મંત્ર (૬૬) ૐ શ્રી અતિપાવનાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 6:50pm

મંત્ર (૬૬) ૐ શ્રી અતિપાવનાય નમઃ

શતાનંદસ્વામી કહે છે. પ્રભુ ! તમે દરેકને પવિત્ર કરનારા છો, પાપીને પાવન કરનારા છો, પાપથી ખદબદતું જીવન જોબન પગીને, વાલિયા ભીલને એવા અનેકને પાવન કરી દીધા, ભરાડીમાંથી ભગત બનાવ્યા. કાઠી સિંહ જેવા હોય તેનેતમે વશ કર્યા, તલવારની જગ્યાએ માળા ફેરવતા કરી દીધા. પાપી જીવને સ્વલ્પ ભગવાનનો સંગ થાય તો જેમ પારસમણિથી લોખંડ સુવર્ણ થઇ જાય છે, તેમ પ્રભુના સંબંધથી અવિદ્યામાં અથડાતા જીવોને સત્યદશી અને સદાચારણી બનાવી દીધા.

પ્રભુનું સ્મરણ કરે તો બુધ્ધિ પવિત્ર થાય. પ્રભનું મનન કરે તો મન પવિત્ર થાય. પ્રભુનાં ભાવથી દર્શન કરે તો આંખ પાવન થાય. પ્રભુની કથા સાંભળે તો કાન પવિત્ર થાય. પ્રભુનાં નામ સંકીર્તન ગાય તો જીભ પાવન થાય. પ્રભુનો સ્પર્શ કરે તો શરીર પાવન થાય. પ્રભુની સેવા કરે તો હાથ પાવન થાય. પ્રભુની પ્રદક્ષિણા કરે તો પગ પાવન થાય. એમ દરેક ઇંદ્રિયો હરિમાં જોડી દે તો સમગ્ર જીવન પાવન થાય છે.

કાયાભાઇ મુસલમાન સિંધી હતા પણ ભગવાનનો અને સંતનો સંબંધ થયો તો એકાંતિક ભક્ત બની ગયા. મુંજોસુર નિર્દય રાક્ષસ જેવો હતો, સંતના યોગથી પુર્નિંત બની ગયો. શતાનંદસ્વામી કહે છે. પ્રભુ ! તમે પાપીને પાવન કરનારા છો, પણ તમારાં નામનો જે જપ કરે છે તેને પણ પાવન કરો છો.

-: બીજાના સુખનો વિચાર કર્યો. :-

લોયા ગામના પુંજા ભગત જાતના કોળી, આચાર વિચાર બ્રાહ્મણ જેવા. પરમ એકાંતિક ભક્ત હતા. એક વર્ષે દુષ્કાળ પડ્યો, તેથી વ્યવહારમાં બહુ ખેંચ આવી. સાવ ગરીબાઇ, કરવું શું ? ગમે તેમ કરીને પેટનો ખાડો ભરવો તો પડેને! બાજરાનાં ભોંથા ખોદે, પછી તે વેંચે, જે પૈસા આવે તેમાંથી નિર્વાહ ચલાવે. વિચાર થયો સુરતમાં વહેચવા જઇ તો બે પૈસા વધુ મળે. એવું ધારી ગાંસડી ઉપાડી દંપતી આવે છે, પણ એને ભક્તિના પ્રભાવથી દુઃખ ડંસતું નથી.

અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા જ કરે, સુરતની બજારમાં ચાલ્યાં આવે છે, ખૂબ થાક લાગ્યો છે. ભાઇચંદ શેઠની દુકાન આગળ આવી જોરથી બોલ્યા. હે સ્વામિનારાયણ બાપા ! કહીને ભારી ઓટલા ઉપર મૂકી. સ્વામિનારાયણનું નામ સાંભળી ભાઇચંદ શેઠ બાજુમાં આવ્યા. મારા ઇષ્ટદેવનું નામ લેનાર કોણ હશે ? નજીક ગયા ! ‘‘ઓ હો.... પુંજા ભગત તમે ? ‘હા’ અમે !’’ ‘‘શું લાવ્યા છો’’ ‘‘વેંચવા માટે બાજરાનાં થડિયાંનો કૂચો લાવ્યા છીએ, દુષ્કાળ છેતેથી ગામો ગામ ફરીએ છીએ, અને કૂચો વહેંચીને આજીવિકા ચલાવીએ છીએ.’’

શેઠને દયા આવી, ‘‘પુંજા ભગત હવે લોયા ન જશો, આહીં સુરતમાં રહો. હું અન્ન વસ્ત્ર આપીશ, તે જમીને ભજન કરજો’’ ધન્ય છે શેઠ ભાઇચંદને કે ગરીબને સાથ સહકાર આપ્યો. બીજાના સુખનો વિચાર કર્યો, તમને ભગવાને દીધું હોય તો ગરીબ સત્સંગીને જરૂર મદદ કરજો, બીજાના સુખનો વિચાર કરે એ સજ્જન.

બીજાનાં દુઃખનો વિચાર કરે, દુઃખી જોઇ રાજી થાય તે દુર્જન. કહેવાનો મૂળ આશય કે હે પ્રભુ તમે દીન જાતિને પણ પાવન કરનારા છો. પરમાત્માના સંપર્કમાં આવેલી કોઇ પણ વસ્તુ પાવન બની જાય છે, લોઢું, લાકડું, પથ્થરો, વસ્ત્ર વગેરે પવિત્ર બની જાય છે, તેથી ભગવાનનું નામ અતિપાવન છે.