૯૫ ધોળકાના બ્રહ્મરાક્ષસની વાત.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:27pm

અધ્યાય ૯૫

કોઇ વખત ભુજમાં સર્વે સંતો તથા હરિજનોની સભા ભરાઇને બેઠી હતી તે સમયે તે સભામાં બેઠેલા બ્રહ્માનંદ સ્વામીને આનંદ સ્વામીએ પૂછ્યું જે, હે સ્વામી ! ધોળકાનો કાશીનાથ પંડિત બ્રહ્મરાક્ષસ ગતિને કેમ પામ્યો હતો ? ફરીવાર ગોપાળાનંદ સ્વામીએ તેને સદ્‌ગતિને પમાડ્યો. આ ઐશ્વર્યકથા મને વિસ્તારથી કહી સંભળાવો. પછી બ્રહ્માનંદ સ્વામી તે કથા વિસ્તારથી કહેવા લાગ્યા જે, હે મુને ! કોઇ વખત કાશીનાથ પંડિત પાસે અધ્યયન કરવાની ઇચ્છાથી કોઇ બ્રહ્મકુમાર માણસોને ગામ ધોળકાની પૂછા કરતો કરતો ગામ ધોળકાની સમીપે આવ્યો, મનમાં વિચાર કર્યો જે, ‘હાશ વિશ્વંભર’ !માંડ પહોંચ્યા ! અરે હવે તો આ સામુંદેખાય છે તે ધોળકા જણાય છે અને આ સામે મીનળ દેવીનો બાંધેલો તળાવનો આરો દેખાય છે. માટે લાવ જરા સ્નાન સંધ્યા કરી લઉં. સૂર્યોદય પણ થઇ ચૂક્યો છે અને બીડેલાં કમળો પણ ઊઘડવા માંડ્યા છે. એમ વિચારી બ્રહ્મકુમારે પોતાના ખભેથી ખડીયો ઉતારીને નીચે તળાવના આરાની એક બાજુ મૂક્યો. માંહીથી દોરી લોટો કાઢ્યો. ત્યાર પછી શૌચાદિ ક્રિયા કરી કેડ સુધી પાણીમાં જઇને સ્નાન કર્યું.

પછી પૂર્વમુખે ઊભા રહીને પાસે ઊભેલાં કમળો તોડીને સૂર્યદેવને અર્ઘ્યદાન આપ્યું. કાનમાં રૂદ્રાક્ષની કંઠી ધારી હતી અને હાથમાં રૂદ્રાક્ષનાં કંકણ ધારણ કરેલ હતાં તથા કંઠમાં રૂદ્રાક્ષની મોટી માળા ધારી હતી અને કપાળમાં તાજી ભસ્મનું ત્રિપુંડ્ર કર્યું હતું. કેડમાં મુંજની મેખલા ધારી હતી, મુખમાં એકધારો અષ્ટાધ્યાયી રુદ્રીનો પાઠ કરતો હતો. આ બધું જોતાં જણાયું જે, આ જરૂર કોઇ શ્રોત્રિય બ્રાહ્મણનો પુત્ર હશે એમ જોનારને લાગતું. સ્નાન સંધ્યા કરીને તેણે વસ્ત્રો બદલ્યાં. પછી એક પહેર્યું. અને બીજાની ગાતડી ભીડી અને અંચળા જેવું આછું વસ્ત્ર માથે વીંટ્યું. પછી તે કુમાર બે ઘડી મટકું માર્યા વગર ધોળકા તરફ જોઇ રહ્યો પછી મનમાં બોલ્યો જે ‘શું આ જ વૈરાટનગરી છે ? અહીંયાં જ પાંડવોનો ગુપ્ત નિવાસ થયો હતો ? શું આ સ્થળે જ પાંડવોએ શસ્ત્રો સંતાડેલાં હશે ? એવો વિચાર કરતો હતો તે વખતે કોઇ અજાણ્યા મનુષ્યે તે કુમારના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું જે ‘હા ભાઇ, આ જ એ ધોળકા નગરી છે. એજ આ ભૂમિ અને આજ એ સ્થળ. અને કુમાર ! તું સામે દ્રષ્ટિ કર. આ જે મસ્જિદનો મિનારો દેખાય છે ત્યાં પૂર્વે ઉત્તરાનું વિદ્યામંદિર હતું. ત્યાં અર્જુને બ્રુહન્નલાના વેષમાં ઉત્તરાકુમારીને નૃત્યકળા શીખવી હતી. બીજાં સ્થળો તો હવે નામમાત્ર રહ્યાં છે.

