મંત્ર (૭૭) ૐ શ્રી પંચાયતનસન્માનાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 8:00pm

મંત્ર (૭૭) ૐ શ્રી પંચાયતનસન્માનાય નમઃ

શતાનંદસ્વામી કહે છે- તમે પંચદેવોનું સન્માન કરો છો. પંચ દેવોને પૂજ્યપણે પ્રતિપાદન કરો છો. પાંચ દેવો કયા ?

વિષ્ણુઃ શિવોઃ ગણપતિ: પાર્વતી ચ દિવાકરઃ । એતા: પૂજ્યતયા માન્યા દેવતા: પંચ મામકૈઃ ।।

વિષ્ણુ, શિવ, ગણપતિજી, પાર્વતીજી અને સૂર્યનારાયણની પૂજા પરંપરાથી થાય છે, ભગવાન સ્વામિનારાયણે તમામ હુંદુ ધર્મને એક શ્લોકમાં વણી લીધો, સનાતન ધર્મનો એક સમન્વય કર્યો છે. રસ્તે જાતાં દેવ મંદિર આવે તો નમસ્કાર કરજો. એ પાંચ દેવ પુરુષોત્તમ નારાયણ થકી જ પ્રગટ થાય છે, આખી દુનિયા પ્રભુનાં અંગમાંથી જ પ્રગટ થઇ છે.

-: પાંચ દેવ સનાતન ધર્મનો પાયો છે :-

આ પાંચ દેવની પૂજા ભગવાન સ્વામિનારાયણે કરેલી છે, પૂજ્ય પણે માનવાની વાત કરી છે, પણ ઉપાસ્યની વાત નથી કરી. એક વાત જરૂર સમજી રાખવી જોઇએ. પાંચ દેવો પૂજ્ય ચોક્કસ છે, પૂજવા જ જોઇએ, પણ ઉપાસના નારાયણની જ થાય. ગીતાજીમાં ભગવાન કહે છે.

અન્તવતુ ફલં તેષાં તદ્‌ભવત્યલ્પ મેઘસામ્‌ । દેવાન્દેવયજો યાન્તિ મદ્‌ ભકતા યાન્તિ મામપિ ।।

ભગવાન કહે છે- હે અર્જુન ! દેવોની આરાધના કરનારો, દેવતાઓને પામે છે અને મારી આરાધના અને ઉપાસના કરનારો મને પામે છે. આ પાંચ દેવને જરૂર પૂજવા, પૂજા બધાની થાય, દેવતાની પૂજા થાય, સાધુ અને આચાર્યની પૂજા થાય, ગાયની પૂજા થાય, હનુમાનજીને ગણપતિજીની પૂજા થાય, ધરતીમાતાની પૂજા થાય, ગરૂડજી અને વરૂણદેવની પૂજા થાય, શાસ્ત્રોની પૂજા થાય, પણ ઉપાસના એક  ભગવાનની જ થાય. પૂજા અને ઉપાસનામાં ફેર છે.

વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે. માનસી પૂજામાં જેમ ભગવાનની પૂજા થાય, તેમ સંતની પણ પૂજા થાય, જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયા વાપરે તેમ સંતને અર્થે પણ વાપરવા જોઇએ. પૂજાનો નિષેધ નથી, પણ સમજવાની વાત છે, સરખી રીતે સમજીએ તો મનની ભ્રાંતિ એકે ઊભી રહે નહિ, ને જો બરાબર સમજતાં ન આવડે તો સેળભેળ થઇ જાય.

તેથી શુધ્ધ ઉપાસના વેદે પ્રવર્તાવી છે, તેજ શુધ્ધ ઉપાસના ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી છે. વેદ એમ કહે છે - કે એક નારાયણ સિવાય બીજો ધ્યેય નથી, કોઇ ઉપાસ્ય નથી, વ્યાસજીએ બધા શાસ્ત્રોનું રહસ્ય સમજાવ્યું છે.

સાલોક્ય સર્વશાસ્ત્રાણિ વિચાર્ય ચ પુનઃ પુનઃ ।  જ્ઞેયો ધ્યેયો પ્રાપ્ય પૂજ્ય એક નારાયણઃ ।।

વ્યાસજીએ કહ્યું છે કે- એક ઉપાસ્ય નારાયણ જ છે. નારાયણ વિના બીજાનું ધ્યાન ન કરાય, બીજાની ઉપાસના ન કરાય, પૂજા જરૂર કરજો. વિષ્ણુનો મહિમા શિવજી સમજે છે તેવો બીજા કોઇ સમજી શકતા નથી, શિવજી અને નારાયણ એ બેનું એકાત્મપણું છે, વિષ્ણુ અને શિવ બેય આ સૃષ્ટિનું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે ? વિષ્ણુ પોષણ કરે છે અને શિવજી સંહાર કરે છે. આ બેયના ઉપાસ્ય દેવ પરાત્પર ભગવાન એક નારાયણ છે.

ભગવાન સ્વામિનારાયણ કહે છે. મારાં કાર્યમાં આ પાંચ દેવો મદદ કરેછે. હું એ પાંચે દેવનું સન્માન કરું છું, તમે પણ કરજો પૂજા કરજો પણ ઉપાસના એક નારાયણની જ થાય.

આ મંત્ર આપણને બધાને સમજવા જેવો છે. કોઇનું અપમાન ન કરજો, બધાનું સન્માન કરજો, આદર ભાવ આપતાં શીખજો. મા બાપ પણ દેવ સમાન છે. ગુરૂ પણ દેવ સમાન છે. તેનો આદર કરજો પણ આનાદર ક્યારેય ન કરશો, વૃદ્ધ માવિત્રો આજના યુવાનને ઓછા ગમે, એની બોલી ન ગમે, વૃદ્ધ માવિત્રો કાંઇ દુઃખની વાત કરે તો છક્કી જઇને વાતને ઉડાડી દે, માવતર અને ગુરુનું અપમાન એ પ્રભુનાં અપમાન સમાન પાપ છે.

દુર્ગાદેવીએ સાત્ત્વિક દેવી છે, દુર્ગાદેવી આગળ જે દારૂ માંસનો ભોગ ધરાવાતો તેનો સર્વથા નિષેધ કર્યો. એમાં જે અશુદ્ધિ હતી તે સ્વામિનારાયણ ભગવાને દૂર કરી અને એવો પ્રસાદ પણ લેવો નહિ. દેવી કોઇ દિવસ અભક્ષનો ભોગ લેતાં જ નથી એતો સાત્ત્વિક દેવી છે. આ પાંચ દેવનું સન્માન કરજો, એ બધા ભગવાનને ભજે છે, નારાયણની ઉપાસના કરે છે, ભગવાન કહે છે.

એ બધા દેવો મારાં કાર્યમાં મદદ કરે છે તેથી હું એમનું સન્માન કરું છું, આદર સૌનો, પણ આશરો એકનો, પ્રભુ પંચદેવોનું સન્માન કરનારા છે તેથી પંચયતન સન્માનાય એવું પ્રભુનું નામ છે.