મંત્ર (૩૬) ૐ શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 7:07pm

મંત્ર (૩૬) ૐ શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ

શતાનંદ સ્વામી કહે છે પ્રભુ ! તમે બ્રહ્મવિદ્યાને પ્રવર્તાવનારા છો. બ્રહ્મનો ધોધ વહેતો રાખવા માટે પાઠશાળાઓ બંધાવી અને મંદિરો બંધાવ્યાં, મંદિરો છે તે બ્રહ્મવિદ્યાની પાઠશાળા છે, તે પાઠશાળામાં ભગવાનની વિદ્યા ભણાવવામાં અને સમજાવવામાં આવે છે. બ્રહ્મવિદ્યા એટલે ભગવાન સંબંધી વિદ્યા, ભગવાનની જ્ઞાનકથા છે તે બ્રહ્મવિદ્યા છે. એ જ્ઞાન બીજી શાળામાં ન મળે. અલૌકિક વિદ્યા સાધુ સંતના મુખેથી જ સાંભળવા મળે. લૌકિક વિદ્યા આખી દુનિયામાં મળે, પણ અલૌકિક વિદ્યા તો સત્સંગમાંથી જ મળે.

-: બ્રહ્મવિદ્યા આત્માનું સાચું ધન છે :-

સાચા શ્રેષ્ઠ જ્ઞાની સંતો બ્રહ્મવિદ્યાના શિક્ષક છે. બ્રહ્મવિદ્યાનો સાગર સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં રેલાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે અનેક શાસ્ત્રોની રચના કરીને અમૃતનો દરિયો સત્સંગીના હાથમાં આપ્યો. આ અમૃતનું સદાય પાન કર્યા કરજો.

શિક્ષાપત્રીમાં આજ્ઞા આપી સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરજો, કેમ કે બ્રહ્મવિદ્યા છે તે આત્માનું સાચું ધન છે.

પરમાત્માના સંબંધવાળી વિદ્યાને બ્રહ્મવિદ્યા કહેવાય છે, સંસ્કૃત છે તે દેવ ભાષા છે, દિવ્ય અલૌકિક ભાષા છે, સંસ્કૃત ભાષા છે તે આપણી મા છે, માતૃભાષા છે. તેનો અભ્યાસ કરવો ખાસ જરૂરી છે. સંસ્કૃત ભાષા ટકશે, તો આપણી સંસ્કૃતિ ટકશે, સદાચાર ટકશે. તમે તમારા બાળકોને સંસ્કૃતના શ્લોક જરૂર શીખવજો ને તમે પણ શીખજો.

આચાર્યને પણ આજ્ઞા કરી છે કે, તમે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવજો. જગતમાં ચૌદ પ્રકારની વિદ્યા કહેલી છે, અક્ષિવિદ્યા, ધર્નુવિદ્યા વિગેરે. સમકાલીન આચાર્યોએ બ્રહ્મને જુદા જુદા સ્વરૂપે વર્ણવ્યા છે. આદિ ગુરુ શંકરાચાર્ય અદ્વૈત બ્રહ્મ કહે છે, વલ્લભાચાર્ય શુદ્ધ બ્રહ્મ કહે છે, નિંબાર્કાચાર્ય ભેદાભેદ બ્રહ્મ કહે છે, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત બ્રહ્મ કહે છે.

બધાએ જુદા જુદા સ્વરૂપે બ્રહ્મનું પ્રતિપાદન કરેલું છે, પોતપોતાના મત પ્રમાણે વર્ણવેલા છે. તે બધાના મત સાચા છે. કોઈના મતનું આપણને ખંડન કરવાનું નથી. મતતો બધાના એક છે, પરમાત્માના ચરણમાં પહાચાડવાનો. જેને ઠીક લાગ્યો તે માર્ગે તેઓ ચાલ્યા, પણ આપણો માર્ગ વિશિષ્ટાદ્વૈત માર્ગ છે. અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને પણ આપણને બધાને એ માર્ગે ચાલવાનું કહેલું છે. એ માર્ગ હિતાવહ છે.

સ્વામિનારાયણ ભગવાને અખંડ કથા કીર્તનના જ્ઞાનયજ્ઞ સદાય ચાલુ કરી દીધા, સંતો જ્ઞાન કથા એવી સરસ કરે કે ગામડાના ખેડૂત પણ સમજી શકે અને અભણ પણ સમજી શકે. વિદ્વાન સાંભળે તો વિચાર કરતો થઈ જાય. આવો બ્રહ્મવિદ્યારૂપી ગંગાજીનો પ્રવાહ ચાલુ રાખ્યો. આપણા ઊદ્ધવ સંપ્રદાયનાં બંધારણો અતિ સારાં છે. એક દિવસમાં પાંચ કથા થાય, પાંચ માનસીપૂજા થાય અને પાંચ વખત આરતી ઉતરે. કેવી અદ્ભૂત રીત ભગવાને પ્રવર્તાવી છે !

પાંચ કથાનો ક્રમ સાંભળો, પહેલી કથા સવારનાં પાંચ વાગે થાય, બીજી કથા સંતો જમ્યાબાદ સાડા અગ્યારે થાય, ત્રીજી કથા બપોર પછી પાંચ કે છ વાગે થાય, ચોથી કથા સંધ્યા આરતી પછી આઠ વાગ્યે થાય, પાંચમી કથા નિયમ ચેષ્ટા કર્યા પછી, બે વચનામૃત કાયમ બોલાય છે, આવી રીતે કથાનો પ્રવાહ શરૂ કર્યો.

