયક બુદ્ધિની પ્રસન્નતાથી થયેલું સુખ તે સાત્ત્વિક સુખ કહેલું છે. ।।૧૮- ૩૬-૩૭।।

विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥१८- ३८॥

વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે અનુભવ વખતે અમૃતને તુલ્ય મીઠું લાગે છે. પણ પરિણામે વિષની માફક દુ:ખદાયી નીવડે છે. તે રાજસ સુખ કહેલું છે. ।।૧૮- ૩૮।।

यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥१८- ३९॥

જે સુખ ભોગવતી વખતે અને પરિણામે પણ જીવાત્માને કેવળ મોહને જ કરનારૂં થાય છે. તેમજ નિદ્રા, આલસ્ય અને પ્રમાદ, તેનાથી પ્રાપ્ત થતું સુખ તે તામસ સુખ કહેલું છે. ।।૧૮- ૩૯।।

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥१८- ४०॥

હે અર્જુન ! પૃથ્વી ઉપર મનુષ્યોમાં અથવા તો સ્વર્ગમાં દેવતાઓમાં એવું કોઇ પ્રાણી નથી કે જે આ પ્રકૃતિથી ઉપજેલા ત્રણ ગુણોથી રહિત હોય. ।।૪૦।।

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥१८- ४१॥

હે પરન્તપ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોનાં તેમજ શૂદ્રોનાં પણ કર્મ સ્વભાવથી થયેલા ગુણોને લીધે-ગુણો પ્રમાણેજ જુદાં જુદાં વિભાગથી કહેલાં છે. ।।૧૮- ૪૧।।

शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥१८- ४२॥

શમ, દમ, તપ, બે પ્રાકારનું શૌચ, ક્ષમા, આર્જવ, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકતા, આ સઘળાં બ્રાહ્મણને સ્વભાવપ્રાપ્ત કર્મ કહેલાં છે. ।।૧૮- ૪૨।।

शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥१८- ४३॥

શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા, યુદ્ધમાં પણ પલાયન ન કરી જવું, દાન અને ઇશ્વરભાવ, આ બધાં ક્ષત્રિયોને સ્વભાવથીજ પ્રાપ્ત થયેલાં સહજ કર્મ છે. ।।૧૮- ૪૩।।

कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥१८- ४४॥

ખેડ કરવી, ગાયો વિગેરે પશુઓનું રક્ષણ કરવું અને વાણિજ્યવેપાર કરવો. આ વૈશ્યોનાં સ્વભાવપ્રાપ્ત કર્મ છે. અને ત્રણ વર્ણની પરિચર્યા કરવી એ રૂપ શૂદ્રોનું પમ સ્વભાવપ્રાપ્ત કર્મ છે. ।।૧૮- ૪૪।।

स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥१८- ४५॥

સર્વ મનુષ્યો પોત-પોતાના કર્મમાંજ આભરત-રચ્યા-પચ્યા રહીને સંસિદ્ધિને પામે છે. હવે તે પોતાનાજ કર્મમાંનિરત રહીને જેમ સિદ્ધિને પામે છે. તે તું સાંભળ ! ।।૧૮- ૪૫।।

यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥१८- ४६॥

જેના થકી આ ભૂત-પ્રાણીમાત્રની પ્રવૃત્તિ-આરંભ થાય છે, અને જેણે આ સઘળું જગત્‌ વ્યાપેલું છે. તે પરમાત્માને પોતાના કર્મથી પૂજીને-પ્રસન્ન કરીને માણસો સિદ્ધિને પામે છે. ।।૧૮- ૪૬।।

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥१८- ४७॥

સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતાં પમ ન્યૂન ગુણવાળો હોય તોય પોતાનો ધર્મ સારો-શ્રેય આપનારો છે, કેમકે સ્વભાવથીજ નિયત કરેલું કર્મ કરતાં માણસ કયારેય કિલ્વિષ દુ:ખ અગર તો પાપ નથી પામતો. ।।૧૮- ૪૭।।

सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥१८- ४८॥

હે કૌન્તેય ! દોશવાળું-ન્યૂન ગુણવાળું હોય તોય પોતાનું સહજ કર્મ માણસોએ તજવું જોઇએ નહિ, કેમકે-સર્વ કર્મના આરંભોજ ધૂમાડાથી અગ્નિ જ જેમ એમ દોષથીજ આવરેલા ભરેલા છે. ।।૧૮- ૪૮।।

असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः ।
नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥१८- ४९॥

સર્વત્ર વસ્તુમાત્રમાં આસક્તિએ રહિત બુદ્ધિવાળો, મનને જીતનારો અને સ્વર્ગાદિકના સુખમાં પણ સ્પૃહા વિનાનો પુરૂષ કર્મફળના સંન્યાસથીજ સર્વોત્કૃષ્ટ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે. ।।૧૮- ૪૯।।

सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे ।
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥१८- ५०॥

નૈષ્કર્મ્યસિદ્ધિના ફળરૂપ ધ્યાનયોગને પામેલો પુરૂષ જેવી રીતે બ્રહ્મને-પરબ્રહ્મને પામે છે, તે સંક્ષેપથી કહેલો પ્રકાર મારા થકી તું જાણ !-સમઝ ! કે જે પરમાત્મપ્રાપ્તિરૂપ જ્ઞાનની પરા કાષ્ઠા-ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. ।।૧૮- ૫૦।।

बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च ।
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८- ५१॥
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥१८- ५२॥
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥१८- ५३॥

સર્વથા વિશુદ્ધ બુદ્ધિએ યુક્ત થઇને, ધૈર્યથી મનને નિયમમાં રાખીને, શબ્દાદિક વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષનો પણ સર્વથા પરિત્યાગ કરીને, એકાન્ત સેવન કરવાના સ્વભાવવાળો થઇને, લઘુ આહાર કરીને, વાણી, શરીર અને મનને નિયમમાં રાખીને, પરમ વૈરાગ્યને સર્વથા આશર્યો થકો નિરન્તર ધ્યાનયોગપરાયણ વર્તતો. તેમજ અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહનો પરિત્યાગ કરીને નિર્મમત્વ થઇને શાન્ત થયેલો પુરૂષ બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે. ।।૧૮- ૫૧-૫૩।।

ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥१८- ५४॥

આવો બ્રહ્મભૂત થયેલો, પ્રસન્ન ચિત્તવાળો પુરૂષ પ્રિય વસ્તુના નાશથી નથી શોક કરતો, કે નથી પ્રિય વસ્તુની આકાંક્ષા કરતો, સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવ પામેલો પુરૂષ મારી પરા-પ્રેમલક્ષણા ભક્તિને પામે છે. ।।૧૮- ૫૪।।

भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥१८- ५५॥

હું જેવડો છું અને જે છું તેવો તો મને તત્ત્વથી ભક્તિથીજ જાણે છે. અને એમ તત્ત્વથી મને જાણી-સમઝીને તે પછી મારા પ્રત્યે પ્રવેશ કરે છે-મનેજ પામે છે. ।।૧૮- ૫૫।।

सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥१८- ५६॥

વર્ણાશ્રમને સમુચિત પોત-પોતાના કર્મ સદાય કરતો અને મારો દૃઢ આશ્રય રાખનારો પુરૂષ મારી પ્રસન્નતા મેળવીને તે દ્વારા અવિનાશી શાશ્વત પદને- બ્રહ્મધામને પામે છે. ।।૧૮- ૫૬।।

चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥१८- ५७॥

જ્ઞાને કરીને સર્વ કર્મો મારામાં સમપર્ણ કરીને મત્પરાયણ થઇને બુદ્ધિયોગનો સમાશ્રય કરીને અખંડ મારામાંજ ચિત્તવૃત્તિ રાખનારો થઇ જા ! ।।૧૮- ૫૭।।

मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥१८- ५८॥

મારામાં ચિત્ત રાખવાથી સર્વ દુસ્તર દુ:ખોને પણ મારી પ્રસન્નતાથી તરી જઇશ. અને જો તું અહંકાર રાખીને મારૂં વચન નહિ સાંભળે તો તું વિનાશને માર્ગે જઇને ભ્રષ્ટ થઇ જઇશ. ।।૧૮- ૫૮।।

यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥१८- ५९॥

અહંકારને આશરીને ‘‘હું યુદ્ધ નહિ કરૂં’’ એમ જો તું માનતો હોય તો તે તારો મનનો ઠરાવ મિથ્યા-નકામો છે. તારી પ્રકૃતિજ-સ્વભાવજ તને યુદ્ધ કરવામાં પ્રેરશે. ।।૧૮- ૫૯।।

स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥१८- ६०॥

હે કૌન્તેય ! પૂર્વ સંસ્કારરૂપ સ્વભાવથીજ પ્રાપ્ત સ્વકર્મથી બંધાયેલો તું મોહને વશ થઇને જે કાર્ય કરવા નથી ઇચ્છતો તેજ કાર્ય તું પરવશ થકો પણ જરૂર કરીશ. ।।૧૮- ૬૦।।

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥१८- ६१॥

હે અર્જુન ! સર્વના સ્વામી ભગવાન સર્વ ભૂતોના હ્રદય-પ્રદેશમાં પોતાની માયા-શક્તિથી સંસૃતિ-ચક્રરૂપ યંત્ર ઉપર આરૂઢ થયેલાં સર્વ ભૂત-પ્રાણીમાત્રને તેના તેના કર્મ પ્રમાણે સંસારમાં ભમાવતા થકા રહે છે. ।।૧૮- ૬૧।।

तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥१८- ६२॥

હે ભારત ! તેથી તું સમગ્ર ભાવથી-પ્રકારથી તે પરમેશ્વરનેજ શરણે જા-રહે, તે પરમાત્માની પ્રસન્નતાથીજ તું પરમ શાન્તિને અને અવિચળ પદને પામીશ. ।।૧૮- ૬૨।।

इति ते ज्ञानमाख्यातं गुह्याद्‌गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥१८- ६३॥

આ પ્રમાણે મેં તને ગુહ્યમાં અતિ ગુહ્ય પરમ રહસ્યરૂ જ્ઞાન કહી બતાવિયું. માટે એ સગળું સમગ્રપણે વિચારીને જેમ તારી ઇચ્છા હોય તેમ કર ! ।।૧૮- ૬૩।।

सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥१८- ६४॥

વળી-ફરીથી પણ સર્વ રહસ્યમાં પણ પરમ રહસ્યરૂપ મારૂં સર્વોત્કૃષ્ટ હિત કરનારૂં વચન સાંબળ ! તું મને અત્યંત વ્હોલો છું અને અતિ દૃઢ મતિવાળો છું માટે તારા હિતનું વચન હું તને કહીશ કહું છું. ।।૧૮- ૬૪।।

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥१८- ६५॥

મારામાં જ મન રાખમનારો થા ! મારોજ ભક્ત થા ! મારૂં જ પૂજન કરનારો થા ! અને મનેજ નમસ્કાર કર ! આમ કરવાથી તું મનેજ પામીશ. તું મને અતિ પ્રિય છું. માટે તારી આગળ હું સ્તય પ્રતિજ્ઞા-વચન કહું છું ।।૧૮- ૬૫।।

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥१८- ६६॥

તું સર્વ ધર્મને-ધર્મના બળને છોડી દઇને મને એકનેજ શરણ પામ હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઇ શોક કરીશ માં. ।।૧૮- ૬૬।।

इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥१८- ६७॥

આ મેં તને કહેલું જ્ઞાન જે તપ કરવામાં રૂચિવાળો ન હોય, તેમજ જે મારો ભક્ત ન હોય તેને ક્યારેય કહેવું નહિ, તેમજ જે આ જ્ઞાન સાંભળવા ન ઇચ્છતો હોય, અગર સેવાવૃત્તિ સિવાયનો હોય તેને પણ ન કહેવું. અને જે મારા તરફ અભ્યસૂયા કરતો હોય તેને કયારેય નજ કહેવું. ।।૧૮- ૬૭।।

य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥१८- ६८॥

જે પુરૂષ આ પરમ રહસ્યરૂપ જ્ઞાન મારા ભક્તોમાં કહીને પ્રવર્તાવશે તો તે મારે વિષે પરા-પ્રેમલક્ષણા ભક્તિ કરીને મનેજ પામશે. એમાં લવ-લેશ શંકાજ નથી. ।।૧૮- ૬૮।।

