તરંગ - ૪૧ - આઠ સત્શાસ્ત્રનો સાર કાઢયો ને તરગામમાં ઉપવીત પેરાવ્યું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:08am

 

પૂર્વછાયો- બાળલીલા છે સુધાસિંધુ, પાવન પુન્ય પવિત્ર । ભવજળ તરવાતણું છે, નૌકારૂપ ચરિત્ર ।।૧।।

જીવકોટી ઇશ્વરકોટી, કોટી મળે મુક્ત સાર । શ્રીહરિ સહજાનંદનો, પામે નહિ કોઇ પાર ।।૨।।

એકસમે શ્રીપ્રભુજીયે, કર્યો છે મન વિચાર । શાસ્ત્રપુરાણવેદમાંથી, શોધીને કાઢયો સાર ।।૩।।

શ્રીમદ્બાગવત વિષેથી, દશમ પંચમ સાર । યાજ્ઞાવલ્કય ઋષિની સ્મૃતિ, ધર્મશાસ્ત્ર અનુસાર ।।૪।।

સ્કંદપુરાણે વિષ્ણુખંડે, જે વાસુદેવમાહાત્મ્ય । શોધીને તેનો સાર કાઢયો, જક્તપતિ જગદાત્મ ।।૫।।

વિષ્ણુસહસ્ર ભગવગ્દીતા, વિદુરનીતિ જેહ । ભારતમાંથી શોધી લીધા, એ ત્રૈણ ગ્રંથ તેહ ।।૬।।

એ રીત્યે સહુ સાર કાઢયા, લખ્યા પોતાને હાથ । પિતાજીને બતાવી દીધા, વિવેકથી વિશ્વનાથ ।।૭।।

ચોપાઇ- પિતાજી જોઇ થયા પ્રસન્ન, કરે વિચાર પોતાને મન । નોયે મનુષ્યની આવી મતિ, છે આ સચ્ચિદાનંદની ગતિ ।।૮।।

ઇચ્છારામ ને રામપ્રતાપ, બોલાવ્યા પોતાને પાસ આપ । ધર્મદેવ કહે સુણો તન, મારું વચન માનીલ્યો મન ।।૯।।

તમારા ભાઇ જે ઘનશ્યામ, તે પરબ્રહ્મ પૂરણકામ । પૂર્ણ પુરૂષોત્તમ સાક્ષાત્, વિશ્વ સર્વમાં છે એ વિખ્યાત ।।૧૦।।

કાંઇ માંગશે નહિ તમ પાસ, ઘરમાં રેશે નૈ છે ઉદાસ । કામકાજ કરો તમે ભિન્ન, એમને કેશો માં કોઇ દિન ।।૧૧।।

સુણી પ્રસન્ન થયા કુમાર, આજ્ઞા માગી ગયા નિરધાર । પૂર્ણ વિદ્યા ભણ્યા ઘનશ્યામ, જાણ્યું અયોધ્યામાં ઠામોઠામ ।।૧૨।।

વિદ્યાકુંડશાળા આદિ જેહ, તેમાં રહે છે વિદ્યાર્થી તેહ । નિત્ય આવે છે પ્રભુની પાસ, તે વિદ્યાનો કરવા અભ્યાસ ।।૧૩।।

તેને ભણાવે પૂરણબ્રહ્મ, શાસ્ત્રવેદના કહેછે મર્મ । પિતાથી પામ્યા છે ઉપદેશ, રામાનંદ સ્વામીનો હમેશ ।।૧૪।।

અષ્ટાક્ષરમંત્ર કરે જાપ, આપે આશ્રિત જનને આપ । કંઠી તુલસીની રુડી આપે, કષ્ટ સેવકજનનાં કાપે ।।૧૫।।

ઉર્ધ્વપુંડ્ર તિલક કરાવે, કંકુ ચાંદલો ભાલ ધરાવે । એવું તિલક કરે છે પોતે, છાત્રમંડલ સહિત જોતે ।।૧૬।।

