અધ્યાય - ૨૧ - ભગવાન શ્રીહરિએ કહેલું કળિયુગમાં નિષેધ ધર્મનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:28pm

અધ્યાય - ૨૧ - ભગવાન શ્રીહરિએ કહેલું કળિયુગમાં નિષેધ ધર્મનું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ કહેલું કળિયુગમાં નિષેધ ધર્મનું નિરૃપણ. ગૃહસ્થોની મધ્યે આચાર્યોના વિશેષ નિયમો.

ભગવાન નારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! વર્ણાશ્રમ ધર્મવાળાં સ્ત્રી પુરુષોના ઘણા ધર્મો ધર્મશાસ્ત્રોને વિષે વિસ્તારથી અલગ અલગ રીતે વર્ણન કરેલા છે.૧

તે ધર્મોમાંથી યુગને અનુસારે જ ધર્મો ગ્રહણ કરવા, પરંતુ બીજા ગ્રહણ કરવા નહિ. આ બાબતમાં મહાભારતને વિષે ભીષ્મપિતાએ યુધિષ્ઠિર રાજાને આ પ્રમાણેનાં વચનો કહેતાં કહ્યું છે કે, સત્યુગના, ત્રેતાયુગના, દ્વાપરયુગના અને કળિયુગના ધર્મો સર્વે અલગ અલગ પ્રકારના છે. કારણ કે તે ધર્મો તે તે યુગના જનોની શક્તિને ધ્યાનમાં રાખીને સ્મૃતિ આદિક ગ્રંથોમાં કહેલા છે.૨-૩

હે શિવરામવિપ્ર ! કલિયુગમાં તજી દેવા યોગ્ય કેટલાક ધર્મો હું તમને જણાવું છું. જે ધર્મો પુરાણોમાં અને સ્મૃતિઓમાં પણ કળિયુગમાં છોડી દેવાના કહ્યા છે.૪

જેવા કે, ગોમેધયજ્ઞા, નરમેધયજ્ઞા, અશ્વમેધયજ્ઞા, કેફ કરનારાં અગિયાર પ્રકારનાં મદ્યો અને ત્રણ પ્રકારનું સુરાપાન, આ સર્વે કળિયુગને વિષે તજી દેવાનાં કહ્યાં છે.૫

સૂત્રામણિ નામના યજ્ઞામાં પણ નાકથી સૂરાને સુંધવાનો પણ નિષેધ કરેલો છે. કળિયુગમાં કોઇ દેવને માટે કે અતિથિ તથા વિવાહમાં વરરાજાને માટે પણ પશુનો વધ કરવાનો નિષેધ કરેલો છે.૬

હે વિપ્ર !
કલિયુગને વિષે શ્રાદ્ધમાં પિતૃઓને માંસનું દાન તો ક્યારેય પણ ન કરવું, તથા અગ્નિહોત્રનું અનુષ્ઠાન ન કરવું, તેમજ સંન્યાસ ન સ્વીકારવો. વળી કલિયુગને વિષે વિવાહિત તથા રજસ્વલા નહિ થયેલી દ્વિજ કન્યાનો પતિ મૃત્યુ પામે તો ફરી વિવાહ કર્મ ન કરવું.૮

સ્નાતકાદિકોએ જળ પીવા માટે માટીનું કમંડલું ધારવું. પુત્રની પ્રાપ્તિ માટે દિયરને મોટા ભાઇની પત્નીની સાથે નિયોગકર્મ ન કરાવવું.૯

જે નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતને યથાશાસ્ત્ર પાલન કરવા સમર્થ ન હોય તેમણે જીવન પર્યંતનું બ્રહ્મચર્યવ્રત ક્યારેય પણ ન ધારવું.૧૦

કલિયુગમાં જે પ્રાયશ્ચિત કરવાથી શરીર પડી જાય તેવું પ્રાયશ્ચિત પણ ન કરવું. વાનપ્રસ્થાશ્રમ પણ કળિયુગમાં ન સ્વીકારવો.૧૧

ધર્મયુદ્ધમાં પણ આતતાયી દ્વિજનો વધ ન કરવો. તથા જે યજ્ઞામાં પશુની હિંસા થાય તેવા પ્રકારનો યજ્ઞા ન કરવો.૧૨

