મંત્ર (૩૫) ૐ શ્રી સ્વતંત્રાય નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 7:05pm

મંત્ર (૩૫) ૐ શ્રી સ્વતંત્રાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે મહારાજ ! તમે સ્વતંત્ર છો. ધારો તે કરી શકો છો. કોઈને વશ વર્તતા નથી. તમે કોઈને આધિન નથી. સર્વ જગત તમને આધિન છે, સ્થાવર, જંગમ, અક્ષર, દેવ, દાનવ, માનવ બધા તમને આધિન છે. અનંતકોટિ બ્રહ્માંડનું શાસન કરનારા છો. હે પ્રભુ ! આખું જગત તમારા આધારે છે, પત્ની પતિને આધારે હોય છે, નોકર શેઠને આધારે હોય છે, શેઠ નગરપતિને આધારે હોય છે, નગરપતિ મંત્રીને આધારે હોય છે, મંત્રી, તંત્રી, દિવાન, પ્રધાન અને પ્રજાજનો બધા રાજાને આધારે હોય છે. ભગવાન કોઈને આધારે નથી તેથી સ્વતંત્રમૂર્તિ કહેલા છે.

જળ તેજને આધારે છે, તેજ વાયુને આધારે છે, વાયુ આકાશને આધારે છે, આકાશ ભગવાનને આધારે છે, પૃથ્વી શેષનારાયણ ભગવાનને આધારે છે. ભગવાન કોઈને આધારે નથી, સ્વતંત્ર છે.

શિશુમાર ચક્ર ધ્રુવમંડળને આધારે છે, ધ્રુવમંડળ ભગવાનને આધારે છે, તમામ જગતના દેવ, દેવીઓ પરતંત્ર છે, પરને વશ છે, પણ પ્રભુ ! તમે એક જ એવા છો કે તમે કોઈને વશ નથી, કોઈના આધારે નથી, સ્વયં તમારા જ આધારે છો, જે ધારો તે કરી શકો છો, તમે સ્વતન્ત્ર છો.

-: પ્રભુનો ટેકો સાચો :-

એક નાનકડાં ગામમાં બ્રાહ્મણ રહેતો હતો. તે પોતાના સાસરાના ગામથી પત્નીને તેડીને પોતાના ગામ તરફ આવતો હતો. પત્નીને શરીરે સૂંડલો ભરાય એટલા દાગીના હતા. આ બન્ને દંપતી વનની વાટે ચાલ્યાં આવે છે, સ્ત્રીના શરીર પર દાગીના જોઈને ઠગારાની દાનત બગડી, આને લૂંટવા જેવો લાગ મળ્યો છે. પછી સાધુના જેવાં કપડાં પહેરીને એમની સાથે ચાલતો થયો, પત્ની ચતુર હતી તેમને ખબર પડી ગઈ કે, આ સાધુ સંત નથી પણ ઠગારો છે. સાધુની આંખ નિર્મળ હોય, આની આંખમાં કપટ ને વિકાર દેખાય છે. સાધુ સંતની દૃષ્ટિ સ્થિર હોય અને આતો ચારે બાજુ ચક્કર વક્કર જોયા કરે છે.

