અધ્યાય - ૬૧ - બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પણ પુરુષના પ્રસંગથી દેવયાની નારીનું થયેલું પતન.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:17pm

અધ્યાય - ૬૧ - બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પણ પુરુષના પ્રસંગથી દેવયાની નારીનું થયેલું પતન.

શ્રી નારાયણ ભગવાન કહે છે, હે ભક્તજનો ! બ્રહ્મનિષ્ઠ નારીઓને પણ પુરુષનું દર્શન ધર્મભ્રષ્ટનું કારણ બને છે, એ ચોક્કસ છે. તેથી મારે આશ્રિત સ્ત્રીઓએ પુરુષનાં દર્શન આદિકનો પ્રસંગ દૂરથી જ તજી દેવો.૧

હે ભક્તજનો ! આ બાબતમાં પુરાણોક્ત એક પુરાતની કથા છે તે તમને કહું છું. જે કથા પૂર્વે જીવન પર્યંતનું નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતધારી દેવયાની, કચના પ્રસંગથી પોતાના બ્રહ્મચર્યવ્રતમાંથી ભ્રષ્ટ થઇ હતી.૨

હે ભક્તજનો ! પૂર્વે શુક્રાચાર્યની શુભલક્ષણે સંપન્ન દેવયાની નામે એક કન્યા હતી, પિતા શુક્રાચાર્યના અનુગ્રહથી બાલ્યાવસ્થામાં જ આત્મનિષ્ઠતાને પામી હતી.૩

અષ્ટાંગયોગની કળામાં તે ખૂબજ નિપુણ હતી. ધર્મશાસ્ત્રના અર્થને પણ સારી રીતે જાણતી હતી. પોતે નૂતન કાવ્યની રચના કરવામાં સમર્થ હતી. અતિશય મહાબુદ્ધિવાળી હતી અને પોતાની શિષ્યાઓ થઇને રહેલી બીજી હજારો અસુર કન્યાઓને બહુ પ્રકારની યુક્તિઓ પૂર્વક બોધ આપવામાં પિતાની સમાન હતી.૫

શુક્રાચાર્ય પોતાના પ્રાણ કરતાં પણ અધિક વહાલી અને અનેક સદ્ગુણોથી સંપન્ન એવી પોતાની કન્યા દેવયાનીનું પ્રેમથી લાલન પાલન કરતા હતા.૬

એક વખત શુક્રાચાર્યે પોતાની દિકરીને દશ વર્ષ પૂર્ણ થયાં છે. એમ જાણી કોઇ યોગ્ય વરને વિધિ પ્રમાણે તેનું દાન કરવાની ઇચ્છા કરી.૭

પછી ભૃગુપુત્ર શુક્રાચાર્ય અતિશય સ્નેહથી પોતાની પુત્રી ને કહેવા લાગ્યા કે, હે બુદ્ધિમતિ પુત્રી ! મારૂં શ્રેષ્ઠ વચન સાંભળ.૮

તને દશ વર્ષ પ્રાપ્ત થયાં છે. તેથી તારો યોગ્ય જગ્યાએ દાન કરવાનો સમય આવ્યો છે, માટે તારા મનને ઇચ્છિત કોઇ યોગ્ય વર નક્કી કર્યો હોય તો મને કહે.૯

હે દિકરી ! હું તને કોઇ બ્રહ્મનિષ્ઠ મહર્ષિને અથવા દેવતાને અથવા મનુષ્યોને મધ્યે કોઇ બ્રાહ્મણને અર્પણ કરું. તારા મનમાં જે કોઇ ધારી રાખ્યો હોય તો મને સત્ય કહે.૧૦

હે દિકરી ! તું એમ કહીશ કે, પિતાજી, તમે મારી ચિંતા શા માટે કરો છો ? તો હું કહું છું કે, જે બ્રાહ્મણ પોતાની કન્યાનો ઋતુકાલ પ્રાપ્ત થયો હોય છતાં યોગ્ય વરને દાન કરતો નથી તે બ્રાહ્મણને બ્રહ્મહત્યાની સમાન દોષ પ્રાપ્ત થાય છે.૧૧