બ્રહ્મવિદ્યા એટલે ભગવાન સંબંધી વિદ્યા આજે માણસો ભણે ઘણું પણ ભગવાનને ભૂલી જાય છે. જે ભણ્યા હોય તે વિદ્યાનો ઊપયોગ કેવળ વ્યવહારમાં જ કરે, પણ ભગવાનને અર્થે ન કરે. તમારી વિદ્યા ભગવાનને અર્થે જીવના કલ્યાણને અર્થે વપરાતી ન હોય તો એ વિદ્યાનો કોઈ અર્થ નથી. ભણ્યા તોય શું કામના ?

પહેલાંનાં લોકો ભલે ભણ્યાં નથી, પણ કીર્તન એવાં સરસ ગાય છે તે જાણે સાંભળ્યા જ કરીએ અને ભણેલાં બહુ ઓછાં કીર્તન શીખે છે, તો કીર્તન શીખવાં જોઈએ, કેવળ દેહને માટે જ વિદ્યાનો ઊપયોગ એમાં વળ્યું શું ? કાંઈક થોડું ઝાઝું ભગવાન માટી અને જીવ માટે કરવું જોઈએ ને ? સવારે નાહી ધોઈ પવિત્ર થઈને શિક્ષાપત્રી, વચનામૃત, નારાયણ કવચ, પ્રાર્થના અને જનમંગળ જરૂર વાંચવાં જોઈએ પૂજા પાઠ કાંઈ ન કરો તો ભણ્યા છતાં અભણ છો, અંતે સરવાળે શું ? મીડાં જ હોય ને ! આ જનમંગળની કથા જીવનમાં ઊતારવા જેવી છે.

પેટ તો કૂતરાં, ગધેડાં, પશુ, પક્ષી બધાં ભરે છે, એ કાંઈ મહત્ત્વની વાત નથી. મહત્ત્વની વાત તો એ છે કે શ્વાસોશ્વાસ રીધમ ચલાવનાર સર્વેશ્વર શ્રીહરિને સદાય યાદ કર્યા કરવા, એનું સ્મરણ કરવું એના ગુણ ગાવા તે.

સવારે ઉઠીને નાહી ધોઈને જમી લેવું તે શું માનવ જીવન છે ? પૂજા, પાઠ, દેવ, દર્શન, કથા, વાર્તા, કીર્તન કાંઈ નહિ કેવળ પેટ ભરવા માટે જ જીવે છે ? એવી રીતે તો કૂતરાં, ગધેડાં, સર્વે પશુ પક્ષી પોતાનું પેટ પોષે છે.યે કોઈ મહત્વકી બાત નહિ હૈ, મહત્વકી બાત તો યહી હૈ, જો સર્વેશ્વર પરમાત્માકી આજ્ઞા કે અનુસાર જિંદગી ચલાકે ભજન ભક્તિ કરે. ચિડિયાંભી અપને બચ્ચોકો દાના ખીલાતી હૈ, ઊસ્સે કયાં ? જીવનમાં પ્રભુ પરાયણતા અને ભક્તિનું સ્થાન હોવું જ જોઈએ.

કેવળ રોટલા માટેનું ભણતર હોય તો શું કામનું ? ભણતર ભગવાનને અર્થે કામમાં આવવું જોઇએ. જેના જીવનમાં સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન નથી, ભગવાનમાં પ્રીતિ નથી. પ્રભુમાં પ્રીતિ જગાવે એવો સત્સંગ નથી. અવિદ્યા અને અસત્ય મટાડે એવા સંતનું સાનિધ્ય નથી તો તે માણસ ભણેલો પણ અધુરો રહેશે.

જેને સત્ય સ્વરૂપ પરમાત્મામાં પ્રીતિ છે. આત્મા પરમાત્મા સંબંધી બ્રહ્મવિદ્યા છે તે જ ખરો ધનવાન છે, તે જ જ્ઞાની છે. ધન્ય છે રાજા જનકને કે, જેણે પરમાત્માનું શરણું લઇ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, જેની પાસે દુનિયાભરની સત્તા હોય, સંપત્તિ હોય પણ બ્રહ્મવિદ્યા નથી તો તેનું જીવન નકામું છે.

સત્સંગ છે તે ઇશ્વર પ્રાપ્તિની એક નિશાળ છે.

સાધારણ માણસ બોલે ત્યારે વાત થઇ જાય. પ્રોફેસર બોલે ત્યારે :- લેકચર થઇ જાય.

દેશના નેતા બોલે ત્યારે :- ભાષણ થઇ જાય અને સંતો બોલે ત્યારે :- સત્સંગ થઇ જાય.

અને સત્સંગ સુષુપ્ત આત્માને જાગૃત કરે છે.

સંત જયાંથી બોલે છે તે ઊંડાણમાંથી બોલે છે, મન બુધ્ધિથી પર પરમ ચૈતન્યમાં સ્નેહ કરીને બોલે છે, શુભ સંકલ્પ કરીને બોલે છે, પરમાત્માને સંભારીને બોલે છે. પામવા છે તેને પામવા માટે બોલે છે. સત્યનો સંગ કરવા માટે બોલે છે, સંત પ્રભુની મસ્તીમાં હોય ત્યારે દર્શન કરશો તો ખબર પડશે કે કેવા સુખના ખજાનામાં ડોલે છે.

બ્રહ્મ વિદ્યા મુકિત આપે છે, બ્રહ્મ વિદ્યાથી સંસાર સાગર તરાય છે. બ્રહ્મવિદ્યાને પ્રવર્તાવનારા એવા સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રણામ કરી શતાનંદ સ્વામી આગળ વધે છે.