ઠગારાની રૂબરૂમાં પતિને કાંઈ કહેવાય નહિ, હવે શું કરવું ? બ્રાહ્મણ બિચારાને કાંઈ ખબર નથી, તેથી ભગવાનની વાતો કરતા કરતા ચાલ્યા જાય છે. બ્રાહ્મણ પત્નીને થયું કાંઈ યુકિત કરવી પડશે, તેથી ધીરે ધીરે ચાલતાં પાછળ રહી ગયાં. પછી ઓચિંતાની જોરથી બૂમ પાડી, "વોયરે !!! મને કાંટો વાગ્યો." બૂમ સાંભળી બ્રાહ્મણ દોડી આવ્યો, "કયા પગમાં કાંટો વાગ્યો ? લાવ કાઢી દઉં," પત્નીએ કહ્યું, પગમાં કાંટો નથી વાગ્યો પણ કાળજામાં વાગ્યો છે. "પતિદેવ ! આ સાધુના વેશમાં ઠગારો છે, સાધુ નથી, ધૂતારો છે, માટે ચાલો આપણે પાછા વળી જઈએ, ચેતી જઈએ તો સારૂં, નહિતર આ ધૂતારા હેરાન કરશે." ઠગારાને થયું આ બે જણ શું વાત કરતાં હશે ? અમારી વાત કરતાં હશે તો ! ચોરને ચંદેણાં સુઝે, દોડીને નજીક આવ્યા, શું થયું કહો તો ખરા ?

ત્યારે બ્રાહ્મણે કહ્યું, "અમે અહિથી પાછા વળીને ઘરે જશું, પણ આગળ નહિ ચાલીએ." ત્યારે સાધુના વેશમાં ચોરે કહ્યું, "અમારા જેવા સાધુ ઊપર તમને વિશ્વાસ નથી ? આપણા બધાની વચ્ચે ભગવાન છે, પ્રભુનો ટેકો સાચો, બીજાનો ટેકો કાચો, અમે સંતો છીએ, સંતો તો પરહિતકારી હોય છે. માટે તમે બેફિકર રહીને ચાલો. હમણાં જ આપણા ગામે પહાચી જશું."

ભગવાનના ટેકાની વાત આવી એટલે દંપતીને થયું વાત સાચી કરે છે, એમ કરતાં ચાલતાં ચાલતાં દૂર વનમાં પહાચ્યાં, ત્યાં આ ઠગારાએ બ્રાહ્મણની છાતી ઊપર ભાર દઈને બ્રાહ્મણને મારી નાખ્યો. ત્યારે સ્ત્રી આજુ બાજુ જોવા લાગી, ત્યારે ચોરે કહ્યું, આજુ બાજુ શું જુઓ છો ? હવે કોઈ મદદ કરવા નહિ આવે, તારા દાગીના બધા આપી દે, નહિતર તને મારી નાખીશ."

ત્યારે બાઈએ કહ્યું, "આજુ બાજુએ જોઉં છું, કે તમે કહેતા હતા કે આપણા વચ્ચે ભગવાન છે, એ હજુ કેમ આવતા નથી ! દેખાતા નથી ! એના આધારે હું અહિ આવી છું." એમ કહી ઊંચા અવાજે રડતાં રડતાં પોકાર કર્યો.

સહજાનંદ શરણં મમ, સહજાનંદ શરણં મમ; સહજાનંદ શરણં મમ, સહજાનંદ શરણં મમ.

ત્યાં તો ભગવાન મદદમાં આવી ગયા. હણહણાટ કરતી માણકી ઉભી રહી. ચોર આભા બની ગયા. આ ઘોડેસવાર કોણ વનમાં પહાચી આવ્યો ? ભગવાને હાકોટો માર્યો, "અલ્યા પાપી, સાધુનો વેશ લઈ જગતને છેતરો છો ? આજે જીવતા ન મૂકું." જયાં નજર કરી ત્યાં ચોર લાકડાંની જેમ જડ બની ગયા, પૂતળાં જેવા અચેતન બની ગયા, બાઈ ખોળો પાથરીને પ્રભુને પગે લાગી, "હે દીનદયાળ ! ખરી વખતે તમે અમારી સંભાળ લીધી, નહિતર આ પાપીના હાથે મારું મોત થઈ જાત."

ભગવાને બ્રાહ્મણ ઊપર હાથ ફેરવ્યો, બ્રાહ્મણ જીવતો થયો. પછી દંપતી ઘેર ગયા. અને આખી જિંદગી ભજન કર્યું. અને અંતે ભગવાનના ધામને પામ્યાં.