મંત્ર (૬૭) ૐ શ્રી અબુધ્ધિહ્યતે નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 6:52pm

મંત્ર (૬૭) ૐ શ્રી અબુધ્ધિહ્યતે નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે અજ્ઞાનને હરનારા છો. કુબુધ્ધિને હરનારા છો, કુબુધ્ધિને દૂર કરો છો. ખેતરમાં અનાજ વાવવું હોય તો ખેતરને સાફ કરવું પડે, અંજરથી બોરડી ને થોરિયાંનાં ઝાડને કાઢવાં પડે પછી વાવણી થાય. તેમ પહેલાં પ્રભુ જીવમાંથી કૂડ, કપટ, કામ, ક્રોધ વગેરે બોરડીનાં ઝાંખરાંને સાફ કરે છે, પછી સદ્‌બુધ્ધિ રૂપી વાવેતર કરે છે.

ખાલી ઘડો હોય તોજ તેમાં પાણી બરાય, તેમ હૃદયરૂપી ઘડો દૂષણોથી ભર્યો છે તે ખાલી થાય તો જ્ઞાન અને ભક્તિરૂપી પાણી ભરાય. ભગવાન અજ્ઞાનરૂપી અંધારાને હરે છે અને સદ્‌બુધ્ધિ આપે છે તેથી તેમનું નામ અબુધ્ધિહ્યતે છે. ભગવાન અબુધ્ધ જીવનાં અજ્ઞાનને હરે છે, ને સદ્‌બુધ્ધિ આપે છે.

-: બાપા કેળાં બહુ મીઠાં છે. :-

ગામ ઉમરેઠની અંદર એક પ્રસંગ બન્યો. જેના ઉપર ભગવાન કે સંતની કૃપા ઉતરે તે ગમે તેવો અસમર્થ હોય તો તે સમર્થ થઇ જાય. ‘‘મૂકં કરોતિ વાચાલં, પંગું લંઘયતે ગિરીમ્‌ ।।’’ મૂંગો વેદ બોલતો થઇ જાય, પાંગડો પર્વત પર ચડતો થઇ જાય, ભગવાનની કૃપા થાય તો રાંક રાજા બની જાય. ઉમરેઠમાં બ્રાહ્મણ ઘણા રહે છે, પણ એમને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર અણગમો.

ભગવાને શિવજીનાં મંદિરમાં ઉતારો કર્યો. ગામનાં માણસો આવ્યા ને પગે લાગીને બેઠા, પછી બોલ્યા કે, સ્વામિનારાયણ ! તમે ભગવાન કહેવડાવો છો. તો તમે એવો કયો ચમત્કાર બતાવ્યો કે તમને જગતના જીવ ભગવાન માને છે ? પહેલાંના આચાર્યો થઇ ગયા તેમણે ઘણાને ચમત્કાર દેખાડ્યા છે, એવો કોઇ ચમત્કાર દેખાડો તો તમને ભગવાન માનીએ. શંકરાચાર્યજીએ પરચો બતાવેલો છે.

મોટા શંકર સ્વામિ કહાવ્યા, તેણે પાડાને વેદ બોલાવ્યા;

એવું આપ કરો કામ જ્યારે, અમે માનીએ ઇશ્વર ત્યારે.

સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ‘‘વેદ પવિત્ર છે, તે પશુના મોઢેથી બોલાવડાવાય જ નહિ, સ્ત્રીને અને શૂદ્રને વેદ બોલવાનો અધિકાર નથી તો પાડાના મોઢે કેમ બોલાવી શકાય ?’’

સાવ પશુ જેવો બ્રાહ્મણ હોય, કાંઇ ભણેલો ન હોય, સાવ મુરખ જેવો હોય એને મારી પાસે લઇ આવો, તો અમે વેદ બોલાવીએ. શોધ કરતા હરિશંકર નામનો અબુધ છોકરો મળ્યો. એનો હાથ પકડીને લઇ આવ્યા. પ્રભુએ બ્રાહ્મણ બાળ સામે નજર કરી ત્યાં ચાર વેદની ઋચાઓનો સ્પષ્ટ ઉચ્ચાર કરવા લાગ્યો. બધા સ્તબ્ધ થઇ ગયા. આ વાત આખા ગામમાં ફેલાઇ ગઇ. બધા બ્રાહ્મણો ભગવાનને શરણે આવ્યા. આખા ગામને નિયમ ધરાવી સત્સંગી કર્યા.

સુરતમાં એક પારસીનો છોકરો જન્મજાત મૂંગો હતો. તેનો બાપ સ્વામી ગોપાળાનંદજી પાસે છોકરાને લઇ આવ્યો. સ્વામી પૂજા કરતા હતા, તેમાં કેળાં ભગવાનને ધરાવ્યાં હતાં તે છોકરાને દીધાં. ‘‘લે, દીકરા ! ખાઇજા.’’ જ્યાં પ્રસાદી ખાધી ત્યાં તરત છોકરો બોલ્યો. ‘‘બાપા ! કેળાં બહુ મીઠાં છે.’’ એના બાપ રાજી રાજી થઇ ગયા. જેના સંતમાં આટલી શક્તિ હોય તો ભગવાનમાં શું ન હોય ?

વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે. કોઇ માણસમાં થોડી બુદ્ધિ છે, તો પણ કલ્યાણને અર્થે જતન કરવું. તેમાંથી પાછો પડ્યો નથી, કોઇ બહુ ભણેલો હોયને મોટા મોટામાં ખોટ કાઢે એવો હોય પણ કલ્યાણને માર્ગે કેમ ચાલતો નથી ? ઘણી બુદ્ધિ વાળો હોય તેણે કલ્યાણને માર્ગે ચાલવું જોઇએ, તો કેમ ચાલતો નથી ? ને બીજાના દોષ જ જોયા કરે છે ? ત્યારે શ્રીજીમહારાજે સરસ જવાબ દીધો કે, ‘‘એની  બુદ્ધિ ઝાઝી છે પણ દૂષિત છે, એણે કોઇ મોટા સંતનો અથવા મા બાપનો અપરાધ કર્યો છે, તેથી સવળું સૂઝતું નથી, તેથી તેની આસુરી બુદ્ધિ થઇ ગઇ છે.’’ હવે જો સાવધાન થઇને નિરમાની પણે સંતની સેવા કરે તો આસુરી બુદ્ધિ ટળી જાય ને દૈવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે.

શતાનંદસ્વામી કહે છે. હે પ્રભુ ! તમે કુબુદ્ધિને દૂર કરો છો. તેથી તમારું નામ અબુદ્ધિહ્યતે નમઃ છે.