૮૩ ધોળકામાં મૂર્તિપ્રતિષ્ઠા કરી, ત્યાંથી ગઢપુર ગયા, ત્યાંથી ધોલેરામાં મૂર્તિપ્રતિષ્ઠા, ત્યાંથી કારીયાણી થઈ ગઢડા પધાર્યા, ત્યાંથી ગાલોળ થઈ વડાળા ને જુનાગઢમાં મૂર્તિઓ પધરાવી.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:11pm

અધ્યાય ૮૩

પછી મહારાજ જાગૃત થઇને જળપાન કરી ઢોલિયે બિરાજ્યા. પછી મહારાજે વાર્તા કરી જે, અમારે ગઢપુર જવું છે. તે વખતે ધોળકાથી રેવાશંકર આદિ ભક્તજનોએ મહારાજ પાસે આવીને દંડવત્‌ પ્રણામ કરીને હસ્ત જોડીને મહારાજની પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમારા પુરમાં મંદિર તૈયાર થયું છે. માટે તમો કૃપા કરીને ત્યાં આવો. અને દેવ પધરાવીને અમારો મનોરથ પૂર્ણ કરો. ત્યારે મહારાજે કહ્યું જે, મૂર્તિઓ પધરાવવાનું મુહૂર્ત જોયું છે ? ત્યારે રેવાશંકરે કહ્યું, હા મહારાજ ! અમોએ ત્યાંના જ્યોતિષ શાસ્ત્રને જાણનાર બ્રાહ્મણોને પૂછીને તે મુહૂર્ત સંવત્‌ ૧૮૮૨ના વૈશાખ વદિ ૫ નું નક્કી કરેલ છે, માટે તમો ત્યાં આવી અમારા મનોરથ પૂર્ણ કરો. આવી રીતનાં વચનો સાંભળીને ભક્તવત્સલ ભગવાને કહ્યું જે, બહુ સારું. અમે ત્યાં આવીને પ્રતિષ્ઠા કરીશું. એમ કહીને તત્કાળ જવાની ઇચ્છા કરી. તે સમયે તરત જ રથ જોડાવીને રથમાં બેઠા અને સર્વે સંતો હરિભક્તો સહિત વડતાલથી ચાલ્યા. અને માર્ગમાં આવતાં જે ભક્તજનોના ગામો આવે તેમાં ભક્તોને દર્શન દઇને અને તેમણે કરેલી પૂજાને અંગીકાર કરીને સર્વને આનંદ પમાડ્યા. આવી રીતે મહારાજ માર્ગમાં ભક્તોને આનંદ આપતા થકા વૈશાખ વદિ ત્રીજને દિવસે ધોળકા પધાર્યા, ત્યાં રેવાશંકર વિપ્રને ઘેર નિવાસ કર્યો.

ત્યાંના સર્વે હરિભક્તોએ સંત મંડળે સહિત મહારાજની પ્રેમપૂર્વક ઘણીક પૂજા કરી અને ધોળકાના ભક્તજનો ભારે ભારે સામગ્રી લાવ્યા હતા તેણે કરીને મૂર્તિઓનો પ્રતિષ્ઠા મહોત્સવ કરવા લાગ્યા. વૈશાખ વદી પાંચમના રોજે શુભ મુહૂર્ત વર્તતાં મંદિરમાં જેવી રીતે વડતાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો તેવી જ રીતે વિધિ કરીને મૂર્તિઓની સ્થાપના કરી. મધ્ય મંદિરમાં મુરલીમનોહર દેવનું સ્થાપન કર્યું. તેની જમણી બાજુ પોતાની મૂર્તિ પધરાવી. અને ડાબી બાજુ રાધિકાજીની મૂર્તિ પધરાવી. આવી રીતે દેવ પધરાવીને મોટો ઉત્સવ કર્યો. અને બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવીને દક્ષિણાઓ આપીને આનંદ પમાડ્યા. આવી રીતે મહોત્સવ મોટા ચક્રવર્તી રાજાઓથી પણ ન થાય તેવો મોટો મહોત્સવ કર્યો. અને સાતમને દિવસે સંપ્રદાયના અનુસારે સર્વે પૂજાની વ્યવસ્થા કરી.

