મંત્ર (૩૪) ૐ શ્રી સિધ્ધેશ્વરાય નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 6:59pm

મંત્ર (૩૪) ૐ શ્રી સિધ્ધેશ્વરાય નમઃ

શતાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ ! તમે સિધ્ધોના ઈશ્વર છો, જેણે સિધ્ધદશા પ્રાપ્ત કરી હોય તેને સિધ્ધ કહેવાય. સિધ્ધ કોઈનો નમાવ્યો નમે નહિ. એને પોતાની સિધ્ધિનું અભિમાન હોય. પણ પ્રભુ તમે એવા અનેક સિધ્ધોને નમાવ્યા છે અને તમારે શરણે લીધેલા છે. સિધ્ધ ગમે તે લોકમાં જઈ શકે, આ ને આ શરીરે ગમે તે ધામમાં જઈ શકે તેને સિધ્ધ કહેવાય.

દ્રાવિડ દેશનો અભિમાની મગ્નીરામ નામે એક સિધ્ધ હતો. તે યાત્રા કરવા નિકળ્યો તે ફરતો ફરતો જયાં દ્વારિકાધિશ બિરાજે છે તે દ્વારિકામાં આવ્યો. આગળ ઊંટ ઊપર નોબત વાગતી જાય, હાથી ઊપર સરસ મજાની અંબાડી, તેના ઊપર મખમલના ગાદી તકિયા ઊપર આ સિધ્ધ મગ્નિરામ બેઠો હોય, ઊપર સોનાનું છત્ર ચળકતું જાય, આજુ બાજુ એના શિષ્યો ચમર ઢોળે, નેકી પોકારે, અબ્દાગીરીવાળા ઉભા ઉભા છડી પુકારે, એના પડતા બોલને એના દાસ ઝીલી લે, રાજા મહારાજાઓ પાસે મન માન્યા પૈસા માગે, ન આપે તો એને સિધ્ધિથી હેરાન કરે. આવી રીતે બધા ધર્મગુરુને સતાવે.

સિધ્ધિનો ગર્વ બતાવે. સિદ્ધિનો આવો ઊપયોગ કરનાર સિદ્ધ ન કહેવાય. આવા સિદ્ધોને પોતાના જીવનમાં વિઘ્નો બહુ આવે. પણ જ્ઞાનયોગ અને ભક્તિયોગમાં કોઈ વિઘ્ન નથી, સહેલાઈથી એ મુકત ભગવાન સુધી પહાચી શકે છે. સિધ્ધિમાં આ મગ્નિરામ બરાબર ફસાયો.

એના પગમાં પાવલાં પણ એના શિષ્યો પહેરાવે, હાથી ઊપર બેસે ત્યારે એના શિષ્ય એનો હાથ ઝાલીને બેસાડે, ૩૦૦ શિષ્ય એના ભેગા ફરે. મગ્નિરામ બરાબર સિધ્ધિમાં ફસાઈ ગયો, હું કાંઈક છું ખરો !!! એવો એના મનમાં વટ. હું ધારું તે કરી શકું. હું ધારું ત્યાં જઈ શકું. દુનિયામાં મારા જેવો કોઈ સિધ્ધ નથી. આવું અભિમાન તેથી ભગવાનને ભૂલી ગયો. પોતે પોતાના ગર્વમાં ફર્યા કરે.

-: માટે તું એને શરણે જા :-

ફરતો ફરતો દિગ્વિજય કરતો કરતો પોરબંદરમાં આવ્યો. ત્યાં મઠાધિશ પાસે મનગમતા નાણાં માંગ્યા. ખૂબ ડરાવ્યા. નહિ આપો તો મારી નાખીશ. ત્યારે મઠના ગોસાઈજીએ કહ્યું, "અમારા જેવાં દેડકાંને શું ડારો દો છો !!! એમાં તમારી મોટાઈની શી ખબર પડે, ! પણ જો સ્વામિનારાયણને જીતો તો ખબર પડે." મગ્નિરામ કડકાઈથી બોલ્યો, "સ્વામિનારાયણ વળી કોણ છે ? પ્રભુ થઈ પૂજાય છે તે ! હમણાં જ એની પ્રભુતાઈ ઊડાડી દઉં, મેં ભલભલાને જીત્યા છે, તો સ્વામિનારાયણ જેવા મચ્છરિયાં શું હિસાબમાં ?"