તેથી તારા મનમાં જે વર ગમતો હોય તે મને જણાવ, અથવા હું મારી ઇચ્છા પ્રમાણે કોઇ મહર્ષિને તારું દાન કરૂં.૧૨

હે ભક્તજનો ! આ પ્રમાણે પોતાના પિતા શુક્રાચાર્યે જ્યારે કહ્યું, ત્યારે દેવયાની મંદમંદ હસવા લાગી ને પિતા પ્રત્યે કહેવા લાગી કે, હે પિતાજી ! મને કોઇ પણ પુરુષમાં પ્રીતિ નથી. અને આ વાત સૌ કોઇ જાણે છે.૧૩

વારંવારના સંસૃતિના પ્રવાહમાંથી નિવૃત્તિ આપનારૂં તપ જ મને અતિશય પ્રિય છે. તેથી મેં દેહાવસાન પર્યંત તપ કરવાનો નિશ્ચય કર્યો છે.૧૪

હે મહાપ્રાજ્ઞા પિતાજી ! તેથી મારૂં દાન કરવાનો સંકલ્પ તમે મનમાંથી કાઢી નાખો. સ્વસ્થ થાઓ અને વ્યર્થ મારી ચિંતા ન કરો.૧૫

જે કન્યાને મનમાં વરવાની ઇચ્છા હોય ને તેનું યોગ્ય સમયે દાન કરવામાં ન આવે તો જ મહર્ષિઓએ શાસ્ત્રમાં પિતાને માટે બ્રહ્મહત્યા પ્રાપ્તિનો દોષ કહેલો છે. પરંતુ વિરક્ત કન્યાના અદાનમાં શાસ્ત્રમાં કોઇ દોષ કહ્યો નથી.૧૬

આ પ્રમાણે પોતાની પુત્રીનું વચન સાંભળી મહાબુદ્ધિશાળી શુક્રાચાર્ય બ્રહ્મચર્ય વ્રતનો મહિમા સમજતા હોવાથી કાંઇ પણ બોલ્યા નહીં.૧૭

બાલ્યાવસ્થામાં જ દેવયાનીનો વૈરાગ્ય તથા અષ્ટાંગ યોગમાં દૃઢ સ્થિતિ જોઇ પિતા શુક્રાચાર્ય બહુજ પ્રસન્ન રહેતા અને દિકરીને જે જે પ્રિય હોય તે પ્રમાણે સર્વે કરી આપતા.૧૮

હે ભક્તજનો ! ત્યારપછી બહુ કાળ વ્યતીત થઇ ગયો. તેવામાં બૃહસ્પતિનો પુત્ર ''કચ'' સંજીવની વિદ્યાનો અભ્યાસ કરવા શુક્રાચાર્યને ઘેર આવ્યો.૧૯

શુક્રાચાર્યની આજ્ઞાથી તેમના ઘેર રહીને કચ પણ વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં દેવયાની કચનું રૂપ અને સૌંદર્ય જોઇ મોહ પામી.૨૦

તેથી દિવસે દિવસે ધીરે ધીરે પોતાની ધર્મસાધનાનો, યોગાભ્યાસનો, અને આત્મચિંતનનો ત્યાગ કરી કચની સેવામાં સર્વકાલ વીતાવવા લાગી.૨૧

પછી કામથી અત્યંત પીડા પામેલી દેવયાની પોતાના અંગપ્રદર્શન વિગેરેના હાવભાવથી કચના મનને પોતાનામાં લોભાવવાનો પ્રયત્ન કરવા લાગી.૨૨

