સારંગપુર ૧૨ : આત્માના વિચારનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:58pm

સારંગપુર ૧૨ : આત્માના વિચારનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧ પડવાને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી.

પછી નિર્વિકારાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”સાધુને વિષે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો આત્‍મનિષ્‍ઠા અને બીજો સ્‍વધર્મ અને ત્રીજો ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને ૪પાછા જાય પણ ખરા, માટે બીજા ગુણ તો આવ્‍યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે.

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ”દેહની ને આત્‍માની નોખી વિકિત સમજાણી હોય તોય પણ તે વિકિતને ભુલીને પાછો દેહાભિમાની કેમ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, દેહ અને આત્‍માની વિકિત એકવાર ચોખી સમજાણી હોય તો પછી પાછી ભુલાય નહિ અને એમ માને જે, ‘હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાયજ નહિ, અને ભગવાનનો નિશ્વય પણ જો એકવાર દૃઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહિ. અને એમ જણાય છે જે આત્‍મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એતો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતુંજ નથી અને એવો જે પરિપકવજ્ઞાની તેને તો આત્‍માનું જ અભિમાન દૃઢ રહે છે ને તે પોતાના આત્‍માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે પુરૂષોત્તમ ભગવાન તે અખંડ વિરાજ-માન  છે અને તે ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય પણ એને અખંડ રહે છે.

પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પુછયું જે, ”પોતાના આત્‍માનો વિચાર કેમ કરવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જ્યારે અંત:કરણ સામું દૃષ્ટા એવો જે જીવાત્‍મા તે જોઇ રહે ત્‍યારે બાહેર જે સ્‍થૂલ શરીર અને તે સંબંધી જે વિષયો તે સર્વે વિસરી જાય છે અને અંત:કરણને દૃષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વેના રૂપને જાણવાં. પછી વિચારની દ્રષ્ટિએ એ અંત:કરણના ઘાટ સામું જોતાં જોતાં જ્યારે ઘાટ બંધ થઇ જાય ત્‍યારે ભગવાનની મૂર્તિનું ઘ્‍યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્‍પનું બળ હોય ત્‍યાં સુધી તો સંકલ્‍પ સામું જોઇ રહેવું, પણ ઘ્‍યાન ન કરવું. અને જે બાહેર સ્‍થૂલ દેહને વિષે પંચ જ્ઞાન ઇન્‍દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષય સામા જાય છે ત્‍યારે વિચારને બે પ્રકારે કરવો, એક તો જે વિષયને આકારે ઇન્‍દ્રિયો થયાં હોય તે ૫વિષયને આકારે વિચાર કરવો, અને બીજો તે ઇન્‍દ્રિયોના ગોલોકને વિષે જે જોનારો દૃષ્ટા છે તે દૃષ્ટાને આકારે ૬વિચાર કરવો, પછી વિષયને આકારે ને દૃષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઇ જાય છે, પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશે તુટી જાય છે. અને એમ વિચાર કર્યા વિના જો બળાત્‍કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષમાંથી પ્રીતિ મટે નહિ. અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્‍યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહિ.

માટે જ્યાં સુધી ઇન્‍દ્રિયોની વૃત્તિને વિષયસન્‍મુખ પ્રીતિ હોય ત્‍યાં સુધી ભગવાનનું ઘ્‍યાન કરવું નહિ ને જ્યારે ઇન્‍દ્રિયોની વૃત્તિ સ્‍થ્‍િાર થાય ત્‍યારે ભગવાનનું ઘ્‍યાન કરવું. અને જ્યારે બાહેર સ્‍થૂલ દેહમાં દૃષ્ટા વર્તતો હોય ત્‍યારે ચોખો વિભાગ કરી રાખવો જે, જ્યારે સ્‍થૂલ દેહમાં વર્તવું ત્‍યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવુંજ નહિ  અને જ્યારે અંત:કરણ સન્‍મુખ જોવું ત્‍યારે સ્‍થૂલ દેહને વિસારી દેવું અને દૃષ્ટાને ને દૃશ્યને મઘ્‍યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દૃષ્ટા ને દૃશ્ય તે અતિશે જુદાંજ છે’ એમ સમજીને દેહના ભાવ તે દેહને વિષે હોમવા  અને દૃષ્ટા જે ચૈતન્‍ય તેના ભાવ તે ચૈતન્‍યને વિષે હોમવા અને બાળ, યૌવન, વૃઘ્‍ધ, સ્‍થૂલ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્‍માને વિષે માનવાજ નહિ અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે આત્‍માના ભાવ છે તે કોઇ કાળે દેહને વિષે સમજવાજ નહિ એ ગુણ તો આત્‍માને વિષે સમજવા. એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ સંકલ્‍પનું બળ હોય ત્‍યાં સુધી મુકવો નહિ, જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્‍યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહિ અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઇ જાય ત્‍યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્‍દ્રિયોરૂપી શત્રુ પીડતા હોય ત્‍યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દૃઢપણે રાખવો અને જ્યારે મન ઇન્‍દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્‍યારે પરમેશ્વરના સ્‍વરૂપનું ઘ્‍યાન કરવું. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૨|| ||૯૦||