મંત્ર (૮૨) ૐ શ્રી ભક્તવત્સલાય નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 8:33pm

મંત્ર (૮૨) ૐ શ્રી ભક્તવત્સલાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમો ભકતો ઉપર અતિશય વાત્સલ્ય ભાવ રાખો છો, તમને ભક્તજન બહુ વહાલા છે.’’ ગાયને વાછરડા ઉપર હેત છે. તેના ઉપરથી વાત્સલ્ય શબ્દ બન્યો છે. વત્સ એટલે વાછરડું. તેના પ્રત્યે જે લાગણી મમત્વ અને હેત છે એને વાત્સલ્ય કહેવાય. શતાનંદ સ્વામી દીકરા ઉપર જેમ માને હેત છે એમ નથી કહેતા.

માને દીકરા ઉપર સ્વાર્થ હોય, મોટો થશે અને મારી ચાકરી કરશે. ગાયને કોઈ સ્વાર્થ નથી. તાજી વીયાયેલી ગાય વાછરડા પાસે જાય તો, કેવી ભાવ વિભોર થઈ જાય ! આ વાછરડું મોટું થશે, મારી ચાકરી કરશે, આવો કોઈ સ્વાર્થ નથી, છતાં વાછરડાં ઉપર ગાયને અસાધારણ હેત છે, એના ઉપરથી વાત્સલ્ય શબ્દ બન્યો છે.

ભગવાન ભક્ત ઉપર હેત કરે છે. કેવું હેત કરે છે ? તો કહે જેમ ગાય વાછરડાં ઉપર હેત કરે છે, તેવી રીતે વાત્સલ્ય હેત વરસાવે છે અને ભક્ત પાસેથી કોઈ સ્વાર્થ નથી, કાતો જોઈતું નથી. ભગવાનને ભકતો બહુ વહાલા છે, તેથી ભક્ત વાત્સલ્ય છે.

-: પ્રભુએ મીરાંબાતને પોતાના સ્વરૂપમાં સમાવી દીધાં :-

ભક્ત ભગવાનને ન ભૂલે તો પણભગવાન ભક્તને ન ભૂલે હો. બાળક મા વિના રહી ન શકે, તેમ મા બાળક વિના રહી ન શકે. ભક્ત ભગવાનને અખંડ યાદ રહે, દરેક ક્રિયામાં ભગવાનને સાથે જ રાખે. ભગવાનમાં વૃત્તિ ન રહે તો ભક્ત કયારેક રડી પડે. ભગવાન શરદ પૂનમની રાત્રિએ ગોપી સાથે રાસ રમ્યા વૃદાંવનમાં, પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. દેખાતા બંધ થઈ ગયા તો ગોપીઓ ભગવાનના વિયોગમાં કેવા રડ્યા છે ? વનમાં ઝાડને પૂછે,“અમારા કેશવ દીઠા ?’’ મેવાડનાં મીરાબાત પ્રભુ વિયોગમાં ખૂબ રડ્યાં. ત્યારે પ્રભુએ માની જેમ તેડીને પોતાના સ્વરૂપમાં સમાવી દીધાં. દેહ છતાં મીરાબાઇ દ્વારિકાધીશમાં સમાત ગયાં. ભગવાન સ્વામિનારાયણ ગુજરાત જવા તયૈ સાર થયા ત્યારે લાડુબા અને જીવબુ સ્ત્રી ભક્તજનોની આંખમાં આંસુ આવી ગયાં, જીવુબા કહે છે,

પ્રભુ દૂર દેશાવર જાશો, ત્યાંના ભકતો તણા વશ થાશો; જશે સુખેથી દિવસો તમારા, જશે શી રીતે દિવસ અમારા. ?

જીવુબા કહે છે, “તમારા વિના અમારા દિવસ કેમ જશે ?” આમ કહીને બધાં બાતઓ રડી પડ્યાં, શ્રીજી મહારાજે કહ્યું, “બહેનો, ધીરજ રાખો અમે તમારાથી દૂર નથી જતા, તમારા અતરમાં મારું સ્વરૂપ પધરાવીને જાઉં છું, તમને મૂકીને મને જવું ગમતું નથી, તમારો ભાવ મને રોકી રાખે છે, છતાં પણ અનેકનાં કલ્યાણ કરવાનાં છે, તેથી મારે જવું પડશે. મારો અવતાર અનેકનાં કલ્યાણ માટે છે, એક જગ્યાએ રહી જાઉં તો, બીજાના મનોરથો પૂરા કેમ થાય ? તમે રડો નહિ, હું જલદી પાછો ગઢપુરમાં આવીશ, મને રાજીખુશીથી રજા આપો.’’