ત્યારે તે કુમારે કહ્યું, હા ભાઇ સાચું કહો છો. કારણ કે કાળ કાળનું કામ કરે જાય છે. પણ હાલમાં અહીં રાજ્ય હિન્દુનું છે કે ? ત્યારે તે મનુષ્યે કહ્યું જે, નારે ના, હિન્દુ રાજ્યનાં તો સ્વપ્નાં વહી ગયાં અને અત્યારે તો રાજ્યમાં લાલ નેજાને બદલે લીલા નેજા ફરકી રહ્યાં છે. વેદની ઘોષણાને ઠેકાણે કુરાનના કલમા પઢાય છે છતાં આ અમારી ધવલપુરીમાં વેદવિદ્યા નાશ નથી પામી. ભાઇ ! એટલું હજુ સારું છે, ભાંગ્યું તોય ભરૂચ છે, બૃહસ્પતિ તો નહીં પણ બૃહસ્પતિ સમાન કૈક ‘વાચસ્પતિ’ પદવીધરો આ ભૂમિમાં પડ્યા છે.

અને તેઓ આ વૈરાટ નગરીની વિશાળ કીર્તિમાં વૃધ્ધિ કરી રહ્યા છે. પણ અહોહો.....આપણે તો ભાઇ આડે માર્ગે બહુ ઉતરી પડ્યા છીએ, તેમાં તમારું કુશળ અંતર પૂછવાનું પણ ભૂલી ગયો. મને તમે કોઇ પરદેશી જણાતા લાગો છો. અને શું નિમિત્તે આપનું આંહી સુધી આવવાનું થયું છે ? તે જો તમને કહેવામાં હરકત ન હોય તો જણાવો. ત્યારે કુમારે કહ્યું જે હે મહાભાગ ! અમારા ચારૂતર પ્રદેશમાં ઘણા વેદવેત્તા પુરુષો વસે છે તો પણ આ તમારા કંઠાલ પ્રદેશમાં એથી પણ ચડે એવા નિગમાગમના પાર પામેલા પંડિતો આ ધોળકામાં વસે છે એવું સાંભળીને હું અધ્યયનની તિવ્ર ઇચ્છાથી આ તમારા શહેરમાં આવ્યો છું. સંભળાય છે કે કોઇ કાશીમાં ભણેલ પંડિતનો અહીં નિવાસ છે. અને તેઓ સરસ્વતીનું કંઠાભરણ ગણાય છે. ત્યારે તેણે કહ્યું જે, હા, કાશીનાથ પંડિત સાચા. સાચા પણ હતા ! પણ ભાઇ, હું આ ગામનો બરાબર ભોમિયો નથી કે જેથી તમને પાકો નિર્ણય કહી શકું. છતાં તમે આ સામેના દરવાજેથી પેસીને સામા બ્રહ્મપોળમાં જજો. અને ત્યાં જઇને કોઇને વાચસ્પતિ મિશ્રનો વાડો પૂછજો. એટલે તમને બધી ખબર પડી જશે. અને ઠીક લ્યો, અમારે ગામ જવાનો રસ્તો આ છે. એમ કહીને બેઉ જણ જુદા પડ્યા. પછી કુમારે હાથમાં દંડ લીધો. અને રૂદ્રાક્ષના કંકણને ખખડાવતો ખખડાવતો ધવલપુરીના દરવાજા સામો ચાલ્યો. અને તે કાશીનાથ પંડિતનું ઘર આખા ગુજરાતમાં પંકાતું હતું. વિદ્વતા અને વિજ્યતા, શ્રી અને સરસ્વતી આ બ્રાહ્મણને જ વર્યાં હતાં અને ઠેઠ દક્ષિણમાંથી વિદ્યાર્થીઓ કાશીનાથના સરસ્વતી મંદિરમાં આવીને રહેતા અને ધોળકા નગરીના પંડિતજી સાક્ષાત્‌ મંડનમિશ્ર ગણાતા અને તેમનાં ગૃહિણી સ્ત્રીસમાજમાં સરસ્વતીની પેઠે પૂજાતાં અને તે બ્રાહ્મણની રાજમાં પણ સારી અવર જવર હતી અને સારા પ્રશંસાપાત્ર હતા અને આંટીઘુંટીવાળા અટપટા રાજ્યતંત્રના કૂટ પ્રશ્નોના ઉત્તર કરી ઘડીભર ભગવાન કૌટિલ્યને પણ ભુલાવતા અને વિદ્યાના નિધિ હોવાથી પંડિતો પ્રસન્ન મુખે સભામાં વાચસ્પતિ કહીને બોલાવતા.

