મંત્ર (૭૬) ૐ શ્રી વૈષ્ણવક્રતુકારકાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 7:59pm

મંત્ર (૭૬) ૐ શ્રી વૈષ્ણવક્રતુકારકાય નમઃ

શતાનંદસ્વામી કહે છે પ્રભુ ! તમે વિષ્ણુયાગ કરાવનારા છો. તમને વિષ્ણુયાગ બહુ ગમે છે, હિંસાયમ યજ્ઞની પ્રવૃત્તિ બંધ કરાવી અને વિષ્ણુયાગ કરાવો છો, વિષ્ણુગાયત્રીના જાપ કરાવો છો, વિષ્ણુસહસ્રના પાઠ કરાવો છો. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે, હમણાં રાજસૂય યજ્ઞ ઘણા થાય છે, જ્યાં સુધી સાત્વિક યજ્ઞ નહિ કરું, ત્યાં સુધી રાજસૂય યજ્ઞ બંધ નહિ થાય, હું સાત્વિક યજ્ઞો કરાવીશ.

પ્રભુને રાજસૂય યજ્ઞ પસંદ નથી પણ વૈષ્ણવયજ્ઞ બહુ પસંદ છે. યજ્ઞ છે તે સાક્ષાત પુરુષોત્તમ નારાયણની પૂજા છે. અગ્નિ છે એ ભગવાનનું મોઢું છે, આહુતિઓ અગ્નિનારાયણને આપીએ તો કાયિક, વાચિક અને માનસિક પાપ બળી જાય છે.

પવિત્ર આહુતિઓ ભગવાનને પહોંચી જાય છે. વિષ્ણુયાગ કરવા, પણ રાજસ અને તામસ યાગ કરવા નહિ.

-: તમે બધા યોગ યજ્ઞ કરતા રહેજો :-

ભગવાન શ્રીકૃષ્ણે લીલાચરિત્રો બહુ કર્યાં, ભકતોને ખૂબ લાડ લડાવ્યા, ભૂમિનો ભાર ઉતાર્યો, પણ યજ્ઞ કરવાનો સમય જ મળ્યો નહિ, અસુરનો નાશ કરવામાંજ સમય વ્યતિત થઇ ગયો. ભગવાન રામચંદ્રે રાજસૂય યજ્ઞ કરાવ્યા પણ બહુ થોડા, ભગવાન સ્વામિનારાયણે વિષ્ણુયાગની પ્રવૃત્તિ જોરદાર કરીને સંસ્કૃતિને પૃષ્ટ કરી છે. જેલપુરમાં યજ્ઞ કરે, વળી બે વરસ થાય ને ડભાણ, અમદાવાદ, વડતાલ, ગઢડા અને સારંગપુર, ગામે ગામે વિષ્ણુયાગ ચાલુ કરી દીધા. વિષ્ણુયાગને યોગયજ્ઞ પણ કહેવાય. સંતનો યોગ થાય, શાસ્ત્રનો યોગ થાય, એટલે કથા સંભળાય, સંત, શાસ્ત્ર, દેવ અને આચાર્ય આ ચારનો યોગ એને યોગયજ્ઞ કહેવાય. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, તમે બધા યોગયજ્ઞ કરતા રહેજો. ભગવાનના સ્વરૂપમાં ન ઇન્દ્રિયો જોડવાં તેને યોગ કહ્યો છે.

યોગયજ્ઞ વગર કલ્યાણ થતું નથી. સંત શાસ્ત્ર અને કથા કીર્તન ભેગાં બેસીને કરવાં તેને યોગયજ્ઞ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે રાજસી તામસી યજ્ઞ બંધ કરાવ્યા, ઘણા અણસમઝણવાળા માનવો ચંડિકાના પાઠ કરાવે છે, નવાં ઘર બંધાય ત્યારે બ્રાહ્મણો દ્વારાએ મારણ મોહનના હવન કરે છે, આ યોગ્ય નથી. રાજસી-તામસી મંત્ર દ્વારાએ, યજ્ઞ કુંડમાં હવન કરાય નહિ.

