મંત્ર (૨૩) ૐ શ્રી યોગેશ્વરાય નમઃ

Submitted by swaminarayanworld on Sat, 27/02/2016 - 3:44pm

મંત્ર (૨૩) ૐ શ્રી યોગેશ્વરાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમો યોગીઓના પણ ઈશ્વર છો. યોગના નિધિ છો, તમામ યોગીઓ યોગની સમાપ્તિ તમારી પાસે કરે છે. આપણને એમ થાય કે, ગોપાલયોગી પાસે નીલકંઠવર્ણી અષ્ટાંગયોગ શીખ્યા હતા, પણ આખરે ગોપાળયોગીએ યોગની કળા નીલકંઠવર્ણીના ચરણોમાં સમાપ્તિ કરી છે. (એ કથા આના પછીના મંત્રમાં કહીશું.) અત્યારે યોગેશ્વરાય નમઃ એ મંત્રને સરખી રીતે સમજીએ, પ્રભુ વનવિચરણ કરતા કરતા :-

નામે નવલખો પર્વત જયાંય, યોગેશ્વર આવ્યા છે ત્યાંય । જેમાં કલિયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર દેશ ।।

નવલખો પર્વત એવો પવિત્ર પ્રદેશ છે કે, તેમાં કલિયુગનો કોઈ પ્રવેશ નથી, કામ, ક્રોધ, લોભ, કૂડ, કપટ, કુસંપ, કલેશ કે ઈર્ષા અદેખાઈ કે વેર-ઝેર નથી, પૂર્ણ શાંતિ છે. પોષ મહિનાની કડકડતી સખત ઠંડી અને પૂનમની અજવાળી રાત્રી, એકદમ ઘોર ઘાઢ જંગલ, ભયંકર જાનવરોથી ભરેલ ઘેઘુર વિકટ વન, એમાં એકલા નીલકંઠવર્ણી પર્વત ચડતા જાય છે. એ પર્વત પર નવલાખ યોગીઓ તપ કરતા હતા, પણ વેર ઝેર જરાય નહિ. પાંચહજાર વરસ થયાં યોગ સાધે છે, પ્રભુનાં દર્શન માટે તલપે છે, પ્રભુ પ્રત્યક્ષ મળે ત્યારે એમનાં દર્શન કરી યોગની સમાપ્તિ કરીશું. પ્રભુ તેમનો યોગ પૂરો કરાવવા અને તેમને દર્શન દેવા માટે પર્વત પર પધાર્યા.

-: તમારી શું ઈચ્છા છે ? :-

ત્યાંતો આકાશવાણી થઈ !!! "હે યોગીઓ ! આજે તમારો સોનાનો સૂરજ ઉગ્યો, તમને દર્શન દેવા યોગેશ્વર પધારે છે." ત્યાંતો બધા યોગીઓ સજાગ થઈ ગયા, રૂવાડાં ઉભાં થઈ ગયાં, આનંદનો સાગર લહેરાવા લાગ્યો. જેમ નદીઓ સાગરને મળવા ઊતાવળી થાય તેમ યોગીઓ પ્રભુ સામે દોડ્યા. પ્રભુ એક અને યોગીઓ અનેક. બધાને અંતરની ઈચ્છા છે કે, મને બાથમાં લઈને મળે, મને બાથમાં લઈને ભેટે. પ્રભુ તરત નવલાખ સ્વરૂપે બની ગયા. બધા યોગીને હૃદયે લગાડીને ભેટ્યા. પછી યોગીઓ જે ફળ લાવેલા તે પ્રભુ જમ્યા, બાકીનો પ્રસાદ સહુને વહચી દીધો. પછી પ્રભુની ચારેબાજુ યોગીઓ બેસી ગયા. પ્રભુ ધીમેથી બોલ્યા, "યોગીરાજ ! તમો કયા હેતુથી તપ કરો છો અને યોગ સાધો છો તે કહો ? તમારી શું ઈચ્છા છે ?"  યોગીઓ બોલ્યા, "પ્રભુ ! અમે હઠયોગ કરીએ છીએ. આ દેહને અમર રાખવા માટે યોગ સાધીએ છીએ. છતાં પણ આપ સાક્ષાત મળ્યા છો તો હવે તમે જેમ કહેશો તેમ કરીશું." ભગવાને કહ્યું, "અમર કોઈ રહ્યું નથી, અને રહેશે પણ નહિ. યોગીરાજ તમને કેટલાં વરસ થયાં આ યોગ સાધતાં ?" "પ્રભુ ! અમને પાંચ હજાર વર્ષ થયાં યોગ સાધીએ છીએ."