તે બહુ ઓછા બોલા હતા. બહુ સારા હતા. સાદાઇ તથા નમ્રતા ગંગાયમુનાના સંગમની માફક એમની મુખમુદ્રા ઉપર દેખાતાં અને કાવ્યશાસ્ત્રમાં તથા રસશાસ્ત્રમાં તથા અલંકારશાસ્ત્રમાં પણ તે મુખ્ય ગણાતા. શબ્દશાસ્ત્રમાં અને ન્યાયશાસ્ત્રમાં પણ એમની વાગ્ધારા મંદાકિનીના પ્રવાહનું કામ કરતી, ધર્મશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાં અને વેદવેદાંગમાં ઉપનિષદ્‌માં, અદ્વિતીય પ્રતિભાની પૂર્ણ છાપ પાડતા. ટૂંકમાં પંડિતજીની મહા ગુજરાતમાં સારી પ્રસિધ્ધિ હતી.

તે પંડિતજીને એક પુંડરિક સમાન પનોતો પુત્ર હતો અને તે પુત્રનું મુખડું દેખીને ભવભૂતિનો એક સુંદર શ્લોક વારંવાર બોલતા. એવો એ વહાલસોયો પુત્ર હતો અને તેથી તે વારંવાર આનંદ પામતા. અને તે પંડિતજીને રહેવાનું ઘર પણ સુંદર હતું અને એક ઓસરીયે ચાર ચુનાબંધ આભલાં જેવા ઓરડા મોટા રહેવાના હતા અને ફળિયામાં ઉતરેલું એક રસોડું અને નાનોશો ચોક, અને ચોકની એક બાજુ આવેલો કૂવો અને આસપાસ બીલીનું ઝાડ, તુલસીના છોડ અને ફૂલના છોડથી શોભતો નાનો બગીચો અને સામે બાજુ આવેલી ગંજાવર ગૌશાળા વિગેરે જોતાં જોનારને કોઇક ઋષિના આશ્રમ જેવું શાંતિનું સ્થાન લાગતું. અને તે પંડિતજીનો ગૃહસંસાર પણ સર્વે વાતે સુખે ચાલ્યો જતો હતો. તેવા સમયમાં એક દિવસની અભાગણી ક્ષણે તે પંડિતજીનો નાનો બાળક તેલની ભરેલી લોઢાની કોઠીમાં બાલભાવથી ડોકવા જતાં જોતજોતામાં અંદર પડી ગયો. અને થોડી વારમાં મૃત્યુ પામ્યો.