ભગવાન સ્વામિનારાયણ કહે છે. હે ભક્તજનો ! અમે દેવ, દેવીની નિંદા કરતા નથી, આમાં દવે , દેવીનો નિષેધ નથી, પણ જે રાજસી ને તામસી ભાવ સમાયલો છે, તેનો નિષેધ ચોક્કસ કરીએ છીએ. સદ્‌ગૃહસ્થો ઘરમાં હવન જરૂર કરાવજો પણ જનમંગલના મંત્રોથી હવન કરાવજો, સર્વમંગલના સ્તોત્ર અથવા નારાયણ કવચના પાઠ કરાવવા અથવા હનુમાનજીના મંત્રથી પાઠ કરાવવા અથવા ગીતાજીના પાઠ કરાવવા અથવા વિષ્ણુસહસ્રના પાઠ કરાવવા પણ મલિન મારણ મંત્ર કે ચંડિના પાઠ કરાવવા નહિ અને જો કરાવે તો તેના ઘરમાં શાંતિ થતી નથી, દુઃખ દારિદ્ર વધે છે, ઝગડા વધે છે અને સગાં સંબંધીમાં કુસંપ સર્જાય છે.

જો હવન કરાવવો જ હોય તો સાત્ત્વિક દેવના મંત્રથી હવન કરાવજો. આપણે બધા પુરુષોત્તમ નારાયણના આશ્રિત છીએ. ઉપાસનામાં કયારેય ભેળસેળ કરાય નહિ. પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે, તે માર્ગ પર ચાલીએ તોજ સુખી થવાય એક જણ કથા સાંભળવા આવે, તે નગરમાં એક ચોર હતો તે દરરોજ ચોરી કરે પણ પકડાય નહિ. એક વખત ચોર ભગવાં કપડાં પહેરીને મહાત્માજીની બાજુમાં બેસી ગયો. કથા સાંભળવાથી અતકરણ બદલવા લાગ્યું. પોતાની ભૂલ, પોતાનાં પાપની ખબર પડવા લાગી કે હું આ ખોટું કરું છું, અનેકને દુઃખી કરીને મારીકૂટીને નાણું ભેગું કરું છું. તેની સજા ભોગવવાનો સમય આવશે ત્યારે હેરાન થવું પડશે.

સત્સંગના પ્રભાવથી ચોરનું માનસ પરિવર્તન થયું, તેથી દરરોજ કથા સાંભળવવા આવે અને યજ્ઞનો પ્રસાદ જમે. એમ કરતા રાજા દરરોજ મહાત્માજીને પગે લાગે પણ આજે ત્રણ મહાત્માને પગે લાગીને ભેટ મૂકી, ત્યારે ચોર કે જેણે સાધુનો વેશ પહેરેલો તે બોલ્યો. ‘‘રાજન્‌ ! મારી પાસે ભેટ મૂકો નહિ, હું મહાત્માજી નથી, સાધુ જાણીને તમે મને પૈસા આપો છો, તે લઇ લ્યો.’’

-: હું તમારા નગરનો ચોર છું :-

ત્યારે રાજાએ પૂછ્યું, તમે તમારી શક્તિ છૂપાવવા માટે આવું કહી રહ્યા છો. તમે નિષ્કંચન છો, તેથી ના પાડો છો ? બાકી છો તો મહાત્માજી.’’ ત્યારે ચોરે કહ્યું, ‘‘હું મહાત્મા નથી, ચોર છું.’’ ત્યારે રાજાએ કહ્યું, તમે ચોરીજ કરો છો,તમને પૈસા જોઇએ જ છે, તો હું સામેથી આપું છું છતાંય કેમ નથી સ્વીકારતા ?’’

‘‘હવે હું ચોર નથી રહ્યો, સત્સંગ કરવાથી સત્ય વસ્તુ પ્રાપ્ત થઇ છે, તો અસત્ય પદાર્થને હવે હું શું કરું ?’’

એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આધ । તુલસી સંગત સંતકી, કટે કોટી અપરાધ ।।

ચોર બે ઘડીના સત્સંગથી સાધુ બની ગયો. ચોરીનું કર્મ છોડીને ભક્તિ માર્ગમાં મન લગાડી દીધું, આ છે સત્સંગનો પ્રતાપ. મોક્ષના માર્ગે ચલાવવા માટે શ્રી હરિએ યજ્ઞ કરાવેલા છે ને કરે છે.