પછી સર્વે હરિભક્તોને આનંદ પમાડી આજ્ઞા લઇને સર્વે સંતો બ્રહ્મચારીઓએ સહિત શ્રીજી મહારાજ ત્યાંથી ગાજતે વાજતે ચાલ્યા તે ગઢપુર પધાર્યા. પછી ત્યાં ઢોલિયે બિરાજ્યા. રાત્રિના થાળ જમીને પોઢી ગયા. સવારે વહેલા ઊઠીને નિત્યવિધિ કરીને થાળ જમ્યા. પછી સભામાં બિરાજ્યા તે વખતે ધોલેરાથી પૂંજોભાઇ આવ્યા તેમણે મહારાજને કહ્યું જે મહારાજ ! અમારે ત્યાં મંદિર કરવું છે.

પછી તે સમયે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા અને તેમના મંડળને ધોલેરા મંદિર કરવા મોકલ્યા. અને થોડા દિવસમાં મંદિર પૂરું થઇ ગયું. તે ખબર લઇને પૂંજોભાઇ મહારાજને બોલાવવા માટે ગઢપુર આવ્યા અને કહ્યું જે, હે મહારાજ ! ધોલેરામાં મંદિરનું સર્વ કામ તૈયાર થઇ ગયું છે. માટે તમો મૂર્તિઓ પધરાવવા આવો. તે સાંભળીને સર્વે સંતો તથા બ્રહ્મચારીઓ અને પાર્ષદોને કહ્યું જે, આપણને પુંજાભાઇ ધોલેરાથી મૂર્તિઓ પધરાવવા માટે બોલાવવા આવ્યા છે. તે સંવત્‌ ૧૮૮૨ના વૈશાખ સુદ તેરસને રોજે મુહૂર્ત છે, એમ વાત કરી ત્યારે સર્વે સંતો પાર્ષદો તૈયાર થઇને ગાજતે વાજતે ચાલ્યા તે માર્ગમાં જે જે ગામો આવ્યાં તે તે ગામના હરિભક્તોને દર્શન દઇને સર્વેના મનોરથ પૂર્ણ કરતા ગામ ધોલેરા પધાર્યા. અને ગામમાંથી સામૈયું આવ્યું તે ગાજતે વાજતે મંદિરમાં પધાર્યા. અને ત્યાં સર્વે હરિભક્તોએ આવીને મહારાજનાં દર્શન કર્યાં. અને મહારાજે મદનમોહનદેવની મૂર્તિ જોઇને તેના ઉપર હાથ ફેરવ્યો અને પછી વેદિકા પાસે ઢોલિયે બિરાજ્યા. અને ચાર વેદો બ્રાહ્મણને રૂપે મહારાજ ભેળા આવેલા હતા. તે મૂર્તિઓના કામમાં ભળ્યા. જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય થયો ત્યારે મહારાજ મૂર્તિની પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, મૂર્તિઓ ઉપાડીને મંદિરમાં લઇ ચાલો પછી મદનમોહન અને રાધિકાજીની મૂર્તિઓ મંદિરમાંલાવીને સ્થાપના કરી.

પછી વસ્ત્રો ઘરેણાં ધરાવીને ફુલના હાર પહેરાવીને આરતી ઉતારીને ભેટ મેલવા માંડી. પછી શ્રીજી મહારાજે અને રઘુવીરજી મહારાજે શેલાં પાઘડીઓ લાવીને વરુણીમાં બ્રાહ્મણો વર્યા હતા તેમને અપાવ્યાં. અને ખોબા ભરીને રૂપિયા આપ્યા. બીજા બ્રાહ્મણોને બે બે રૂપિયા આપ્યા. પછી મહારાજ થાળ જમવા પધાર્યા. ત્યાં હસ્તકમળ તથા ચરણકમળ મુખારવિન્દ ધોઇને કોગળા કરીને જમવા બિરાજ્યા. અને મુખવાસ લઇને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. તે સર્વ સંતોને પીરસીને હાથ ધોયા.