અને ગૃહપત્ની ઘર કામમાં તત્પર થયાં હતાં. પછી તે કામથી પરવારીને પુત્રની સંભાળ લેતાં તે પુત્રને તેલની કોઠીમાં બૂડેલો જોઇને માતા વિવશ બની અને હાય પુત્ર ! હાય પુત્ર ! કરતી કોઠીમાં તેણીએ પણ પડતું મેલ્યું અને પુત્રપ્રેમથી માતા પણ પ્રભુના દરબારમાં પહોંચી. પંડિતજીને પણ તે પુત્ર અને પત્ની પરલોકમાં સિધાવતાં સર્વ જગત્‌ શૂન્ય ભાસવા લાગ્યું. પછી બાલાસાદ વિનાનું સ્ત્રી વિનાનું ઘર ગોઝારા કૂવા જેવું જણાયું, અંતે તે પંડિતજીનું પંડિતપણું પણ એક બાજુ મૂકાણું અને પોતે પણ મોહવશ થઇને, તેલની કોઠીમાં પડતું મેલ્યું. આ પ્રમાણે આત્મહત્યા કરીને ત્રણે જણાં મરણ પામ્યાં. ગૃહવાસના રહી જવાથી મરનાર તે પંડિત બ્રહ્મરાક્ષસની ગતિને પામ્યો અને પોતાના મકાનમાં વિકરાળ બ્રહ્મરાક્ષસ થઇને રહ્યો. આથી પોતાના મકાનમાં કોઇને પણ રહેવા દે નહીં અને કોઇ રડ્યું ખડ્યું ભોગ જોગે ઉતરવા આવે તો સવારમાં તે જીવતો જવા પામે જ નહીં. આવી સ્થિતિ થતાં તે મકાનનું નામ ગામના લોકોએ ભૂતિયું મકાન પાડ્યું.

એ મકાનનું નામ પણ ભોગજોગે લેવામાં આવતું તો તે, સાંભળનારાનું કાળજું ફફડતું તેથી આસપાસનો ભાગ સર્વ ઉજ્જડ વેરાન થઇ ગયો હતો. અને આસપાના ભૂંડોનાં ટોળાંથી ભરેલા તે ખંડેરો વચ્ચે આ ભૂતિયું મકાન અણિશુધ્ધ ઊભું હતું. તેમાં રહેલાં ઉપર કહેલા બ્રહ્મરાક્ષસે વિચાર કર્યો કે ગામના અટકચાળા લોકોએ આ બ્રહ્મકુમારને મારી પાસે મૂક્યો છે, અને તે આ સામેથી ચાલ્યો આવે છે. અને તે જો મારું વિકરાળ રૂપ જોશે તો બિચારો ફાટી પડશે અને મને પણ પાપ લાગશે અને તે મારું નામ સાંભળીને ભણવા આવ્યો છે. માટે એને ભણાવું અને વિદ્યાર્થી બનાવું. સુપાત્ર સમજીને વિદ્યાનો ભંડાર આપું, એમ મનમાં નક્કી કરીને પોતાની પાસે ભૂતો હતાં તેઓને કહ્યું જે હે ભૂતો ! સૌ તમે સાંભળો. આ જુઓ સામેથી ચાલ્યો આવતો કુમાર મારી પાસે ભણવા આવે છે. માટે તમે સહુ વિદ્યાર્થી બની જાઓ. અને હું તમારો સર્વનો વિદ્યાગુરુ બનું. એટલી વાત કરી કે તરત જ સર્વ ભૂતો નાના વિદ્યાર્થી બની ગયાં. અને પોતે પણ માથે લાલ દક્ષિણીપાઘડી બાંધી અને અંગે અંગરખું અને ગળામાં સુંદર શાલ, અને પાની સુધી ઢળકતું ચાર આંગળ પાટલી પાડેલું ધોતિયું પહેરીને ગાદી તકીયા ઉપર બેસી ગયો. અને પંડિતે સૂચના કીધી જે જો કોઇ પણ ભૂત તમે આ બ્રહ્મકુમારને બીવડાવશો કે તમે પોતાનું મૂળ સ્વરૂપ બતાવશો અગર કોઇ તેને દુઃખ આપશો તો તેનો હું જાન લઇશ. આવી કઠણ આજ્ઞા બ્રહ્મરાક્ષસે તે ભૂતોને આપી દીધી. પછી તે મકાન ઘડીભરમાં નાનું સરખું શારદા મંદિર બની ગયું અને વેદની ઘોષણાઓ તે મકાનમાં થવા લાગી. તથા ઉપનિષદ્‌ તથા વેદની ઋચાઓ વિદ્યાર્થીઓના ગળામાં ગાજવા લાગી. અને પાણિની સૂત્રો અને પતંજલીના ભાષ્યની પ્રક્રિયાની રેલમછેલ થવા માંડી ને જાણે સરસ્વતી નદીનાં ઓસરતાં નીર પાછાં ઊભરાવા લાગ્યાં કે શું ? એમ સાક્ષાત્‌ જોનાર મનુષ્યને અનુભવ થાય.