તેમજ નિર્લ્લજ થઇ એકાંતમાં કચને વિનંતી કરવા લાગી કે હે વીર ! તમે મારા પતિ થાઓ, હું તમને સર્વ પ્રકારે યોગ્ય છું. મારૂં ચિત્ત તમારામાં રમે છે. તમે મારો ત્યાગ ન કરો.૨૩

આ પ્રમાણે કામવિહ્વળ ગુરુપુત્રીની યાચના સાંભળી, ધર્મને જાણતા મહાગુણવાન ધીરજશાળી કચ અવિવેકી એવી દેવયાની પ્રત્યે કહેવા લાગ્યો કે, હે કલ્યાણી ! તમે ગુરૂપુત્રી કહેવાઓ, તેથી મારી બહેન છો. માટે લોક અને શાસ્ત્ર નિંદિત આવું નહિ બોલવા યોગ્ય વચન મને કેમ કહો છો ?૨૪-૨૫

આ પ્રમાણે કચે તેમને સમજાવી. છતાં કામથી મોહાંધ દેવયાની કુબુદ્ધિવાળી થઇ એકાંતમાં વારંવાર કચ પ્રત્યે, બસ એકજ પ્રકારની યાચના કરવા લાગી.૨૬

શ્રીનારાયણ ભગવાન કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે વારંવાર તેમની યાચનાને ઠુકરાવતા કચ પ્રત્યે કામમોહિત અને અતિશય મૂઢ થયેલી દેવયાની ક્રોધ કરી શાપ આપતી કહેવા લાગી કે, તારી વિદ્યા નિષ્ફળ થાઓ.૨૭

ત્યારે કચ પણ દેવયાની પ્રત્યે સામો શાપ આપતાં કહેવા લાગ્યો કે, તું બ્રાહ્મણી હોવા છતાં તને કોઇ બ્રાહ્મણ જાતિનો પતિ નહિ મળે. ત્યારપછી કચ મનમાં બહુ ઉદ્વેગ પામ્યો ને સંજીવની વિદ્યાના અભ્યાસનો પરિશ્રમ નિષ્ફળ ગયો જાણી પાછો સ્વર્ગ પ્રત્યે ચાલ્યો ગયો.૨૮

એકહજાર અને સાઠ વર્ષની થયેલી દેવયાની સ્વૈરિણી સ્ત્રીની માફક ક્ષત્રિય જાતિના યયાતિ રાજાને પરણી.૨૯

આ પ્રમાણે આત્મનિષ્ઠ હોવા છતાં પણ દેવયાની પુરુષના દર્શનાદિકથી પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતમાંથી ભ્રષ્ટ થઇ, કુલટા નારીની જેમ નિર્લજ્જ વર્તન કર્યું.૩૦

પિતાના શિષ્ય અને ભાઇ સમાન કચને મૈથુન માટે વારંવાર વિનંતી કરી, તેમજ ધર્મજ્ઞા, ધીર અને બ્રાહ્મણ એવા કચને અધર્મથી શાપ આપ્યો.૩૧

અને પોતાનાથી નીચ જાતિમાં જન્મેલા ક્ષત્રિય યયાતિરાજાને પોતાનો પતિ કર્યો. દુર્લભ બ્રાહ્મણત્વ છોડી ક્ષત્રિયપણાને પામી.૩૨

આ પ્રમાણે અબળા દેવયાનીએ સર્વોત્કૃષ્ટ ભૃગુકુળને લાંછન લગાડયું. અને તેના કૃચ્છ્ર, ચાંદ્રાયણાદિવ્રત અને તપ, તેમજ અષ્ટાંગયોગની સાધના સર્વે વ્યર્થ ગઇ. તેથી પરિશ્રમ માત્ર ફળ મળ્યું.૩૩