પછી મહારાજ સંતો વર્ણી અને પાર્ષદો સાથે ચાલી નીસર્યા અને ગામના સીમાડેથી સાથે વળાવવા આવેલા સત્સંગીઓને પાછા વાળ્યા ને પોતે સંતો સહિત કારીયાણી પધાર્યા. ત્યાંથી ગઢડા પધાર્યા. ત્યાં સભા કરીને બિરાજ્યા. તે સમયે જુનાગઢથી ભગોભાઇ આવ્યા. અને મહારાજને અરજી કરી જે, હે મહારાજ ! જુનાગઢમાં મંદિર માટે જમીન લીધેલ તૈયાર પડી છે. તે સાંભળીને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, તમે તમારું મંડળ લઇને સવારમાં જુનાગઢ મંદિર કરાવવા માટે જાઓ. તે વાત સાંભળીને સ્વામી સવારમાં નાહી ધોઇ અને પૂજા પાઠ કરીને તથા જમીને મહારાજ પાસે આવીને દંડવત્‌ કર્યા. ત્યારે મહારાજ સર્વે સંતોને મળ્યા. અને પુષ્પના હાર પહેરાવ્યા ને સ્વામી પોતાના મંડળને લઇને ચાલ્યા તે જુનાગઢ ગયા. અને થોડા જ દિવસોમાં મંદિરનું સર્વે કામ પુરૂં થયું. તે વાતની ખબર લઇને ભગાભાઇ મહારાજ પાસે ગઢપુર આવ્યા.

અને મહારાજને દંડવત્‌ કરીને હાથ જોડી વિનંતી પૂર્વક કહેવા લાગ્યા જે, હે મહારાજ ! મૂર્તિઓ પધરાવવા માટે જુનાગઢ પધારો, તે સાંભળીને મહારાજે સર્વે સંતો, બ્રહ્મચારી, પાળા અને કાઠી સવારોને કહ્યું. આપણે જુનાગઢ મૂર્તિઓ પધરાવવા જવું છે. તે સવારમાં વહેલા સાબદા થાઓ. ત્યારે તે સર્વે સવારમાં નાહી ધોઇને પૂજાપાઠ કરી મહારાજ પાસે આવ્યા અને મહારાજ નિત્યવિધિ કરીને થાળ જમીને તૈયાર થયા. અને ગઢપુરથી વાજતે ગાજતે ચાલ્યા તે માર્ગમાં આવતાં ગામોમાં રહેલા પોતાના ભક્તજનોને આનંદ પમાડતા અને તેમના મનોરથ પૂર્ણ કરતા થકા શ્રીજી મહારાજ ગામ ગાલોળ આવ્યા. અને નદીના સામે કાંઠે આવીને ઘોડીએથી ઉતરીને વડ હેઠે ઢોલિયે બિરાજ્યા. અને ગામના માવો પટેલ રસોઇનો સર્વ સામાન લાવ્યા. તેથી સંતોએ તથા બ્રહ્મચારીઓએ રસોઇ તૈયાર કરી અને મહારાજનો પણ થાળ તૈયાર થયો, મહારાજ જમવા બેઠા અને જમી જળપાન કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. પછી કાળા મકવાણાને બોલાવીને કહ્યું, તમો જુનાગઢ જાઓ, અને બ્રહ્માનંદ સ્વામીને ખબર કરો.

પછી તે મહારાજને પગે લાગીને ઘોડીએ સવાર થઇને ગયા, અને બ્રહ્માનંદમુનિને મહારાજ આવે છે. તે વિષેની તમામ માહિતી આપી. પછી બ્રહ્માનંદ સ્વામીએ તેને મહારાજની વધામણી કરી તે બદલ ભારે શેલું બંધાવ્યું.

પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે ગામ વડાળા આવીને ઉતર્યા. ત્યાંથી ચાલ્યા તે લોલ નદી ઉતરીને સોનરેખ નદીએ આવ્યા. ત્યાંથી ગગોભાઇ અને બીજા સત્સંગીઓ સામા આવ્યા અને દંડવત્‌ કર્યા.

પછી ગગાભાઇએ ફૂલના હાર પહેરાવ્યા અને બ્રહ્માનંદ સ્વામી પોતાના મંડળ સહિત આવીને મહારાજને દંડવત્‌ કરીને મળ્યા. મહારાજે સ્વામીને હાર આપ્યો. અને મહારાજ દિવાનખાના પાસે આવ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે ઘોડીએથી ઉતરો. ત્યારે મહારાજ ઉતરીને મંદિર પાસે આવ્યા. ત્રણે મંદિર પાસે ઊભા. સંતો, પાળા અને બ્રહ્મચારીઓને મળ્યા. રત્ના કડીઆ આદિક સત્સંગીઓ પણ મહારાજના ચરણનો સ્પર્શ કરીને પગે લાગ્યા ને પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનો હાથ ઝાલીને ત્રણે મંદિરમાં ફેરવ્યા.