લાલ પીળો થતો થતો આવ્યો માંગરોળમાં. પ્રભુ સ્વામિનારાયણ ભગવાન ભરી સભામાં બિરાજેલા છે. મગ્નિરામે લાંબો હાથ કરીને હાકોટાથી કહ્યું, "કયું જીવન મુકતા કા પંથ ચલાતે હો ! યદિ જીન્દા રહેને કી ઈચ્છા હો તો પાંચ હજાર રુપયે મેરે ચરણમ ધર દો, ઔર સબ લોગ મેરે શિષ્ય બન જાવ."

સ્વામિનારાયણ ભગવાને કહ્યું, "અમે ભગવાનના ચેલા થયા છીએ તો હવે તમારા કેમ થવાય ?" મગ્નિરામે કહ્યું, "કયું આપ મેરે સામે બોલતા હૈ... તુજે અભિ છિન્ન ભિન્ન કર દુંગા. કયા સમઝતે હો તુમ !" ખૂબ પડકાર કરવા લાગ્યો, ત્યારે પ્રભુએ કહ્યું, "તારાથી થાય તે કર."

ક્રોધ કરતો કરતો ગયો. દેવી પાસે જઈ બધી વાત કરી. દેવીએ કહ્યું, "તારી અક્કલ મરી ગઈ છે. જેને તું ફાવે તેમ બોલે છે, ચેલા થવાનું કહે છે, સ્વામિનારાયણ તો સાક્ષાત્ પરમાત્મા છે. એના ચરણમાં પડાય પણ ઝઘડા કરાય નહિ, મરી જઈશ. સામે ચડીશ તો નરકમાં પડીશ. વિચાર કર, તે ભેખ શા માટે લીધો છે ? જગતને વશ કરવા કે જગદીશને વરવા ! દેવીએ ખૂબ ઠપકો દીધો. અમારાથી તારો મોક્ષ નહિ થાય. મોક્ષના દાતા સુખના દાતા તો સ્વામિનારાયણ ભગવાન છે, માટે તું એમના શરણે જા."

આટલું કહી દેવી અદૃશ્ય થઈ ગયાં. વહેલી સવારે મગ્નિરામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો આવ્યો સભામાં. બધા ચમકી ગયા કે આ શું ? કાલે તો જેમ તેમ ગાળો દેતો હતો, બધાને બીવડાવતો હતો અને આજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો આવે છે ?

મગ્નિરામ પ્રભુના ચરણમાં ઢળી પડ્યો. પ્રભુ મને માફ કરો, મારી ભૂલ થઈ છે. હું તમને ઓળખી ન શકયો. આપ તો અધમ ઊદ્ધારણ છો. બાપજી ! હું કૃતઘ્ની છું, માયાનો જીવ છું, મને માફ કરો. સત્ય હકીકત મને દેવીએ સમજાવી છે.

પ્રભુ તુરંત પલંગપરથી એકદમ ઉભા થઈ બાથમાં ઘાલીને હૃદયે લગાડ્યા અને વાંસા ઊપર હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યા, "મોડા વહેલો જીવ શરણે આવ્યો ખરો." હાથમાં પહેરેલાં તાંબાનાં અને લોઢાંનાં કડાં, અને બાંધેલો દોરો કાઢીને ફકી દીધા, ચણોઠીની માળા ઊતારી નાખી, અને બે હાથ જોડી કહ્યું, "હે પ્રભુ ! મને હવે સાધુ કરો."

સુણી બોલિયા જન સુખદાની, તમે છો અતિશે અભિમાની ।

મારા નિર્માની સંત જણાય, તેમાં તમથી કેમ રહેવાય ? ।।

ત્યારે સંતોએ કહ્યું પ્રભુ ! જોઈ વિચારીને સાધુ કરજો. ગઈ કાલે કેવું બોલી ગયો છે ? શ્રીજીમહારાજે કહ્યું, "મારા સંતો નિર્માની અને તમો અભિમાની, બેયનો મનમેળ કેમ થશે ?" ત્યારે મગ્નિરામે કહ્યું, "પ્રભુ ! હું જેમ તમારા સાધુ રહે છે તેવી જ રીતે નિર્માની થઈને રહીશ." પછી દરરોજ મગ્નિરામ કથામાં આવે, સાધુના જોડા હોય ત્યાં બેસે, બીજા પૂછે મગ્નિરામ ! સોનાની અંબાડીમાં બેસનારો અને આજે જોડામાં બેઠો છે ? ત્યારે મગ્નિરામે સરસ જવાબ દીધો કે,

"સંતોના જોડાની રજ ઊડશે ત્યારે હું પવિત્ર થઈશ." ફરીથી મગ્નિરામે કહ્યું, "પ્રભુ ! મને સાધુ કરો, તમે જેમ કહેશો તેમ કરીશ." ત્યારે શ્રીજીમહારાજે કહ્યું.