વાછરડાંને કોઈ દુઃખી કરે, હેરાન કરે, તો ગાય એવી હીંસોરે, એવા જોરથી ભાંભરે, ખીજાતને મારવા દોડ. તેમ ભક્તને કોઈ દુઃખી કરેતો પ્રભુ એવા દોડે. પ્રહ્લાદને એના બાપે દુઃખ દીધું તો પ્રભુ એવા એવા ખીજાતને દોડ્યા, હિરણ્ય કશ્યપુને ચીરી નાખ્યો ને ભક્તને બચાવી લીધો. લાડુદાનજીનાં માએ કહ્યું, “મારા લાડુને મા જેવા લાડ કોણ લડાવશે ? ”

ત્યારે શ્રીજી મહારાજે ભરી સભામાં કહ્યું, “લાલબા દેવી ! આજથી લાડુદાનજીની મા હું છું તમે જરાય ચિંતા ન કરો, એના બધા લાડ કોડ અમે પૂરા કરીશું” ત્યારે લાડુદાનજીએ તરત કીર્તન ગાયું.

ભરી સભામાં ભૂધરજી તમે થયા છો માડી મારી રે. બેટાને હેતે બોલાવો અવગણિયાં વિસારી રે...

અધમ ઉધ્ધારણ અવિનાશી તારા બિરૂદની બલિહારી રે. ગ્રહી બાહ્ય છોડો નહિ ગિરધર અવિચળ ટેક તમારી..

આ મંત્ર અદ્‌ભુત છે, ઘોડીયામાં નાનું બાળક સૂતું હોય અને એ બાળકની મા ઘરકામ કરતી હોય, પણ માતાનું મન બાળકમાં જ હોય છે. મા શાકભાજી લેવા જાય ત્યારે પણ સતત બાળકની ચિંતામાં જ હોય છે. મારું બાળક શું કરતું હશે ?  જાગ્યું હશે તો રડતું હશે. જલ્દી જલ્દી ઘરે આવે ને બાળકને જુએ ત્યારે એમ  થાય કે ..... હાશ મજાનું સૂતું છે ! માતાના મનમાં બાળકની ચિંતા છે, એજ પ્રમાણે ભગવાનને અખંડ ભક્તની ચિંતા છે, મારા ભકતો શું કરતા હશે ? માતાને બાળક પ્રત્યે જે પ્રેમ છે, વહાલ છે એના કરતા અનંત ઘણો પ્રેમ અને વાત્સલ્ય ભાવ ભગવાન પોતાના ભક્ત ઉપર રાખે છે.

-: અમે સરકારી માણસ છીએ, ડરશો નહિં. :-

ઉમરેઠના પરમ એકાંતિક નંદુભાઈ, અખંડ ભગવાનને યાદ કરે. એક વખત કામકાજ માટે ગોધરા ગામે ગયા. પાછા વળ્યા, એને એમ કે, હમણાં ઘેર પહોંચી જઈશ, બનવા યોગ... ભૂલા પડી ગયા. ઘોડીએ બીજો રસ્તો પકડી લીધો. રાત્રી ઘનઘોર, અચાનક ખાત આવી, ઘોડી ઊભી રહી ગઈ, ઘોડીથી નંદુભક્ત નીચે ઉતર્યા, જોયું તો રસ્તો ન મળે, ઘાટું જંગલ, હવે શું કરવું ? મુંઝાઈ ગયા.

કોઈ માણસ સાથે નથી. વળી અંધારી રાત.. તરત યાદ આવ્યું સંકટ સમયે હરિને યાદ કરવા. હૈયાના હેતથી શ્રીહરિને પોકાર્યા.

મારે એક આધાર તમારો, વહાલા આ સમે વહેલા પધારો; આવ્યા અલબેલો એહવાર, લઈ ભોજન નાના પ્રકાર.