પછી મંદિરથી ઉગમણી કોરે ઓટા ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજ્યા. સંતો, સત્સંગીઓએ ફૂલના હાર લાવીને મહારાજને પહેરાવ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, તમારી પાસે જે પૂજા આવે તે અમારા કોઠારીને અપાવો. કાળવા નદીના પથ્થર સર્વ સંતો હરિભક્તો પાંચ પાંચ ફેરા લાવે એવી આજ્ઞા કરો.

પછી થાળ થયો તે જમવા પધાર્યા. પછી મહારાજે રત્ના કડીઆ આદિને ફૂલના હાર આપ્યા. પછી ઉતારે જઇને જળના કોગળા કરીને ઉપરણી ઓઢીને થાળ જમવા બિરાજ્યા, તે જમી જળપાન કરી મુખવાસ લઇને સર્વ સંતો તથા પાળાની પંક્તિમાં લાડુ પીરસવા લાગ્યા. તે તાણ કરતા જાય અને પીરસતા જાય. એવી રીતે જમાડીને પછી ભંડારીને લાડુ આપીને જળવડે હાથ ધોઇને ઉતારે પધાર્યા અને જળપાન કરીને ઢોલિયે બિરાજ્યા.

પછી મુકતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને તેડાવ્યા, તે આવીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે, મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી છે તેનો સામાન જોઇશે. માટે સર્વને કામમાં જોડો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, અમારા મંડળના જે સાધુઓ અને પાળા છે તે એક પણ નવરા નથી. અમે તમને રસોઇ કરીને જમાડશું, ત્યારે મહારાજ કહે અમારા ભેળા સાધુ પાળા છે. તે તમો જે કહેશો તેમ કરશે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, મંદિર સન્મુખ પગથીયાં કરવાં પડશે. ત્યારે મહારાજે કહ્યું જે અમે સભા ત્યાં જ કરીશું.

પછી નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ગામમાંથી ભણેલા બ્રાહ્મણો બોલાવવા જોઇએ. ત્યારે મહારાજે કહ્યું, મયારામ ભટ્ટને કહેશું તે તેડી લાવશે. પછી સભાને રજા આપીને મહારાજ પોઢ્યા અને વહેલા જાગીને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેર્યાં અને જ્યાં વેદિકા થવા માંડી ત્યાં આવ્યા. અને ચારે બાજુ વાંસડા બંધાવ્યા, અને નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું જે, મંદિર સન્મુખ પગથીઆં કરાવો. એમ કહીને ઢોલિયા પર બિરાજ્યા. અને ગામમાંથી જે વેદિયા બ્રાહ્મણો બોલાવ્યા હતા તે આવ્યા. અને તે સમયે ચાર વેદ બ્રાહ્મણનું રૂપ લઇને આવ્યા, અને મહારાજને પગે લાગીને ગોપાલાનંદ સ્વામીને પગે લાગ્યા. ત્યારે સ્વામીએ ઓળખ્યા અને બોલ્યા જે, આવ્યા તે બહુ ભણેલા છે હવે કોઇનું કામ નહીં પડે.

પછી બ્રાહ્મણો વેદનો ધ્વનિ કરવા લાગ્યા. અને મૂર્તિઓ મંડપમાં લઇને આવ્યા અને મૂર્તિઓ ઊભી કરી. તે વખતે કાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરીને કુંડમાં નાખ્યો. અને હોમ થવા લાગ્યો. મહારાજનો થાળ થયો તે જમવા પધાર્યા, અને વસ્ત્રો ઉતારીને જળપાન કરી મુખવાસ લઇને પછી સંતોની પંક્તિમાં પાંચ વાર ફર્યા. અને ભંડારીને લાડુ આપીને હાથ ધોઇને ઉતારે પધાર્યા. પછી જાગ્રત થઇ જળપાન કરીને મોજડી પહેરીને ચાલ્યા તે જ્યાં હોમ થતો હતો ત્યાં આવીને ઢોલિયે બિરાજ્યા. અને વાર્તા કરી જે મૂર્તિમાન અગ્નિ આહૂતિ લેતા હોય ને શું ? એમ જણાય છે.