તે સમયે તે કુમારે આવીને ડેલીની સાંકળ ખખડાવી. અને ઉઘાડજો બારણું એમ મોટેથી બૂમ પાડી. તેથી એક ભૂત વિદ્યાર્થી હસતો અને સૂત્રો ગોખતો કમાડ ઉઘાડવા આવ્યો અને કડક અવાજ કરતું કમાડ ઊઘડ્યું તે બ્રાહ્મણ કુમાર અંદર આવતાં જ પાછું તરત જ તે કમાડ દેવાણું. અને અંદર જોતાં જ કુમારને જણાણું જે આવી વિદ્યાપીઠ ગુજરાતભરમાં ક્યાંય પણ નથી અને હું અહીં આવીને કૃતાર્થ થયો અને આ વિદ્યાશીલ ગુરુદેવ મળ્યા તે મારાં મોટાં ભાગ્ય છે. એમ વિચાર કરતો કરતો સીધો ગુરુદેવ પાસે જઇને નમ્યો, આચાર્યના અંકમાં પડ્યો. ત્યારે પંડિતના વેષમાં બેઠેલા બ્રહ્મરાક્ષસે કુમારને ઉઠાડ્યો અને તેને કુશળતા પૂછી ને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે કુમારે વિનંતિપૂર્વક જવાબ દીધો અને કહ્યું જે, કર્ણ જેમ પરશુરામ ભગવાન પાસે ગયો હતો અને મિત્રાવરુણ પાસે યાજ્ઞવલ્ક્ય ગયા હતા અને વિશ્વામિત્ર મુનિ પાસે ગાલવ વિદ્યા ભણવા ગયો હતો, તેમ હું પણ આપની પાસે વિદ્યા ભણવા આવ્યો છું.

તો હે ગુરુદેવ ! તમે મને વિદ્યા દાન આપો. ત્યારે તેણે કહ્યું જે વિદ્યાદાન તમને દેવામાં અમારી ના નથી પણ કુમાર ! અમારા આ વિદ્યાપીઠના નિયમો પાળવા બહુજ કઠણ છે તે તારાથી પાલન થઇ શકશે ? તે સાંભળ. જો તારે ભણવું હશે તો આ મકાન બહાર તારાથી ક્યાંય જવાશે નહીં, અને અમારું નામ ઠામ, કે જાતિ, ગોત્ર તારાથી પૂછાશે નહીં, તું ક્યાં ભણ્યો ? એમ તે કોઇ પૂછે તો તારાથી અમારું સ્થળ બતાવાશે નહીં અને અમારી સાથે ભણવા સિવાય અન્ય વાતો પણ થશે નહીં અને પરથારનાં પગથીઆં નીચે તારાથી ઉતરાશે નહીં. અમારા સરસ્વતી મંદિરના સર્વ વિદ્યાર્થી વર્ગને તમામ ખાનપાન, આરામ, વસ્ત્રદાન, પુસ્તકદાન વિગેરે સર્વ અપાય છે. એટલે બહાર જવાની જરૂર પણ રહેતી નથી.

કુમાર ! આ અમારી વેદપુરી છે. એ વેદપુરી બહાર જે દિવસ તું પગ મૂકીશ તે દિવસથી અમે સર્વે તારા નથી, તું અમારો નથી, અહીં તો અસિધારા વ્રત છે અને ધોળકામાં આટલી મુંજની ધારાનગરી છે તે તું સમજ્યો ? અને બોલ, જો તારી ઇચ્છામાં આવે તો અમે આંહી રાખીએ. આ બધા વિદ્યાર્થીઓ આવાં કઠણ વ્રત લઇને અમારા વિદ્યાપીઠમાં દાખલ થયા છે. હવે તું કહે ભાઇ ! તારો શો વિચાર છે ? એવી રીતે હેતનાં વચન કહ્યાં. જેમ પિતા હેતનાં વચનો કહે તેમ વિદ્યાગુરુ બોલ્યા. તે સાંભળી તે કુમાર ફરીવાર ગુરુના ખોળામાં પડ્યો અને મૂદુલ વચને બોલ્યો જે, હે ગુરુદેવ ! હુ તમારો છું અને તમારે શરણે આવ્યો છું અને મને તમે વિદ્યાદાન આપો. હું તમારા વિદ્યાપીઠના સર્વે કઠણ નિયમોનું પાલન અવશ્ય કરીશ. એવી રીતે તરતજ હા કહેતાં તેને તમામ સગવડ કરી આપવામાં આવી અને સિધાં સમાનનો પણ તમામ બંદોબસ્ત વિદ્યાગુરુએ કરી આપ્યો.