એવી લીલા કરે વાસુદેવ, આવ્યા તરગામથી બલદેવ । મોટાભાઇના શ્વસુર જેહ, આવ્યા ધર્મદેવ પાસે એહ ।।૧૭।।

પોતાના પુત્ર જનકરામ, ઘેલા ત્રવાડી આદિક નામ । વળી સુબોધ ત્રવાડી કૈયે, બેઉ ભક્તિના બંધવ લૈયે ।।૧૮।।

વસંતા આદિક ઘણા જન, આવ્યા અવધપુરી પાવન । રામનવમી નામે વિખ્યાત, વળી ધર્મને કેવી છે વાત ।।૧૯।।

બોલ્યા છે બલદેવજી મુખે, સુણો ધર્મદેવ તમે સુખે । હવે તરગામે રેવા આવો, સાથે સર્વકુટુંબને લાવો ।।૨૦।।

ધર્મદેવ કે આવીશું અમે, થોડા દિવસમાં સુણો તમે । ત્યાર પછી વીસ દિન વીત્યે, ત્યાંથી જવા વિચાર્યું છે પ્રીતે ।।૨૧।।

ભક્તિધર્મ ને ત્રૈણે કુમાર, ચાલ્યાં તરગામ તેણીવાર । ગયાં નવાબગંજ વનમાં, ત્રશા લાગી માતાના મનમાં ।।૨૨।।

પાણી વિના શરીર સુકાય, ત્રશાનું દુઃખ નવ સેવાય । વડવૃક્ષ આવ્યોછે ત્યાં એક, તેના તળે બેઠા છે વિશેક ।।૨૩।।

ધર્મદેવ કહે છે જોખન, જલ હોય તો લાવોને તન । ભાઇ ફર્યા તે વન મોઝાર, પાણી મળ્યું નહિ કોઇ ઠાર ।।૨૪।।

નથી કૂપ વાપી કે તડાગ, જળ ક્યાંથી લાવે મહાભાગ । જાણ્યું પ્રભુયે માતાનું દુઃખ, પાણી વિના સુકાયું છે મુખ ।।૨૫।।

મોટાભાઇયે જોયું છે વન, પાછા આવ્યા ઉદાશી છે મન । નાનાભાઇ માતાજી જરુર, બેઉ થયાં બહુ ત્રશાતુર ।।૨૬।।

શ્રીહરિયે ધારી લીધું ઉર, કુવો દેખાડયો થોડેક દૂર । તેમાંથી ભરી લાવ્યા છે વારી, માતાપિતાને પાયું તે ધારી ।।૨૭।।

મોટાભાઇ કે દાદા અનૂપ, આ વનમાં નોતો ક્યાંઇ કૂપ । કોણ જાણે થયું શું આ ઠામ, ત્યારે હસ્તા થકા બોલ્યા શ્યામ ।।૨૮।।

ભાઇ તમે શું કરો છો વેમ, કોઇક પ્રભુની ઇચ્છા એમ । એની મરજીયે થયો કુવો, વારે વારે વિચારી શું જુવો ।।૨૯।।

હરિપ્રસાદ રામપ્રતાપ, સુણી રાજી થયા ટળ્યા તાપ । ત્યાંથી ચાલ્યા સહુ કરી ભાવ, આવ્યા આંબલિયાના તળાવ ।।૩૦।।

થયો મધ્યાહ્ન કર્યો વિશ્રામ, પછે આવી પોક્યા તરગામ । સગાંસંબંધિ સઘળાં મળ્યાં, ભાગ્ય પૂરણ ઉત્તમ ભળ્યાં ।।૩૧।।

પ્રેમે પૂછયા સારા સમાચાર, હર્ષ પામ્યા પછે નરનાર્ય । વસંતાબાયે કરી રસોઇ, સૌને જમાડયા છે પ્રીત પ્રોઇ ।।૩૨।।

