મંત્ર (૩૩) ૐ શ્રી તપઃપ્રિયાય નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 6:57pm

મંત્ર (૩૩) ૐ શ્રી તપઃપ્રિયાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, પ્રભુ ! તમે તપસ્વી છો, તપમાં રુચિવાળા છો. તપ તમને બહુ વહાલું છે, સંયમિત જીવન જીવનારા છો. સંયમમાં કરેલી ઈંદ્રિયોજ પ્રભુના માર્ગે લઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે સાત વરસ સુધી વનમાં વિચરણ કર્યું. ભગવાન નીલકંઠવર્ણી ફરતા ફરતા પુલહાશ્રમમાં પધાર્યા. ત્યાં પુલહઋષિએ તપ કરેલું છે તેથી તે સ્થળનું નામ પુલહાશ્રમ છે.

પવિત્ર સ્થાનમાં તપ કરવાથી ફળની સિધ્ધિ જલદી ફળે, નીલકંઠવર્ણીને આ સ્થાન બહુ ગમ્યું અને ચોમાસાના ચાર મહિના સુધી તપ કરવાનું મનમાં નક્કી કર્યું.

એક પગે ઊભા રહી આપ, જપે ગાયત્રી મંત્રનો જાપ ।

સૂર્ય નારાયણનું ધરે ધ્યાન, ગંડકી નદીમાં કરે નિત્ય સ્નાન ।।

એક પગે ઊભા રહી તપ કર્યું, ગંડકી નદીમાં દરરોજ સ્નાન કરે, ગાયત્રી મંત્રનો જપ કરે, અને સૂર્યનારાયણનું ધ્યાન ધરે.

ફળ જળ લેતા નથી મુખે, વાયુ ભક્ષી રહે છે તે સુખે ।

સહુ નાડીઓ અંગની જેહ, ઊઘાડી દેખાવા લાગી તેહ ।।

ફળ જળ કાંઈ પણ લેતા નથી, કેવળ વાયુભક્ષણ કરે છે, ચાર મહિના સુધી આકરું તપ કર્યું. શરીર એટલું લેવાઈ ગયું કે નસ દેખાવા લાગી છે. મટકું પણ મારતા નથી, નાસિકાગ્રે દૃષ્ટિ છે. માતા પિતા ખમાં ખમાં કરતાં અડખે પડખે દિવ્ય સ્વરૂપે ઉભાં છે.

ત્યાંના યોગીઓ આ નીલકંઠવર્ણીને જોઈને સ્તબ્ધ થઈ ગયા, જોતા જ રહી ગયા કે આ કોણ હશે ? પ્રહલાદજી હશે કે ધ્રુવજી હશે ? સનકાદિક હશે કે શુકદેવજી હશે ?

ત્યારે ત્રીજા યોગી કહે મને એમ લાગે છે કે સાક્ષાત્ નારાયણ તપસ્વીના વેશે તપ કરવા આવ્યા છે, તે વિના આ બ્રહ્માની સૃષ્ટિમાં આવું કઠોર તપ કોઈ મનુષ્ય કરી જ ન શકે. ચાર ચાર મહિના થયા પાણી પણ પીતા નથી. ચોક્કસ આ જગતનો નાથ લાગે છે. ત્યારે વળી ચોથા યોગી બેલ્યા.

આપણને ઊપદેશક થઈને, તપની રીતિ બતાવે.. સાવચેત જોગીને રહેવું, માયા પાસે ન આવે ..

આપણને સાવધાન કરવા આવ્યા છે, કે યોગીઓ ધ્યાન રાખજો, માયા કયાંક ખેંચી જાય નહિ. ભરતજીની જેમ ભવાટિમાં ફેરવતા કરી દે નહિ, તેની સાવધાની રાખજો.

ભરતજીએ જરાક ગાફલાઈ રાખી તો મૃગલું થવું પડ્યું. હૈયામાં હરિને બદલે હરણ આવ્યું. હરિના સ્મરણને બદલે હરણનું સ્મરણ થયું તો બીજા જન્મે ભરતજીને હરણ થવું પડ્યું. માટે સાવધાન રહેજો.

બરાબર કારતક મહિનાની પ્રબોધિની એકાદશી આવી. સૂર્યનારાયણ દેવ માનવ રૂપે પધાર્યા. ચારે બાજુ તેજ તેજ છવાઈ ગયું. બે હાથમાં કમંડળ છે, માથે નંગ જડિત મુગટ, કરમાં કનક કડાં, બાંયે બાજુબંધ, કાને કુંડળ, તેજનાં પુજમાં સૂર્યનારાયણે દર્શન દીધાં. ત્યારે નીલકંઠવર્ણી બે હાથ જોડી નમસ્કાર કરતાં કહે છે,

સવિતા સન્મુખ ઊભા થઈને, કરે સ્તવન બ્રહ્મચારી,

જય જય ભાસ્કર દેવ દિવાકર, રશ્મિપતિ તમહારી રે..

બાલા બ્રહ્મચારી ઊભા રહ્યા તપ ધારી.

ભગવાને પગે લાગીને કહ્યું, "હે પ્રકાશના દેવ ! સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરનારા, આપના ઊદયથી જીવ પ્રાણી માત્ર સુખી થાય છે. દેવ, દાનવ, માનવ બધા તમને વંદન કરે છે. તમારો પ્રતાપ ગજબનો છે."