અંધારી રાત્રે એક ટગમગતો દીવાનો પ્રકાશ દેખાય છે, ત્યાં કોઈ માણસ હશે એવું ધારી ત્યાં ગયા તો સિપાતના વેશમાં શ્યામળો બેઠા છે. ભગવાનને નંદુભાઈએ કહ્યું, “અંધારી રાતના આપ કોણ છો ?” “અમે સરકારી માણસ છીએ, ડરશો નહિ” એમ કહીને ઘોડાને ઘાસ નીર્યું ને નંદુભાઈને સુખડી જમવા આપી. ‘‘ભગત ! નિરાંતે જમો...’’ પછી પાણી આપ્યું ... ખાટલો ઢાળી દીધો. “ભગત ! તમે થાકી ગયા હશો. આ ખાટલા ઉપર સૂઓ’’... નંદુભાઈ સૂતા... ભગવાન સિપાતના રૂપમાં નંદુભાઈના પગ દાબે છે. ભગત ઘસઘસાટ ઊંઘી ગયા. સવારના પાંચ વાગ્યા, આછાં અજવાળાં થયાં ત્યારે ભગવાને કહ્યું, “ભગત ઊઠો, જુઓ ! આ સામે રસતો છે ને ત્યાંથી ચાલ્યા જજો, જરાય બીશો નહિ” આટલું કહી ભગવાન અદ્‌શ્ય થઈ ગયા.

ઘોડા પર સવાર થઈ પોતાને ગામે રવાના થયા. દિવસ ઉગ્યા ટાણું થયું, સામે માણસો મળ્યા “નંદુભાઈ ! અત્યારે વહેલા વહેલા આવો છો ?” “હા ભાઈ, જંગલમાં ચોકીવાળાનું થાણું છે ત્યાં રાત રોકાયો હતો” “શું કહો છો ? અહીં થાણું છે જ નહિ” ભગત પાછા વળ્યા જુએ તો કાંઈ ન મળે, ન મળે સિપાઈ અને ન મળે ખાટલો, ન મળે દીવો, ન મળે ચોકીથાણું ચોખું ચટ રણમેદાન છે, પણ ઘોડાની લાદ પડેલી દીઠી અને ઘાસ નાખેલું દીઠું.... નક્કી થઈ ગયું.

આ બીજો કોઈ નહિ પણ ચોક્કસ જગતનો નાથ. આંખમાં આંસુ આવી ગયાં, ચાલતા ચાલતા વડતાલ આવ્યા. ત્યાં શ્રીજીમહારાજ સભામાં બિરાજમાન છે. આજુ બાજુ સંતો અને ભકતો બેઠા છે. ત્યાં નંદુભાઈ આવીને પ્રભુને દંડવત પ્રણામ કરતા બાળકની પેઠે રડી પડ્યા. રડતાં જાય ને દંડવત કરતા જાય, દયાળુ દીનાનાથ તરત ઊઠીને દંડવત કરતા ભગતને નીચા નમીને બાથમાં લઈને ઊભા કર્યા, ભગત..... રાખો... રાખો... રડો નહિ.

-: આ તો સ્વામી સેવકનો નાતો છે. :-

મહારાજ ! રડું નહિ તો શું કરું ? જેની સેવા કરવી જોઈએ તેની પાસે મેં સેવા કરાવડાવી એ પાપમાંથી હું કયારે છૂટીશ ? પ્રભુ ! તમે મારા પગ દાબ્યા, કહેવું તો હતુંને ! ઓળખાણ દીધી હોતતો પગ દાબવા ન દેત. મને ગાંડાને કાઈ ખબર ન પડી મારી ભૂલને ક્ષમા કરો, પ્રભુ ! ક્ષમા કરો. ભગવાન છાતી સરખા ચાંપીને બોલ્યા “ભગત ! રડો નહિ. આતો સ્વામી સેવકનો નાતો છે, ગુરુ શિષ્યનો નાતો છે.”

“અરસ-પરસ એક બીજાની સેવા કરવાનો સર્વેનો ધર્મ છે, તમે દરરોજ અમારી સેવા કરો છો. જમાડો છો અને માનસી પૂજામાં પગ દબાવો છો, અર્ચન, વંદન, પૂજા-પાઠ બધું પ્રેમભાવથી કરો છો, તમે દરરોજ મારી સેવા કરો તો હું એક દિવસ શું ન કરૂં ? મને ખટકો હતો, કયારે મોકો મળે અને મારા ભગતના લેણાંમાંથી છૂટું. ભગત જરાય રડશો નહિ અને મૂંઝાશો નહિ. ચાલો આપણે ભેગા બેસીને જમી લઈએ.” ભગવાને ભાવથી ભક્તને જમાડ્યા... પછી તેમને સંતોષ પૂર્વક ઉમરેઠ જવાની આજ્ઞા આપી. ભગવાન આવા ભક્ત વત્સલ છે, ભગવાન અતિ દયાળુ છે. આપણી તમામ જવાબદારી નિભાવે છે.”