न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।
भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥१८- ६९॥

એવા મારૂં જ્ઞાન ફેલાવનારા ભક્ત પુરૂષ કરતાં મારૂં અત્યન્ત પ્રિય કરનાર મનુષ્યોમાં બીજો કોઇ છેજ નહિ. અને આ પૃથ્વી ઉપર તેના કરતાં બીજો કોઇ મને અતિશય વ્હાલો પણ થનાર નથીજ. ।।૧૮- ૬૯।।

अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ।
ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः ॥१८- ७०॥

આપણા બેના આ મોક્ષ આપનારા ધર્મ સંબંધી સંવાદનો જે પાઠ કરશે, તો તે પુરૂષે હું સર્વોત્કૃષ્ટ જ્ઞાનયજ્ઞથી પૂજેલો થઇશ એમ મારો નિશ્ચય છે. ।।૧૮- ૭૦।।

श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।
सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥१८- ७१॥

આ જ્ઞાન-શાસ્ત્રમાં જે શ્રદ્ધાવાન્‌ થઇને સાંભળે, અને વળી જે આમાં અભ્યસૂયા ન કરે, તો તે પુરૂષ પણ પુણ્ય કર્મ કરનારા પવિત્ર ભક્ત પ્રૃષોના લોકને પામે છે. ।।૧૮- ૭૧।।

कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते धनंजय ॥१८- ७२॥

હે પાર્થ ! આ મેં કહ્યું તે તેં એકાગ્ર-સાવધાન ચિત્તથી સાંભળ્યું ? અને હે ધનંજ્ય ! તારો અજ્ઞાનથી થયેલો મોહ સર્વથા નષ્ટ થયો ? ॥૧૮- ૭૨॥

अर्जुन उवाच
नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥१८- ७३॥

અર્જુન કહે છે =
હે અચ્યુત ! તમારી પ્રસન્નતાથી મારો મોહ નષ્ટ થઇ ગયો છે. અને હું પૂરે-પૂરી સ્મૃતિમાં-સાવધાનીમાં આવ્યો છું. હું સંદેહ વિનાનો થઇને ઉભો છું અને તમારૂં વચન પાળીશ. ।।૧૮- ૭૩।।

संजय उवाच
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥१८- ७४॥

સંજય કહે છે =
આ પ્રમાણે મહાત્મા વાસુદેવ અને પાર્થ એ બન્નેનો રોમાંચ કરે એવો આ અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો. ।।૧૮- ૭૪।।

व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥१८- ७५॥

સકળ યોગના સ્વામી સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતેજ અર્જુનને કહેતા હતા તેમના થકી આ પરમરહસ્યરૂપ સંવાદ મેં વ્યાસમુનિની પ્રસન્નતાને લીધે સાંભળ્યો. ।।૧૮- ૭૫।।

राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥१८- ७६॥

હે રાજન્‌ ! કેશવ ભગવાન અને અર્જુનના આ અતિ પવિત્ર અદ્ભુત સંવાદને સંભારીને હું વારંવાર અતિ હર્ષ પામું છું. ।।૧૮- ૭૬।।

तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।
विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः ॥१८- ७७॥

હે રાજન્‌ ! શ્રીહરિ-કૃષ્ણનું તે અતિ અદ્ભુત રૂપ સંભારીને મને બહુજ મોટો વિસ્મય થાય છે. અને હું વારંવાર અતિ હર્ષ પામું છું. ।।૧૮- ૭૭।।

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥१८- ७८॥

હે રાજન્‌ ! જ્યાં-જે પક્ષમાં સાક્ષાત્‌ યોગેશ્વર કૃષ્ણ છે. અને ધનુધારી પૃથાપુત્ર અર્જુન છે. ત્યાંજ શ્રી-લક્ષ્મી, વિજય અને ભૂતિ ઐશ્વર્ય છે. અને અચળ નીતિ પણ ત્યાંજ છે. એમ મારી મતિ-નિશ્ચય છે. ।।૧૮- ૭૮।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नामाष्टादशोऽध्यायः ॥१८॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સંન્યાસયોગો નામાષ્ટાદશોઽધ્યાયઃ ।।૧૮।।