સ્વર્ગની પ્રાપ્તિને માટે પણ વૃદ્ધાવસ્થા હોય છતાં પણ પુરુષે કે સ્ત્રીએ અગ્નિ પ્રવેશ ન કરવો. તેમજ પર્વતના શિખર ઉપરથી પડીને આત્મહત્યા ન કરવી.૧૩

ભૈરવજપ ક્યારેય પણ ન કરવો. હિમાલય તરફ મહાપ્રસ્થાન ન કરવું. ગંગા આદિકના પ્રવાહમાં પોતાના શરીરને ક્યારેય છોડી ન દેવું.૧૪

ક્યારેક પોતાવડે કોઇ મહાપાપ થઇ ગયું હોય તો જપ આદિકથી પાપનું પ્રાયશ્ચિત કરવું, પરંતુ ક્યારેય પણ શાસ્ત્રોક્ત મૃત્યુના ઉપાયભૂત પ્રાયશ્ચિતો ન કરવાં.૧૫

લોકમાં પ્રસિદ્ધ પુરુષથી પણ ક્યારેક સહન ન થાય તેવો અપવાદ આવી પડે ત્યારે ગુપ્તવાસ કરીને જીવવું, પરંતુ પોતાનું શરીર ક્યારેય પણ ન છોડવું.૧૬

ઝેરનું પાન કરવા આદિકથી આત્મહત્યા ક્યારેય ન કરવી. જો ગુપ્તપણે રહેવા સમર્થ ન હોય તેવા પુરુષે કે સ્ત્રીએ દેશાંતરમાં ચાલ્યા જવું. અર્થાત્ કોઇ પણ ઉપાયે કરીને જીવન તો પૂર્ણ જ જીવવું, પણ કોઇ પ્રકાના દુઃખે કરીને આત્મહત્યા તો ન જ કરવી આટલું નક્કી રાખવું.૧૭

કલિયુગમાં ધાન્યાદિકની પ્રાપ્તિ વિના કે ફળફૂલાદિકની પ્રાપ્તિ વિના ત્રણ દિવસ વ્યતીત થઇ જાય છતાં મનુષ્યે ચોરીનું કર્મ તો ન જ કરવું, પરંતુ બીજા ઉપાયો કરવા.૧૮

પિતાના બહેનની પુત્રી સાથે તેમજ મામાની પુત્રી સાથે તેમજ અસવર્ણમાં કળિયુગમાં ક્યારેય લગ્ન ન કરવાં.૧૯

શૂદ્ર ગમે તેવો સદાચાર યુક્ત હોય છતાં પણ તેમની પાસેથી ઘીમાં, દૂધમાં,તાવડી પર કે કડાયામાં પકાવેલું અન્ન બ્રાહ્મણે સ્વીકારવું નહિ.૨૦

શિષ્યે ગુરૃની જેમ જ ગુરૃ પત્ની સાથે વર્તન કરવું સંન્યાસીઓએ ચારે વર્ણમાં ભિક્ષા ગ્રહણ ન કરવી.૨૧

ગુરૃની ઇરછા પ્રમાણે શિષ્યે દક્ષિણા આપવાની છે તે કળિયુગમાં નિષેધ કહેલ છે.તેથી પોતાની શક્તિ પ્રમાણે ગુરૃને દક્ષિણા આપવી.ગાયના પીતાં બચેલા જળ વડે પવિત્ર જાણી આચમન ન કરવું.૨૨

વેદાગ્નિના ગુણસંબંધથી મરણના સૂતકમાં સંકોચ ન કરવો. અસ્થિ સંચય કર્યા પછી વિધાન કરેલો અંગસ્પર્શ કળિયુગમાં નિષેધ છે.૨૩

હે વિપ્ર !
આ પ્રમાણેના સર્વે ધર્મો કલિયુગને વિષે ત્યાગ કરવા યોગ્ય કહેલા છે. આ ઉપરાંત ધર્મોનું પાલન કરવાની જે આજ્ઞા આપવામાં આવી છે. તે કલિયુગ સિવાયના ત્રણ યુગ માટેની છે. પરંતુ કલિયુગમાં તેમના પાલનનો નિષેધ છે.૨૪