હે ભક્તજનો ! તેવી જ રીતે જમદગ્નિ મહર્ષિનાં પતિવ્રતા પત્ની રેણુંકાદેવી પણ જળ ભરવા ગંગા નદીએ ગયાં અને ત્યાં ગંધર્વરાજ ચિત્રરથને જોવા માત્રથી રેણુંકાદેવીના અંતરમાં તેના ઉપભોગની સ્પૃહા જાગી, એ જાણી ગયેલા જમદગ્નિ ઋષિના ક્રોધથી રેણુંકાદેવી પરશુના પ્રહારથી અપમૃત્યુની પીડાને પામ્યાં.૩૪-૩૫

એ કારણથી બ્રહ્મનિષ્ઠપણાને પામેલી સ્ત્રીઓએ પણ પોતાનો વિનાશ કરનાર અને ભગવાનના માર્ગથી પતન કરનાર, તેમજ વારંવાર જન્મ-મરણરૂપ સંસૃતિ પમાડનાર પુરુષના દર્શનાદિકનો પ્રસંગ ક્યારેય પણ થવા દેવો નહિ.૩૬

હે ભક્તજનો ! જે મુમુક્ષુ નારી હોય તેમણે તો સંતોનો સમાગમ કરી ઘરે આવેલા પોતાના સત્સંગીભાઇ, પતિ કે પિતાના મુખથકી ભગવાનની કથાનું શ્રવણ કરવું.૩૭

અથવા સંતોના મુખથી સાંભળી આવેલા નાનાબાપા, મામા, કે મામાના પુત્રો, કે દાદાબાપા આદિકના મુખથકી ભગવાનની કથાવાર્તાનું પ્રેમથી શ્રવણ કરવું.૩૮

અને તે કથા પરસ્પર સ્ત્રીઓને કહેવી. તેમાં જો કોઇ સંશય થાય તો પોતાના સંબંધી પુરુષો દ્વારા સંતોને પૂછાવવું.૩૯

તેવી જ રીતે વિધવા સ્ત્રીઓ હોય તેમણે પણ પોતાના સંબંધી પુરુષોની આગળ સત્સંગી બ્રાહ્મણો વાંચવા માંડેલી ભગવાનની પૌરાણિક કથાઓનું શ્રવણ દૂર પ્રદેશમાં બેસીને કરવું.૪૦

તથા શ્રીકૃષ્ણ ભગવાનના ગુણ સંબંધી ગ્રંથોનું, કીર્તનોનું, પદ્યનું, અધ્યયન કરવું, તે પણ સ્ત્રીઓએ પોતાના સમીપ સંબંધવાળા પિતા આદિક પુરુષોની પાસેથી જ કરવું.૪૧

પોતાના ગામમાં કે પરગામમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિવાળી અને વંદન કરવા યોગ્ય જે નારીઓ હોય તેને રાધા, લક્ષ્મીની જેમ માનવી.૪૨

આ રીતે આ લોકમાં મુમુક્ષુ નારીઓએ પોતાના કલ્યાણને માટે વંદન કરવા યોગ્ય ભગવદ્ ભક્ત નારીઓનો બહુધા સમાગમ કરવો. તેમજ તેમણે બતાવેલા ધર્મમાર્ગમાં જ ચાલવું.૪૩

હે ભક્તજનો ! શ્રીહરિના જન્માષ્ટમી આદિક ઉત્સવોમાં સંતોનું મંડળ પધારે ત્યારે સ્ત્રીઓએ સંતોનો સમાગમ કેમ કરવો, તે રીત તમને કહું છું, તે તમે સાંભળો.૪૪

સ્વધર્મનિષ્ઠ સંતો જે નિવાસસ્થાનમાં બેસી કથા વાર્તા કરતા હોય તે નિવાસ સ્થાન ખુલ્લું હોય, વાડ વંડી આદિકના આવરણથી રહિત હોય તો ત્યાં ભગવાનની કથા સાંભળવા પિતા, પુત્ર કે ભાઇ આદિ સંબંધીજનોની સાથે જવું.૪૫