સૂર્યનારાયણ હસીને બોલ્યા, "પ્રભુ ! હું તમને ઓળખું છું, આપ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છો. મારા જેવું કાંઈ કામ હોય તો કહો." ત્યારે નીલકંઠવર્ણીએ કહ્યું, "હે ભાસ્કર ! તમે અમારા અંતરશત્રુથી રક્ષા કરજો, જેથી અમારું નૈષ્ઠિકવ્રત અખંડ રહે, અને જયારે અમે તમને સંભાળીએ ત્યારે દર્શન દેવા પધારજો."

ત્યારે સૂર્યનારાયણે હસીને કહ્યું, "પ્રભુ ! તમારામાં એકે દોષ હોય નહિ. તમારામાં અંતરશત્રુ કયારેય પ્રવેશ કરતા નથી.

આપ તો જગતના માલિક છો, પણ અમારા જેવા દેવને અને જગતના જીવ પ્રાણી માત્રને ઊપદેશ આપો છો. બાકી આપ તો નિર્લેપને નિર્વિકારી છો, મહારાજ."

સૂર્યનારાયણદેવ કહે છે, "તમે અમને મોટાઈ આપો છો. મારામાં જે પ્રતાપ છે, શકિત છે તે આપની જ આપેલી છે. છતાં પણ માગો છો તો આશીર્વાદ આપું છું કે, માગ્યા પ્રમાણે થશે." આટલું કહી સૂર્યનારાયણ અંતરધ્યાન થઈ ગયા, ભગવાન નીલકંઠવર્ણી તપની સમાપ્તિ કરીને ઊત્તર દિશા તરફ ચાલતા થયા, નિર્ભયપણે એકલા ભયંકર વનમાં ફરે છે.

-: સાત્ત્વિક તપની વ્યાખ્યા જુદી છે :-

શરીરનું તપ, વાણીનું તપ અને મનનું તપ તેની વ્યાખ્યા જુદી જુદી છે. શરીરનું તપ એટલે શું ? મા બાપની સેવા કરવી તે શરીરનું તપ કહેવાય. ગુરુ, ગરીબ, વડીલ, ગાયો આદિ જીવપ્રાણી માત્રની સેવા કરવી તે શરીરનું તપ છે. માંદા હોય કોઈ સંત તો પગ દબાવવા, સ્નાન કરાવવું, ભોજન જમાડવું, ચાલી ન શકતા હોય તો હાથનો ટેકો દેવો વગેરે સેવાને શરીરનું તપ કહેવાય છે.

પ્રભુની પૂજા કરવી, વિદ્વાનનું પૂજન કરવું, પવિત્રતા રાખવી, સરળતા રાખીને વડીલોનું સન્માન કરવું, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું, તેને પણ શરીરનું તપ કહેવાય. આસન જીતવું, આંખને જીતવી, હાથને જીતવા, દેહની ચંચળતાને તજી દેવી, તેને શરીરનું તપ કહેવાય છે.

હવે મનનું તપ સાંભળો, મનથી પ્રભુનું સ્મરણ કરવું, પ્રયોજન પૂરતું જોઈતું બોલવું, ખોટો બકવાસ કે દ્રોહ કરવો નહિ, મૌન રાખવું, સંયમ રાખવો, સંતોષ રાખવો, તેને મનનું તપ કહેવાય. શુદ્ધભાવથી, પ્રેમથી, શાંતિથી માનસી પૂજા કરવી, મનથી પ્રભુની લીલાનું સ્મરણ કરવું તેને માનસિક તપ કહેવાય.

હવે વાણીનું તપ સાંભળો. પ્રિય અને મધુરવાણી બોલવી, વિચારીને હિતકારી વાણી બોલવી તેને વાણીનું તપ કહેવાય. કીર્તન ગાવાં, ધૂન્ય કરવી, પ્રભુનો જયજયકાર કરવો તેને પણ વાણીનું તપ કહેવાય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવો, શાસ્ત્રોનું વર્ણન કરવું તેને પણ વાણીનું તપ કહેવાય છે.

શારીરિક તપ, માનસિક તપ અને વાચિક તપને સાત્ત્વિક તપ કહેવાય. સૂક્ષ્મ તપને સાત્ત્વિક તપ કહેવાય છે. ભગવાનને તપ બહુ વહાલું છે.

તપ જેવું વહાલું છે વાલમને, તેવું વહાલું નથી બીજું કાંઈ; વચનમાં રહી જે તપ કરે, તે પામશે સુખ સદાઈ.. તપ૦

નારાયણ વચનથી વિધિએ, આદરીયું તપ અનૂપ; તેણે કરી રમાપતિ રીજિયા, આપ્યો વર સારો સુખરૂપ.. તપ૦

લક્ષ્મીજીએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, અને કહ્યું માગો લક્ષ્મીજી આપની શી ઈચ્છા છે ? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, તમે મારા પતિ થાઓ. ભગવાને કહ્યું, તથાસ્તુ, પછી ભગવાને લક્ષ્મીજીને વક્ષઃસ્થળમાં વાસ આપ્યો. તપ ભગવાનને બહુ વહાલું છે. ચોમાસામાં શ્રીજીમહારાજે સ્વયં ધારણા પારણાનાં વ્રત કરેલાં છે. એકાદશી, પૂનમ, અમાવાસ્યા અને રામનવમી જન્માષ્ટમી વગેરે પવિત્ર તિથિના ઊપવાસ કરવા અથવા ફળાહાર કરવું તે પણ તપ છે. બે કોળિયા દરરોજ ઓછા જમવા, મિતાહારી થવું, તે પણ તપ છે. પોતે તપ કરે છે ને ભકતજનોને તપ કરાવાની આજ્ઞા આપે છે, કે તપ કરવાથી ઈંદ્રિયો કેન્દ્રિય થાય છે. સંયમ ભગવાનને બહુ વહાલો છે.