જોડા સંતના એકઠા કરો, તેની ગાંસડી નિજશિર ધરો ।

સર્વે બેઠી છે સંત સભાય, તેને પાંચ પ્રદક્ષિણા થાય ।

ત્યારે પાપ તમારું જાય, ઘણા પીડ્યા છે રંક ને રાય ।।

"સંતોના જોડાનું પોટલું બાંધી, માથા ઊપર ઊપાડીને આ સભાને પાંચ પ્રદક્ષિણા ફરો." "ભલે મહારાજ !" પોટલું બાંધીને પાંચ પ્રદક્ષિણા ફર્યા, ત્યારે કુસંગીઓ કહે છે, "મગ્નિરામ આ શું કરો છો ? આતો હલકું કામ છે." ત્યારે મગ્નિરામે કહ્યું, "આ હલકું કામ નથી, આ તો ઊંચામાં ઊંચું કામ છે, શ્રેષ્ઠ સેવા છે, સંતનાં પગરખાં એ તો ભગવાનનાં પગરખાં બરોબર છે."

મારાં પાપ બધાં બળી જાશે, અંતરમાં અંજવાળાં થાશે.

આવી નિર્માનીતા જોઈને શ્રીજીમહારાજે મગ્નિરામને સાધુ કર્યા. નામ રાખ્યું "અદ્વૈતાનંદજી" સભામાં શ્રીજીએ કહ્યું, જેને કલ્યાણનો ખપ હોય તેણે મોટા આગળ માન રાખવું નહિ.

આવા તો અનેક સિધ્ધોને પ્રભુ સ્વામિનારાયણે સાચી રીત શીખવી છે, કોઈ દિવસ કોઈને નમે નહિ એવા સિધ્ધોના ઈશ્વર સ્વામિનારાય છે. તેથી શતાનંદસ્વામી સિધ્ધેશ્વરાયને નમે છે. સિધ્ધિઓ છે તે પ્રભુ સુધી પહોંચવા દેતી નથી, સિધ્ધિઓ ભગવાનાં ધામમાં જતાં આડી આવે છે, એને પ્રભુ પ્રેરે છે, મારામાં વધુ હેત છે કે સિધ્ધિઓમાં વધુ હેત છે ? એ જોવા માટે ભગવાન સિધ્ધિને મોકલે છે.

જે શૂરવીર ને એકાંતિક ભકત હોય તો તે સિધ્ધિમાં લોભાતા નથી, પ્રભુને મૂકીને મન કયાંય ડોલવા દેતા નથી. મોહક પદાર્થમાં જીવ બંધાઈ ન જાય તેની સાવધાની રાખવી, આ લોકનાં પદાર્થ છે તે ભગવાનને ભૂલાવનાર છે. ચેતીને ચાલજો, નહિતર જયાં હતા ત્યાં ના ત્યાં ભવમાં ફેરા ચાલુ રહેશે.

પૂનરપિ જનનં પુરપિ મરણં પુરપિ જનની જઠરે શયનમ્ ।

ઈહ સંસારે ખલુ દુસ્તારે, કૃપયા પારે પાહિ મુરારે... ભજ૦

ભજ ગોવિંદ, ભજ ગોવિંદ, ગોવિંદ ભજ મૂઢ મતે..

પ્રાપ્તે સન્નિહિતે મરણે નહિ નહિ રક્ષતિ ડુકૃઞ્ કરણે... ભજ૦

શંકરાચાર્યજી કહે છે, હે મૂઢમતે ! ભગવાનનું ભજન કરી લે, આ દુનિયામાં જે મારું મારું કરે છે તે કોઈ નથી, તારા સાચા સગા તો એક ભગવાન છે.