અને ત્યાં પણ અનેક જનોના સમુદાયમાં સ્ત્રીઓએ સ્ત્રીઓની સભામાં બેસવું અને પુરુષોએ પુરુષની સભામાં બેસવું. પરંતુ મન ફાવે ત્યાં ભેળાં થઇને બેસવું નહિ.૪૬

તે સભામાં પુરુષોને ઉદ્દેશીને ભગવાનની કથા કરતા સંતોના મુખ થકી તે કથા દૂર બેઠેલી સ્ત્રીઓએ પણ અતિ આદરથી સાંભળવી.૪૭

એજ રીતે ઉત્સવના પ્રસંગ વિના પણ પોતાના ગામમાં જ્યારે મહા ધર્મનિષ્ઠ તપસ્વી સંતો પધારે ત્યારે પણ પૂર્વની પેઠે પોતાના સંબંધી પુરુષોની સાથે સ્ત્રીઓએ કથા-વાર્તા સાંભળવા જવું ને પોતપોતાની મર્યાદામાં પ્રમાણે અલગ અલગ બેસીને કથા સાંભળવી.૪૮-૪૯

પરંતુ વાડ અથવા વંડીથી બાંધેલી સંતોની જગ્યામાં સ્ત્રીઓએ ક્યારેય પણ પ્રવેશ કરવો નહિ. આ પ્રમાણે મારે આશ્રિત સધવા-વિધવા સર્વે નારીઓને મારી આજ્ઞા છે.૫૦

હે ભક્તજનો ! જે સ્ત્રી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને નિર્ભય થઇ સંતોના નિવાસ સ્થાનમાં પ્રવેશ કરશે તે નારીને પાપરૂપા કૃત્યા જેવી જાણવી.૫૧

તેમજ પોતાના ઇષ્ટદેવનાં દર્શન માટે પણ બે ઉત્સવ સિવાય રાત્રીમાં ક્યારેય પણ બહાર જવું નહિ.૫૨

શ્રીકૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમીનો ઉત્સવ હોય તથા મારો જન્મોત્સવ હોય ત્યારે સ્ત્રીઓએ પોતાના ઇષ્ટદેવનાં દર્શન કરવા રાત્રે પિતા, ભાઇ આદિકની સાથે જવું.૫૩

સ્ત્રીઓને ધર્મમાંથી ભ્રષ્ટ કરનારા અને ઇચ્છા પ્રમાણે રૂપધારીને ફરનારા રાક્ષસ જેવા પુરુષો રાત્રીમાં જ ફરે છે. તેથી સ્ત્રીઓએ અતિશય સાવધાનીપૂર્વક રાત્રીએ ભગવાનનાં દર્શન કરવા જવું.૫૪

હે ભક્તજનો ! આ પ્રમાણે સ્ત્રીઓએ પોતાના કલ્યાણને માટે સંતોનો સમાગમ, સંબંધી પુરુષો દ્વારા પરંપરાથી મર્યાદાપૂર્વક પોતાના સમુદાયમાં રહીને કરવો. પરંતુ સાક્ષાત્ સામે બેસીને ન કરવો.૫૫

હે ભક્તજનો ! આ પ્રમાણે જે સ્ત્રીઓ આચરણ કરશે તેઓને ભગવાન શ્રીહરિને વિષે અતિશયે પ્રેમ વૃદ્ધિ પામશે, અને પોતાના ધર્મમાં દૃઢ સ્થિતિ થશે. આ પ્રમાણે મેં તમને સમસ્ત સ્ત્રીભક્તોના પ્રશ્નોનો ઉત્તર કહ્યો છે, તે તમે તેઓને યથાર્થ કહી સંભળાવો.૫૬

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે ભક્તજનોને શિક્ષા આપવાના સંબંધમાં પુરુષના પ્રસંગથી દેવયાનીની થયેલી દુર્દશાનું વર્ણન કર્યું, એ નામે એકસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૧--