એમ સુખે રહ્યાં તરગામ, ધર્મભકિત ઠર્યાં છે તે ઠામ । બલદેવપ્રસાદનો તન, નામ લક્ષ્મીપ્રસાદ પાવન ।।૩૩।।

તેને દેછે ઉમંગે જનોઇ, ધર્મમૂર્તિને પુછે તે જોઇ । તવ મરજી હોય તો કૈયે, ઘનશ્યામને જનોઇ દૈયે ।।૩૪।।

કહે ભક્તિ સુણો મારા શ્યામ, હજુ તો નાના છે ઘનશ્યામ । પછે તમારી મરજી જેમ, કરીલ્યો કરવું હોય તેમ ।।૩૫।।

મારેતો અયોધ્યાપુરી જૈને, જનોઇ દેવી છે ધીરા રૈને । ધર્મ કે વિધિ કરીશું ત્યાંઇ, પણ જનોઇ તો દેશું આંઇ ।।૩૬।।

એમ કહી શુભ મુહૂર્ત લીધું, શ્રીહરિને ઉપવીત દીધું । બ્રહ્મચારીનો વેષ ધરાવ્યો, બેને સાથે બળવો દોડાવ્યો ।।૩૭।।

તેસમે આવ્યા આકાશે દેવ, જુવે ઉપવીતવિધિ ભેવ । કરે પુષ્પની વૃષ્ટિ અપાર, દુંદુભિ વાગે નાનાપ્રકાર ।।૩૮।।

થયો પૂરણવિધિ ત્યાં જ્યારે, બ્રહ્મભોજન કરાવ્યું ત્યારે । હજારો વિપ્રને આપ્યાં દાન, ઘણા મુનિને દિધાંછે માન ।।૩૯।।

જનોઇ દીધા આગે દી ચાર, કહું એક વાતનો વિસ્તાર । જનોઇ તણી સામગ્રી જેહ, લેવા ચાલ્યા સહુ મળી તેહ ।।૪૦।।

બલદેવ ને જનકરામ, ધર્મ જોખન શ્રીઘનશ્યામ । એ આદિ મળીને મતવાલા, સર્વે ગાડું જોડાવીને ચાલ્યા ।।૪૧।।

ગુંડાશેહેરવિષે સહુ ગયા, લીધી સામગ્રી તૈયાર થયા । પછેતો નિશા પડી છે ત્યાંય, આવ્યા કુંજગલિછે રે જ્યાંય ।।૪૨।।

રામદાસની જગ્યા મોઝાર, ઉતારો કર્યો છે તેહ વાર । સરોવર છે સુંદર ત્યાંય, સ્નાન કરવા ગયા તેહ માંય ।।૪૩।।

સ્નાન કરી રહ્યા સુખધામ, વસ્ત્ર પેરી ઉભા ઘનશ્યામ । સોટી નેત્રની પકડી હાથ, કીનારે ઉભા જુવે છે નાથ ।।૪૪।।

એક આંબો છે ત્યાં મજબુત, તેને પાડે છે રાજાના દૂત । પાડતાં આંબાની આવી આંચ, નીચે દબાયા છે દૂત પાંચ ।।૪૫।।

તેને દેખી દયા આવી મન, હાથ લાંબો કર્યો ભગવન । વૃક્ષ ઉંચો ઉપાડયો તે વાર, પાંચ દૂતને કાઢયા છે બાર્ય ।।૪૬।।

એમ ઉગારીયા પાંચ દૂત, તેણે દેખી લીલા અદ્બુત । આવી નમ્યા આનંદે સહિત, પ્રભુ જાણ્યા સંશયરહિત ।।૪૭।।

અનુચર આવ્યા રાયપાસ, બનેલી વાત કહી હુલ્લાસ । એ ચરિત્ર કર્યું સુખકારી, આવ્યા કુંજગલીમાં વિહારી ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય ભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિયે આઠ સત્શાસ્ત્રનો સાર કાઢયો ને તરગામમાં ઉપવીત પેરાવ્યું એ નામે એકતાલીશમો તરંગ ।।૪૧।।