મંત્ર (૮૩) ૐ શ્રી અરોષણાય નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 8:58pm

મંત્ર (૮૩) ૐ શ્રી અરોષણાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમે અરોષ છો, જેમાં રોષ ન હોય તેને અરોષ કહેવાય. રોષ રાખતા નથી એવા નિર્દોષ સ્વભાવના છો. માનવના શરીરમાં નખથી શિખા સુધી રોષ ભરેલો હોય છે, જરાક મનગમતું કરવા ન મળે તો મગજ છટકી જાય અને તેથી વધારે રોષે ભરાય તો મારવા મંડી પડે”

મહારાજ ! તમારા સામે રઘુનાથદાસે ખૂબ ટસર લીધી છતાં તમે શાંત રહ્યા, વનવિચરણ વખતે અનેક આસુરી પ્રકૃત્તિ વાળા તમોને ન બોલવાનું બોલ્યા છતાં તમે ઝાઝું બોલવામાં માલ નહિ એ સૂઝ પ્રમાણે વર્તીને શાંત રહ્યા, પણ રોષ રાખ્યો નહિ.

-: સાચી બુદ્ધિ ક્રોધથી ઢંકાઈ જાય છે :-

શિશુપાળે તમને સો ગાળો દીધી તો પણ તમે જરાય ખીજાયા નહિ. છેવટે એને તમે મુક્તિ આપી એવા દયાળુ છો. ભગવાને જેને માર્યા તેને તાર્યા છે અને પોતામાં સમાવી લીધા એવા દયાળુ છે. સમજાવીને શરણે લો છો. પ્રભુ ! તમે જીવ પ્રાણી માત્રના પિતા છો, અજ્ઞાનીઓ તમારો વિના કારણે સમજ્યા વિના દ્રોહ કરે છે, છતાં તમે હસતે મુખે સહન કરો છો, જરાય રોષ નથી રાખતા. રોષ છે તે આત્માનો મોટો શત્રુ છે. ક્રોધને કારણે બધા દુઃખી થાય છે. તમારી તચ્છા હોય કે મારે આ ખાવું છે અને એ ન મળે એટલે તરત જ ક્રોધ આવી બેસે, ક્રોધ બહુ ભયંકર છે. જેમ બહુ ધુમાડાથી અગ્નિ દબાઈ જાય છે. જેમ બહુ મેલ ચડવાથી દર્પણ દબાઈ જાય છે, એ જ રીતે માણસનું તમામ જ્ઞાન, તમામ સમજણ ક્રોધથી ઢંકાઈ જાય છે અને શાંતિનું નામ નિશાન રહેતું નથી. ક્રોધરૂપી ચોરને ઓળખો ! એ જ્ઞાન, સમજણ, દયા,શાંતિ,સંપની ચોરી કરી જાય છે, ચોરને ઓળખતાં શીખો. જ્યારે ગુસ્સો ચડે તયારે મૌન રાખશો તો ગુસ્સો એકદમ ઓસરી જશે. ક્રોધને એમ થશે. આ મને ઓળખી ગયો છે, મૌનનો મહિમા ઘણો છે. એક ભક્ત હતા તેનું નામ કાનજીભાઈ. પણ નખથી શિખા સુધી કાયમ ક્રોધ ભરેલો જ હોય. વાતની વાતમાં બાઝી પડે, બહુ જ તીખો મરચા જેવો સ્વભાવ.

એક દિવસે વાડીએ જાય છે, ઉતાવળી ચાલ તેથી જાય દોડ્યા, રસ્તામાં બોરડીના ઝાંખરા ચોટ્યા કપડામાં તો ખેંચીને કપડા ચીરી નાખ્યા. બીજા દિવસે બોરડીને જળમૂળથી કાઢી નાખી. એક વખત ગાડાની તશ વાગી ગઈ તો ગાડાને બટકાં ભર્યાં. મોઢામાં લોહી નીકળ્યું દાંત પડી ગયા. બધા કહે ડાચાં ન ભરાવો, નકામા તમે હેરાન થાશો, તો એની પત્નીને ચોંટે, બેસ રાંડ, બકબક ન કર. ઘરનાં બધાં કાનજીભાઈથી ફફડે. કોઈ બોલાવી ન શકે, કૂતરાં પણ બીવે. ખબર પડે કાનજીભાઈ આવે છે તો ઉઠીને ભાગી જાય. એમ કરતા એના ગામમાં ગુણાતિતાનંદ સ્વામી પધાર્યા.

