પ્રાણી એળે આવરદા જાય રે. મનમાં વિચારી (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:21pm

રાગ ગરબી

પદ - ૧

પ્રાણી એળે આવરદા જાય રે. મનમાં વિચારી.

તારી બુદ્ધિ ફરે છે કયાંય રે. મનમાં. ૧

આજ અમૂલ્ય અવસર જાય રે. મનમાં.

શીદ ખોટ ખરી તું ખાય રે. મનમાં. ૨

મણી પારસ જાય ગુંજા પાડ રે. મનમાં.

મેલી મારગ ચાલ્યો ઉભી વાટ રે. મનમાં. ૩

હૈયે ધારી નહિ સંત શીખ રે. મનમાં.

બહુ ફોલી ખાધાં ફલ વિખ રે. મનમાં. ૪

સમજી શકયો નહિ સુખ પેર રે. મનમાં.

તેંતો જાણી ખાધું જઈ ઝેર રે. મનમાં. ૫

શીદ જાણીને જાય જમ હાથ રે. મનમાં.

દાસ કહે છે બદ્રિનાથ રે. મનમાં. ૬

 

પદ - ૨

જીવ જોયું નહિ તેં જાગી રે. નરતન પામીને.

ખોયો જન્મ એળે અભાગી રે. નરતન. ૧

નાત જાત માંહી થયો મોટો રે. નરતન.

ખરી રહેણી માંહી તો ખોટો રે. નરતન. ૨

શીખ્યો સંસાર તણી બહુ રીતી રે. નરતન.

બોલે ખોટું ને કરે અનીતી રે. નરતન. ૩

સહુએ કહ્યો બુદ્ધિવાન રે. નરતન.

આવ્યું તેનું અતિ ઘણું માન રે. નરતન. ૪

લઈ લોકતણો શિરભાર રે. નરતન.

કરે કર્મ કુડાં ગમાર રે. નરતન. ૫

બદ્રિનાથનો શ્યામ વિસારી રે. નરતન.

ગયો જીતી બાજી તું હારી રે. નરતન. ૬

 

પદ - ૩

બેસી ચોરે ચતુર થઈ બોલે રે. મનમાં ફુલીને.

થઈ ડાહ્યો ને નાતમાં ડોલે રે. મનમાં. ૧

પીએ હોકો ને અમલ ખાય રે. મનમાં.

પીએ નહિ તેને જોરે પાય રે. મનમાં. ૨

કરી કરજ કરે મોટાં કાજ રે. મનમાં.

પુન્ય ટાંણે પાડે તે નાજ રે. મનમાં. ૩

બહુ બોલીને બળ દેખાડે રે. મનમાં.

રૂડી પોતીયે પાટલી પાડે રે. મનમાં. ૪

પાઘે પેંચ પાડીને લાવે તાલ રે. મનમાં.

ચાલે છાતી કાઢીને ચાલ રે. મનમાં. ૫

ગયું જોબન આવી જરા માથ રે. મનમાં.

ચેત ચેત કહે બદ્રિનાથ રે. મનમાં. ૬

 

પદ- ૪

મુવા લગી ચેત્યો નહિ મન રે. હરિને વિસારી.

કર્યું નહિ જીવનું જતન રે. હરિને. ૧

રૂડા સંત પાસે નવ જાય રે. હરિને.

ભાંડ ભવાઈમાં તૈયાર થાય રે. હરિને. ૨

પર નિંદા માંહી મન માલે રે. હરિને.

કેદી માળા હાથે નવ ઝાલે રે. હરિને. ૩

કામ હરામમાં હેત રાખે રે. હરિને.

ભૂલે નામ હરિનું નવ ભાખે રે. હરિને. ૪

ગ્રામ ગપોડામાં દિન ખૂવે રે. હરિને.

હરિ કથા સાંભળતાં સુવે રે. હરિને. ૫

બદ્રિનાથ કહે તુને એમ રે. હરિને.

મુવા પછી કરીશ તું કેમ રે. હરિને. ૬

Facebook Comments