પછી આરતી ધૂન્ય કરીને બેઠા ત્યારે સંતો, હરિભક્તો પગે લાગીને મહારાજ પાસે બેઠા પછી તેમને દર્શન આપીને ઉતારે પધાર્યા. ત્યાં બ્રહ્મચારી થાળ લાવ્યા, તે જમીને જળપાન કરીને મુખવાસ લીધો. પછી તે થાળ મંદિરમાં રહેતા સંતોને મોકલાવ્યો અને પોતે પોઢી ગયા. વહેલા જાગીને નિત્યવિધિ કરીને વસ્ત્ર પહેરીને ચાલ્યા તે મૂર્તિઓ પાસે આવીને ઊભા રહ્યા. પછી મહારાજ બોલ્યા જે, ધ્વજ અને કળશ કોણ ચડાવશે ? ત્યારે ભગોભાઇ બોલ્યા જે, હે મહારાજ ! હું એક હજાર આપીને ધ્વજ અને કળશ ચડાવીશ, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે મૂર્તિઓ મંદિરમાં લાવો.

પછી મૂર્તિઓ ઉપાડીને મંદિરમાં લાવ્યા અને સંવત્‌ ૧૮૮૪ના વૈશાખ વદ ૨ ને દિવસે મૂર્તિઓની સ્થાપના કરી. તેમાં વચલા મંદિરમાં રણછોડજી અને ત્રિકમજી અને ઉગમણા મંદિરમાં રાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં સિધ્ધેશ્વર મહાદેવ અને પાર્વતી અને ગણપતિ પધરાવ્યા. પછી વસ્ત્ર, ઘરેણાં, ફૂલોના હારા પહેરાવીને આરતી ઉતારી અને મહારાજ ઊભા રહ્યા. ત્યારે હરિભક્તો સર્વે એ ભેટ મેલવા માંડી. તે રૂપિયા, ઘરેણાં, પાઘડીઓ અને પૃથ્વીના લેખો તે સર્વે દેવોની આગળ મેલીને મહારાજને પગે લાગ્યા. પછી મહારાજને ભારે ભારે પોષાક પહેરાવ્યો. ત્યાર પછી શ્રીહરિએ જે બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા તેમને શેલાં, પાઘડીઓ અને રૂપિયા અપાવ્યા, ચાર વેદ જે બ્રાહ્મણનું રૂપ લઇને આવ્યા હતા તેમને મહારાજે છાતીમાં ચરણારવિન્દ આપ્યાં ત્યારે તે મહારાજની આજ્ઞા લઇને ચાલ્યા. બીજા બ્રાહ્મણોને રૂપિયો રૂપિયો દક્ષિણા અપાવી અને શિલ્પીને પહેરામણી કરાવી.

પછી મૂર્તિઓ આગળ બ્રહ્મચારી થાળ લાવ્યા. ત્યારે મહારાજ ઉતારે પધાર્યા. મુળજી બ્રહ્મચારી અને મયારામ ભટ્ટ એ બન્નેને કહ્યું જે, ગામ પરગામના સત્સંગીઓ કોઇ જમ્યા વિના રહે નહિ. બ્રાહ્મણો તથા અભ્યાગતો અને રાંક સર્વને જમાડજો; એમ આજ્ઞા કરીને ઉતારે પધાર્યા, ત્યાં વસ્ત્ર ઉતારીને કોગળા કર્યા, પછી થાળ જમવા બિરાજ્યા.

પછી જળપાન કરી મુખવાસ લઇને સંતોની પંક્તિમાં લાડુ પીરસવા પધાર્યા. તે પીરસતા જાય અને તાણ કરતા જાય. ને પાછળ હાથમાં રૂમાલ લઇને બ્રહ્માનંદ સ્વામી હવા નાખતા જાય. એવી રીતે પાંચવાર પંક્તિમાં ફરીને ભંડારીને લાડુ આપીને હાથ ધોવરાવ્યા. પછી ઉતારે પધાર્યા. ત્યાં જળપાન કરીને પોઢ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજે ધોળકા ધોલેરા અને જુનાગઢમાં મૂર્તિઓ પધરાવી ને પ્રતિષ્ઠા કરી એ નામે ત્ર્યાસીમો અધ્યાય. ૮૩.