આપણને વિચાર થાય કે, પાંચહજાર વરસ કેમ દેહને ટકાવી રાખતા હશે ? તેતો અષ્ટાંગયોગથી ટકાવી શકે. એના પ્રાણની ગતિ સુષુમણા નાડી સાથે સદાય વહેતી હોય, હઠયોગીને સુષુમણા નાડી જાગાૃત કરવી જ પડે. હઠયોગી જોરથી પ્રાણને રોકીને સુષુમણા નાડી સુધી પહાચે, જેમ પાઈપમાં કચરો આડો આવી જાય તો પ્રેસર મૂકીને કચરો બહાર કાઢે તેમ જોરથી સુષુમણા નાડીને જાગૃત કરે.

યોગીપુરુષ પ્રાણાયામનો અભ્યાસ કરતાં કરતાં છ ચક્રને ભેદીને જયોતિ-સ્વરૂપ આત્માનાં દર્શન પામે છે ત્યાર પછી આત્માને પણ પ્રકાશ કરનારા પરમાત્માનાં દર્શનને પામે છે.

ભગવાન યોગીઓને ઊપદેશ આપતાં કહે છે :- હે યોગીઓ ! તમે હજોરો વરસ સુધી દેહ ટકાવો એ કાંઈ મહત્ત્વનું નથી, વધારે જીવો એ મહત્ત્વનું નથી પણ આ શરીરથી પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી આ વધારે મહત્ત્વની વાત છે. ભલે તમે હઠયોગ સાધો છો, અમર રહેવા માગો છો એ બરાબર પણ હઠયોગ કરતાં રાજયોગ શ્રેષ્ઠ છે."

-: હવે તમે પ્રેમયોગ કરો :-

ભગવાન નિલકંઠ વર્ણી કહે છે; મારા ભકતો પ્રેમ ભાવથી નિષ્કામ ભાવથી હરિકથા, હરિકીર્તન, હરિધ્યાન કરે છે, ધર્મમય જીવન જીવે છે. તેઓ પણ પરમાત્માને પામી શકે છે. આપણા નંદ સંતો જુઓ અષ્ટાંગ યોગ નહોતો સાધ્યો, પણ એમનામાં પ્રભુપ્રેમ હતો. પ્રેમયોગથી એ ભગવાનને મેળવી શકયા. હઠયોગ કરતાં રાજયોગ શ્રેષ્ઠ છે.

ગોપીઓએ યોગ નહોતો સાધ્યો. છતાં ભગવાનને મેળવી શકી છે. પ્રેમથી ભગવાન વશ થાય છે. પ્રભુના અંગે અંગનું ધ્યાન કરીને પોતાની વ્રુતિ શ્રીહરિમાં જોડી દેઈ આનંદમય કોશમાં પ્રવેશ કરીને પરમાનંદના સાક્ષાત્ દર્શનનો અનુભવ કરી લેતી.

પ્રભુએ તે સિધ્ધયોગીઓને આશીર્વાદ આપીને કહ્યું કે, "પવિત્રાત્મા એવા હે યોગીઓ ! હવે થોડા કાળમાં તમારું શરીર પડી જશે, અને તમો અમારા ધામને પામશો." યોગીઓ બહુ રાજી થયા. અને ભગવાનના ચરણનો સ્પર્શ કરીને, બેહાથ જોડી સ્તુતિ, પ્રાર્થના કરી કે, "હે પ્રભુ ! અમોને આવા ને આવા દર્શન આપતા રહેજો."

આપ્યું પોતાના સ્વરૂપનું જ્ઞાન, નવલાખ યોગીને સમાન ।

તેમનો મોક્ષ કરી દયાળ, છોડાવી દીધી માયાની જાળ ।।

વર્ણીરાજ નવલખા પર્વત ઊપર થોડા દિવસ રોકાઈ, અનેક મોક્ષભાગી જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી, ભવનાં બંધનથી મુકત કર્યા, આવા યોગીઓના પણ ઈશ્વર, તેથી તેને શતાનંદ સ્વામી યોગેશ્વર કહીને નમસ્કાર કરે છે.