ત્યાં આ કાનજીભાઈ અવાર-નવાર સત્સંગ કરવા જાય, કથામાં બેસે, સંતોને પગે લાગે, સંત દર્શનથી મગજમાં શાંતિ થવા લાગી, પછી તો મજાની પૂજા કરે, પ્રદક્ષિણા કરે, સંત સાથે હેત થવાથી એનામાં સંતના ગુણ આવવા લાગ્યા. સંસારની આશક્તિ ઓછી થઈ તેથી સાધુ થવાની તચ્છા થઈ, આવ્યા ગઢપુર. શ્રીજી મહારાજની પ્રાર્થના કરી, મને સાધુ કરો ! ‘‘પ્રભુએ કહ્યું’’ સાધુ કરીએ છીએ પણ.

-: તમારા ગુરુ કોણ થાશે ? :-

કોઈ તમારી જવાબદારી લે, તો કરીએ, સભામાં શ્રીજી મહારાજે કહ્યું “કાનજીભાઈના કોઈક ગુરુ થાવ ! બધા સંતોને એના સ્વભાવની ખબર છે કે આ તો સર્પ જેવો ખારો છે, માર કૂટ કરે તો આપણી મજા ઉડાડી દે તેથી કોઈ બોલ્યા નહિ કે, હું ગુરુ થઈશ, હવે શું કરવું ?

ત્યારે શ્રીજીમહારાજે ભરી સભામાં કહ્યું “મુકતાનંદસ્વામી સત્સંગની મા છે, માને જેવો હોય તેવો દીકરો સાચવવો પડે, કમાતો ન હોય, જેમ તેમ બોલતો હોય, તોય મા કયાં નાખી દે ! મા ને સાચવવો જ પડે. મુકતાનંદસ્વામી જરૂર આ કાનજી ભગતને સાચવશે.’’ સ્વામીએ કહ્યું ભલે, આપની આજ્ઞા હોય તો જરૂર સાંચવીશ”

કાળમીંઢ પથ્થર જેવા જીવને સ્વામી ગાળીને પાણી જેવો નિર્મળ બનાવી દે એવી શક્તિ છે. મુકતાનંદસ્વામીને આવા માણસની ઘડતર કરવી બહુ કઠણ છે, તેથી થોડાક દિવસો સુધી ધોળે કપડે રાખ્યા.

સંત પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પતરૂ સાર સમાગમ સંતનો.

એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય. સમાગમ૦

એક પારસ લોહને કુંદન કરે, સો વરસે લોહ નવ હોય. સમાગમ૦

સંતો પારસમણી જેવા છે, લોઢાને કચંન બનાવે છે, આવેશ જન્ય પ્રકિૃત્ત બદલાઈ ગઈ. શાંત સ્વભાવ થઈ ગયો. પછી સાધુ કર્યા નામ રાખ્યુ નિર્માનાનંદ સ્વામી એક વખત નિર્માનાનંદ સ્વામી વડતાલ આવ્યા. ત્યારે એક ખીલીમાં એણે પોતાની ઝોળી લટકાવી, બીજા સાધુ કહે “આ ખીલી મારી છે. ઉપાડો તમારી ઝોળી, બીજી ખીલીએ ટીંગાળો” ત્યાંથી ૮-૧૦ વાર ઝોડી ઉપડાવી પણ જરાય ગુસ્સો ન આવ્યો. સાધુએ એની પરીક્ષા લેવા ઝોળી ફેંકી દીધી, છતાં પણ નિર્માનાનંદને જરાય ક્રોધ ન આવ્યો, જેને સેવે તેના જેવા ગુણ તેમાં આવે.

સ્વામી મુકતાનંદજીની સેવા કરે, પગ દાબે, જમવાનું બનાવી દે, પૂજા-પાઠની તૈયારી કરે, જોતતું કરતું બધું કરી આપે, સ્વામીની અનુવૃત્તિ ખૂબ સાચવે. પથ્થરને પીગળાવી દીધો અને એના જીવનને ધન્ય બનાવી દીધું. સાચા સંતોથી અનેક જીવના કાર્ય સરી ગયાં છે. ભગવાન કોઈ ઉપર રોષ રાખતા નથી અને  ભક્તજનોને ઉપદેશ આપે છે કે કોઈ ઉપર રોષ રાખતા નહિં.