હે ઉત્તમ વિપ્ર !
આ નિષેધ ધર્મોમાં અગ્નિહોત્રની અને સંન્યાસ-ગ્રહણ કરવાની જે ના કહી છે. તે વારંવારના સ્નાનાદિક ક્રિયાને સહી શકે એવું જેનું શક્તિમાન શરીર હોય, ધાર્મિક જીવન અને વૈરાગી વર્તન હોય તેવા દ્વિજાતિ જનોને માટે સ્વીકારવાનું પણ કહેલું છે. તેથી કર્મકાંડમાં દૃઢ નિષ્ઠાવાળા. ધાર્મિક પુરુષોએ, અને આત્મા-પરમાત્માનું જેને યથાર્થ જ્ઞાન હોય, તેમજ સાંસારિક પદાર્થોમાંથી જેને વૈરાગ્ય હોય, તેને સંન્યાસ સ્વીકારવાની આજ્ઞા કહેલી છે.૨૫

હે વિપ્ર !
ઉપરોક્ત બન્ને ધર્મોની આજ્ઞા ત્યાં સુધી જ સમજવી કે જ્યાં સુધી પૃથ્વી પર વર્ણનો વિભાગ રહે ને વેદોક્ત કર્મની પ્રવૃત્તિ રહે. વર્ણ વ્યવસ્થા તૂટી જાય ને વેદોક્ત કર્મ લુપ્ત થઇ જાય પછી અગ્નિહોત્ર અને સન્યાસનો કળિયુગમાં નિષેધ જાણવો.૨૬

વળી જેનામાં ધર્મપાલનની શક્તિ અને ઉત્તમ વૈરાગ્ય ન હોય તેમના માટે તો આ બન્ને ધર્મો વેદોક્ત કર્મની પ્રવૃત્તિ હોય અને વર્ણ વ્યવસ્થાનું અસ્તિત્વ પણ હોય છતાં કલિયુગમાં નિષેધ છે.૨૭

હે ઉત્તમ વિપ્ર ! આ પ્રમાણે પ્રયત્ન પૂર્વક પાલન કરવા યોગ્ય ગૃહસ્થના સર્વે ધર્મો તમને મેં સંક્ષેપથી કહ્યા.૨૮

ગૃહસ્થોની મધ્યે આચાર્યોના વિશેષ નિયમો :-

હે વિપ્રવર્ય !
આ લોકમાં ગૃહસ્થોની મધ્યે રહેલા અને મેં જેમને મારા આશ્રિત ભક્તજનોના ગુરૃપદે આચાર્ય તરીકે સ્થાપન કરેલા છે એવા ધર્મવંશી બ્રાહ્મણોછે. તેમને માટે પણ આ પૂર્વોક્ત ગૃહસ્થધર્મો સામાન્યપણે પાળવાના જાણવા.૨૯

કારણ કે તેઓ ગૃહસ્થ છે. પરંતુ તે આચાર્યપદ પર રહેલા ધર્મવંશી બ્રાહ્મણોના જે વિશેષ ધર્મો છે, તે હું તમને કહું છું. તેઓએ જે પદાર્થ ભગવાનને અર્પણ કરેલું ન હોય તેનું ક્યારેય પણ ભક્ષણ ન કરવું.૩૦

તેમ જ પોતાના સમીપ સંબંધી વિનાની સધવા સ્ત્રી હોય છતાં આચાર્યોએ તેમનો સ્પર્શ ન કરવો ને તેઓની સાથે બોલવું પણ નહિ. અને જ્ઞાનોપદેશ પણ ન કરવો.૩૧

હે વિપ્રવર્ય !
આચાર્યોને માટે વિધવાસ્ત્રીઓના સંસર્ગનો ત્યાગ તો ગૃહસ્થધર્મ પ્રમાણે સામાન્યપણે કહેલો જ છે. આ પ્રમાણે આચાર્યોના જે વિશેષ ધર્મ હતા તે તમને કહ્યા.૩૨

હવે ગૃહસ્થાશ્રમી રાજાઓના સર્વે ધર્મો વિશેષપણે તમને કહીએ છીએ. જે ધર્મોનો આશ્રય કરી રાજાઓ આલોકમાં યશ પ્રાપ્ત કરે અને પરલોકમાં મહાસુખને પ્રાપ્ત કરે છે.૩૩

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિ કલિયુગને વિષે ત્યાગ કરવા યોગ્ય ધર્મોનું નિરૃપણ કર્યું, એ નામે એકવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૧--