પછી તે કુમાર ભણવા લાગ્યો. હૈયાના હેતે સુપાત્ર શિષ્ય મલતાં તે બ્રહ્મરાક્ષસે વિદ્યા ભણાવવા માંડી. ભણાવી ગણાવીને ટૂંક વખતમાં મહા નિષ્ણાત કર્યો. કુશાગ્ર બુધ્ધિશાળી તે કુમાર પણ પોતાની શક્તિ પ્રમાણે વિદ્યાનું પાન કરવા માંડ્યો. દિવસે દિવસે તે કુમારનું બ્રહ્મતેજ વૃધ્ધિ પામવા લાગ્યું. અને તે કુમાર લાગટ ત્રણ વર્ષ ભણ્યો. પછી એક દિવસ પ્રભાતમાં ભણી ગણી પંડિત બનેલો કુમાર ઘર તરફ જવા તૈયાર થયો. ત્યારે ગુરુદેવે તેને આશિષ આપી. ત્યારે તે આશિષ કુમારે માથે ચડાવી.

પછીથી તે કુમાર નીચે ઉતર્યા. ત્યારે ગુરુએ ફરી વાર પણ આશીર્વાદ આપ્યા જે ભાઇ ! તારી વિદ્યા ફળીભૂત થાઓ. દિગ્મંડળમાં તારી પ્રસિધ્ધિ ખૂબ વધજો. અને જા ભાઇ, તું સુખી થા હવે આ ભુવનમાં ફરીવાર તું આવીશ નહીં. કોઇ દિવસ આ સ્થળ સામું પણ ફરીવાર જોઇશ નહીં. તું ક્યાં ભણ્યો એમ તને પૂછે તો પણ અમારું નામ તથા આ ગુપ્ત વિદ્યાપીઠનું નામ તેને બતાવીશ નહીં. અમે કીર્તિના ભૂખ્યા નથી પણ કર્તવ્યભોગી છીએ, એવો અમારો પાકો મુદ્રાલેખ છે. હું વિશેષ તને શું કહું ? જાઓ બેટા, સુખેથી રહેજો. ભણેલી વિદ્યાનો વિસ્તાર કરો. એમ કહ્યું ત્યારે કુમાર ગુરુને વંદન કરીને ચાલ્યો. ત્યારે એક હેતાળ વિદ્યાર્થી તેને ડેલી સુધી વળાવવા આવ્યો. જેવો કુમાર બહાર નીકળ્યો તેવું જ પાછું દ્વાર બંધ થયું અને કુમાર ચાલી નીસર્યો.

ત્યારે તેને જોઇને ચોરામાં બેઠેલા મનુષ્યો પૈકી એક જણ બોલ્યો જે અલ્યા, આ તો પેલો બ્રાહ્મણનો કુમાર આપણે ભૂતિયા મકાનમાં મૂક્યો હતો તે. પણ અલ્યા, ભૂતખાનામાં જીવતો કેમ રહ્યો હશે ? ચાલો જરા આડું અવળું પૂછી જોઇએ અને મગનું નામ નહીં પાડીએ. અને આડું અવળું પૂછીને મૂળ મુદ્દો પકડી લેશું. ચાલો ત્યારે. એમ કહીને સહુ ઉતાવળા સામા ચાલ્યા. અને ભૂદેવને જોઇને રામ રામ કહીને ઊભા રહ્યા. અને પૂછ્યું જે ભાઇ ! ક્યાંથી આવો છો ? ત્યારે તેણે કહ્યું જે ક્યાંથી શું ? આ તમારા ગામની ગુપ્ત વિદ્યાપીઠમાંથી, અને તમે મને ચીંધી દીધી હતી ત્યાંથી, ભાઇ ! હું તમારો ઉપકાર માનું છું કારણકે મને વિદ્યા પ્રાપ્ત કરવામાં તમે સહકારી થયા. આ સાંભળીને પૂછનારાઓ એક બીજાની સામે જોવા લાગ્યા. અને હોઠમાં હસવા લાગ્યા. અને બોલ્યા જે, મહારાજની ડગળી તો ખસી ગઇ નથી ને ? ત્યારે તે સાંભળીને બીજો હળવે રહીને બોલ્યો જે ના ના, ડગળી વળી શું ખસે ? મરનારો બ્રાહ્મણ મહાન વિદ્વાન હતો માટે આને જરૂર એણે વિદ્યા ભણાવી હશે. એમાં શંકાનું સ્થાન નથી. એમ કહીને પૂછવા લાગ્યો જે ભાઇ ! તમે ભણ્યા તો ખરા પણ તમારા ગુરુદેવ કોણ ? અને કોની પાસેથી આવું અમૂલ્ય વિદ્યારત્ન મેળવ્યું ? એમ જ્યારે તમને કોઇ પૂછશે ત્યારે તમે તેને શું ઉત્તર દેશો ? ત્યારે તે સાંભળીને બ્રહ્મકુમાર બોલ્યો જે, મને એ બાબત પૂછવાની તેઓએ ના પાડી છે.

ત્યારે તેણે કહ્યું જે એનું નામ જ મોટાઓની મોટાઇ જે પોતાનું નામ બહાર પ્રસિધ્ધ ન કરે. પણ આપણે તો જાણ ખાતર જાણવું જોઇએ ને ? ત્યારે તે બ્રહ્મકુમારે કહ્યું જે તમો કહો તો હું પાછો વળીને પૂછી આવું. ત્યારે તેમણે કહ્યું જે ભલે પૂછી આવો અને ભેગામાં ભેગું તેનું ગોત્ર, શાળા, અને પ્રવરની ખબર લેતા આવજો, એટલે પાછલે દિવસે મનમાં ઇચ્છા રહી જાય નહીં. ત્યારે ભલે, કહીને કુમાર પાછો વળ્યો. આમ બ્રહ્મકુમારને અવળું સવળું સમજાવીને આડા અવળા થઇ ગયા. ત્યારે આ તરફ બ્રહ્મરાક્ષસે વિચાર્યું જે આ સર્વ ભૂંડુ કામ થયું. કાચી વયનો ભોળો કુરંગ સરખો કુમાર તે લુચ્ચાઓની મૃગજાળમાં બંધાયો. મેં તેને ના પાડી છતાં તે પાછો આવ્યો. મારાં નામ, જાતિ અને ગોત્ર સાંભળશે તો તે કેળના ગર્ભ જેવો કુમાર ઝડપાઇ જશે અને તેનું વૃથા પાતક લાગશે. આમ વિચારી વિચારી તે બ્રહ્મરાક્ષસે વાતવાતમાં પાછું વિદ્યાપીઠ શરું કર્યું અને ભૂતાવળ હતાં તેને પાછાં વિદ્યાર્થી બનાવી દીધાં અને પોતે આચાર્ય બની બેઠા. ત્યાં તો કુમારે આવીને કમાડ ખખડાવ્યું અને તે કમાડ ઉઘાડ્યું અને કુમાર ગુરુ પાસે ગયો અને ગુરુને ક્રોધ ચડ્યો અને હાક મારી અને કહ્યું જે કુમાર, કેમ આવ્યો ? ત્યારે તેણે કહ્યું જે ગુરુદેવ ! આપનું નામ, ઠામ, અને જાતિ પૂછવા આવ્યો છું. ત્યારે ગુરુએ કહ્યું જે તારે તારી વિદ્યા સાથે કામ. પણ તારે જાતિ ગોત્રનું શું કામ ? માટે હજુ તું મારું માન અને તું પાછો આવ્યો તેમ ચાલ્યો જા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્યઅચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષાત્તમલીલામૃતસુખસાગર મધ્યે બહ્મ્રકુમાર બહ્મ્રરાક્ષસને તેનું ગોત્ર  શાખા પ્રવર પૂછ્યાં એ નામે પંચાણુમો અધ્યાય. ૯૫.